બાહુબલી અને રામા

ધીવરા પ્રસારા શૌર્યભારા
ઉત્સ્થરા સ્થિર ગંભીરા...

બાહુબલીનું આ પ્રભાવશાળી વર્ણન ખુબ જ સુંદર રીતે ગીતમાં વણી લેવાયું છે. જો આપ રહેમાનનું 'યે હસીં વાદીયાં' સાંભળશો તો જણાઈ આવશે કે દક્ષિણમાં આ કક્ષાનું સંગીત તો વીસ-બાવીસ વર્ષો પહેલા જ રચાઈ ચુક્યુ છે. રહેમાનના યે હસીં વાદીયા' અને બાહુબલીનું આ ગીત એક જ સુર અને તાલ પર સજજ છે. આ રહ્યું થોડું મિક્સીંગ...


જો આપ દુરદર્શન પર દક્ષિણની ફિલ્મ કે ફિલ્મો માણી હોય તો આપને ખબર જ હશે કે દક્ષિણની ફિલ્મો કરૂણતા અને રીતી-રિવાજોથી ભરપુર હતી. સંગીત હોય કે ફિલ્મ ડિરેક્શન... સાઉથના ઈલિયારાજા, રહેમાન, મણિ રત્નમ, રામ ગોપાલ વર્મા, સંતોષ સીવન, શંકર, કમલ હસન, જેવા કલાકારોએ હિન્દી ફિલ્મોમાં ઉલ્લેખનીય કામ કર્યું છે અને 'હિન્દી સિનેમા' નું લેવલ ઉંચુ કર્યુ છે. 

આમ તો 1919-1920થી દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી લગભગ સાથે જ શરુ થઈ હતી. અને આજે બાહુબલી ફિલ્મ હિન્દી ફિલ્મો અને પોતાની જ ઓવર એક્શન ફિલ્મોને ટક્કર આપીને ક્યાંય આગળ વધી ગઈ.  ખેર...આ ફિલ્મ પણ હવે થિયેટરથી માંડ માંડ ઉતરી ગઈ છે. 

બાહુબલીમાં જે કલાકારો સિવાય જે દેખાડાયું છે...વિશાળ જળધોધ જેને જોઈને દર્શકો આફરીન પોકારી ઉઠે છે, મારે એના વિશે પણ વાત કરવી છે. બે વિષય કે વસ્તુ વચ્ચેનો કોન્ટ્રાસ્ટ (વિષમતા) જ કોઈ પણ કળાના મુખ્ય તત્વોમાંનું એક છે. જે ફિલ્મ અથવા કોઈ પણ આર્ટને વધુ રસપ્રદ અને આકર્ષક બનાવે છે

1 સાઈઝ કોન્ટ્રાસ્ટ 
બે વસ્તુઓ વચ્ચે કદનો મોટો/અત્યંત મોટો તફાવત દેખાડાવો. એક લાઈન મોટી બતાવીએ એટલે બીજી આપોઆપ નાની દેખાય. અથવા એક વસ્તુ નાની બતાવવી જેથી બીજી આપોઆપ વિશાળ દેખાય. 2 એસ્થેટીક કોન્ટ્રાસ્ટ
ફિલ્મોંમાં આપણને જંગલ કે ધોધ જેવુ ગમે કેમકે આપણે રોજિંદી જીંદગીમાં આ જોઈ શકતા નથી. સાચેસાચ આપણે ત્યાં ફરવા ગયા હોઈએ ત્યારે પણ આપણે સુંદરતા ઘણી ઓછી વખત/ઓછી માત્રામાં માણી શકીએ છીએ. જ્યારે ફિલ્મોંમાં આપણને એ ડિજિટલી વધારે સુંદર અને પરફેક્ટ કરીને દેખાડાયું હોય છે. આ કોન્ટ્રાસ્ટ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો છે. 

આમ કોન્ટ્રાસ્ટ એટલે કે વિષમતા/વિભિન્નતાને કેટલીય રીતે વિચારી શકાય. ઉદાહરણ તરીકે...ગામનો નાયક શહેરમાં આવે કે શહેરનો નાયક ગામમાં આવે, (i.g. The Proposal, Ong-Bak,) બે જુડવા ભાઈ હોય અને બંન્ને વચ્ચે જબરજસ્ત અંતર હોય (ફિલ્મ દીવાર, જુનું ગોલમાલ વગેરે ), એક ગરીબ છોકરી સ્ટ્રગલ કરીને મશહુર અભિનેત્રી બની જાય, ભિખારીને અબજોની લોટરી લાગી જાય...આવા તો અનેક ઉદાહરણ મોજુદ છે.જેમકે બાહુબલીમાં નાયક ધોધ સામે કુદતા કે ચાલતા બતાવે ત્યારે એને બને એટલો નાનો દેખાડાવો જેથી ધોધ વિશાળ લાગે. હોલિવુડની લગભગ દરેક ફિલ્મોમાં આ કોન્ટ્રાસ્ટ હોય જ છે. સીટી બિલ્ડીંગ્સ, પહાડ, ખુલ્લું મેદાન એથી પણ વધીને...વિશાળ રોબોટ, મહેલ, ડ્રેગન્સ વગેરે!

આ તો હજી દ્રાશ્ય/વિઝ્યુઅલ એટલે જોઈ શકાય એ વિષમતાઓ છે. પણ આ સિવાય સાઉન્ડમાં પણ અસંખ્ય શકયતાઓ રહેલી છે. જેમકે અચાનક શાંત વાતાવરણમાં જોશ થી ધડાકો/ચીસ સંભળાય અથવા અચાનક તોફાન બાદની શાંતિ/સન્નાટો થઈ જવો. 

હજી મારા અમુક મિત્રો અને ખુદ હું પણ આ ફિલ્મની અસરથી બહાર આવી શક્યો નથી!  અમે વારંવાર પેલું ગીત સાંભળીએ છીએ, ફિલ્મ જોઈએ છે, ખુબીની સાથોસાથ ખામી પણ શોધ્યા કરીએ છીએ. બોલિવુડ અને હોલિવુડ ફિલ્મો સાથે એને સરખાવીને જોઈએ છીએ. આપણે ત્યાં કશું નવું બને કે નહી એ ચર્ચાઓ કરીએ છીએ. 

અહીં હાસ્ય રસ ઉમેરવા માટે  લેખનું નાટ્યાત્મક રૂપ...હું બાઈક પ્રતીકના ઘર પાસેના નાકે ઉભું રાખું છું. સુભાષ હજી આવ્યો નહોતો. હું અને પ્રતીક વાતે વળગ્યા. અનામત અને આંદોલન વિશે ગંભીર વિચાર-વિમક્ષ કર્યા બાદ પાછા અમારા મનપસંદ મુદ્દે એટલે કે ''તારા વાળી અને મારા વાળી'' પર આવી ગયા. એટલામાં જતિન ટપક્યો, "અલ્યા, તમે બંનેવ અહીં શું કરો છો?"
"અલ્યા જતિનીયા કાલે તને કેટલા કૉલ કર્યા? #લ્લી, વહેલી ઉંઘી ગઈ'તી કે શું? "
"ના લ્યા શ્રિયાને જોવા ગયો હતો.  "
"કોની શ્રિયા લ્યા? પેલી પિંકીને છોડી દીધી કે શું?"
"અબે....એટલે કે દ્રશ્યમ...તુ પણ શું!" 
અમે બધા હસવા લાગ્યા. 
"હજી કેટલી વાર જોવા જઈશ? 
"અલ્યા તું જો તો ખરો એ પિક્ચર...કેટલું સસ્પેન્સ અને જબરજસ્ત સ્ટોરી છે બાપ્પુ!" 
"તને એકવારમાં સ્ટોરી સમજ નથી પડતી?" પ્રતીક એની ટાંગ ખેંચી રહ્યો હતો. 
"બસ હોં કે...તેં જોયું નથી લાગતું દ્રશ્યમ. આ સાઉથની ફિલ્મો પણ સ્રરસ હોય છે."
"અબે જાને...અડધી તો નકરી ફેકું ફિલ્મ હોય છે. બાકીની પણ ઠીક જ હોય છે."
"કેમ બાહુબલી પોંચ વાર નહોતી જોઈ આવી?"
"એની વાત અલગ છે યાર.." પ્રતીક ખોવાઈ ગયો...."શું ફિલ્મ હતી યાર, હજી ચાલતી હોત તો જોવા જાત."

હવે મેં પણ મારો મલ્હાર છેડ્યો, "આપણી ગુજરાતી ફિલ્મો પણ આવી ક્યારે બનશે?"
"હજી વાર લાગશે બકા...વાર લાગશે" જતિન પુચકારતો બોલ્યો. 
"કેટલી વાર યાર..કેટલી વાર?"
"તો તું જાતે બનાવી દે!"
"હા યાર.." પ્રતીક બોલ્યો, "તુ કંઈ કર. તુ કંઈ કરી શકે છે."
"અબે જા" મેં એને ટોક્યો, "ક્યાં મને ચણાના ઝાડ ઉપર ચડાવે છે!"
"ખરેખર યાર..તું બધુ અવનવું કરતો રહે છે ફોટોગ્રાફી, વિડીયો એડિટીંગ વગેરે....તું ચોક્કસ ફિલ્મ બનાવી શકે છે!" પ્રતીક દયામણૂં મોઢું બનાવતો બનાવતો બોલી રહ્યો હતો. મનમાં ફુલાઈ પર રહ્યો હતો અને હસવું પણ આવી રહ્યું હતું! "તમે દોસ્તો પણ જબરા હોવ છો હોં...કોઈ દોસ્તને બાથરુમમાં નહાતો સાંભળો એટલે એને ઈન્ડીયન આઈડલ માં જવાની સલાહ આપી દો છો. જરા ગિટાર વગાડાતા જોઈ જાવ તો પ્રિતમ ચક્રવર્તી બની જવા કહો છો, કોઈ ગણપતિ વિસર્જનમાં જરાક સારું નાચે એટલે એને ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જવા માટૅ ઉકસાવો છો. કોઈક ગલીમાં શેરી નાટક કરતું હોય તમે એને....." 
"બસ બસ હવે." પ્રતીક મને અટકાવતા બોલ્યો, "અમારા જેવા દોસ્તોના કારણે જ તો તમારા જેવા લોકો આગળ આવે છે."
"હા દોસ્ત." હવે જતિન માથુ હલાવી રહ્યો હતો. પ્રતીક અને હું એને જોઈ રહ્યા હતા, અમને લાગ્યું કે એ કંઈ ઈન્ટ્રેસ્ટીગ બોલશે. કશું ના સુઝ્યું તો બે-ત્રણ જતિન માથું હલાવ્યા બાદ બોલ્યો, "તું કંઈ કર."
મારી અને પ્રતીકની હટી. 
અચાનક એને કંઈક યાદ આવ્યું હોય એમ એ ફિટ જિન્સના ખિસ્સામાંથી માંડમાંડ મોબાઈલ કાઢીને અમને બતાવવા લાગ્યો, "જો...જો...બાહુબલીનું મેકિગ."

"ઠીક છે. અડધી ફિલ્મ તો હવે કોમ્પ્યુટર પર જ બની જાય છે." પ્રતીક ઈર્ષાથી બબડ્યો.
"કશું જ નથી બોસ...સાવ ઈઝી છે. આ સોફ્ટવેર તો મારી પાસે ક્યારનુંયે ડાઉનલોડ કરી રાખ્યું છે." જતિનીયો પણ જબરો હોં! 
"અલ્યાઓ...સોફ્ટવેર કે કોમ્પ્યુટરની ક્યાં મા-બેન કરો છો?" હવે હું અકળાયો, "આ તો સાઉથમાં વર્ષોથી ચાલે છે. હોલીવુડની ફિલ્મો પણ ત્યાં રેન્ડર થાય છે, એડિટીંગ થાય છે!" 
"તો?"
"તો શું? સોફ્ટવેર કે કોમ્પ્યુટરથી કોઈ વધારે ફરક નથી પડતો બોસ! આ તો મોટું બજેટ હોય તો પોસાય. બાકી નાની ફિલ્મમાં પણ આવું ઓછા પૈસામાં બની શકે."
"ના હોય!"
"ના શું હોય....મેઈન તો ફિલ્મનો કોન્સેપ્ટ જ છે ને?"
"વાહ દોસ્ત, તો તું એક કામ કર...તારા બ્લૉગ પર અને ફેસબુક પર આ બધું લખ."
"ઓ ઓ ઓ ઓ ઓ ..." મેં કપિલની પેલી પલકની જેમ એને રોક્યો, "મને ફિલ્મના ક્રિટીક નથી બનવું ફિલ્મો વિશે વાતો જ નથી કર્યા કરવી....મારે ડિરેક્ટર બનવું છે, ફિલ્મો બનાવવી છે!"
"તો એક કામ કર ને યાર...." જતિને વણમાંગી સલાહ આપી, "ગુજરાતી ફિલ્મ બનાવ."
"ગુજરાતી?"
"હા ગુજરાતી. એ લોકો ને કહે કે બાહુબલી જેવી પ્રાદેશિક ફિલ્મ બોલિવુડને ટક્કર આપી શકતી હોય તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શું કંઈ ઉકાળી ન શકે?"
"અરે ના દોસ્ત!" મેં કહ્યું, "ગુજરાતીમાં ફિલ્મ બનાવું?"
"તો શું છે? એ આપણી માતૃભાષા નથી? પ્રાદેશિક ફિલ્મો સારું નથી કરતી?"

અમે ત્યાંથી છૂટા પડ્યા બાદ વિચારો મનમાં ફરતા રહ્યા. મૃત્યુદ્વંદ પછી બાહુબલી જેવી મારી પાસે તો એક જ વાર્તા હતી. રેવુ... કે જેનું નામ મેં બદલીને રામા કરવાનું વિચારેલું. આ વાર્તા તો બાહુબલી કરતા પહેલાજ તો બ્લૉગ પર પ્રદર્શિત થઈ જ ગઈ છે ને....તો એનું ફિલ્મ મેકિંગ કેમ નહી? 

આમ સપનાઓ પેલા બાહુબલીના જળધોધની જેમ વહેતા ગયા....
આ દરમિયાન એનું નાકકડું ટીઝર ટ્રેલર પણ બનાવ્યું...મારી પાસે આ બધી વસ્તુઓ શુટ થાય એવી નહોતી એટલે કોમ્પ્યુટર પર જ એનિમેશન બનાવ્યું છે. જે અસલી બની શકે છે. વિશ્વાસ કરજો અશક્ય કશું જ નથી!  નોકરીમાંથી સમય કાઢીને વધુ કામ કરી જોઈશ! ફિલ્મ મેકિંગના કોન્ટ્રાસ્ટ સિવાય બાકીના એલિમેન્ટ વિશે ફરી ક્યારેક...


(નોંધઃ રેવુ એટલે કે રામાની કહાણીમાં સમાજનો એક 'કાલ્પનિક વર્ગ' નીચો અને ઉપેક્ષિત બતાવાયો હતો. રેવુ/રામા એ ઉપેક્ષાઓને પાર પાડી આગળ વધે છે. આજકાલ અનામત વગેરેના ઉગ્ર આંદોલનો ચાલે છે માટે કોઈએ બંધ બેસતી પાઘડી ન પહેરવા નમ્ર વિનંતી છે! )

No comments:

Post a Comment