"ઉભો રે, બેટા." બબડતો એ માણસ આગળ વધ્યો. એનો એક હાથ પાછળની તરફ હતો અને એ ધીમે ડગલે કુતરા તરફ જઈ રહ્યો હતો. કુતરો પોતાની રાતપાળી પુરી કરીને થાક્યો પાક્યો સુઈ રહ્યો હતો. એની તદ્દન નજીક જઈને પેલા માણસે પીઠ પાછળ સંતાડેલો ડંડો કાઢ્યો. સહેજ અવાજ સાંભળીને કુતરો જાગી તો ગયો. પણ એ કંઈક સમજે તે પહેલા એને જોર થી "સટાક" કરતો ડંડો વાગ્યો.
વાઊં...વાઊં...વાઊં...કરીને રડતા રડતા કુતરા એ ભાગવાનો પ્રયત્ન તો કર્યો. પણ એ પહેલાં જ ફરી એક ડંડો એની પીઠ પર પડ્યો. જાણે પ્રાણ નિકળી ગયા હોય એમ એ કુતરો બરાડી ઉઠ્યો અને ગલીમાં આમ થી તેમ ભાગવા લાગ્યો.
"કોણ છે?"
"શું થયું"
કેટલાય અવાજો આવ્યા અને બપોરે આરામ કરતા લોકો ઉઠીને વરંડામાં આવી પહોંચ્યા. બારીઓ ખુલી ગઈ. એમણે બધાએ જોયું કે એક માણસ ડંડો લઈને કુતરાના જીવ પાછળ પડ્યો છે. રાડારાડ કરતો કુતરો અને એની પાછળ પેલો માણસ ગલીના નાકે સુધી દોડ્યા. ત્યાંથી કુતરો વળીને પાછો ગલીમાં જ આવ્યો.
"અરે ઓ ભાઈ...." એક લુંગીવાળો બરાડ્યો, "આ શું કરે છે?"
"અરે આ કુતરાને કેમ મારો છો?" એક બેન પણ બોલ્યા.
કુતરો જ્યારે પાળી કુદીને બીજી તરફ જવા ગયો એ પહેલા પેલા માણસે ડંડાનો છુટો ઘા કર્યો. કુતરો ફરી વાઊં...વાઊં..કરીને અકળાઈ ગયો. અને બીજી તરફ કુદી ને નાઠો.
"અલ્યા,ગાંડો થયો છે કે શું ?" પોતાની લુંગી ઉઠાવતા પટેલકાકા બોલ્યા.
"આ કુતરાએ મારી નાનકડી છોકરીને બચકું ભર્યું છે." પેલો માણસ ગુસ્સાથી થરથરી રહ્યો હતો.
"તો શું થયું? એ તો કુતરો છે!" પટેલકાકા લુંગી બાંધતા બોલ્યા.
"એનામાં એટલી બુદ્ધિ થોડી હોય?" કોક વચ્ચે બોલ્યું.
"બિચારા કુતરાને કેટલું માર્યું!" એક બેને શોક પ્રકટ કર્યો.
આવા પ્રતિભાવથી પેલા માણસનો ગુસ્સો બમણો થઈ ગયો.
"એ તમારો કુતરો છે?" એણે એ બેન તરફ આંગળી કરી ને પુછ્યું.
"ન...ના...મારો તો નથી...પણ..." એ બહેન મુંઝાયા.
"એનો નથી મારો છે બોલ." વચ્ચે એક જાડિયો બોલ્યો.
"તારો કુતરો છે?"
"હાં."
"તારો કુતરો છે?"
"હાં. બોલ મારો છે."
"તારો કુતરો છે તો એને બાંધીને કેમ નથી રાખ્યો?"
"તારે શું કરવું છે?"
"એણે મારી પાંચ વર્ષની છોકરીને બચકું ભર્યું છે. જો આ તારો કુતરો હોય તો લાવ પાંચ હજાર."
"શેના...પ..પાંચ હજાર?" હવે પેલો જાડિયો મુંઝાયો.
ધીમે ધીમે ભીડ જમા થવા લાગી.
"આ કુતરો તારો નથી. આ ગલીમાં રહેતો રખડેલ કુતરો છે. આવતા-જતા લોકો તરફ ભસે છે અને દોડે છે...અને તમે બધા મળીને એનો પક્ષ લો છો? ભગવાન ના કરે પણ જો એ તમારા કોઈ ફેમિલી મેમ્બર ને કરડે તો?"
"કુતરાને સારા-ખરાબની શું ખબર પડે? જવા દો, એ તો જાનવર છે."
"પણ આપણે તો માણસ છીએ ને?"
"કુતરો માણસથી પણ વધારે વફાદાર હોય છે." એક બહેનની ગાડી બીજા પાટે ચાલી.
"એ તમારી છોકરીને કરડ્યો, તમે એને ડંડો માર્યો....બસ? વાત બરાબર."
"શું હમણાં કહું...એ બરાબર?" એ માણસનો તાડૂક્યો, "એ ગાડીઓ પાછળ આખો દિવસ દોડ્યા કરે છે, ગયા અઠવાડિએ પેલા કાકાને નહોતા પાડ્યા? એમને માથે નહોતું વાગ્યું? જરા વિચારો માણસ મરી જાત તો? "
"મર્યા તો નહિં ને?" પટેલકાકાએ મમરો મુક્યો.
"અલ્યા ભગત...કોઈ મરશે ત્યારે અકલ આવશે? બે દીધી હોય ને તો પાપ ના લાગે." પેલા માણસનો ખરેખર પીત્તો ગયો.
"મોઢું સંભાળીને વાત કર....જાણે છે તું કોની જોડે વાત કરે છે?" પટેલકાકો ખીજવાયો.
"હાં તારી જોડે કુતરા સા#...."
"તુ કુતરો, તારો બાપ કુતરો...." બરાડાતા પટેલકાકા આગળ વધ્યા પણ બે જણે એમને પાછળ ખેંચી લીધા, "છોડો...છોડો મને, કઉં છું..."
"આ કુતરો આટલો બધો ગમતો હોય તો ઘરમાં કેમ નથી રાખતા."
"હાં, સાચું કહે છે આ." ભીડમાંથી કોઈ બોલ્યું.
"હાં સાચી વાત છે. મારીને ભગાડો એ કુતરાને." બીજો બોલ્યો
"અથવા કૉર્પોરેશનમાં ફરિયાદ કરો." ત્રીજો સુર ઉમેરાયો.
"આ કુતરો હવે દેખાયો છે તો ખેર નહિં."
"કોઈ હાથ તો લગાવે કુતરાને." પટેલકાકા ગુસ્સામાં બોલ્યા.
"કુતરાને તો શું તમને બધાને પણ ઠીક કરી દઈશું." કહેતાક એક ત્રાસેલા ભાઈએ 'સટાક' દઈને પટેલકાકાને તમાચો ઠોકી દીધો.
પછી જોવાનું જ શું? આખી ભીડ મારામારી પર ઉતરી આવી.
***
ગલીની બહાર પેલો કુતરાને બીજા કુતરાઓએ જોઈ લીધો. એ બધા એની પાછળ દોડ્યા. દુર દુર સુધી ઝગડાની બુમાબુમ અને કુતરાઓનો ભસવાનો અવાજ ગુંજતો રહ્યો!
No comments:
Post a Comment