ધ ડ્રીમર

ભુરી સાંજ પુર્વથી ખસી રહી હતી. અમે સરોવરની પાળે બેઠા હતા. મારી નજર પાણી ઉપર ઉડી રહેલા પક્ષી ઉપર હતી. કામનાને કદાચ ઘણું બધું કહેવું હતું પણ એ મારો મુડ બહુ સારી રીતે સમજતી હતી. એ મને અને હું પેલા પક્ષીને જોઈ રહ્યો હતો.
"કામના?"
"શુ?"
"અં...કંઈ નહિ."
"બોલને!"
"કશું નહિ."
"વસંત? તું કશું કહેતો કેમ નથી?"
"અરે! ક્યારનો બોલું તો છું!"
"હાં, બોલે તો છે પણ છતાં પણ છતાંય મને લાગી રહ્યું હતું કે આપણે બંને વાતો કરી જ નથી!"
"તને ખરેખર એવું લાગી રહ્યું છે?" મેં એની આંખોમાં ધારીને જોયું.
"હાસ્તો...જવા દે, જેવી તારી મરજી." કામના મારી નજરનો સામનો ન કરી શકી.

મને ખબર છે કે જ્યારે હું એને ધારી ધારીને જોઉં છું, એ શરમાઈને અથવા ગભરાઈને નજર ફેરવી જ લે છે. મારે જ્યારે મારી વાત મનાવવાની જ હોય હું આ ઉપાય અજમાવું છું. આજુબાજુના લોકો અમને વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા પણ અમે બેઉને કશો ફર્ક પડતો નહોતો. અમે કેટલીયે વખત આ જ જગ્યાએ બેસતા. દરેક ૠતુઓ અહીં જીવી છે. મંદ ગુલાબી પવન, કાબરચીતરી ઠંડી, સુતરાઉ વરસાદ.

દરેક મુલાકાત મને સપનાની જેમ યાદ રહેતી. અમે એટલી બધી વખત મળ્યા હતા કે બધી યાદો ભેગી થઈને એક ગુંચળું બની ગઈ હતી. કામના કશુંક પૂછે અને હું માંડ યાદ કરીને જે કંઈ કહું એ અલગ જ હોય. કામના બહુ ગુસ્સે થતી, પછી હું એને મનાવી તો લઉં પણ કામના મને પેલી ભુલેલી વાત યાદ ન અપાવે તે ન જ અપાવે.

ધુમ્મ્સ છવાઈ રહ્યું હતું. કામનાની નરમ હથેળી ઠંડી થઈ રહી હતી. અમે થાંભલાઓના પીળા પ્રકાશમાં ચાલી રહ્યા હતા. એને કોઈ પણ ઉતાવળ નહોતી પણ મને એની ચિંતા થતી હતી, કદાચ એને ઠંડી ન લાગી જાય. નકામી ચિંતા. પણ મને એની ચિંતા કરવી ગમતી. ખુબ જ.

"કામ કેવું ચાલે છે?" કામના નીચે જોતાં જોતાં ચાલી રહી હતી.
"ચાલે છે...ઠીકઠાક." મેં ટૂંકાવ્યું.
"બીજા બધા લોકો પોતાના વિશે કેટલું બધું કહે છે, અને એક તું છે..."
"હંહ." હું મરક્યો.
"કદાચ તને પોતાના વિશે કંઈ કહેવું ગમતું જ નથી"
"તને એવું લાગે છે?"
"હાસ્તો, હું જ બોલ્યા કરું, વાતો કર્યા કરું, કશું પૂછું તો જવાબ તો એવી રીતે આપે જાણે..."
"જાણે?"
"કંઈ નહિ." કામના એવું દર્શાવી રહી હતી કે એને મારા ઉપર બિલકુલ ગુસ્સો નથી આવ્યો. પણ એના સંકોચાતા હોઠ એના ગુસ્સાની ચાડી ખાતા. હંમેશા.
"મારી પાસે કરવા માટે વાતો જ નથી હોતી કામના."
"એવું?" કામના એ ફક્ત પૂછવા ખાતર પૂછ્યું. એની નજર હજી નીચે વહેતા ફુટપાથ ઉપર જ હતી.
"હા." હું એની તરફ જોઈ રહ્યો. મારે જાણવું હતું એ એ મારી વાતો થી કંટાળી ગઈ કે શું!

સામેથી એકાદ-દોકલ જે માણસો મળ્યા મને અજબ નજરે જોઈ રહ્યા હતા. મને નવાઈ લાગતી નહિ પણ હું ઝંખવાણો થઈ જતો અને નજર ફેરવી લેતો. કેવા છે આ લોકો?

"આ બધા લોકો મને આમ કેમ જુએ છે?" હું કામના તરફ જોતો જોતો હસ્યો.
"જોવા દે!"
"જાણે કે હું બહુ મોટો ખજાનો લઈને નીકળ્યો છું."
કામના હસી.
"તું ખરેખર મારા માટે ખજાનો છે." હું ચાલતા રોકાઈને બોલ્યો.
કામના શરમાઈ, મલકાઈ.
"અને કોઈ મને ચોરીને લઈ ગયું તો?" એક સ્ત્રીસહજ સવાલ.
"..." હું એને જોઈ રહ્યો. ફરી એ જ રીતે ધારી ધારીને એની આંખોમાં જોયું. કામના કદાચ મારી આ વેદના સમજી ગઈ. એને ખબર હતી કે મને આવા સવાલો નહિ ગમે પણ એણે કદાચ બદલો લેવો હશે? શેનો? આજે પણ હું બહુ ઓછું બોલ્યો એનો?
"તો હું લુંટાઈ જઈશ." હું ગંભીર ચહેરે બોલ્યો.
"ચલ હવે." કામના અલોપ સ્મિત સાથે બોલી.

પીળો પ્રકાશ ધુમ્મસ કાપી રહ્યો હતો. કામનાને છોડીને હું ઘરે પાછો આવ્યો.

(ક્ર્મશઃ)

* * *

ફિલ્મો બનાવવી એટલી સહેલી નથી જેટલી લાગે છે. હું આખો દિવસ વાર્તાઓ વિચારૂં છુ. સીન અને સિક્વલ્સ ગોઠવું છું. ફ્રેમ સ્કેચ કર્યા કરૂં છું. આખો દિવસ વિચારી વિચારીને દિમાગ ભમી જાય છે પણ ફિલ્મો બનાવવી મારી તીવ્રતમ ઝંખના છે. હું થાકતો નથી. મોડી રાત સુધી હું કામ ચાલુ રાખું છું. એકાદ ફિલ્મ બની જાય અને હું એના પ્રિમિયરમાં શોમાં જવાની કોશિશ કરૂં. પણ ઘણી વખત એ શક્ય બનતું નથી. એ સમયે હું બીજી ફિલ્મ બનાવવાના પેંતરામાં હોઉં! લોકો ફોન કરીને બોલાવે અને હું ફોન રીસીવ જ ન કરૂં!

મિત્રો અને ચાહકો કહે છે કે હું એક દિવસ પાગલ થઈ જઈશ! મારે આટલી ગંભીર રીતે કામ ન ક્રરવું જોઈએ. થોડો આરામ અને મોજ-મજા પણ કરવી જોઈએ. પણ હું કહીશ કે મારી પાસે એટલો સમય છે જ નહિ. કેટલાય આઈડ્યા મારી પાસે તૈયાર પડયા છે, ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યા છે. એક ફિલ્મ બનતાં એકાદ વર્ષ જેવું નીકળી જાય અને એ દરમિયાન કેટલાય નવા કૉન્સેપ્ટ તૈયાર થઈને પડ્યા હોય! મારી પાસે બિલકુલ સમય નથી, ખરેખર. હું નથી ઈચ્છતો કે કીડાઓ મારી ફાઈલના પાના ખાઈ જાય, એ વાર્તાઓ રૂપેરી પડદા ઉપર આકાર જ ન લઈ શકે. હું દુનિયાને માત્ર ફિલ્મો જ આપી શકું છું અને આ કામ હું કુનિયા માટે પણ નથી કરી રહ્યો. હું મારી ખાતર ફિલ્મો બનાવી રહ્યો છું. એજ હું કરી રહ્યો છુ અને એ સિવાય હું બીજું કંઈ પણ કરવા અસમર્થ છુ.

કામનાને પણ હું બહુ ઓછો સમય આપી શકું છું, પણ એ એટલી સમજદાર છે કે ક્યારેય...ક્યારેય આના વિશે ફરિયાદ કરતી નથી. હું એને ફુરસતના સમયે મળી લઉં છું. એની લાગણીભરી વાતો મને મારી દુનિયાથી અલગ જ એક દુનિયામાં લઈ જાય છે. હું એની ભીની ભીની વાતો, નાના નાના સપનાઓ સાંભળતો રહું છું. અમે જુઠીમુઠી લડાઈ કરીએ, હસીએ અને ક્યારેક રડીએ પણ ખરા! પણ જ્યાં સુધી કામના મારી જોડે હોય ત્યારે બસ આખું જગત કામનામય હોય.

ખરેખર તો જ્યારે હું ફિલ્મો વિશે વિચારતો હોઊં ત્યારે એમાં મને મારી કામનાજ દેખાય. અમે સાથે હોઈએ ત્યારે શું કરીએ, કેવી વાતો કરીએ, જો એના મા-બાપ લગ્ન માટે ન માને તો શું થાય, હું કોઈ જાસુસ હોઉં અને કામના મારી આસિસ્ટન્ટ હોય તો શું થાય, અમે લગ્ન પછી અલગ થઈ જઈએ તો કેવી રીતે રહીએ.....બસ આવી જ કલ્પનાઓ મને ફિલ્મ બનાવવા પ્રેરે છે. આ મારી સૌથી ખાનગી વાત કહી દીધી! કદાચ આ ફોર્મ્યુલા અપનાવીને કોઈ પણ સામાન્ય માણસ મારી જેમ મોટો ફિલ્મ મેકર બની શકે છે!
"વસંત?"
"વસંત?" રાજન મને ઢંઢોળીને મારી તંદ્રાથી મને દૂર કરે છે.
"હા, બોલ રાજન? લોકેશનથી ફોન આઅવી ગયો?"
"હા હમણાં જ ફોન આવ્યો હતો, સ્ટુડિયોનું બુકીંગ થઈ ગયું છે. ફક્ત આપણે હીરોઈનની ડેટનો પ્રોબ્લેમ સોલ કરવો પડશે."
"સોલ્વ."
"સોરી, સોલ્વ!" રાજન હસ્યો.
"ચાલ હું વાત કરી જોઉં કામના....સોરી પ્રિયંકા જોડૅ." હું લપસ્યો પણ સંભાળી લીધું. રાજન સમજી ગયો અને સ્મિત કરતા કરતા કેરાવાનમાંથી બહાર નીકળી ગયો.

(ક્રમશઃ)
* * *
" આજે શું થયું ખબર છે કામના? "
"શું?"
" એ દિવસે થયું હતું એવું જ!"
"ખરેખર?"
"હાં!"
"ફરીથી?"
"ફરીથી!"
અને કામના જોરથી હસી. હું એને હસતા જોઈ રહ્યો. એનું હાસ્ય રણકી રહ્યં હતું. ઘણા દિવસે આટલું સુંદર દશ્ય જોયું.
થોડી વારે મેં પૂછ્યું, "તું મારી જોડે ખુશ છે ને?"
"કેમ આવું પૂછ્યું?"
"બોલ ને"
"તને શું લાગે છે?"
"મને ખબર નથી એટલે તને હું પૂછું છું."
"હાસ્તો વળી, આ કંઈ પૂછવાની વાત છે?"
"ઘણા દિવસે તું આટલું હસી એટલે..." હું જાણી જોઈને અટક્યો.
"તું સાથે છે એટલે તો હું ખુશ છું. તારાથી વધારે કોણ મને ખુશી આપી શકે વસંત?" હું કદાચ આવું જ કંઈ સાંભળવા ઈચ્છતો હતો. પણ આજે બિલકુલ અચાનક આવું વાક્ય સાંભળવાથી મનનું ઢાંકણ જાણે ખુલી ગયું અને અંદર ઠંડી સુંગંધ પ્રસરી ગઈ. હું એની સામે જોઈ રહ્યો હતો.
"તું સાથે છે એટલે તો હું ખુશ છું. તારાથી વધારે કોણ મને ખુશી આપી શકે વસંત?" હું કદાચ આવું જ કંઈ સાંભળવા ઈચ્છતો હતો. પણ આજે બિલકુલ અચાનક આવું વાક્ય સાંભળવાથી મનનું ઢાંકણ જાણે ખુલી ગયું અને અંદર ઠંડી સુંગંધ પ્રસરી ગઈ. હું એની સામે જોઈ રહ્યો હતો.
"તું મને આટલ્પ બધો પ્રેમ કરે છે અને મને હરહંમેશ યાદ કરતો રહે છે એ વિચારીને જ હું ખુબ રોમાંચિત થઈ ઉઠું છું. પણ સતત રોમાંચનો જ અનુભવ કેમ રહી શકે?"
"હ્મ્મ..સાચી વાત છે કામના..પણ મારી વાત થોડી અલગ છે." કામના ધ્યાનપૂર્વક મને સાંભળી રહી હતી.
"જેમ મને તારા વિશેનો રોમાંચ ઓછો થવા લાગે તરત હું મારા કામ વિશે વિચારવા લાગું. એ પણ મને રોમાંચ અનુભવ કરાવે, ત્યાંથી થાકીને ફરી તારી દિશામાં હું વળી આવું છું...સતત આ ચક્ર ચાલતું રહે છે."
"મને દુઃખ થાય છે વસંત, મારા વિશે આટલું બધું ન વિચારીશ. હું તો તારી જોડે છું જ. હું તને જોડાઈ ચૂકી છું. ક્યારનુંય મારૂં અસ્તિત્વ વસંતમય થઈ ગયું છે. એટલે મને ના વિચારીશ. આપણે જેમ વહી રહ્યા છે એમ જ વહેતા રહીએ. તું મને નહિ વિચારે તો પણ આપણા પ્રેમમાં કોઈ ફર્ક નથી પડવાનો."
"એ મારી આદત બની ચૂકી છે કામના." કામના મને તાકી રહી. ધીમેથી બોલી, "હું ખુબ નસીબદાર છું!"
વાતો આવીજ રીતે ચાલતી રહી અને અમે ફરીથી સાંજ કરી નાખી.

* * *

"હેલો?"
"હાં."
"કામના...શૂં કરે છે?"
"હું રાત્રે સુઈ જાઊં છું વસંત!"
"બેક્કાર જોક."
"હં હં હં..."
"સાંભળ...કાલથી શુટીંગ શરૂ થવાનું છે..."
"ઓહ." તરત મારી વાત કામનાએ કાપી નાખી, એ કદાચ સમજી ગઈ હતી.
"હાં કામના, હમણાં જ ફોન આવ્યો, બધું અચાનક જ સેટ થઈ ગયું. વીસ-બાવીસ દિવસ સુધી કામ ચાલશે. પછી હું પાછો આવી જઈશ."
"ક્યારે નીકળવાનું છે?"
"સવારે પાંચ વાગે ફ્લાઈટ છે."
"હમ્મ.."
"પહોંચીને તને ફોન કરીશ."
"..."
"કામના?"
"..."
"કામના?"
"..."
"શું થયું?"
"કંઈ નહિ. સંભાળીને જજે. પોતાનું ધ્યાન રાખજે." કામનાનું ગળું કદાચ ભરાઈ આવ્યું હતું.
"તું પણ." મને તો આ વાક્ય યાદ જ ન આવત જો કામના ન બોલત! કામના વધારે સંભાળ રાખનારી છે.
"ચલ કામના હું તૈયારી કરી લઊં"
"વહેલો સુઈ જજે."
"હં."
"ગુડ નાઈટ."
"ગુડ નાઈટ."

હું મારો સામાન, કપડાં વગેરે પેક કરતા વિચારતો રહ્યો. કામના ખુબ જ લાગણીશીલ હતી. મને લાગતું હતું કે એ મને ચાહે છે એના કરતા હું એને વધારે ચાહું છું. કોઈક વખત હું એને ખબર ન પડે એટલી ઝીણી, બારીક રીતે એના પ્રેમની ઊંડાઈની પરીક્ષા લઈ ચૂક્યો હતો, અને હંમેશની જેમ આજે પણ હું ખોટો ઠર્યો હતો. કામનાની એક જ વાત ગુંજી રહી હતી, "હું ખુબ નસીબદાર છું." અને મને લાગ્યું કે એ એક જ વાત એની ખોટી છે. નસીબદાર એ નહિ પણ નસીબદાર હું છું!

* * *

સવારે ફ્લાઈટ ઉપર ચડતા ચડતા કામના યાદ આવી. કદાચ હજી એ સુતી હશે, સપનાઓમાં ખોવાએલી હશે. મારૂં મન ભરાઈ ગયું. વસંતને થયું કે ચાલ હું કામ છોડીને કામનાના ઘરે દોડી જાઉં. જ્યારે કામના ઉદાસ ચહેરે બારી ખોલીને મને બહાર ઉભેલો જોશે તો ખુબ ખુશ થઈ જશે! આવું જ કોઈ સીન ફિલ્મમાં ઉમેરી દેવાય એવા વિચારમાં ફરી વસંત ખોવાઈ ગયો.


કામ તો મારા માટે ઝનુન હતું. લાઉડસ્પીકર વગર જ હું બુમો પાડીને નિર્દેશો આપતો રહેતો. જે સ્ક્રીપ્ટમાં લખેલું હતું અને જે પાત્રનો મેકએપ-ગેટઅપ વિચારી રાખ્યો હતો એનાથી તસુભર પણ ફેરબદલ સાંખી લેવાતો નથી. પછી ભલે સહેજ માટે આખું શુટીંગ રખડી જાય. પ્રોડ્યુસર પણ પરેશાન હતો. જોકે લગભગ બધાને જ મારા સપના ઉપર વિશ્વાસ છે.

"રાજન." જોરથી બુમ પડી.

"હા..." બુમ પાડતો રાજન બધું કામ છોડીને દોડી આવ્યો. એના વૉકીટૉકી ઉપર વાત ચાલુ જ હતી, એમાંથી કશુંક અસ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું.
"તું વાત કરી લે પહેલા."
માથું હલાવી રાજન થોડે દુર ખસીને વાત કરવા લાગ્યો. હું સ્ટોરીબોર્ડ ઉપર ફરીથી ચિતરામણ કરી રહ્યો હતો. બે જ મિનિટ પછી રાજન આવ્યો.
"થોડો ચેન્જ કરવો પડશે રાજન....મને લાઈટીંગ જોઈએ એવી નથી મળી રહી."
"ઓકે સર વધારે લાઈટો લગાવીએ?"
"લાઈટ્સ."
"સોરી લાઈટ્સ સર"
"ના, એનાથી ફર્ક નહિ પડે."
"ઓકે તો સનલાઈટમાં?"
"ના..." મારૂં ધ્યાન હજી સ્કેચીંગ પર જ હતું. "આપણે જગ્યા ચેન્જ કરવી પડશે."
"ઓહ." રાજન બોચી પર હાથ ફેરવતો બોલ્યો. ફક્ત લાઈટીંગને કારણે આખો સેટ બીજે મુવ કરવો એટલે બહુ મોટું કામ હતું." સ્પૉટબૉયથી માંડીને સ્ટાર સુધી બધે ચડભડ થઈ ગઈ. પ્રોડ્યુઝર દોડી આવ્યો.
"શું થયું વસંત સાહેબ?" એને બહુ આશ્ચર્યં થયું હતું.
"લાઈટીંગ બહુ આર્ટીફિશિયલ લાગી રહી છે ખન્ના સાહેબ."
"આપણે બહારથી રીફ્લેક્શન આપી દઈએ, છત ઉપરની બારીઓ પણ ખોલી જોઈએ." ખન્ના સાહેબ મને રોકવાના પુરા પ્રયત્નમાં હતા.
"નહિ મજા આવે સાહેબ. જગ્યા તો બદલવી જ પડશે."
"આપણે મોડા પડીશું, પછી હિરોઈનની ડેટ નીકળી જશે."
"લાઈટીંગ પણ મેઈન એલીમેન્ટ છે સીનમાં." હું ખન્નાની આંખોમાં જોતા બોલ્યો. "હિરોઈન બીજી હોય તો ચાલશે.""
ખન્ના હોઠ ઉપર જીભ ફેરવીને જતો રહ્યો.
* * *
નવી જગ્યાએ સેટ લાગી ગયો હતો. કોફી અને કામનો દોર ચાલુ હતો. ફિલ્મ મેકીંગની બારીકીઓ તપાસતા હું દરેક સીનને મઠારવાના પ્રયત્નમાં હતો. તડકામાં ફરી ફરીને ખન્ના કંટાળી ગયો હતો. મારા દિમાગમાં સ્ક્રીનપ્લેના આઈડ્યા આવતા રહે અને બદલાતા રહે. મારે દરેક પાસું વિચારીને એ આઈડ્યા પણ નોંધી લેવા પડે. કેમકે બીજા જ પળે હું એ ભુલી જાઉં એવું ઘણી વાર બન્યું છે. પછી એ ભુલાયેલા આઈડ્યા ફરી યાદ કરવા લગભગ અશક્ય બની જાય છે.

કલાકોના કામ પછી બધા એક્ટર્સ જતા રહ્યા. અમે થોડાક લોકો સેટ ઉપર જ રોકાવાના હતા. હીરોઈન અને હીરોને એમની હોટેલમાં રવાના થઈ ચૂક્યા હતા. હું મારી વાનમાં સુતા સુતા લખી રહ્યો હતો. વચ્ચે વચ્ચે કામના યાદ આવી જતી. હું એને ફોન કરીને પરેશાન નહોતો કરવા માંગતો અને એ ખુદ પણ એવો જ વિચાર રાખતી. એમ પણ ખાસ્સું મોડું થઈ ગયું હતું. હું મારું કામ પતાવીને એ જ સ્કેચબુકમાં કામનાનું નામ અલગ અલગ રીતે ચીતરી રહ્યો આવા સમયે આવતી ઊંઘ મને બહુ ગમતી. બિલકુલ કામનાની ચુંદડીની જેમ મારા શરીરને પોતાનામાં સમાવી લેતી! ધીમે ધીમે અહીં ઠંડક વધી રહી હતી.

***
"હેલો"
"હા કામના!"
"કેમ છે? શું કરે છે?"
"બસ કામ..."
"તું તો ફોન પણ કરતો નથી!" કામનાના અવાજમાં શિકાયતનો લહેકો હતો.
"હું તો..."
"હું ફોન ન કરત તો તું તો મને ફોન કરવાનો જ ન હતો ને?" એ મારી વાત કાપતા બોલી.
"સાંભળતો ખરી"
"સારૂં...જવાદે એ વાત કામ કેવું ચાલે છે?" મારૂં ફોન ન કરવાનું કારણ પણ એ સાંભળવા નહોતી માંગતી.
"કામના..." હું નિરાશ થતો બોલ્યો.
"ત્યાં ઠંડી કેવી છે?" કામના આગળ બોલી જ રહી હતી.
"તારે કારણ સાંભળવું નથી?"
"જવાદે ને એ વાત."
"કામના..."
"હું તો ખાલી અમસ્તું જ બોલી." કામનાને મને દુઃખી કરવામાં આનંદ આવતો હતો? હું વિચારી રહ્યો. એ મારી જેમ પ્રેમ પ્રદર્શિત કરવામાં માનતી નથી. હું પ્રેમ દેખાડતો નથી પણ કશેકને કશેક એ આખી દુનિયાને દેખાઈ જતો હોય છે. જ્યારે કામના હંમેશા મારાથી વધુ પરિપક્વ જણાતી. ધીમે ધીમે આ ગુણ મને ગમવા લાગ્યો.
"મારે જાણવું હતું કે તું મને ક્યારે ફોન કરીશ." મેં સાચી વાત કહી દીધી.
"એટલે કે તારે જાણવું હતું કે હું તારા વગર કેટલો સમય રહી શકું એમજ ને?" કામના સમજી ગઈ.
"...."
"એવી પરીક્ષા ન લેતો વસંત...હું તારા કરતાં તો વધારે સહનશીલ છું."
"એટલે જ.." હું સહેજ...સહેજ હસ્યો.
"શું એટલે જ?"
"એટલે જ તેં પહેલા ફોન કર્યો ને?"
"ઓહ, તો તારે એ જાણવું હતું કે પહેલા ફોન કોણ કરશે, એમ?" કામનાને કદાચ સહેજ ગુસ્સો આવ્યો.
"ના ના, એમ નહિ..."
"ચાલ મમ્મી આવી ગયા છે હું પછી ફોન કરું છું....આવજે."
"..." હું કંઈ બોલ્યો નહિ.
"આવજે."
"..." હું 'શું બોલવું' એ વિચારતો રહ્યો.
"હું ફોન મુકું છું."
"આવજે."

હું વિચારી રહ્યો હતો કે ખરેખર એના મમ્મી આવી ગયા હશે કે પછી એ ગુસ્સે થઈ ગઈ હશે? એ જો ગુસ્સે થઈ હશે કે એને જો ખરાબ લાગ્યું હશે તો મને એ કહેવાની જ નથી. એ રડી લેશે. પણ મને એક વાતની ખબર હતી....કે એની પાપણો ભીની થઈ જ હશે. એની ભીની આંખો મને અહીંથી દેખાઈ રહી હતી.

***

શુટીંગનો એક ભાગ પુરો થઈ ગયો. હવે પાછા ઘરે ફરવાનો સમય હતો. બધા દિવસો લગભગ સરખાજ લાગે છે એટલે કેટલા દિવસો થઈ જાય છે એ મને યાદ રહેતું નથી. એ વિશે હું ઘણીવાર ધુમ્મસ અનુભવ કરૂં છું. કાળું આકાશ, ભુરી રાત, સફેદ અને પોચું ધુમ્મસ મને સપના અને સચ્ચાઈ વચ્ચે ક્યાંક ક્યાંક દેખાય છે. ફિલ્મ બનાવાના કામમાં કેટલીયે રાતો ઉજાગરા કરવાના હોય છે. ખુરશીમાં બેઠા બેઠા ઘણી વખત ઉંઘી જવાય છે. થાક અને કંટાળા વચ્ચે માથામાં ઘણી વાર સણકા ઉપડે છે, અસહ્ય દુઃખાવો થાય છે. ડરામણાં સપનાઓ આવે છે. જો હું જાગી જાઉં તો કામનાને યાદ કરી લઉં. મારી તો એક જ દવા છે!

જોકે આ બધું મારૂં ફેવરેટ છે. કામના અને ફિલ્મો, બંને મારા ગમતા અને મને જોઈતા વિષય છે. મારે હંમેશાથી જ આ બધું જોઈતું હતું. અને બધું મારી પાસે છે. મારે ખુશ રહેવું જોઈએ એ વિચારીને હું ખુશ રહું છું. મારી આજુબાજુના લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરૂં છું.

એકાદ દિવસના શુટીંગ પછી આખી ટીમ સાથે હું પરત ફરીશ. કામનાને સરપ્રાઈઝ આપું?

***

હું બીજા દીવસે ઘરે હતો. માથામાં દુઃખાવો પણ મનમાં અજબની રાહત હતી. સાંજે કામનાને જોઈ શકીશ એવા ખ્યાલથી મન રોમાંચિત હતું. બપોર વીતતા ખાસ્સો સમય લાગ્યો. ઈંતેજારની પળ કેટલી લાંબી હોય છે ને? કામના સરોવર કિનારે હશે જ એવા ખ્યાલ સાથે હું ત્યાં ગયો. એજ ભુરૂં પાણી અને કેસરી સાંજ. અહીં કોઈ દેખાઈ નહોતું રહ્યું. ફક્ત ઝાંખું ધુમ્મસ.

બે અજાણ્યા માણસ દુર બેઠા હતા, જેમાંથી એક જણ મારી તરફ જોઈ રહ્યો હતો. હું કામનાની રાહ જોઈ રહ્યો હતો. કામના રોજ સાંજે અહીં જ મળી જતી પણ આજે દેખાતી જ નહોતી. મને તાલાવેલી થઈ રહી હતી. હું સરોવર તરફ મોં કરીને એની રાહ જોઈ રહ્યો હતો. ખબર નહિ ક્યારે કામના આવશે!

અચાનક મારા ખભે એક હાથ મુકાયો. મેં હળવેકથી પાછળ જોયું. પેલા બે જણ જ હતા. બંને મારી સામે જોઈ રહ્યા હતા. બંને અજાણ્યાઓના હાવભાવ હું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

"વસંત?" અવાજ ખાસ્સો ભારે હતો
"હ..હા."
"તમારૂં એક નાનકડું કામ છે."
"મારૂં?" હું મુંઝાયો. ગભરાયો. ખબર નહિ આ લોકો કોણ હશે.
"ચાલો આ તરફ." એ અજાણ્યાએ મને દુર ઉભેલી એક વાન બતાવી.
"કેમ? શું કામ છે?"
"પ્લીઝ મિ.વસંત." બીજો અજાણ્યો મારી તરફ વધ્યો. મને દાળમાં કંઈક કાળું લાગ્યું. કોણ હશે આ લોકો?
"તમે કોણ છો?"
"એ બધું તમને ગાડીમાં કહીએ છીએ."
"પણ...પણ..." હું આનાકાની કરતો ગયો અને લગભગ મને ઢસડીને વાન તરફ લઈ જવાયો.
"અંદર બેસો મિ.વસંત." ફરી એ જ આજ્ઞાકારી અવાજ.
"પ..પણ તમે લોકો ક...કોણ છો એ તો કહો!" હું થોથવાતા અવાજે બોલ્યો.
"અમે તમારા દોસ્ત જ છીએ." કહીને એક જણાએ મને વાનમાં ધક્કો મારી દીધો. તરત જ વાન ચાલુ થઈ ગઈ અને દોડવા લાગી.
"છોડી દો મને...છોડી દો." હું જોર કરી રહ્યો.
"શાંતિ રાખો."
"જવા દો મને" હું એક જણની ફેંટ પકડીને ખેંચવા લાગ્યો.
"ચૂપ." બીજાએ મને કશુંક સૂંઘાડી દીધું. મને ક્લોરોફોર્મનું ઘેન ચડી ગયું. આ વખતે કામનાનો ચહેરો મને દેખાઈ ગયો.

***

જ્યારે જ્યારે હોશ આવતો, મને કંઈજ સમજ નહોતી પડતી. મને મારી મગજશક્તિ ક્ષીણ ભાસી રહી હતી. કંઈક વિચારૂં એટલે માથું છુંદાવા લાગતું! ઓહ ભગવાન...આટલી બધી પીડા! આ લોકો કોણ હશે? માફિયા? ડોન? દુશ્મન? કામના....ઓહ કામના તું ક્યાં છે? કેમ છે?

મને જાત જાતના ઈંજેક્શનો મારવામાં આવી રહ્યા હતા. હું તદ્દન લાચાર થઈ ગયો હતો. ફરી એ જ વાસ્તવિકતા અને સપના વચ્ચેની મુંઝવણ થવા લાગી. આંખ સામે કામના, ફિલ્મના પાત્રો, આસિસ્ટન્ટ, સ્પૉટબોય વગરેના ચહેરાઓ ઘુમી રહ્યા હતા. હું ઘેનમાં સરકી જતો અને એજ રીતે સરકીને બહાર આવી જતો હતો. ક્યારેક પોતાને ગલીઓમાં ભિખારીની જેમ ભટકતા જોતો, ક્યારેક કામના જોડે હાથમાં હાથ પરોવીને ચાલતા જોતો.

કદાચ કલાકો વીતી રહ્યા હતા અથવા દિવસો વીતી રહ્યા હતા.
***

 "વસંત?"
હું સળવળ્યો.
"વસંત?"
"કોણ?" હું એ ધૂધળા ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મારા ચહેરા ઉપરની લાઈટ મને આંજી રહી હતી.
"હું છું...રાજન"
"રાજન? ઓહ...રાજન!" મને હાશકારો થયો. એક ઠંડી રાહત થઈ.
"કેમ છે?" રાજન મને પૂછી રહ્યો હતો.
"તૂં અહીં શું કરે છે?" મારૂં આશ્રર્ય વધી રહ્યું હતું.
"તને મળવા આવ્યો છું."
"મળવા? જોતો નથી આ લોકોએ મને પકડી રાખ્યો છે. મને જબરજસ્તી અહીં લઈ આવ્યા છે. મારૂં અપહરણ કર્યું છે." હું આવેશમાં આવી રહ્યો હતો. માથું ફાટફાટ થઈ રહ્યું હતું.
"વસંત...વસંત, ધીરજ રાખ."
"અરે પણ...આ બધું શું છે રાજન?" હું રાજન ઉપરથી વિશ્વાસ ખોઈ રહ્યો હતો. કદાચ રાજને જ મારૂં અપહરણ તો નથી કરાવ્યું ને? મેં એનું શું બગાડ્યું છે? આમાં એનો શું ફાયદો હોઈ શકે? કેમ? આખરે કેમ?
"હું તને બધું સમજાવું છું વસંત." રાજન હવે મને સમજાવશે? મારો ગુસ્સો વધી રહ્યો હતો. પણ મને ખુરશીમાં બાંધી રખાયો હતો એટલે હું હલી પણ નહોતો શકતો.
"ઓહ...રાજન. તો આ બધૂં તારૂં જ કામ છે. તારા કહેવાથી જ આ બધૂં થયું છે એમને?" હું એની આંખો તરફ ગુસ્સાથી તાકી રહ્યો હતો.
"વસંત..." રાજન અટકી ગયો.
"બોલ રાજન, એની પહેલાં કે મારો ગુસ્સો હદ વટાવી જાય એ પહેલા બોલ. કેમ કે જો હું અહીંથી છુટી જઈશ તો તારી આવી જ બની સમજજે."
"..." રાજનનો ચહેરો જડવત્ હતો. ઠંડો.
"બોલ રાજન." હું બરાડ્યો.

(ક્રમશઃ)

No comments:

Post a Comment