બાળપણ


નાનપણથી મારી દુનિયા અતડી રહી છે. અમારા સમયમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, વિડીઓ ગેમ્સ વગેરે બહુ ઓછા હતા પણ દૂરદર્શન, વાર્તાની ચોપડીઓ, ચિત્રકામ વગેરેનું 'વ્યસન' ચોક્કસ રહેતું!

ઉપરાંત અનેક કુટેવો બીજી પણ હતી...બારી કે વરંડામાં ઉભા રહી બહાર જોતા રહેવું. દીવાલો પરની પોપડીઓમાં આકારો શોધવા, સિલીંગ ફેનને ફરતા જોતા રહેવું વગેરે. આ સિવાય ચંપક, ચંદન, ચાંદામામા, ચાચા ચૌધરી જેવી મીન રાશિની ચોપડી વાંચવાની પણ આદત હતી.

પણ હવે એ ચોપડીઓના પાન પીળાં થઈ ગયા છે. એની ગંધ પણ બદલાઈ ગઈ છે. ખબર નહિં આ સમય ક્યાં જતો રહેતો હશે. શું એ પણ જુનો થઈ જતો હશે? પીળો પડી જતો હશે? એની ગંઘ પણ જુના સામાન જેવી થઈ જતી હશે? કે પછી એ કશે રોકાઈને મારી રાહ જોતો હશે? હજી પણ એ અદ્દલો-અદ્દલ પહેલા જેવો જ હશે!?

ક્રિષ્ણએ ન કહ્યું હોત અને પરિવર્તન સંસારનો નિયમ ન હોત તો કેટલું સારું હોત ! જગતનિર્માણનો હેતુ હજી સુધી મને સમજમાં નથી આવતો. પણ હજી લાગે છે કે વિતેલા દિવસો ફરી પાછા આવશે. નદીના નીર વપરિત વહેશે. આપણે બધા ફરી એજ જુના માણસો વચ્ચે હોઈશું જે અત્યારે ઘરડા-ઘરડા દેખાય છે.
ફરીથી જીવવી છે આજ જીંદગી....બિલકુલ આવીજ રીતે!


 બાળપણ પર કોઈ નિબંધ તો નથી લખવો બસ સંસ્મરણો કોતરી લેવા છે. જેટલું યાદ છે એટલુ બધું જ. શક્ય એટલા રેફન્સ પિક્ચર અને મળે એટલા ફોટો સાથે!

• એક મસ્ત લાલ રંગની સાઈકલ હતી. આખી ફાઈબરની બનેલી. ઘરમાં ગોળગોળ ફરાવવાની મજા પડતી.

• દવાખાને લઈ જવા માટે નાની સફેદ થેલી હતી. એક વાર વરંડામાં બ્લેડ પડી હતી અને હું એનાથી રમવા લાગ્યો. ખબર પણ ન પડી અને આંગળી કપાઈ ગઈ. હું તો રમતો રહ્યો અને દિવાલ પર લીટી પાડી. પછી મમ્મી આવી ગઈ અને ગભરાઈ ગઈ. પપ્પા ઓફિસ હતા. મમ્મી એકલી જ દવાખાને લઈ ગઈ. મમ્મી ક્યારેય એકલી નીકળે નહી અને એને બધું ફાવે પણ નહીં. એટલે આ તો એની માટે મોટી વાત હતી.

• એ સમયમાં ઘરમાં બહુ જ ઓછું હતું. એક પલંગ, બે સરસ ફોલ્ડીંગ ખુરશીઓ અને અનાજ ભરવાનું પીપડું. બાકી બધો અસબાબ એક એક પછી ઉમેરાતો ગયો. સિલાઈ મશીન, ભંડારો, નવા પલંગ, શો-કેશ વગેરેનું આગમન હજીય યાદ છે.

• આ દરમિયાન ગામડાનો અનુભવ પણ થઈ ગયો હશે. છુકછુક ગાડીમાં મામા કે દાદાના ઘરે જવાનું, ગામડામાં વિજળી વગર રહેવાનું, કેરી ખાવાની, બળદગાડામાં બેસવાનું વગેરે. પણ દર વર્ષની યાદો 'ઓવર રાઈટ' થઈ જતાં બધું મિક્સ થઈ ગયું છે.

• તહેવારોના સંસ્મરણો, ઋતોઓના અનુભવો વગેરે પણ બહુ જ ખાસ! દિવાળીમાં તનકતારા, ચકરડી અને કોઠી..બસ આટલું જ. બીજા બધાની બીક લાગે! ફટાકડા ફુટે ત્યારે ભંડારામાં ભરાઈ જતો. બહુ જ ડર લાગતો! લાઈટના તોરણો લગાવાતા. એક વાર તો એવી સીરીઝ પપ્પા લાવ્યા હતા જેના પર મિ. પોટેટો હેડ જેવા દસ પાસ્ટિકના માથા હતા! પણ એ સીરીઝમાં સ્ટાર્ટર બલ્બ ન હોવાના કારણે લબક-ઝબક નહોતા થતા. એકધારા ચાલુ રહેવાથી બલ્બ ગરમ થઈ જતા હતા. આ કારણે પ્લાસ્ટિક તવાઈ જતું અને મિ. પોટેટો હેડ પહલીજ રાતમાં ખરી પડ્યા! પછી એમનો ઉપયોગ રમવામાં થયો.

• રમકડાનો એક કોથળો ભરાઈ ગયો હતો. ઢીંગલી, ઢીંગલા, જીપ, સ્કુટર, બસ, કાર, બંદુક વગેરે કેટલું બધું હતું! થોડાક વર્ષો પછી મમ્મીને બધું ભંગારમાં વેચવાનો શોખ ઉપડ્યો. એમાં ખાસ ખાસ રમકડાં રાખ્યા બાકી બધા રમક્ડા ગયાં. પપ્પા નોકરી માટે બહારગામ જઈ આવે એટલે હું રમકડું માંગી રાખું. પપ્પા લાવે જ. પછી તો એવી જીદ થઈ ગયેલી કે પપ્પા બારણું ખખડાવે એટલે કાણામાંથી જોવાનું. પપ્પા રમકડું બતાવે તો જ ખોલવાનું. હદ છે!

• એક દાદી પાસે થી થાંભલે ચડતો ઉતરતો વાંદરો લારીલપ્પાથી પપ્પાએ અપાવેલો!

• ગોધરાની ડ્યુટી પરતી આવતા ફાઈટીંગ કરતા બોક્સર લાવ્યા હતા!

• અમદાવાદથી ટક ટક કરતા ગોળા - લીલા-સફેદ. ટ્રેનનું એક એન્જીન પણ હતું. ડ્રાઈવરને આખો દબાવીને છોડો એટલે એન્જીન દોડે! પપ્પા છેતરતા બહુ હતા. મમ્મીને કહી રહ્યા હતા કે ઈલેક્ટ્રોનિક ટ્રેન પણ હતી. મેં કહ્યં કે મારી ગાડી ઈલેક્ટ્રોનીક કેમ નથી? તો કહે કે એમાં મશીન હતુ પણ સેલ ન નાખવા પડે એટલે કઢાવી નાખ્યું, આખી બાળપણ વિત્યું પણ એકેય સેલથી ચાલતું રમકડું ન મળ્યું. જોકે મને મળ્યા એટલા રમકડાં કોઈને મળ્યા નહિં હોય!

• પપ્પાનની એટલસ સાઈકલ હતી. મારી માટે એના પર તારથી બનાવેલી બાસ્કેટ લગાવેલી. એમાંય પાછું નેપકીન મુકી ને મને બેસાડતા.સુરસાગર, મંગળબજાર, માંડવી, લાલબાગ, શાક માર્કેટ વગેરે ફરવાનું મળ્યું. દરેકની અલગ અલગ યાદો ભેગી થઈ ગઈ. બે-ત્રણ વર્ષ પછી સાઈકલ પર લીલા રંગની નાનકડી સીટ જ ફીટ કરી દેવાઈ. બહુ ફર્યા, બહુ ફર્યા!


બાલમંદિરઃ

• બાલમંદિરના સંસ્મણો ઘણા છે. અમાર ઘરની તદ્દન સામેજ બાલમંદિર હતું. રોડ ક્રોસ કરીને ત્યાં જવાનું. પણ તકલીફદેહ હતું એક રૂમમાં સવારે ૧૦ થી ૨ પુરાઈ રહેવું. રડી રડીને મમ્મીને ત્રણ-ચાર મહિના સુધી જોડે જ બેસાડેલી! કલ્પનાબેને બેસવા એમને પણ દીધેલા. આજે આવું શક્ય ખરું? ત્યાં કામવાળા એક કાન્તાબેન હતા. સ્વભાવે ખુબ જ કડક, જોરથી બોલે, વઢે અને ક્યારેક મારેય. શિક્ષકોને એમના કારણે કોઈ છોકરાને મારવું નહોતું પડતું. એ બધા બસ કાન્તાબેનની જ ધમકી આપી દે અને આખો વર્ગ ચુપ!


• મોરારીબાપુની કથા સાંભળવા ૧૦ દિવસની રજા પાડેલી. પહેલી વાર આટલો મોટો પ્રસંગ જોયેલો. ત્યાં હું તો રમતો રહેતો. રામાયણ-મહાભારતની રંગીન સચિત્રકથાઓ વગેરે પણ ત્યાંથી લઈ આપવામાં આવેલી. એ દસ દિવસ પછી બાલમંદિર પાછું જવું બહુ જ અઘરું લાગેલું. કલ્પનાબેન વઢેલા પણ ખરા.
ગયા વર્ષે જ બાપુ વડોદરા આવેલા. એક-બે દિવસ જવાયેલું અને બાળપણની યાદો મહોરી ઉઠેલી!

• રમતોત્સવમાં એક પણ જગ્યાએ નામ નહોતું નોંધાવ્યું સિવાય કે લીંબુ ચમચી. એમાં પણ હું બારીમાંથી બહાર રમતો જોઈ રહ્યો હતો અને બેન જોઈ ગયા. જબરજસ્તી લીંબુ ચમચી અને જબેબી દોડમાં નામ નોંધાવ્યું. લીંબુ ચમચીનું યાદ નથી પણ મારાથી જલેબી પડી ગયેલી અને બેને બીજી જલેબી આપી હતી!

• આંતરીક પરીક્ષા વિશે કંઈ ખબર નહોતી. રજા પડી ગઈ હતી. બીજા દિવસે પપ્પા જોડે જ બેસેલા. કપ-રકાબીનું ચિત્ર પણ બનાવવાનું હતું. હું તો કપ-પ્લેટ જાણૂં. રકાબી શબ્દ મારા શબ્દભંડોળમાં નહોતો! પપ્પાએ દોરી આપી હતી!

• ઘરની સામ્મે જ કલ્પનાબેન જ સાંજે ચાર કે પાંચ વાગ્યે પોતાના ઘરની બહાર મમરાનું વિતરણ કરતા. યાદ છે ને પેલા મોટ્ટા મોટ્ટા ગોળ મમરા? વાડકો અને કાર્ડ લઈને જવાનું અને જોઈને રસ્તો ક્રોસ કરવાનો. એકલો તો ક્યારેય નહિ ગયો. મમ્મી કે પપ્પા જોડે જ. એક વાર બકુલી જોડે આવેલી પણ હું એક સાઈકલવાળા જોડે અથડાઈ ગયો અને એ મારી ઉપરથી જતો રહેલો એવું યાદ છે. ઘુંટણ છોલાઈ ગયા હતા.

• શાકભાજી વગેરે માર્કેટમાં જે કેરેટમાં આવે છે, એવા લાકડાનું કેરેટ એ સમયે ઘરે વરંડામાં મારા માટે મુકેલું. જેના ઉપર ચઢીને હું બહાર જોતો રહેતો. રોડ, બસ અને ઉગતો સૂરજ!

• સ્લેટપેનનો સ્વાદ ખરેખર અનેરો હતો! સ્લેટ પર પહેલો એકડો મમ્મીએ ઘુંટતા શીખવાડેલો. એને ઘુંટી ઘુંટીને ડોસો બનાવી દેવાતો! પછી બગડો-તગડો-ક-ખ વગેરે! આમ ધીમે ધીમે બધું આવડ્યું. બીજા વર્ષમાં પતરાવાળી સ્લેટ લઈ આપી. કેમકે પાછલા વર્ષમાં બે-ત્રણ તુટી ગઈ હતી.એના ઉપર સરખું લખાતું નહોતું. સ્લેટપેન સ્લીપ થઈ જતી હતી. લખો....બેનને બતાવો....ભૂંસી નાખો! સાલ્લું કંઈ ટેન્શન જ નહિં! શું ખબર હતી બે વર્ષો પછી ચોપડીઓ વાંચવી પડશે. પેન્સિલથી નોટબુક ભરવી પડશે!

• એક ઘોડો હતો જેના ઉપર બેસવાનું અને ઝુલવાનું. આમ તો બીજા પણ રમકડા હતા પણ આ લાલ રંગની ખુરશી જેવો ઘોડો યાદ રહી ગયો.

• વર્ગમાં અમારે બધાએ નીચે બેસવાનું હતું. બેસવા માટે પટ્ટા પણ અમે જ પાથરતા. અમે એના કિનારે-કિનારે નીકળતા દોરાઓ તોડતા રહેતા.

• ચોક્કસ યાદ નથી પણ બારેક વાગે નાસ્તો અપાતો. અમને બધાને પ્લાસ્ટિકના વાડકા અપાતા. પેલી લક્ષ્મીને બહુ ચાંપલાઈ કરતી..જો મારો લાલ વાડકો....જો આજે મને લીલો વાડકો મળ્યો. એવઈયા પહેલાજ ઉઠીને વાડકા લેવા દોડી જતી. ત્યારે ખબર પડી કે એક વાર બેસી ગયા પછી ઉઠાય પણ ખરું અને વર્ગમાં આમ તેમ ફરાય પણ.પણ બાલમંદિરના ખૂણે ખુણા માં હું ફર્યો જ નહીં! જ્યાં એક વાર બેસાડી દીધો ત્યાં જ બેસી રહેતો.

• સમુહ પીપી ! બધ્ધા છોકરાઓએ લાઈનમાં મુતરડીમાં ઉભા રહેવું અને પીપી કરવાની! એક વાર મારા પગ પર કોઈએ કરી અને હું રડ્યો. બેને ચોકડીમાં પાણી રેડી આપ્યું હતું.

• બાલમંદિરના ચોકમાં જ કોલોનીના વિશાળ ગણપતિદાદા બેસાડાતા. એ દરમિયાન અમુક દિવસ પરદા પર ફિલ્મ બતાવાતી. આપની કલ્પના બહારની ભીડ જામતી. વરંડાઓ, અગાશીઓ, રોડ, બસસ્ટેન્ડ, મેદાન...બધું જ ભરાઈ જતું. મારા અને બીજા બધાના ઘરે પણ વરંડામાંથી 'પિક્ચર' જોવા ઓળખીતા-પાળખીતા ભરાઈ જતા. બધાજ ઉભા ઉભા આખી ફિલ્મ જોતા. રોડ પર બે થાંભલાઓ ઉભા કરાતા અને વચ્ચે પરદો લગાવાતો. રાત્રે નવ-દસ વાગ્યે થોડા ટેસ્ટીંગ પછી ફિલ્મ શરુ થઈ જતી. જોકે હું તો અરધેથી જ સુઈ જતો હતો! ફાઈટીંગ અને હીરોની એન્ટ્રી વખતે પડતી ભીડની ચિચિયારીઓ પણ મને ઉઠાડી શકતી નહોતી.
 
• રેડિયો! મને કહેવામાં આવેલું કે પેનાસોનિકનો આ રેડિયો ખાસ મારા માટે જ લેવામાં આવેલો. પપ્પાનો મહિનાનો અર્ધો પગાર એમાં વપરાઈ ગયેલો. બે મોટ્ટા સેલથી એ ચાલતો. હું એને ઘોડિયામાં લઈને જ સુતો. ક્યારેક બહાર ફેંકી પણ દેતો. જેના કારણે એ રેડિયો એક વાર બગડી ગયેલો. એમાંથી પપ્પાએ બે વાયર બહાર કાઢ્યા. એ બંને તાર જોડો તો જ રેડિયો ચાલુ થતો. વર્ષો સુધી એ ચાલ્યો. રાત્રે એને હું પથારીમાં લઈને ઉંઘતો. અગિયાર વાગે એ બંધ કરાતો. ટીવી તો હજી સુધી નહોતું આવ્યું. જે ગીતો મને આ સમયની યાદ દેવડાવે છે એ ગીતોની યાદી ઉપ્લબ્ધ છે!

• ટીવી પર રામાયણ જોવા માટે કોલોનીના છેક છેડે મમ્મી-પપ્પા જોડે જતો. ત્યાં મમ્મીના પિતરાઈ ભાઈ રહેતા. એમના ઘરે કલર ટીવી હતું! હું અચરજતાથી રામાયણ જોતો પણ કંઈ સમજ નહોતી પડતી. રામયણમાં લડાઈ આવે ત્યાં સુધી હું અને  હેમુ એના રમકડાં રમ્યા કરતા. થોડા સમય પછી ખબર પડી કે સાડા આઠથી જ ટીવી ચાલુ થઈ જાય છે અને એમાં કાર્ટુન આવે છે. પછી મીકી માઉસ અને ડોનાલ્ડ ડક બહુ ગમી ગયું.

• બીજા વર્ષે વર્ગ બદલાયો. સહેજ સાંકડો અને દરવાજો તદ્દન બહારની તરફ ખુલતો હતો. ત્યારે કોઈ લેવા ન આવ્યું હોય તો  ઘરે જાતે જ આવી જતો હતો. હું સિનિયર થઈ ગયો હતો! આવતી વખતે બસ્ટેન્ડની બેઠકો પર  ચઢીને જ આવવાનું.

(ક્રમશઃ)

No comments:

Post a Comment