સાલ મુબારક - ૨૦૧૫


બોસ...સાલ મુબારક! કેવી રહી દિવાળી? આપણે તો ભઈ ગઈ કાલે એલાર્મ મુકીને જ સુતેલા. આજે સવારે સુરજદાદા ઉગે ન ઉગે એ પહેલાં મોર્નિંગવૉક પણ નીકળી પડ્યા...જીન્સ અને શર્ટ પહેરીને જ સ્તો. અમે રહ્યા ઘુવડ. ખબર તો ખરી કે સવાર નામની સખી ખુબ જ સુંદર છે. પણ કેટલા બધા સમય પછી છેક આજે જોવા મળી.

આ છાપાંવાળા આપણને કેટલું બધં બીવડાવે છે નહીં...આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. ફલાણું થશે અને ઢીંકણૂં થશે. આટલું તો માત્ર સમાચાર અને જાણકારી. આ સિવાય પણ બાકીના પુર્તિઓમાં લોકો કેવા બદલાઈ ગયા છે, પહેલાં કેટલું સારું હતું, બોલિવુડની યુગો જુની તાજા ખબરો અને સૌથી ચટપટો વિભાગ ટીનએજની મૂંઝવણ અને એના ઉપાયો. ખોટા ખોટા અમારા દિમાગ ભરમાવી રાખ્યા છે. જબરજસ્તીનું 'જીકે' પણ કેટલું જરૂરી?

સમાચાર હું તમને આપું! આજના તાજ્જા સમાચાર એ છે કે સુરજદાદા પુર્વમાંથી ઉગ્યા છે. અને આજે બધા લોકોને વહેલી સવારથી કામકાજ અને સફાઈમાં લાગેલા (ખાસ કરીને નહાયેલા-ધોયેલા) જોઈને રાજીના રેડ છે. જોકે કદાચ રોજ જ રાજીના રેડ એટલે કે લાલ રંગના ઉગતા હોય તો ખબર નહિં. ગલીઓના અમુક ઘરોમાં ભજનની સીડી ગરબે ફરી રહી છે. મંદિરોમાં ભીડ લાગી ગઈ છે.અમુક આંગણાંમાં પાણી છંટાઈ ચૂક્યું છે અને રંગોળીઓને ફાઈનલ ટચ અપાઈ રહ્યો છે.  વિદેશી નસલના શ્વાનો પોતાના દેશી નસલના માલિકને લઈને લટાર મારી આવ્યા છે.

આજે સવારની ઝીણી ઝીણી ઠંડકનો રંગ પણ ગુલાબી છે. બાળકો હજીય સવાર-સવારમાં ફટાકડા લઈને લાગ્યા છે! એજ ઉમરના ગરીબ બાળકો સબરસ, ઢોલ વગેરે લઈને નીકળ્યા છે. આજે તો એમને પણ ઠીકઠાક બોણી મળી લાગે છે. આખો રસ્તો ફટાકડાના કચરાથી ભર્યો છે. એમાંથી ન ફુટેલા ફટાકડા વણી રહ્યા છે. પક્ષીપ્રેમીઓએ ચબુતરા બાજરાથી ભરી દીધા છે. કેટલાક ઘરોના આંગણામાં પણ બાજરી વેરાયેલી છે, પંખીઓ માટે પાણીની નાની નાની પરબો ભરાયેલી છે. કોઈક વળી પોતાની કાર, બાઈક વગેરે ધોઈ રહ્યા છે.

તો કુલ મળીને સૌ પોતાના નવા વર્ષને નવી ઉમંગથી વધાવી રહ્યા છે. આપનો દિવસ પણ આપ્તજનો અને મિત્રો સાથે વ્યસ્ત રહે, પ્રવાસમાં મજા પડે, અણધારી ખુશીઓ આવી ચડે એવી શુભેચ્છાઓ!

સાલ મુબારક, હેપ્પી ન્યુ યર!

No comments:

Post a Comment