બાળપણ


નાનપણથી મારી દુનિયા અતડી રહી છે. અમારા સમયમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, વિડીઓ ગેમ્સ વગેરે બહુ ઓછા હતા પણ દૂરદર્શન, વાર્તાની ચોપડીઓ, ચિત્રકામ વગેરેનું 'વ્યસન' ચોક્કસ રહેતું!

ઉપરાંત અનેક કુટેવો બીજી પણ હતી...બારી કે વરંડામાં ઉભા રહી બહાર જોતા રહેવું. દીવાલો પરની પોપડીઓમાં આકારો શોધવા, સિલીંગ ફેનને ફરતા જોતા રહેવું વગેરે. આ સિવાય ચંપક, ચંદન, ચાંદામામા, ચાચા ચૌધરી જેવી મીન રાશિની ચોપડી વાંચવાની પણ આદત હતી.

પણ હવે એ ચોપડીઓના પાન પીળાં થઈ ગયા છે. એની ગંધ પણ બદલાઈ ગઈ છે. ખબર નહિં આ સમય ક્યાં જતો રહેતો હશે. શું એ પણ જુનો થઈ જતો હશે? પીળો પડી જતો હશે? એની ગંઘ પણ જુના સામાન જેવી થઈ જતી હશે? કે પછી એ કશે રોકાઈને મારી રાહ જોતો હશે? હજી પણ એ અદ્દલો-અદ્દલ પહેલા જેવો જ હશે!?

ક્રિષ્ણએ ન કહ્યું હોત અને પરિવર્તન સંસારનો નિયમ ન હોત તો કેટલું સારું હોત ! જગતનિર્માણનો હેતુ હજી સુધી મને સમજમાં નથી આવતો. પણ હજી લાગે છે કે વિતેલા દિવસો ફરી પાછા આવશે. નદીના નીર વપરિત વહેશે. આપણે બધા ફરી એજ જુના માણસો વચ્ચે હોઈશું જે અત્યારે ઘરડા-ઘરડા દેખાય છે.
ફરીથી જીવવી છે આજ જીંદગી....બિલકુલ આવીજ રીતે!


 બાળપણ પર કોઈ નિબંધ તો નથી લખવો બસ સંસ્મરણો કોતરી લેવા છે. જેટલું યાદ છે એટલુ બધું જ. શક્ય એટલા રેફન્સ પિક્ચર અને મળે એટલા ફોટો સાથે!

• એક મસ્ત લાલ રંગની સાઈકલ હતી. આખી ફાઈબરની બનેલી. ઘરમાં ગોળગોળ ફરાવવાની મજા પડતી.

• દવાખાને લઈ જવા માટે નાની સફેદ થેલી હતી. એક વાર વરંડામાં બ્લેડ પડી હતી અને હું એનાથી રમવા લાગ્યો. ખબર પણ ન પડી અને આંગળી કપાઈ ગઈ. હું તો રમતો રહ્યો અને દિવાલ પર લીટી પાડી. પછી મમ્મી આવી ગઈ અને ગભરાઈ ગઈ. પપ્પા ઓફિસ હતા. મમ્મી એકલી જ દવાખાને લઈ ગઈ. મમ્મી ક્યારેય એકલી નીકળે નહી અને એને બધું ફાવે પણ નહીં. એટલે આ તો એની માટે મોટી વાત હતી.

• એ સમયમાં ઘરમાં બહુ જ ઓછું હતું. એક પલંગ, બે સરસ ફોલ્ડીંગ ખુરશીઓ અને અનાજ ભરવાનું પીપડું. બાકી બધો અસબાબ એક એક પછી ઉમેરાતો ગયો. સિલાઈ મશીન, ભંડારો, નવા પલંગ, શો-કેશ વગેરેનું આગમન હજીય યાદ છે.

• આ દરમિયાન ગામડાનો અનુભવ પણ થઈ ગયો હશે. છુકછુક ગાડીમાં મામા કે દાદાના ઘરે જવાનું, ગામડામાં વિજળી વગર રહેવાનું, કેરી ખાવાની, બળદગાડામાં બેસવાનું વગેરે. પણ દર વર્ષની યાદો 'ઓવર રાઈટ' થઈ જતાં બધું મિક્સ થઈ ગયું છે.

• તહેવારોના સંસ્મરણો, ઋતોઓના અનુભવો વગેરે પણ બહુ જ ખાસ! દિવાળીમાં તનકતારા, ચકરડી અને કોઠી..બસ આટલું જ. બીજા બધાની બીક લાગે! ફટાકડા ફુટે ત્યારે ભંડારામાં ભરાઈ જતો. બહુ જ ડર લાગતો! લાઈટના તોરણો લગાવાતા. એક વાર તો એવી સીરીઝ પપ્પા લાવ્યા હતા જેના પર મિ. પોટેટો હેડ જેવા દસ પાસ્ટિકના માથા હતા! પણ એ સીરીઝમાં સ્ટાર્ટર બલ્બ ન હોવાના કારણે લબક-ઝબક નહોતા થતા. એકધારા ચાલુ રહેવાથી બલ્બ ગરમ થઈ જતા હતા. આ કારણે પ્લાસ્ટિક તવાઈ જતું અને મિ. પોટેટો હેડ પહલીજ રાતમાં ખરી પડ્યા! પછી એમનો ઉપયોગ રમવામાં થયો.

• રમકડાનો એક કોથળો ભરાઈ ગયો હતો. ઢીંગલી, ઢીંગલા, જીપ, સ્કુટર, બસ, કાર, બંદુક વગેરે કેટલું બધું હતું! થોડાક વર્ષો પછી મમ્મીને બધું ભંગારમાં વેચવાનો શોખ ઉપડ્યો. એમાં ખાસ ખાસ રમકડાં રાખ્યા બાકી બધા રમક્ડા ગયાં. પપ્પા નોકરી માટે બહારગામ જઈ આવે એટલે હું રમકડું માંગી રાખું. પપ્પા લાવે જ. પછી તો એવી જીદ થઈ ગયેલી કે પપ્પા બારણું ખખડાવે એટલે કાણામાંથી જોવાનું. પપ્પા રમકડું બતાવે તો જ ખોલવાનું. હદ છે!

• એક દાદી પાસે થી થાંભલે ચડતો ઉતરતો વાંદરો લારીલપ્પાથી પપ્પાએ અપાવેલો!

• ગોધરાની ડ્યુટી પરતી આવતા ફાઈટીંગ કરતા બોક્સર લાવ્યા હતા!

• અમદાવાદથી ટક ટક કરતા ગોળા - લીલા-સફેદ. ટ્રેનનું એક એન્જીન પણ હતું. ડ્રાઈવરને આખો દબાવીને છોડો એટલે એન્જીન દોડે! પપ્પા છેતરતા બહુ હતા. મમ્મીને કહી રહ્યા હતા કે ઈલેક્ટ્રોનિક ટ્રેન પણ હતી. મેં કહ્યં કે મારી ગાડી ઈલેક્ટ્રોનીક કેમ નથી? તો કહે કે એમાં મશીન હતુ પણ સેલ ન નાખવા પડે એટલે કઢાવી નાખ્યું, આખી બાળપણ વિત્યું પણ એકેય સેલથી ચાલતું રમકડું ન મળ્યું. જોકે મને મળ્યા એટલા રમકડાં કોઈને મળ્યા નહિં હોય!

• પપ્પાનની એટલસ સાઈકલ હતી. મારી માટે એના પર તારથી બનાવેલી બાસ્કેટ લગાવેલી. એમાંય પાછું નેપકીન મુકી ને મને બેસાડતા.સુરસાગર, મંગળબજાર, માંડવી, લાલબાગ, શાક માર્કેટ વગેરે ફરવાનું મળ્યું. દરેકની અલગ અલગ યાદો ભેગી થઈ ગઈ. બે-ત્રણ વર્ષ પછી સાઈકલ પર લીલા રંગની નાનકડી સીટ જ ફીટ કરી દેવાઈ. બહુ ફર્યા, બહુ ફર્યા!


બાલમંદિરઃ

• બાલમંદિરના સંસ્મણો ઘણા છે. અમાર ઘરની તદ્દન સામેજ બાલમંદિર હતું. રોડ ક્રોસ કરીને ત્યાં જવાનું. પણ તકલીફદેહ હતું એક રૂમમાં સવારે ૧૦ થી ૨ પુરાઈ રહેવું. રડી રડીને મમ્મીને ત્રણ-ચાર મહિના સુધી જોડે જ બેસાડેલી! કલ્પનાબેને બેસવા એમને પણ દીધેલા. આજે આવું શક્ય ખરું? ત્યાં કામવાળા એક કાન્તાબેન હતા. સ્વભાવે ખુબ જ કડક, જોરથી બોલે, વઢે અને ક્યારેક મારેય. શિક્ષકોને એમના કારણે કોઈ છોકરાને મારવું નહોતું પડતું. એ બધા બસ કાન્તાબેનની જ ધમકી આપી દે અને આખો વર્ગ ચુપ!

• મોરારીબાપુની કથા સાંભળવા ૧૦ દિવસની રજા પાડેલી. પહેલી વાર આટલો મોટો પ્રસંગ જોયેલો. ત્યાં હું તો રમતો રહેતો. રામાયણ-મહાભારતની રંગીન સચિત્રકથાઓ વગેરે પણ ત્યાંથી લઈ આપવામાં આવેલી. એ દસ દિવસ પછી બાલમંદિર પાછું જવું બહુ જ અઘરું લાગેલું. કલ્પનાબેન વઢેલા પણ ખરા.
ગયા વર્ષે જ બાપુ વડોદરા આવેલા. એક-બે દિવસ જવાયેલું અને બાળપણની યાદો મહોરી ઉઠેલી!

• રમતોત્સવમાં એક પણ જગ્યાએ નામ નહોતું નોંધાવ્યું સિવાય કે લીંબુ ચમચી. એમાં પણ હું બારીમાંથી બહાર રમતો જોઈ રહ્યો હતો અને બેન જોઈ ગયા. જબરજસ્તી લીંબુ ચમચી અને જબેબી દોડમાં નામ નોંધાવ્યું. લીંબુ ચમચીનું યાદ નથી પણ મારાથી જલેબી પડી ગયેલી અને બેને બીજી જલેબી આપી હતી!

• આંતરીક પરીક્ષા વિશે કંઈ ખબર નહોતી. રજા પડી ગઈ હતી. બીજા દિવસે પપ્પા જોડે જ બેસેલા. કપ-રકાબીનું ચિત્ર પણ બનાવવાનું હતું. હું તો કપ-પ્લેટ જાણૂં. રકાબી શબ્દ મારા શબ્દભંડોળમાં નહોતો! પપ્પાએ દોરી આપી હતી!

• ઘરની સામ્મે જ કલ્પનાબેન જ સાંજે ચાર કે પાંચ વાગ્યે પોતાના ઘરની બહાર મમરાનું વિતરણ કરતા. યાદ છે ને પેલા મોટ્ટા મોટ્ટા ગોળ મમરા? વાડકો અને કાર્ડ લઈને જવાનું અને જોઈને રસ્તો ક્રોસ કરવાનો. એકલો તો ક્યારેય નહિ ગયો. મમ્મી કે પપ્પા જોડે જ. એક વાર બકુલી જોડે આવેલી પણ હું એક સાઈકલવાળા જોડે અથડાઈ ગયો અને એ મારી ઉપરથી જતો રહેલો એવું યાદ છે. ઘુંટણ છોલાઈ ગયા હતા.

• શાકભાજી વગેરે માર્કેટમાં જે કેરેટમાં આવે છે, એવા લાકડાનું કેરેટ એ સમયે ઘરે વરંડામાં મારા માટે મુકેલું. જેના ઉપર ચઢીને હું બહાર જોતો રહેતો. રોડ, બસ અને ઉગતો સૂરજ!

• સ્લેટપેનનો સ્વાદ ખરેખર અનેરો હતો! સ્લેટ પર પહેલો એકડો મમ્મીએ ઘુંટતા શીખવાડેલો. એને ઘુંટી ઘુંટીને ડોસો બનાવી દેવાતો! પછી બગડો-તગડો-ક-ખ વગેરે! આમ ધીમે ધીમે બધું આવડ્યું. બીજા વર્ષમાં પતરાવાળી સ્લેટ લઈ આપી. કેમકે પાછલા વર્ષમાં બે-ત્રણ તુટી ગઈ હતી.એના ઉપર સરખું લખાતું નહોતું. સ્લેટપેન સ્લીપ થઈ જતી હતી. લખો....બેનને બતાવો....ભૂંસી નાખો! સાલ્લું કંઈ ટેન્શન જ નહિં! શું ખબર હતી બે વર્ષો પછી ચોપડીઓ વાંચવી પડશે. પેન્સિલથી નોટબુક ભરવી પડશે!

• એક ઘોડો હતો જેના ઉપર બેસવાનું અને ઝુલવાનું. આમ તો બીજા પણ રમકડા હતા પણ આ લાલ રંગની ખુરશી જેવો ઘોડો યાદ રહી ગયો.

• વર્ગમાં અમારે બધાએ નીચે બેસવાનું હતું. બેસવા માટે પટ્ટા પણ અમે જ પાથરતા. અમે એના કિનારે-કિનારે નીકળતા દોરાઓ તોડતા રહેતા.

• ચોક્કસ યાદ નથી પણ બારેક વાગે નાસ્તો અપાતો. અમને બધાને પ્લાસ્ટિકના વાડકા અપાતા. પેલી લક્ષ્મીને બહુ ચાંપલાઈ કરતી..જો મારો લાલ વાડકો....જો આજે મને લીલો વાડકો મળ્યો. એવઈયા પહેલાજ ઉઠીને વાડકા લેવા દોડી જતી. ત્યારે ખબર પડી કે એક વાર બેસી ગયા પછી ઉઠાય પણ ખરું અને વર્ગમાં આમ તેમ ફરાય પણ.પણ બાલમંદિરના ખૂણે ખુણા માં હું ફર્યો જ નહીં! જ્યાં એક વાર બેસાડી દીધો ત્યાં જ બેસી રહેતો.

• સમુહ પીપી ! બધ્ધા છોકરાઓએ લાઈનમાં મુતરડીમાં ઉભા રહેવું અને પીપી કરવાની! એક વાર મારા પગ પર કોઈએ કરી અને હું રડ્યો. બેને ચોકડીમાં પાણી રેડી આપ્યું હતું.

• બાલમંદિરના ચોકમાં જ કોલોનીના વિશાળ ગણપતિદાદા બેસાડાતા. એ દરમિયાન અમુક દિવસ પરદા પર ફિલ્મ બતાવાતી. આપની કલ્પના બહારની ભીડ જામતી. વરંડાઓ, અગાશીઓ, રોડ, બસસ્ટેન્ડ, મેદાન...બધું જ ભરાઈ જતું. મારા અને બીજા બધાના ઘરે પણ વરંડામાંથી 'પિક્ચર' જોવા ઓળખીતા-પાળખીતા ભરાઈ જતા. બધાજ ઉભા ઉભા આખી ફિલ્મ જોતા. રોડ પર બે થાંભલાઓ ઉભા કરાતા અને વચ્ચે પરદો લગાવાતો. રાત્રે નવ-દસ વાગ્યે થોડા ટેસ્ટીંગ પછી ફિલ્મ શરુ થઈ જતી. જોકે હું તો અરધેથી જ સુઈ જતો હતો! ફાઈટીંગ અને હીરોની એન્ટ્રી વખતે પડતી ભીડની ચિચિયારીઓ પણ મને ઉઠાડી શકતી નહોતી.

• રેડિયો! મને કહેવામાં આવેલું કે પેનાસોનિકનો આ રેડિયો ખાસ મારા માટે જ લેવામાં આવેલો. પપ્પાનો મહિનાનો અર્ધો પગાર એમાં વપરાઈ ગયેલો. બે મોટ્ટા સેલથી એ ચાલતો. હું એને ઘોડિયામાં લઈને જ સુતો. ક્યારેક બહાર ફેંકી પણ દેતો. જેના કારણે એ રેડિયો એક વાર બગડી ગયેલો. એમાંથી પપ્પાએ બે વાયર બહાર કાઢ્યા. એ બંને તાર જોડો તો જ રેડિયો ચાલુ થતો. વર્ષો સુધી એ ચાલ્યો. રાત્રે એને હું પથારીમાં લઈને ઉંઘતો. અગિયાર વાગે એ બંધ કરાતો. ટીવી તો હજી સુધી નહોતું આવ્યું. જે ગીતો મને આ સમયની યાદ દેવડાવે છે એ ગીતોની યાદી ઉપ્લબ્ધ છે!

• ટીવી પર રામાયણ જોવા માટે કોલોનીના છેક છેડે મમ્મી-પપ્પા જોડે જતો. ત્યાં મમ્મીના પિતરાઈ ભાઈ રહેતા. એમના ઘરે કલર ટીવી હતું! હું અચરજતાથી રામાયણ જોતો પણ કંઈ સમજ નહોતી પડતી. રામયણમાં લડાઈ આવે ત્યાં સુધી હું અને  હેમુ એના રમકડાં રમ્યા કરતા. થોડા સમય પછી ખબર પડી કે સાડા આઠથી જ ટીવી ચાલુ થઈ જાય છે અને એમાં કાર્ટુન આવે છે. પછી મીકી માઉસ અને ડોનાલ્ડ ડક બહુ ગમી ગયું.

• બીજા વર્ષે વર્ગ બદલાયો. સહેજ સાંકડો અને દરવાજો તદ્દન બહારની તરફ ખુલતો હતો. ત્યારે કોઈ લેવા ન આવ્યું હોય તો  ઘરે જાતે જ આવી જતો હતો. હું સિનિયર થઈ ગયો હતો! આવતી વખતે બસ્ટેન્ડની બેઠકો પર  ચઢીને જ આવવાનું.

(ક્રમશઃ)

દોઢ ડહાપણ

મારી ટેવ દોઢ ડહાપણ કરવાની. લાઈટ-પંખા મોટા ચાલુ હોય તો બંધ કરી દઉં, ભલે ઘરના હોય કે ક્લાસ અને ઓફિસના. મને ખબર છે કે આ વિજળી બનાવવા કેટલા કોલસા અને ન્યુક્લિયર એનર્જી ખર્ચાય છે.

ગમે ત્યાં પાણીના નળ ચાલુ હોય તો બંધ કરી દઉં પછી ભલે એ મેં ન ચાલુ કર્યા હોય. ઘરે આવતું પાણી પીવાલાયક ગણાય. એનાથી આપણે વાસણ, કપડા, કચરા-પોતા કરીએ એ અલગ વાત છે. એટલે એનું ટીપે-ટીપું બચાવવુ જ જોઈએ એવુ હું માનું છું.

આવા દોઢડહાપણ કરવા બદલ કેટલાય લોકો ટોકે પણ ખરા. જોકે મારે બીજા કોઈથી વધુ નિસ્બત નથી. મારું એવું માનવું કે જેમ નફ્ફટ માણસો પોતાની નફ્ફટાઈ ન છોડે તો સારા માણસે પોતાનું સારાપણું કેમ છોડવું? એ લોકો પોતાના નફ્ફટાઈમાં નીતનવા અપડેટ્સ કરતા રહેતા હોય તો સારા માણસોએ પોતાની અચ્છાઈઓમાં વધારો કરતા રહેવાનો. બીજું શું? 

પણ એવા જ એક મિત્રને મારાથી કહેવાઈ પણ ગયું કે આપણે ખેડૂત છીએ. આપણને ખબર છે કે કેટલી બધી રાહ જોયા બાદ ગામડે વિજળી આવી, ડેમ બન્યા અને પાણી આવ્યુંં. આપણને ખબર હોવી જોઈએ કે પાણી અને વિજળીનું મુલ્ય શું છે?

આપણે બીજા જેવું નથી વિચારવાનું કે લાઈટબિલ અને પાણી વેરો ભર્યો એટલે આપણે એ પુરેપુરું વસુલ કરવાનું. આપણે ય હવે ખાધેપીધે સુખી થઈ ગયા હોઈ આવા નાના ખર્ચા આરામથી કરી તો શકીએ, પણ એસીની ઠંડકમાં બેસીને એ ભુલી ન જઈએ કે જે ભુમિએ આપણને આટલું બધું આપ્યું છે...આપણે એને કંઈ આપવાના બદલે એને સુકી-ભઠ્ઠ ન બાનાવી દઈએ. 

ડપકુંઃ 
સરકાર આ વર્ષે પણ ખેડૂત માટે બહુ ઈન્વેસ્ટ કરી રહી છે. ભુખ્યા ભ્રષ્ટાચારીઓ અને લુખ્ખા લુંટારાઓની દરમિયાનગીરી પછી થોડા-ઘણા, ઝીણા-ઝીણા ફાયદા મળશે એનો સંપૂર્ણ ઉપયોગ કરવો, કરાવવો અને કરવા દેવો! જે કોઈ ભાઈ-બહેન સરકારી ફિલ્ડમાં હોય...એ જરૂરી માહિતીઓનો પ્રચાર કરે એવી આશા!

સાલ મુબારક - ૨૦૧૫


બોસ...સાલ મુબારક! કેવી રહી દિવાળી? આપણે તો ભઈ ગઈ કાલે એલાર્મ મુકીને જ સુતેલા. આજે સવારે સુરજદાદા ઉગે ન ઉગે એ પહેલાં મોર્નિંગવૉક પણ નીકળી પડ્યા...જીન્સ અને શર્ટ પહેરીને જ સ્તો. અમે રહ્યા ઘુવડ. ખબર તો ખરી કે સવાર નામની સખી ખુબ જ સુંદર છે. પણ કેટલા બધા સમય પછી છેક આજે જોવા મળી.

આ છાપાંવાળા આપણને કેટલું બધં બીવડાવે છે નહીં...આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. ફલાણું થશે અને ઢીંકણૂં થશે. આટલું તો માત્ર સમાચાર અને જાણકારી. આ સિવાય પણ બાકીના પુર્તિઓમાં લોકો કેવા બદલાઈ ગયા છે, પહેલાં કેટલું સારું હતું, બોલિવુડની યુગો જુની તાજા ખબરો અને સૌથી ચટપટો વિભાગ ટીનએજની મૂંઝવણ અને એના ઉપાયો. ખોટા ખોટા અમારા દિમાગ ભરમાવી રાખ્યા છે. જબરજસ્તીનું 'જીકે' પણ કેટલું જરૂરી?

સમાચાર હું તમને આપું! આજના તાજ્જા સમાચાર એ છે કે સુરજદાદા પુર્વમાંથી ઉગ્યા છે. અને આજે બધા લોકોને વહેલી સવારથી કામકાજ અને સફાઈમાં લાગેલા (ખાસ કરીને નહાયેલા-ધોયેલા) જોઈને રાજીના રેડ છે. જોકે કદાચ રોજ જ રાજીના રેડ એટલે કે લાલ રંગના ઉગતા હોય તો ખબર નહિં. ગલીઓના અમુક ઘરોમાં ભજનની સીડી ગરબે ફરી રહી છે. મંદિરોમાં ભીડ લાગી ગઈ છે.અમુક આંગણાંમાં પાણી છંટાઈ ચૂક્યું છે અને રંગોળીઓને ફાઈનલ ટચ અપાઈ રહ્યો છે.  વિદેશી નસલના શ્વાનો પોતાના દેશી નસલના માલિકને લઈને લટાર મારી આવ્યા છે.

આજે સવારની ઝીણી ઝીણી ઠંડકનો રંગ પણ ગુલાબી છે. બાળકો હજીય સવાર-સવારમાં ફટાકડા લઈને લાગ્યા છે! એજ ઉમરના ગરીબ બાળકો સબરસ, ઢોલ વગેરે લઈને નીકળ્યા છે. આજે તો એમને પણ ઠીકઠાક બોણી મળી લાગે છે. આખો રસ્તો ફટાકડાના કચરાથી ભર્યો છે. એમાંથી ન ફુટેલા ફટાકડા વણી રહ્યા છે. પક્ષીપ્રેમીઓએ ચબુતરા બાજરાથી ભરી દીધા છે. કેટલાક ઘરોના આંગણામાં પણ બાજરી વેરાયેલી છે, પંખીઓ માટે પાણીની નાની નાની પરબો ભરાયેલી છે. કોઈક વળી પોતાની કાર, બાઈક વગેરે ધોઈ રહ્યા છે.

તો કુલ મળીને સૌ પોતાના નવા વર્ષને નવી ઉમંગથી વધાવી રહ્યા છે. આપનો દિવસ પણ આપ્તજનો અને મિત્રો સાથે વ્યસ્ત રહે, પ્રવાસમાં મજા પડે, અણધારી ખુશીઓ આવી ચડે એવી શુભેચ્છાઓ!

સાલ મુબારક, હેપ્પી ન્યુ યર!

બાહુબલી અને રામા

ધીવરા પ્રસારા શૌર્યભારા
ઉત્સ્થરા સ્થિર ગંભીરા...

બાહુબલીનું આ પ્રભાવશાળી વર્ણન ખુબ જ સુંદર રીતે ગીતમાં વણી લેવાયું છે. જો આપ રહેમાનનું 'યે હસીં વાદીયાં' સાંભળશો તો જણાઈ આવશે કે દક્ષિણમાં આ કક્ષાનું સંગીત તો વીસ-બાવીસ વર્ષો પહેલા જ રચાઈ ચુક્યુ છે. રહેમાનના યે હસીં વાદીયા' અને બાહુબલીનું આ ગીત એક જ સુર અને તાલ પર સજજ છે. આ રહ્યું થોડું મિક્સીંગ...


જો આપ દુરદર્શન પર દક્ષિણની ફિલ્મ કે ફિલ્મો માણી હોય તો આપને ખબર જ હશે કે દક્ષિણની ફિલ્મો કરૂણતા અને રીતી-રિવાજોથી ભરપુર હતી. સંગીત હોય કે ફિલ્મ ડિરેક્શન... સાઉથના ઈલિયારાજા, રહેમાન, મણિ રત્નમ, રામ ગોપાલ વર્મા, સંતોષ સીવન, શંકર, કમલ હસન, જેવા કલાકારોએ હિન્દી ફિલ્મોમાં ઉલ્લેખનીય કામ કર્યું છે અને 'હિન્દી સિનેમા' નું લેવલ ઉંચુ કર્યુ છે. 

આમ તો 1919-1920થી દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી લગભગ સાથે જ શરુ થઈ હતી. અને આજે બાહુબલી ફિલ્મ હિન્દી ફિલ્મો અને પોતાની જ ઓવર એક્શન ફિલ્મોને ટક્કર આપીને ક્યાંય આગળ વધી ગઈ.  ખેર...આ ફિલ્મ પણ હવે થિયેટરથી માંડ માંડ ઉતરી ગઈ છે. 

બાહુબલીમાં જે કલાકારો સિવાય જે દેખાડાયું છે...વિશાળ જળધોધ જેને જોઈને દર્શકો આફરીન પોકારી ઉઠે છે, મારે એના વિશે પણ વાત કરવી છે. બે વિષય કે વસ્તુ વચ્ચેનો કોન્ટ્રાસ્ટ (વિષમતા) જ કોઈ પણ કળાના મુખ્ય તત્વોમાંનું એક છે. જે ફિલ્મ અથવા કોઈ પણ આર્ટને વધુ રસપ્રદ અને આકર્ષક બનાવે છે

1 સાઈઝ કોન્ટ્રાસ્ટ 
બે વસ્તુઓ વચ્ચે કદનો મોટો/અત્યંત મોટો તફાવત દેખાડાવો. એક લાઈન મોટી બતાવીએ એટલે બીજી આપોઆપ નાની દેખાય. અથવા એક વસ્તુ નાની બતાવવી જેથી બીજી આપોઆપ વિશાળ દેખાય. 2 એસ્થેટીક કોન્ટ્રાસ્ટ
ફિલ્મોંમાં આપણને જંગલ કે ધોધ જેવુ ગમે કેમકે આપણે રોજિંદી જીંદગીમાં આ જોઈ શકતા નથી. સાચેસાચ આપણે ત્યાં ફરવા ગયા હોઈએ ત્યારે પણ આપણે સુંદરતા ઘણી ઓછી વખત/ઓછી માત્રામાં માણી શકીએ છીએ. જ્યારે ફિલ્મોંમાં આપણને એ ડિજિટલી વધારે સુંદર અને પરફેક્ટ કરીને દેખાડાયું હોય છે. આ કોન્ટ્રાસ્ટ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો છે. 

આમ કોન્ટ્રાસ્ટ એટલે કે વિષમતા/વિભિન્નતાને કેટલીય રીતે વિચારી શકાય. ઉદાહરણ તરીકે...ગામનો નાયક શહેરમાં આવે કે શહેરનો નાયક ગામમાં આવે, (i.g. The Proposal, Ong-Bak,) બે જુડવા ભાઈ હોય અને બંન્ને વચ્ચે જબરજસ્ત અંતર હોય (ફિલ્મ દીવાર, જુનું ગોલમાલ વગેરે ), એક ગરીબ છોકરી સ્ટ્રગલ કરીને મશહુર અભિનેત્રી બની જાય, ભિખારીને અબજોની લોટરી લાગી જાય...આવા તો અનેક ઉદાહરણ મોજુદ છે.જેમકે બાહુબલીમાં નાયક ધોધ સામે કુદતા કે ચાલતા બતાવે ત્યારે એને બને એટલો નાનો દેખાડાવો જેથી ધોધ વિશાળ લાગે. હોલિવુડની લગભગ દરેક ફિલ્મોમાં આ કોન્ટ્રાસ્ટ હોય જ છે. સીટી બિલ્ડીંગ્સ, પહાડ, ખુલ્લું મેદાન એથી પણ વધીને...વિશાળ રોબોટ, મહેલ, ડ્રેગન્સ વગેરે!

આ તો હજી દ્રાશ્ય/વિઝ્યુઅલ એટલે જોઈ શકાય એ વિષમતાઓ છે. પણ આ સિવાય સાઉન્ડમાં પણ અસંખ્ય શકયતાઓ રહેલી છે. જેમકે અચાનક શાંત વાતાવરણમાં જોશ થી ધડાકો/ચીસ સંભળાય અથવા અચાનક તોફાન બાદની શાંતિ/સન્નાટો થઈ જવો. 

હજી મારા અમુક મિત્રો અને ખુદ હું પણ આ ફિલ્મની અસરથી બહાર આવી શક્યો નથી!  અમે વારંવાર પેલું ગીત સાંભળીએ છીએ, ફિલ્મ જોઈએ છે, ખુબીની સાથોસાથ ખામી પણ શોધ્યા કરીએ છીએ. બોલિવુડ અને હોલિવુડ ફિલ્મો સાથે એને સરખાવીને જોઈએ છીએ. આપણે ત્યાં કશું નવું બને કે નહી એ ચર્ચાઓ કરીએ છીએ. 

અહીં હાસ્ય રસ ઉમેરવા માટે  લેખનું નાટ્યાત્મક રૂપ...હું બાઈક પ્રતીકના ઘર પાસેના નાકે ઉભું રાખું છું. સુભાષ હજી આવ્યો નહોતો. હું અને પ્રતીક વાતે વળગ્યા. અનામત અને આંદોલન વિશે ગંભીર વિચાર-વિમક્ષ કર્યા બાદ પાછા અમારા મનપસંદ મુદ્દે એટલે કે ''તારા વાળી અને મારા વાળી'' પર આવી ગયા. એટલામાં જતિન ટપક્યો, "અલ્યા, તમે બંનેવ અહીં શું કરો છો?"
"અલ્યા જતિનીયા કાલે તને કેટલા કૉલ કર્યા? #લ્લી, વહેલી ઉંઘી ગઈ'તી કે શું? "
"ના લ્યા શ્રિયાને જોવા ગયો હતો.  "
"કોની શ્રિયા લ્યા? પેલી પિંકીને છોડી દીધી કે શું?"
"અબે....એટલે કે દ્રશ્યમ...તુ પણ શું!" 
અમે બધા હસવા લાગ્યા. 
"હજી કેટલી વાર જોવા જઈશ? 
"અલ્યા તું જો તો ખરો એ પિક્ચર...કેટલું સસ્પેન્સ અને જબરજસ્ત સ્ટોરી છે બાપ્પુ!" 
"તને એકવારમાં સ્ટોરી સમજ નથી પડતી?" પ્રતીક એની ટાંગ ખેંચી રહ્યો હતો. 
"બસ હોં કે...તેં જોયું નથી લાગતું દ્રશ્યમ. આ સાઉથની ફિલ્મો પણ સ્રરસ હોય છે."
"અબે જાને...અડધી તો નકરી ફેકું ફિલ્મ હોય છે. બાકીની પણ ઠીક જ હોય છે."
"કેમ બાહુબલી પોંચ વાર નહોતી જોઈ આવી?"
"એની વાત અલગ છે યાર.." પ્રતીક ખોવાઈ ગયો...."શું ફિલ્મ હતી યાર, હજી ચાલતી હોત તો જોવા જાત."

હવે મેં પણ મારો મલ્હાર છેડ્યો, "આપણી ગુજરાતી ફિલ્મો પણ આવી ક્યારે બનશે?"
"હજી વાર લાગશે બકા...વાર લાગશે" જતિન પુચકારતો બોલ્યો. 
"કેટલી વાર યાર..કેટલી વાર?"
"તો તું જાતે બનાવી દે!"
"હા યાર.." પ્રતીક બોલ્યો, "તુ કંઈ કર. તુ કંઈ કરી શકે છે."
"અબે જા" મેં એને ટોક્યો, "ક્યાં મને ચણાના ઝાડ ઉપર ચડાવે છે!"
"ખરેખર યાર..તું બધુ અવનવું કરતો રહે છે ફોટોગ્રાફી, વિડીયો એડિટીંગ વગેરે....તું ચોક્કસ ફિલ્મ બનાવી શકે છે!" પ્રતીક દયામણૂં મોઢું બનાવતો બનાવતો બોલી રહ્યો હતો. મનમાં ફુલાઈ પર રહ્યો હતો અને હસવું પણ આવી રહ્યું હતું! "તમે દોસ્તો પણ જબરા હોવ છો હોં...કોઈ દોસ્તને બાથરુમમાં નહાતો સાંભળો એટલે એને ઈન્ડીયન આઈડલ માં જવાની સલાહ આપી દો છો. જરા ગિટાર વગાડાતા જોઈ જાવ તો પ્રિતમ ચક્રવર્તી બની જવા કહો છો, કોઈ ગણપતિ વિસર્જનમાં જરાક સારું નાચે એટલે એને ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જવા માટૅ ઉકસાવો છો. કોઈક ગલીમાં શેરી નાટક કરતું હોય તમે એને....." 
"બસ બસ હવે." પ્રતીક મને અટકાવતા બોલ્યો, "અમારા જેવા દોસ્તોના કારણે જ તો તમારા જેવા લોકો આગળ આવે છે."
"હા દોસ્ત." હવે જતિન માથુ હલાવી રહ્યો હતો. પ્રતીક અને હું એને જોઈ રહ્યા હતા, અમને લાગ્યું કે એ કંઈ ઈન્ટ્રેસ્ટીગ બોલશે. કશું ના સુઝ્યું તો બે-ત્રણ જતિન માથું હલાવ્યા બાદ બોલ્યો, "તું કંઈ કર."
મારી અને પ્રતીકની હટી. 
અચાનક એને કંઈક યાદ આવ્યું હોય એમ એ ફિટ જિન્સના ખિસ્સામાંથી માંડમાંડ મોબાઈલ કાઢીને અમને બતાવવા લાગ્યો, "જો...જો...બાહુબલીનું મેકિગ."

"ઠીક છે. અડધી ફિલ્મ તો હવે કોમ્પ્યુટર પર જ બની જાય છે." પ્રતીક ઈર્ષાથી બબડ્યો.
"કશું જ નથી બોસ...સાવ ઈઝી છે. આ સોફ્ટવેર તો મારી પાસે ક્યારનુંયે ડાઉનલોડ કરી રાખ્યું છે." જતિનીયો પણ જબરો હોં! 
"અલ્યાઓ...સોફ્ટવેર કે કોમ્પ્યુટરની ક્યાં મા-બેન કરો છો?" હવે હું અકળાયો, "આ તો સાઉથમાં વર્ષોથી ચાલે છે. હોલીવુડની ફિલ્મો પણ ત્યાં રેન્ડર થાય છે, એડિટીંગ થાય છે!" 
"તો?"
"તો શું? સોફ્ટવેર કે કોમ્પ્યુટરથી કોઈ વધારે ફરક નથી પડતો બોસ! આ તો મોટું બજેટ હોય તો પોસાય. બાકી નાની ફિલ્મમાં પણ આવું ઓછા પૈસામાં બની શકે."
"ના હોય!"
"ના શું હોય....મેઈન તો ફિલ્મનો કોન્સેપ્ટ જ છે ને?"
"વાહ દોસ્ત, તો તું એક કામ કર...તારા બ્લૉગ પર અને ફેસબુક પર આ બધું લખ."
"ઓ ઓ ઓ ઓ ઓ ..." મેં કપિલની પેલી પલકની જેમ એને રોક્યો, "મને ફિલ્મના ક્રિટીક નથી બનવું ફિલ્મો વિશે વાતો જ નથી કર્યા કરવી....મારે ડિરેક્ટર બનવું છે, ફિલ્મો બનાવવી છે!"
"તો એક કામ કર ને યાર...." જતિને વણમાંગી સલાહ આપી, "ગુજરાતી ફિલ્મ બનાવ."
"ગુજરાતી?"
"હા ગુજરાતી. એ લોકો ને કહે કે બાહુબલી જેવી પ્રાદેશિક ફિલ્મ બોલિવુડને ટક્કર આપી શકતી હોય તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શું કંઈ ઉકાળી ન શકે?"
"અરે ના દોસ્ત!" મેં કહ્યું, "ગુજરાતીમાં ફિલ્મ બનાવું?"
"તો શું છે? એ આપણી માતૃભાષા નથી? પ્રાદેશિક ફિલ્મો સારું નથી કરતી?"

અમે ત્યાંથી છૂટા પડ્યા બાદ વિચારો મનમાં ફરતા રહ્યા. મૃત્યુદ્વંદ પછી બાહુબલી જેવી મારી પાસે તો એક જ વાર્તા હતી. રેવુ... કે જેનું નામ મેં બદલીને રામા કરવાનું વિચારેલું. આ વાર્તા તો બાહુબલી કરતા પહેલાજ તો બ્લૉગ પર પ્રદર્શિત થઈ જ ગઈ છે ને....તો એનું ફિલ્મ મેકિંગ કેમ નહી? 

આમ સપનાઓ પેલા બાહુબલીના જળધોધની જેમ વહેતા ગયા....
આ દરમિયાન એનું નાકકડું ટીઝર ટ્રેલર પણ બનાવ્યું...મારી પાસે આ બધી વસ્તુઓ શુટ થાય એવી નહોતી એટલે કોમ્પ્યુટર પર જ એનિમેશન બનાવ્યું છે. જે અસલી બની શકે છે. વિશ્વાસ કરજો અશક્ય કશું જ નથી!  નોકરીમાંથી સમય કાઢીને વધુ કામ કરી જોઈશ! ફિલ્મ મેકિંગના કોન્ટ્રાસ્ટ સિવાય બાકીના એલિમેન્ટ વિશે ફરી ક્યારેક...


(નોંધઃ રેવુ એટલે કે રામાની કહાણીમાં સમાજનો એક 'કાલ્પનિક વર્ગ' નીચો અને ઉપેક્ષિત બતાવાયો હતો. રેવુ/રામા એ ઉપેક્ષાઓને પાર પાડી આગળ વધે છે. આજકાલ અનામત વગેરેના ઉગ્ર આંદોલનો ચાલે છે માટે કોઈએ બંધ બેસતી પાઘડી ન પહેરવા નમ્ર વિનંતી છે! )

કુતરો

નસકોરાં ફુલાવતો માણસ ગલીમાં ઘુસ્યો. રાતીચોળ આંખો વડે આમતેમ જોવા લાગ્યો. દુર બાઈક પાસે એક કુતરો સુતો હતો.

"ઉભો રે, બેટા." બબડતો માણસ આગળ વધ્યો. એનો એક હાથ પાછળની તરફ હતો અને ધીમે ડગલે કુતરા તરફ જઈ રહ્યો હતો. કુતરો પોતાની રાતપાળી પુરી કરીને થાક્યો પાક્યો સુઈ રહ્યો હતો. એની તદ્દન નજીક જઈને પેલા માણસે પીઠ પાછળ સંતાડેલો ડંડો કાઢ્યો. સહેજ અવાજ સાંભળીને કુતરો જાગી તો ગયો. પણ કંઈક સમજે તે પહેલા એને જોર થી "સટાક" કરતો ડંડો વાગ્યો.

વાઊં...વાઊં...વાઊં...કરીને રડતા રડતા કુતરા ભાગવાનો પ્રયત્ન તો કર્યો. પણ પહેલાં ફરી એક ડંડો એની પીઠ પર પડ્યો. જાણે પ્રાણ નિકળી ગયા હોય એમ કુતરો બરાડી ઉઠ્યો અને ગલીમાં આમ થી તેમ ભાગવા લાગ્યો.

"કોણ છે?"
"શું થયું"
કેટલાય અવાજો આવ્યા અને બપોરે આરામ કરતા લોકો ઉઠીને વરંડામાં આવી પહોંચ્યા. બારીઓ ખુલી ગઈ. એમણે બધાએ જોયું કે એક માણસ ડંડો લઈને કુતરાના જીવ પાછળ પડ્યો છે. રાડારાડ કરતો કુતરો અને એની પાછળ પેલો માણસ ગલીના નાકે સુધી દોડ્યા. ત્યાંથી કુતરો વળીને પાછો ગલીમાં આવ્યો.

"અરે ભાઈ...." એક લુંગીવાળો બરાડ્યો, " શું કરે છે?"
"અરે કુતરાને કેમ મારો છો?" એક બેન પણ બોલ્યા.

કુતરો જ્યારે પાળી કુદીને બીજી તરફ જવા ગયો પહેલા પેલા માણસે ડંડાનો છુટો ઘા કર્યો. કુતરો ફરી વાઊં...વાઊં..કરીને અકળાઈ ગયો. અને બીજી તરફ કુદી ને નાઠો.

"અલ્યા,ગાંડો થયો છે કે શું ?" પોતાની લુંગી ઉઠાવતા પટેલકાકા બોલ્યા.
" કુતરાએ મારી નાનકડી છોકરીને બચકું ભર્યું છે." પેલો માણસ ગુસ્સાથી થરથરી રહ્યો હતો.
"તો શું થયું? તો કુતરો છે!" પટેલકાકા લુંગી બાંધતા બોલ્યા.
"એનામાં એટલી બુદ્ધિ થોડી હોય?" કોક વચ્ચે બોલ્યું.
"બિચારા કુતરાને કેટલું માર્યું!" એક બેને શોક પ્રકટ કર્યો.
આવા પ્રતિભાવથી પેલા માણસનો ગુસ્સો બમણો થઈ ગયો.
" તમારો કુતરો છે?" એણે બેન તરફ આંગળી કરી ને પુછ્યું.
"...ના...મારો તો નથી...પણ..." બહેન મુંઝાયા.
"એનો નથી મારો છે બોલ." વચ્ચે એક જાડિયો બોલ્યો.
"તારો કુતરો છે?"
"હાં."
"તારો કુતરો છે?"
"હાં. બોલ મારો છે."
"તારો કુતરો છે તો એને બાંધીને કેમ નથી રાખ્યો?"
"તારે શું કરવું છે?"
"એણે મારી પાંચ વર્ષની છોકરીને બચકું ભર્યું છે. જો તારો કુતરો હોય તો લાવ પાંચ હજાર."
"શેના.....પાંચ હજાર?" હવે પેલો જાડિયો મુંઝાયો.

ધીમે ધીમે ભીડ જમા થવા લાગી.

" કુતરો તારો નથી. ગલીમાં રહેતો રખડેલ કુતરો છે. આવતા-જતા લોકો તરફ ભસે છે અને દોડે છે...અને તમે બધા મળીને એનો પક્ષ લો છો? ભગવાન ના કરે પણ જો તમારા કોઈ ફેમિલી મેમ્બર ને કરડે તો?"
"કુતરાને સારા-ખરાબની શું ખબર પડે? જવા દો, તો જાનવર છે."
"પણ આપણે તો માણસ છીએ ને?"
"કુતરો માણસથી પણ વધારે વફાદાર હોય છે." એક બહેનની ગાડી બીજા પાટે ચાલી.
" તમારી છોકરીને કરડ્યો, તમે એને ડંડો માર્યો....બસ? વાત બરાબર."

"શું હમણાં કહું... બરાબર?" માણસનો તાડૂક્યો, " ગાડીઓ પાછળ આખો દિવસ દોડ્યા કરે છે, ગયા અઠવાડિએ પેલા કાકાને નહોતા પાડ્યા? એમને માથે નહોતું વાગ્યું? જરા વિચારો માણસ મરી જાત તો? "

"મર્યા તો નહિં ને?" પટેલકાકાએ મમરો મુક્યો.
"અલ્યા ભગત...કોઈ મરશે ત્યારે અકલ આવશે? બે દીધી હોય ને તો પાપ ના લાગે." પેલા માણસનો ખરેખર પીત્તો ગયો.
"મોઢું સંભાળીને વાત કર....જાણે છે તું કોની જોડે વાત કરે છે?" પટેલકાકો ખીજવાયો.
"હાં તારી જોડે કુતરા સા#...."
"તુ કુતરો, તારો બાપ કુતરો...." બરાડાતા પટેલકાકા આગળ વધ્યા પણ બે જણે એમને પાછળ ખેંચી લીધા, "છોડો...છોડો મને, કઉં છું..."
" કુતરો આટલો બધો ગમતો હોય તો ઘરમાં કેમ નથી રાખતા."
"હાં, સાચું કહે છે ." ભીડમાંથી કોઈ બોલ્યું.
"હાં સાચી વાત છે. મારીને ભગાડો કુતરાને." બીજો બોલ્યો
"અથવા કૉર્પોરેશનમાં ફરિયાદ કરો." ત્રીજો સુર ઉમેરાયો.
" કુતરો હવે દેખાયો છે તો ખેર નહિં."
"કોઈ હાથ તો લગાવે કુતરાને." પટેલકાકા ગુસ્સામાં બોલ્યા.
"કુતરાને તો શું તમને બધાને પણ ઠીક કરી દઈશું." કહેતાક એક ત્રાસેલા ભાઈએ 'સટાક' દઈને પટેલકાકાને તમાચો ઠોકી દીધો.

પછી જોવાનું શું? આખી ભીડ મારામારી પર ઉતરી આવી.
***
ગલીની બહાર પેલો કુતરાને બીજા કુતરાઓએ જોઈ લીધો. બધા એની પાછળ દોડ્યા. દુર દુર સુધી ઝગડાની બુમાબુમ અને કુતરાઓનો ભસવાનો અવાજ ગુંજતો રહ્યો!