૩ પ્રેમપત્રો



(૧)

કામના,

તને શું કહી સંબોધું એ હજી સુધી નક્કી કરી શક્યો નથી. પ્રિય અથવા પ્રિયતમ લખું તો તું ચોક્કસ જ હસીશ અને મને પાગલ સમજીશ. વળી એ સંબોધન કેટલું જુનવાણી લાગશે! હું તને 'મારી કામના' કહીને સંબોધી શકું એટલો હક મને આપીશ? બસ તને આટલું જ પૂછવા આ પત્ર લખી રહ્યો છું. આની સાથે તું આ પત્રનો અર્થ પણ સમજી ગઈ હોઈશ ને? હા,આ એક પ્રેમપત્ર જ સમજ. એક છોકરો પોતાના મનનો હાલ વર્ણવતો પત્ર છોકરીને લખે તો એને પ્રેમપત્ર જ કહેવાય ને!

હું તને ચાહું છું. બસ આટલી જ વાત છે. આ નાની અમસ્તી વાતે મારી જીંદગી બદલી નાખી છે. મને હમણાં ખબર પડી કે હું પહેલા કેટલો એકલો હતો. હું સમજી જ નહોતો શકતો કે જીંદગીમાં મને શું ખુટે છે. હું કદાચ દિવસો પસાર કરી રહ્યો હતો. જ્યારે તને પહેલી વખત જોઈ ત્યારે તું સામાન્ય છોકરીઓ કરતાં કંઈક અલગ લાગી. ધીમે ધીમે તું મને ગમવા લાગી. મારો પ્રેમ કંઈ પહેલી નજરનો પ્રેમ નથી અને બહુ સમજી-વિચારીને કરાયેલો પ્રેમ પણ નથી. આ સમય મારા માટે સોનેરી સમય છે. હમણાં હું જેટલો ખુશ છું એટલો ખુશ હું ક્યારેય થયો નથી.

બહુ 'હું - હુ' થઈ ગયું નહિ?! ખરેખર કહું તો આ 'હુંપણું' લાગણીઓની ભીનાશમાં ક્યાંયે ઓગળીને શૂન્ય થઈ ગયું છે. મારી પાસે તારા શમણાઓ સિવાય કશું બચ્યું જ નથી. પ્રેમમાં પાગલ થઈ જનારા કદાચ પોતાના સાથીના પ્રેમની માંગણી હકથી કરે છે. પણ હું જાણું છું કે કોઈને આવો હક નથી હોતો. એ બધું તારા ઉપર નિર્ભર છે કે તું મારૂં શૂં કરે છે. તું ના પાડે તોયે હું વર્ષો સુધી તને ચાહતો રહીશ એ વાત નક્કી છે, અને જો હા પાડે તો આજન્મ તારો બનીને રહીશ.

બસ તને મનની વાત કહેવાની ઉતાવળ હતી પણ તારા જવાબની કોઈ ઉતાવળ નથી. હું રાહ જોતો રહીશ.

- વસંત

(૨)

કામના,

હું તને મારી તો ન જ કહી શકું કેમ કે 'મારૂં' નો અર્થ 'હું' થતો નથી! તું ચોક્ક્સપણે મારામાં કશે ઓગળી ગઈ છે. હું તને શોધતો ફરતો રહું છું અને તું મારી અંદર મને મળી જાય છે. આંખો બંધ કરૂં ને તું દેખાઈ જાય છે. હું મારી ચારેય તરફ તને જોઈ રહ્યો છું. તું કહીશ કે આ બધા પાગલપણાના અણસાર છે. હશે. હું તારો ભક્ત બની ગયો હોઉં અને તું મારી દેવી બની ગઈ હોય એમ તારી લગન લાગી ગઈ છે. તું મને ચોક્ક્સપણે મળીશ જ. તું મારી જ થવાની છે અને આપણું નસીબ પહેલાથી લખાઈ ચૂક્યું છે એનો મને આભાસ થવા લાગ્યો છે.

મને ખબર છે કે હું તને દૂરથી જોતો રહું છું એ તને ગમે છે. તને જોઈને મારો આખો દિવસ સુધરી જાય છે. જે દિવસે તું દેખાતી નથી....મને લાગ્યા કરે છે કે મેં તને આજે જોઈ તો ખરી! દરેક છોકરીનો આવો કોઈને કોઈ પાગલ ચાહક તો હોય જ છે, પછી ભલે એ છોકરીને આ વાતની ખબર હોય કે ન હોય. એટલે મારો પ્રેમ કંઈ બહુ મોટી વસ્તુ નથી. તું છે જ એટલી સારી કે કોઈ પણ તને આટલો બધો પ્રેમ કરી શકે!

આ અગાઉ તને એક પત્ર લખ્યો હતો પણ તને પહોંચાડવાની હિંમત ન કેળવી શક્યો. તું અચાનક જ સામે આવી ગઈ અને હું ઔપચારિક-અનૌપચારિક વાતોમાં અટવાઈ ગયો. વળી તારો હસતો ચહેરો જોયો અને મને થયું કે તને પત્ર આપીને મુંઝવણમાં નથી મુકવી. ખબર નહિ કેમ હું રોકાઈ ગયો. પછી મને બહુ અફસોસ થયો કે કેમ મે આ તક ગુમાવી! ફરીથી તને આવી રીતે પત્ર આપવા મળું પણ જો કોઈ જોડે હોય અથવા તું મને રસ્તે મળે જ નહિ એવું બની શકે. પણ હવે હું આ અને પહેલાનો લખેલો અને આ એમ બંને પત્રો મારી પાસે જ રાખીશ અને જ્યારે તક મળે ત્યારે તને આપી દઈશ.

- વસંત

(૩)

કામના,

દરેક માણસ સપના તો જોતો જ હોય છે. મારા જેવા ગરીબ માણસ પાસે સપના સિવાય કશું જ નથી. કદાચ એટલે જ હું સચ્ચાઈ જોવા નહોતો ઈચ્છતો. સચ્ચાઈ. એ એક દેખીતી વસ્તુ તો હોય છે! કે જેના ઉપર મન વિશ્વાસ નથી કરવા માંગતું.

આજે સવારે જ્યારે હું ઉઠ્યો, રોજની જેમ હસી ન શક્યો. મને લાગ્યું કે હું પાછલા ત્રણ વર્ષ સુતો જ રહ્યો હતો. આજે વર્ષો પછી આંખ ખુલી તો એજ ખાલી, સૂની-સૂની જીંદગી દેખાઈ. હજી તારા પગલાં સુકાતા વાર લાગશે ત્યાં સુધી ટાઢક રહેશે. પછી જીંદગી તપવા લાગશે અને મન બળવા માંડશે.

વિશ્વાસ નથી થતો કે તારા લગ્ન નક્કી થઈ ગયા છે. હું વિચારૂં છું કે આમાં વિશ્વાસ ન કરાય એવું શૂં છે? દરેક છોકરીના લગ્ન તો થાય જ ને! પછી હું વિચારૂં છું કે હું કેમ નહિ? પછી વિચારૂં છું કે હું તને ક્યાં કશું કહી શક્યો છું? પછી વિચારૂં છું કે મારા જેવા બીજાય હશે તો? તું મને ના પાડી દેત તો? હું તને ખુશ નહિ રાખી શકું તો? તારા મનમાં મારી માટે પહેલાથી જ કશું નહિ હોય તો?

તને લખેલા બે પત્રો આપવા હું આવ્યો અને મને તારા લગ્નની વાત મળી. મને લાગ્યું કે ઝડપથી દાદરા ઉતરતા એકાદ પગથિયા ઉપરથી મારો પગ લપસી ગયો. મારો સપનાનો તાજમહેલ શેખચીલ્લીનો મહેલ પુરવાર થઈ ગયો. તને પામવાના સપના ઉપર હસવું આવે છે. હું કેટલો પાગલ હતો!

ખેર, ખબર નહિ કેમ પણ મને લાગે છે કે આ પત્રો મારે તને પહોંચાડવા જોઈએ. તારે એક વખત મારા મનની વાત જાણવી જોઈએ. તારી બહેનપણીને પત્રો પહોંચાડવાનું કહીશ. તારા હાથોથી આ પત્રો ફાટે એ જરૂરી છે કેમકે જો પત્રો તારા સુધી નહિ પહોંચે તો હું ખાલીખોટ્ટા વર્ષો સુધી સાચવી રાખીશ!

હું તો સપનાઓમાં તને જોઈને ખુશ રહીશ, તું ખરેખર ખુશ રહેજે.

- વસંત

10 comments:

  1. સુંદર પત્રો. ખીલતો અને કરમાતો એકતરફી પ્રેમ... અને શરૂ ન થયેલી પ્રેમકહાનીનો દુઃખદ અંત...

    પ્રેમનો પહેલો પત્ર લખતા પહેલા પ્રેમીએ એકવાર જગજીત'જીનું... "પ્યાર કા પેહલા ખત લીખને મે વક્ત તો લગતા હૈ...♫ ♪ ♫..." ગીત ચોક્કસ સાંભળવા જેવું છે.

    'વસંત'ને આ પત્રો ભલે કામ ન આવ્યા પણ નવા ઉગતા કોઇ પ્રેમીને પ્રેમ-પત્ર લખતી વખતે મદદ મળશે તોયે 'વસંત'નો પ્રેમ ખીલી ઉઠશે..

    ReplyDelete
    Replies
    1. જગજીત સાહેબના ગીતો ગઝલો ઓફિસમાં વાગતા જ હોય છે એટલે એ ગીત ઘણી વખત સાંભળીએ છીએ.

      મારૂં ધ્યાન અલંકારી ભાષા, વ્યાકરણનું ગણિત અને શબ્દો/શબ્દપ્રયોગોની ગોઠવણ કરતાં વાર્તામાં વધારે રમતું રહે છે. જે કારણે એ લેખનકળા બાબતે હું કાચો પડતો હોઈશ.

      આપની અમુલ્ય ટીપ્પણી બદલ ખુબ ખુબ આભાર દર્શિતભાઈ!

      Delete
  2. આ કદાચ (કદાચ નઈ, પાક્કું) મેં વાંચેલો પ્રથમ પ્રેમ પત્ર છે...... ખરેખર, awesome છે.....પાણી ની જેમ લાગણીઓ નો વહાવ થયો છે.....ગમ્યું.... :)

    ReplyDelete
    Replies
    1. આભાર ભાઈબંધ! મે પહેલી વાર પ્રેમપત્ર સ્કૂલમાં એક સિનિયરનો જોયો હતો, બોસ....કશુંય સમજ નહોતી પડી!

      Delete
  3. પ્રણયોર્મીની સરસ રજૂઆત.

    ReplyDelete
  4. સાહેબ મને તમારા પ્રેમ પાત્રો વાંચતા જ મારો ભૂતકાળ મારી સામે આવ્યો પણ મારી નસીબ એ મને સાથ નાં આપ્યો અને મારી પુર્વપત્ની (પ્રેમિકા) એ ઘરનાં દબાણ થી કે અન્ય કોઈ કરણ થી મારી જોડે કોન્ટેક્ટ બંધ કરી નાખ્યો અને બીજે એને મેરેજ પણ કરી નાખ્યા આજે આ વાત ને ૯ મહિના થયાં પણ હુ હજુ એની જ રાહ જોવું છું..... મને અપના આ પ્રેમ પાત્રો બહુજ ગમ્યા અને આવા જ પ્રેમ બાકી રહ્યો હોય એમનાં માટે સારા છે...

    ReplyDelete
  5. અફસોસ છે ભાઈબંધ! પણ સાચું કહું તો પ્રેમ પ્રસાદ જેવો છે. જો કોઈ લીધા વગર જતું રહ્યું તો એના નસીબ ખરાબ, બાકી પ્રસાદ તો આપણી પાસે જ રહેવાનો. જો કોઈને એ બાકી પ્રસાદ આપીએ તોય એટલો જ મીઠો અને ખાસ કરીને 'પવિત્ર' જ રહેવાનો! પ્રાર્થું છું કે આપનો પ્રસાદ પણ યોગ્ય પાત્ર સુધી પહોંચે!

    ReplyDelete
  6. ભાઈ આ તમારા પત્રો ની ચોરી થઈ છે કોઈક એ ઇન્સ્ટા માં પોતાનું નામ લખી ને આ પત્ર મૂક્યા છે

    ReplyDelete