રાવણ

માનવજાત અસ્તિત્વમાં આવી ત્યારથીજ પોતાને સર્વોત્તમ માનતી આવી છે અને બહુ જલ્દી પોતાને સર્વોપરી પણ માની લીધા છે. હાસ્તો, આપણે સહુથી નાના સૂર્યમંડળના એક નાનકડા છરા ઉપર અધિપત્ય જમાવી લીધું એ કેટલી મોટી ધાડ મારી કહેવાય!

માણસ વિચારતો થયો ત્યારથી કેટલું બધું વિચાર્યા કરે છે. મન પણ દરેક સારી વાતમાં ખરાબી અને ખરાબ વસ્તુમાં અચ્છાઈ શોધ્યા કરે છે. એકદમ કોરા કાગળ ઉપર શાહીનું એક કીડીની આંખ જેવડું ડપકું તરત નજરમાં આવી જાય છે. જ્યારે આખો કોરો કાગળ ધ્યાન બહાર રહી જાય છે. એથી ઉલ્ટું. કોઈ ગુંડાની મર્દાનગી અથવા આવારગી બધાને આકર્ષે છે અને સાચા માણસના કામ કંટાળાજનક લાગે છે. આમ તો મન પોતાને ચોર નથી માનતું અને કેટકેટલી ખરાબી સિતફપૂર્વક નજરઅંદાજ કરી નાખે છે. પોતે પોતાની સગવડ માટે નિયમો બનાવ્યા છે અને પોતે જ એ નિયમ તોડવાની પણ કોશિશ કરે છે. જો જુઠું બોલવા જેવી નાનકડું પાપ જ આપણે ગણવા બેસીએ તો દિવસમાં ઓછામાં ઓછા દસ જુઠાણાં તો પકડાય જ. જો કોઈ ખુબ જ મોટું જુઠું બોલવાનું હોય ત્યારે જ ગીલ્ટી ફીલ થાય. એ ગીલ્ટમાં પકડાઈ જવાની અને ખોટા પડવાની બીક જ ૮૫% હોય.

આ બધું પળના દશાંશમા ભાગમાં ઘટી જતું હોવાથી એ બધું એનેલાઈઝ કરવાનો પણ સમય રહેતો નથી. દરેક જગ્યાએ ઢાંકપીછોડો જ ચાલતો હોય છે. ખોટા પડવાનો ડર, હાંસીનો ડર, પૈસા વપરાઈ જવાનો ડર, મોડા પડવાનો ડર, કંઈક ખોઈ બેસવાનો ડર, સમ્માન ગુમાવવાનો ડર વગેરે ડરના પ્રકાર હોઈ શકે. ઉપરાંત લુચ્ચાઈ, ઈર્ષા, લાલચ, કામ, ક્રોધ વગેરે મનને બહારથી સોય ખોચીંને કે ગોદા મારીને પોતાનું ગમતું કામ કરાવે છે.

આવું કેમ? વળી કહેવાય છે કે ભગવાન સવાલનો જવાબ પૂછનારની ભાષામાંજ આપે છે. જેટલું બુધ્ધિનું લેવલ હોય એજ સપાટીએ, એજ રીતે જવાબ મળે છે. ગાંડાને ચાંદમાં, લોભીને આવક જાવકમાં, ચિંતકને વિચારમાં, સાધુને તપમાં, પ્રેમીઓને પ્રેમમાં, પ્રોગ્રામરને કોડમાં!

આ જવાબ/ઈશારો જાણવો બહુ જરૂરી છે. નહિતર જીંદગીની પળ-પળ આમતેમ જ વેડફાઈ રહી છે. એ બદલે આપણે લડી રહ્યા છે માન-સમ્માનના મોહમાં જે કાચ જેવો બરડ છે, એક કાકરીથી જ ચુર થઈ શકે છે. આપણે વલખાં મારી રહ્યા છે પૈસાની લાલચમાં, જેનો ભાવ રોજ ઘટતો જઈ રહ્યો છે, ગમે એટલા કમાઈએ બેંકમાં જ મુકવા પડશે....પોતાની નજરથી પણ દુર, અને આખરે એક જગ્યાએ પાણીની જેમ વપરાઈ જશે. આપણે જોડી રહ્યા છે કરોળિયાના જાળા જેવા સંબંધો. છેલ્લો તાણો કયો વણ્યો હતો એ પણ યાદ નથી. કયો તાંતણો ક્યારે કામ લાગશે એ પણ ખબર નથી. કરોળિયો તો ખેર જવાદો, એ કદી પોતાના જાળામાં ફસાતો નથી. માણસ ફસાઈ જાય છે. 

દુનિયામાં રાવણ નેગેટીવ પાત્ર ગણાય છે. આજના વિચારકો એમ પણ કહે છે કે જો રાવણ ન હોત...તો રામ ભગવાન ગણાત? રાવણના અસ્તિત્વ વગર રામનું અસ્તિત્વ ઝાંખુ પડી જાત. મન છે...મન તો બધું જ વિચારશે. ભગવાનની ઉપર અને પરમાત્માથી પણ પરે શું છે એ જાણવાની ઝંખના તો કરશે જ. હોલીવુડની ફિલ્મ મેટ્રીક્સમાં કહેવાયું છે કે સત્ય અને અસત્ય વચ્ચે સમતુલા જાળવવી જરૂરી છે. આ સમતુલા જાળવા માટે ભગવાને જ અસત્ય અથવા નેગેટીવીટી ઉત્પન્ન કરી છે. રાવણને પણ તો ભગવાને જ બનાવ્યો છે. એ પણ પરમાત્માનો અંશ જ છે ને? ખરૂં કહેવાય નહિ? આપણને પણ પૈસાના બંડલ, કર્વી ફિગર, બીએમડબ્લ્યુ વગેરે આકર્ષતું નથી? એ પણ ઉમરના બાધ વગર! રાવણ કશે આપણામાં જ છે ને? આપણે એની સાથે રોજ લડીએ છીએ ને?

રાવણ પણ અતિજ્ઞાની હતો. એને ખબર નહોતી કે રામ જ જીતશે? શૂં એણે કેવળ રામ હસ્તે મરીને મોક્ષ પામવા ખાતર જ બધું કર્યું હશે? તત્વજ્ઞાનીઓની આગલી જનરેશન આનાથી પણ મોટા તર્કો આપશે? અથવા એની ઉપર પણ કંઈ સમજ હશે...જે આ ટીવીવાળા સાધુબાબાઓ જાણે છે અને આપણે નથી જાણતા? 

શું છે સત્ય?

No comments:

Post a Comment