આજનો કુવિચાર

 
૮ (થોડું-થોડું)
ગઈ કાલે ટ્રેનમાં એક ભાઈએ મને જતા પહેલા પોતાની જગ્યા એનાયત કરી. જ્યારે મારું સ્ટેશન-એ-ડેસ્ટીનેશન નજીક આવી ગયું હું પણ કોઈ જરૂરતમંદની તલાશ કરવા લાગ્યો. આજુબાજુ વાળાના ચહેરા જોવા લાગ્યો અને અનુમાન લગાવવા લાગ્યો કે સીટ કોને આપવી જોઈએ. પછી કુવિચાર આવ્યો કે કોને કોની, કેટલી, કેવી જરૂર છે એ નક્કી કરવાવાળા આપણે કોણ? આપણને આટલો બધો ગર્વ શેનો છે? કશે પણ, જરા અમથી પણ જો તક મળે આપણે ભગવાન બની જવાની તક છોડતા નથી! હદ થાય છે!
વળી વિચાર આવ્યો કે વળી આ થોડું-થોડું કરીને શું વળવાનું છે? એકાદ સારૂં કામ કરીને આપણે સુપરહીરો બની જઈશું? સવારે ફક્ત પંદર-વીસ મિનિટ ચાલવાથી શું ફરક પડશે? આપણે ચોવીસ કલાકમાંથી જમવા-નાસ્તા-ચા વગેરેમાં બે કલાક કરી નાખીએ છીએ. બે ડબલા પાણી બચાવીને કે બગીચામાં એક ઝાડ રોપીને આપણે માનીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગથી બચી જવાશે. ભિખારીને રુપિયો આપીને કે મોબાઈલમાં ભજન સાંભળીને વિચારીએ છીએ કે આપણને ખાસ્સૂ એવું પુણ્ય મળી જશે. એક વોટ આપી દીધો અને માનીએ છીએ કે સરકાર આપણી બધી સમસ્યાઓ ઉકેલી નાખશે.
શું આ થોડું-થોડું આપણને મોટું ફળ આપશે? શું આપણને વધુ મોટા પગલાં માંડી/દોડીને આપણા સ્ટેશન-એ-ડેસ્ટીનેશન સુધી વધવાની જરૂર નથી? હજી વધુ ઝડપ, વધુ જોર, વધુ બળ,  વધુ મહેનત, વધુ માણસો, વધુ સપનાઓની જરૂર નથી?
૧૭
 ઘરે બે પેટી મંગાવવી હતી. આ વખતે ભાવ અપેક્ષા (સાચું લખું તો ભય) કરતાં ઓછો હતો એટલે બેના બદલે ચાર પેટી મંગાવી લીધી. મે-જુન મહિનામાં કેરીની જ પેટીની વાત થાય ને...બીજી કોઈ પેટીની વાત હું નથી કરી રહ્યો! વાત જાણે એમ બની કે કેરી લાવતાં આ વર્ષે જરા મોડા પડ્યા એવામાં કેરી પાકવા લાગી. જેમ બને તેમ જલ્દી કેરીઓ પૂરી કરી નાખવી પડે એમ હતી અને એ કંઈ બહુ ભારે પડે એમ નહોતું. પણ જે કેરી વધારે પાકી ગઈ એ કેરી બગડે એ પહેલાં એને ખાવી પડી, જેનો સ્વાદ સહેજ ઉતરેલો લાગતો. બે દિવસમાં અમે કંટાળ્યા એટલે જે વધારે પાકેલી કેરીને છોડી પ્રમાણસર પાકેલી કેરીઓ ખાધી, નહિતર એ કેરી પણ કાલે વધારે પાકી જાત. જે બગડી એ બગડી! જે કેરી ખાવાનો સમય ગઈ કાલનો હતો એ કેરીને જો આજે ખાવા બેસીએ તો આજે જે કેરીને ખાવાનો સમય છે એ ગુમાવવો પડે.
સારઃ આ બીજી વાત પછી સાર લખું?

૨) બાળપણમાં કોકના ઘરે અમે છોકરાઓ નાસ્તો કરવા બેસેલા. સુકું મિક્સ ચવાણું હતું. એક જણાએ કહ્યું કે આ મિક્સ ચવાણામાં જે ફુલવડી જેવા ગાંઠિયાં છે એ સરસ લાગે છે. મારી વાડકીમાં હું બાકીનું બધું ખાઈ ગયો પણ પેલા ગાઠિયા ન ખાધા. બધા મિત્રો નવાઈ પામ્યા. બધાનો નાસ્તો પુરો થવા આવ્યો અને મારી પાસે ફક્ત પેલા ગાઠિયા જ બચ્યા હતા...જે મે કોઈને પણ આપ્યા વગર બતાવી બતાવીને ખાધા. મારી આદત હતી કે થાળીમાં પીરસેલી વાનગીમાં જે ભાવતી હોય એ સહુથી છેલ્લે ખાવી...સ્વાદ લઈ લઈને!
જોકે મારા પપ્પાને આવું માફક આવેલું નહિ. ગામના એક લગ્નમાં વાલની દાળ પીરસાઈ. પપ્પા એને જલ્દી પૂરી કરવા ગયા તો યજમાન હોંશે હોંશે આવી ને બે કડસી વધુ દાળ આફળી ગયેલા :D
સાર: ૧) કેરી સસ્તી હોય તો પણ ખવાય એટલીજ મંગાવવી, એકદમ પાકી ખરીદવી નહિ. ૨) સાર, બોધ વગેરે કંઈ દરેક વાતમાં ન હોય!

૧૬  (ઘડિયાળ)
ધોરણ ૪થી અમને ઘડિયાળ જોતાં શીખવાડવામાં આવ્યું. બેન ચોકથી બોર્ડ ઉપર ઘડિયાળ દોરી અમને સમય પુછતાં. નોટમાં ૫, ૫.૩૦, ૬ વગેરે ચિત્ર દોરી માંગતા. પપ્પા પણ ઘરે ઘડિયાળના કાંટા ફરાવી ફરાવીને સમય બતાવતા પણ મને ઘડિયાળ જોતાં ન જ આવડ્યું. એ પહેલા મારી પાસે ડિજીટલ ઘડિયાળ હતું ખરું. પણ એમાંય ટાઈમ જોતા કોને આવડતું હતું! મને તો એની અંદર થતી લાઈટ આકર્ષતી હતી.

જવા દો, ઘડિયાળ વિશે પણ ઘણી વાતો છે, જેમકે અમારા કમાટીબાગનું મોટ્ટું ઘડિયાળ. માંડવીનું જુનું ઘડિયાળ, સરકારી દવાખાનામાં અને સરકારી ઓફિસમાં લટકતું ચોરસ/ગોળ લુચ્ચું ઘડિયાળ. ચીનથી આવતા ચાલુ, પણ ચાલુ ઘડિયાળ!

આ રહ્યા ઘડિયાળ વિશેના મારા કુવિચારો...

(૧) કેટલાય લોકો ઘડિયાળ દસ મિનિટ આગળ રાખે છે. મને ખબર નથી પડતી કે આનો શું મતલબ છે? વળી ઘડિયાળ આગળ રાખવાવાળા બધાને ખબર છે કે ઘડિયાળ આગળ છે, એટલે કામ તો એના સમયે જ કરશે! તો પછી ઘડિયાળ સમયસર કેમ ન રાખવું?
(જે લોકો આપણી સમક્ષ સમય-પાબંધ હોવાની ફિશીયારી મારતા હોય, કહેતા હોય કે અમારૂ ઘડિયાળ દસ/પંદર મિનિટ આગળ જ રાખીએ છે...એવા લોકોના નામ નોંધી રાખવા. જ્યારે એમને આપણું કશું આમ નીકળે તો આપણે વારંવાર એમને યાદ અપાવતાં રહેવું...ભઈસાબ ઉભા તો  'રો, એમ પણ તમારૂં ઘડિયાળ દસ મિનિટ આગળ છે!)

(૨) મોંઘા ઘડિયાળ પહેરીને વટ પાડવો હોય તો ઠીક છે, બાકી સસ્તાં અને મોંઘા...બંને ઘડિયાળ સરખો જ સમય બતાવે છે.
(જે બાળમિત્રને એમનો દોસ્ત પોતાનું નવું કાંડા ઘડિયાળ બતાવતાં બતાવતાં હોશિયારી મારતો હોય...એને સમય પુછવો કે કેટલા વાગ્યા. જો એને સમય જોતાં આવડતો હોય અને કહે કે આટલા વાગ્યા, તરત જ બીજા મિત્રને સમય પુ્છવો કે કેટલા વાગ્યા. પછી મોટ્ટેથી હસવું, "અરે, સસ્તા ઘડિયાળમાં પણ એટલાજ વાગ્યા છે!")

હું નાનપણથી જમણા હાથે ઘડિયાળ બાંધુ છું.

૧૫
આ તો હવે અમસ્તું. રવિવારે લાઈટ ગયેલી એટલે હું અગાશી ઉપર બેઠો હતો. વાદળ ગરજતા હતા એટલે આવો કુવિચાર ઝબકી ગયો. એ સમયે બેઠા બેઠા ધ્યાનથી સાંભળ્યું તો કેટલાય અવાજો આવી રહ્યા હતા. જેમકે ધોકાનો અવાજ, બાળક રડવાનો અવાજ, એક બાઈક કશેકથી પસાર થઈ, પક્ષીઓનો ઝગડો, બારીનું ઠોકાવું, પવનથી ઝાડનું હલવું, કોકના ઘરે મોટેથી વાતો થઈ રહી હતી. એકદમ શાંત જણાતા વાતાવરણમાં પણ કેટલા અવાજો હતા આકાશમાં નજર દોડાવી તો નજર ટુંકી પડી, પરદો જ એટલો મોટો હતો!

આપણે જ્યારે કોઈ થ્રીડી મુવી જોવા જઈએ છીએ, ત્યારે ક્યારેય આપણને એ વિચાર આવ્યો છે કે આપણી આંખો હંમેશા થ્રીડીમાં જ જુએ છે! જ્યારે વાદળ ગરજે છે ત્યારે દુનિયાના કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ કરતા પણ વધારે જોરદાર ડોલ્બી સરાઉન્ડ સાઉન્ડ આપણને સાંભળવા મળે છે!  ૬૫કે કરતા પણ વધારે રંગોથી ભરેલી દુનિયા આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, સુગંધ લઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. શું કોઈ વર્ચ્યુઅલ રીયાલીટી સિસ્ટમ આપણને આવા અનુભવ કરાવી શકવાની છે?

તેમ છતાં આપણને ખોટી રીયાલીટી/ફીલીંગ્સ પ્રેત્યે કેટલો મોહ...નહિ?
૧૪ (ભાવવધારો)
એક વખત ડુંગળી જેવી ડુંગળીનો ભાવ વધીને આસમાને ચઢી બેઠેલો. માર્કેટમાં ડુંગળી ખરીદવા પડાપડી થઈ ગયેલી. પેટ્રોલનો જ્યારે જ્યારે ૨-૫ રુપિયા વધે છે, લોકો પેટ્રોલપંપે લાં...બી લાઈનમાં કલાક ઉભા રહી પેટ્રોલ ભરાવે છે. સોનાનો ભાવ વધતા બધાનું ધ્યાન ત્યાં જ આકર્ષાય છે. હવે કહો કે આપણે આટલી ગરજ બતાવતા રહીએ તો ભાવવધારો ક્યાં જઈને રોકાશે? જે વસ્તુ મોંઘી થઈ જાય, જેમકે ડુંગળી અથવા બટાકા તો એ કેમ ખરીદવા? આપણે વધારે પડતી માંગ ઉભી જ શા માટે કરવી? મુઆ, બળ્યા ડુંગળી-બટાકા. બીજું કંઈક રાંધવાનું. આપણે શાકભાજી, કઠોળની કંઈ ખોટ છે? થોડા દિવસો એમ જ મજ્જાથી રહીએ તો જ બજાર ઠેકાણે આવે. પેટ્રોલમાં ભાવવધારો થાય તો બે દિવસ બુમાબૂમ કરીને પાછા ભુલી જવા કરતા એનું નિરાકરણ લાવી દેવાનું. બસ કે રીક્ષાનો ઉપયોગ રોજ નહિ પણ અઠવાડિયે એક-બે દિવસ જાણી જોઈને કરીએ તો? આપણી આવનારી પેઢીને પણ પેટ્રોલ જોવા તો મળે!

સોનાનું માર્કૅટ ઉછાળા બહુ મારે છે નહિ?

૧૩

ફેસબુક ઉપર કોકે એક સરસ ફોટો શેર કર્યો હતો. એમાં એક બિચારા ડોશીમા શાકભાજી.વેચી રહ્યા હતા. લખ્યું હતું કે આમની જોડે શાકભાજીના ભાવતાલ ન કરો કેમકે આ લોકો શાકભાજી વેચીને માંડ ગુજરાન ચલાવે છે. સાચી જ વાત છે ને, આપણે શોપિંગમોલ અથવા મોટ્ટી દુકાનોમાં ક્યારેય ભાવતાલ કરતા નથી. કરવા જઈએ તો પેલો દુકાનદાર બધા ગ્રાહકો વચ્ચે મોટ્ટેથી કંઈક બોલી પડશે એવી બીક/શરમ હોય છે. મલ્ટીપ્લેક્ષમાં ચાર રૂપિયાના પોપકોર્ન + ૩ રુપિયાના માખણના આપણે ૪૦-૫૦ રૂપિયા આપી દઈએ છીએ. ૨૫ રુપિયાની પાઈરેટેડ ડીવીડી ઉપર પણ ન જોવાય એવી બકવાસ ફિલ્મો પાછળ ૧૫૦-૨૦૦ રૂપિયા સહેજે વાપરી નાખીએ છીએ. ૧૨૦૦ રૂપિયાના બ્રાન્ડેડ શર્ટનું વાસ્તવિક મુલ્ય કેટલું હશે એ ક્યારેય વિચારતા નથી. જેનો ટેક્ષ બાદ કરતા બધા જ પૈસા ચીનમાં જવાના છે (અને પાકિસ્તાન મારફતે આપણી સામે હથિયાર બનીને ઉભા થવાના છે) એવા ઈલેક્ટ્રોનીક ગેઝેટ્સ આપણે વર્ષમાં એક-બે વખત ખરીદીએ જ છીએ.
એ બધી જગ્યાએ આપણે ક્યારેય બાર્ગનિંગ કર્યું નથી, કરવાના નથી. તો સાથે સાથે જ્યાં જરૂરતો હોય, લાચારી હોય એવી અમુક જગ્યાએ પણ ભાવતાલ કરવાનું છોડી દઈએ તો?

પોસાશે?

૧૨ (દીવાસળી)


કબાટમાંથી કેમેરા કાઢતા ટેબલની કિનારીએ મુકેલી દિવાસળીનું બોક્સ અચાનક પડી જાય છે. એમાંથી દીવાસળી નીકળી પડે છે. મારો આળસુ જીવ એ વેરાયેલી દીવાસળી ઉચકીને ફરી ભરવાની ના પાડે છે. મારે ફોટો પાડવાની ઉતાવળ છે. એક વખત દિમાગમાં ઘુસી ગયેલું કામ જલ્દી પુરૂં ન થાય ત્યાં સુધી બીજું કશું જ કરી શકાતું નથી. એક એક દીવાસળી ઉંચકી ઉચકીને ફરી બોક્સમાં મુકવી એ મને તો અત્યંત જ અઘરું કામ લાગે છે!

પણ અચાનક પેલું 'કાસ્ટ અવે' મુવી યાદ આવી જાય છે. એક ટાપુ ઉપર ફસાયેલો ટોમ હેન્ક્સ કેટલી જહેમતથી આગ સળગાવે છે એ યાદ આવી જાય છે. દીવાસળીની કિંમત આમ તો એક રૂપિયો કે પચાસ પૈસા હશે પણ એની સાચી કિંમત કેટલી બધી છે! આપણને લાગે કે ચાર આનામાં આવતી વસ્તુઓ આપણને આસાનીથી મળી જશે. પરંતુ દીવાસળી, સેફ્ટીપીન, પ્લાસ્ટીકની કોથળી, ખીલી જેવી અમુક વસ્તુઓ વગર ઘણાં કામ અટકી જાય છે. વળી આવી વસ્તુઓનું ઉત્પાદન જથ્થાબંધ થાય એટલે આપણને સસ્તી પડે છે. આપણે કદી પોતે આ વસ્તુઓ બનાવી શકીએ છે? આપણી પાસે આ વસ્તુના બીજા કોઈ હાથવગા ઓપ્શન્સ છે?

મારા હાથમાં કેમેરા તો હતો જ. હું ફોટો ક્લિક કરું છું. દીવાસળી બોક્સમાં ભરી દઉં છું.

૧૧
'વર્તમાનમાં જીવો'. આ વાક્ય ઘણી જગ્યાએ વાંચવા/સાંભળવા મળે છે. પછી મને કુવિચાર આવે છે કે ભુતકાળનો અનુભવ, વત્તા વર્તમાનકાળના પગલાઓ અને ભવિષ્યમાં લેવાનો ફાયદા વિશે વિચારી શકાય
એટલા આપણે સક્ષમ હોવા જ જોઈએ. વર્તમાન છોડો.....ત્રણેય કાળમાં જીવો! વધુ વાઈઝ બનો!

૧૦ (આવરણ)
એક નવા પરણેલા ભાઈને રોજ ટિફીનમાં રીંગણા જ મળતા. એની પત્નીને કારણ પૂછ્યું તો કહે કે મે કદી બીજી કોઈ શાકભાજી જોઈજ નથી. પતિદેવ સાંજે કોબીજ લઈને આવ્યા. બીજા દિવસે પણ ટિફીનમાં રીંગણા આવ્યા એટલે એમણે પત્નીને ખખડાવવા ઘરે ફોન ખખડાવ્યો, એમાં ઉલ્ટાનું પત્નીએ જ પતિને ખખડાવી નાખ્યા કે તમે જે શાકભાજી લાવેલા, એની બધી છાલ કાઢી પણ એમાંથી કશું નીકળ્યું જ નહિ.

ખેર, આ જોક તો ઘણા બધાને યાદ હશે જ . અમુક માણસોનો બદલાતો વ્યવહાર અને વિચિત્ર સ્વભાવ કેટલાય લોકોને હેરાન કરે છે. દરેક વખતે નવા છોગા નજરે પડે. એવું લાગે કે ચલો કોઈ વખત તો અંદરથી કંઈક બહાર આવશે, પણ પેલી કોબીજની જેમ અંદર કશું હોતું જ નથી. અમુક લોકો પાછા ડુંગળી જેવા. મોંઘા અને રડાવનારા. એમાં પણ કશું જ નહોય, આવરણો સિવાય. આ આવરણો પોતે વ્યક્તિ છે? વ્યક્તિ આવરણોથી અલગ નથી? વસ્તુ અને વસ્તુના પેકેટ વચ્ચે ફરક તો હોય ને? આવરણો દૂર ભલે ના કરી શકાય પણ એ થોડા પારદર્શી હોય તો કેટલું સારૂં!

૦૯

 ખબર નહિ બધા શું વિચારશે આ શીર્ષક વાંચીને! જ્યારે દરેક જણ સંપૂર્ણ થવા ઈચ્છે છે ત્યારે કોઈ આવી વાત કરે એટલે વિચિત્ર તો લાગે જ. એમ પણ પેલી ઉકિત છે ને "નેવર પોસ્પોન ધ જોય". આજે જીવી લો મન મુકીને. ભલું પુછવું...કલ હો ન હો! કેટલાયને જોયા છે જેઓ નાનપણથી મોં માંગી ખુશીઓ બહુ શોખથી પૂરી કરે છે. અમુક દાયરા પછી ખુશીઓ મીઠી લાગે ખરી? સગવડ આરામ આપે ખરી? નિર્જીવ વસ્તુઓ જીંદગી સંપૂર્ણ કરે ખરી? પહેલાના જમાનામાં જ્યારે વધારે સુખ-સગવડ નહોતી ત્યારે કદાચ માનસિક આનંદ અથવા હૈયાતૃપ્તિ માટે સો ટકા જીવવાની વાતો થતી હશે. એથી ઊલ્ટું આજે સુખ સગવડ હોવા છતાં કશીક અધૂરપ લાગતી રહે ત્યારે, આજે મળતી વધારે પડતી ખુશીઓને જમા કરીને રાખીએ તો? થોડીક અપેક્ષા કાલે પુરા કરવાની રાહ જોઈએ તો? આજે ને આજે જ બધું જીવી લેવા કરતાં કાલ માટે પણ થોડા સપનાઓ ખિસ્સામાં મુકી રાખીએ તો?


આ વળી નવી જનરેશનની નવી ઈસ્ટાઈલ. કંઈ પણ સામાન્ય હોતું જ નથી. બધું ગ્રેટ, સુપર્બ, ઓસ્સમ, એક્સીલેન્ટ અને ફેન્ટાસ્ટીક જ હોય છે. દુનિયાની બધી ખુશીઓ તો બચપણમાં મળી જાય છે કારણ કે હવે બધાની લાઈફસ્ટાઈલ સુધરી રહી છે. મોંઘી બાઈક, લેપટોપ, મોબાઈલ, આઈ-પોડ, કેમેરા, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ કપડાં આ બધું પ્રાથમિક જરૂરિયાતો બની ગઈ છે. ભવ્ય ઘર અને ઘરમાં અલાયદો ઓરડો; પપ્પાની કાર અને પોતાનું એટીએમ કાર્ડ.

એટલે હવે રાહ જોવાની, સંતોષ પામી લેવાનો, ચલાવી લેવાનું, ભુલી જવાનું વગેરેનો જમાનો ગયો. હવે એવું નથી વિચારવાનું કે જો આ બધું "મટીરિયલ" ના હોય તો શું થશે.

૦૭ 
હજી પોતાની જાતને ઓળખવાનું બાકી છે! જેમ જેમ પરિસ્થિતિઓ ઊભી થાય તેમ તેમ વિચાર, વાણી અને વર્તનમાં ધરમુળથી ફેરફાર જણાય છે! વડીલોએ તો આવું અનુભવી લીધું હશે પણ મારૂં હજી મન માનતું નથી. ખેર, મનના ન માનવાથી શું ફરક પડે છે? દુનિયાતો ધુળ, ઢેફાં અને પથરાની જ બનેલી છે ને? એકાદ ઠોકર લાગવા દો બેવકુફ ને.

ગુલઝાર સાહેબની પંક્તિઓ...
કીસકો પતા થા પહેલુ મે રખ્ખા દિલ ઐસા પાજી ભી હોગા!
હમતો હંમેશા સમજતે થે કોઈ હમ જૈસા હાજી હી હોગા!

હજી ઠોકરો લાગવાદો, હજી માર પડવા દો...પછી જ પોતાનું અસલી રૂપ પ્રગટ થશે...કદાચ. પછી જેમ આ ગરમ દુનિયા ઠંડી પડી ગઈ, લાવાને પોતાના જીગરમાં સમાવી લીધો, ઉપર એક આખી સૃષ્ટી ઉગાડી લીધી....એમ બધું વ્યવસ્થિત થઈ જશે. પણ આ કદાચ કોઈ મહોરૂં જ તો છે. વારેઘડીએ કશેને કશેથી દબાવેલી ઝાળ નીકળી જ જાય છે, કશે ને કશે કંપ તો આવી જ જાય છે.

આમ તો બીજા ના મન ઉપર શું વીતશે એ આપણા મન ને વિચાર આવતો નથી. પછી જ્યારે પોતાના પર આવી પડે છે તો આપણું મન દુનિયા, લાવા, સૃષ્ટી, ઝાળ...કેવી કેવી બકવાસ કરવા લાગે છે!

૦૬ (સુ-અગવડ)
મંજીલ કરતાં ઘણી વાર (લગભગ હંમેશા) મુસાફરીમાં જ મજા હોય છે. રજાના દિવસોમાં ભલાચંગા ઘરે શાંતિથી બેસાય એવું હોય ત્યારે આપણે ફરવા નીકળી પડતા હોઈએ છીએ. ગાડી, બસમાં પડતી બધીજ અગવડો એ સમયે સારી લાગે છે. એવી જ રીતે સંતોષ પામીને જીંદગી સરળતાથી જીવવા કરતાં લડવાની, જીતવાની, કંઈક પામવાની અગવડો કેટલી યાદગાર બની જાય છે! મનને શું જોઈએ છે ખરેખર?



૦૫ (સિસ્ટમ?)
એક હજી કુવિચાર આવ્યો કે જે કંઈ કુદરતે બનાવ્યું છે એ કેટલું સિસ્ટમેટીક છે. ઋતુઓ, ગ્રહો, પહાડ, નદી, સાગર....

અને માણસે સિસ્ટમ બનાવી છે. માણસ પાસે દરેક કામ કરવાની એક સિસ્ટમ છે. પણ એ સિસ્ટમ હંમેશા કંઈકને કંઈક રીતે બગડી જાય છે. વિજ્ઞાન હંમેશા અતિરેક સુધી પહોંચી જ જાય છે અને પછી દુનિયા વિનાશના આરે આવીને ઉભી રહી જાય છે. માણસ હજી માથાનો વાળ કે લોહીનું ટીપું નથી બનાવી શક્યો. પ્રેમ, દયા જેવી એકેય લાગણી કશે જનરેટ નથી કરી શક્યો જરા અમથી ઉપલબ્ધી મળે કે બુમાબુમ કરી મુકે છે. ઉપરથી જોતા દુનિયા/કુદરત હજી વિશાળ લાગે છે અને માનવ સાવ અદનો, કારણકે માણસ અદનો જ છે!

દુનિયા તો નશ્વર છે જ. વિનાશ પછી જો માનવ બચી ગયો તો બધું એકડે એક થી જ શરૂ કરવાનું છે.


 ૦૪ (ગાળંગાળી)
ગાળ બોલો ભાઈ ગાળ....ગાળ બોલો ભાઈ ગાળ....

માણસ એવું પહેલું પ્રાણી નથી જે કોમ્યુનિકેશન કરી શકે છે. પણ ગાળો બોલનાર પહેલું અને છેલ્લું પ્રાણી તો માણસ જ. હજારો વર્ષના ગાળોના ઈતિહાસમાં કેટલીયે ગાળો શોધાઈ, બની અને ભુલાઈ ગઈ હશે. પણ અમુક ગાળો તો અમર છે અને અમર રહેશે. એ અમર ગાળોના સર્જનની @#@$@##(ગાળ). આ વિષય પર તો અદ્‍ભુત લેખો લખાઈ શકે છે. પણ અફસોસ...મારા જેવા નવા નિશાળિયાના હાથે આ વિષય ચઢી ગયો! સંસ્કૃતિ અને ભાષામાં ગાળો કઈ રીતે વણાઈ ગઈ એ તો કોઈ સાહિત્યકાર જ કહી શકે. ગાળોના અતિભવ્ય ઈતિહાસ, વારસો અને નવી શોધખોળના વિશે ક્યારેય લખાયું નથી. અમુક લોકો ગાળોને ભાષાનો એક ભાગ જ ગણે છે. કેમકે એમાં શબ્દો છે, વ્યાકરણ છે અને અર્થ (આઈ મીન અનર્થ) પણ છે.

હવે મને કહો ગાળ ક્યારે બોલાય છે? ગુસ્સો આવે ત્યારે, મુડ ખરાબ હોય ત્યારે, કામ ન બને ત્યારે, ધાર્યું ન થાય ત્યારે...અરે બહુ ખુશી મળી જાય ત્યારે, દોસ્તો ભેગા મળે ત્યારે, એમના પર બહુ પ્રેમ ઉભરાઈ આવે ત્યારે. પ્રસંગો સેંકડો છે પણ ગાળો અનંત છે. છોકરાઓ નાનપણથી ગાળો બોલે છે. જે બોલતા નથી એ સમજે છે. છોકરીઓ સમજે છે અને અમુક છોકરીઓ બોલે પણ છે. એનું કારણ એ છે કે દુનિયામાં ગાળો ખુલ્લેઆમ,મોટ્ટેથી બોલાય છે. ભલે આજુબાજુ કોઈ સાંભળતું હોય. જોકે બોલનાર પોતાના ફેમિલી મેમ્બર સાંભળે એ રીતે ગાળો નથી બોલતો. હવે ક્યાં ગાળ બોલવી ક્યાં નહિ એ માટે કોઈ ઝોન તો હોય નહિ. કોઈ ભેજું પકાવે તો દઈ જ દેવાની...ભલે પછે જે થાય એ. આખરે ગાળો આપણી બહાદુરી પ્રદર્શિત કરે છે, વાતમાં મેચ્યોરીટી અને વજન લાવે છે.

જે ગાળ નથી બોલતા એમના પર જલ્દી વિશ્વાસ મુકતા નથી અથવા મોંમાં હાથ નાખીને ગાળો દેવાને મજબુર કરી દેવાય છે...એ સાબિત કરવા કે આપણે બધા સરખે-સરખા જ છે. બધા રોગ બધી બિમારી મટી જશે પણ ગાળો હતી, છે અને રહેશે જ.

હવે હું અમુક દોસ્તોને ગાળો ન બોલવી પડે એની આવી ટિપ આપતો રહું છું...ગાળો બોલવી જ પડે એમ હોય તો અડધી જ બોલવી. જોકે અહીં લખીને મારે મારો બ્લોગ ભ્રષ્ટ નથી કરવો. પણ તમે બોલીને ટ્રાઈ કરી શકો. એનાથી સામે વાળાને સરખું જ દુઃખ પહોંચશે, આપે ગાળ પણ બોલવી નહિ પડે છતાં ગાળો બોલી ગણાશે અને આપ અંદરથી ચોખ્ખા રહેશો.

ચાલો, હવે મને ગાળો પડે એની પહેલા આ ટોપિક જ બંધ કરું છું.

૦૩
મોટા હોવું એ સામાન્ય બાબત છે. પણ સામાન્ય માણસ હોવું એ બહુ મોટી વાત છે, કેમકે સામાન્ય માણસો બહુ ઓછા રહી ગયા છે. બાકીના બધા 'મોટા લોકો' થઈ ગયા છે. ભાગ્યશાળી લોકો એક નોર્મલ જીવન જીવી શકે છે, કેમકે મોટા માણસોને હંમેશા ઉતાવળમાં જોયા છે. કેટલુંય ટેન્શન માથે લઈને ફરવું પડે છે. દોડાદોડ, ફેમિલી માટે સમયનો અભાવ, રાજબિમારી વગેરે પણ સહન કરવાનુ હોય છે. વળી પેલું અભિમાનનું મોટ્ટું પોટલું તો માથા પર હોય છે, અથવા પી.એ. ને પકડાવી દીઘું હોય છે. પણ અંદરથી એ બધા લોકોને ખબર છે કે લાઈનમાં ઉભો રહેતો, સામાન્ય કપડાં પહેરતો, ઘરમાં મોટ્ટેથી ઝગડતો, પૈસા ઉછીના માંગતો, ડીગ્રીઓ લઈને નોકરી શોધતો, જોરથી હસતો કોમનમેન સાચા અર્થમાં ખુશનસીબ છે.

૦૨  (ઉભરો)
ગમે તે લાગણી હોય, પ્રેમ, ગુસ્સો, દયા વગેરે...પણ લાગણીઓનો અતિરેક કશો કામનો નથી. જેમ ઉભરો આવે અને દૂધ વહી જાય એમ લાગણીઓના ઉભરામાં વધારાની લાગણીઓ નકામી વહી જાય છે. એને કોઈ સંભાળનાર હોતું નથી. અતિરેકને ન થવા દેવો એ ફકત આપણા ખુદના સંયમની/કંટ્રોલની વાત છે. વળી વારંવાર એવું થવાથી લાગણીઓ સામાન્ય ગણાઈ જાય છે, એમને આશ્વાસન તો નથી જ મળતું પણ એની સામે કોઈ જોતું પણ નથી.

જોકે ઉભરો શમી ગયા પછી અને લાગણીઓ વેસ્ટ/બેકાર ગયા પછી બધું લેવલમાં રહે છે. અને આપણે આદર્શ/આઈડીયલ મોડમાં આવી જઈએ છીએ. પણ પેલી લાગણીઓ નકામી વહી ગઈ એનું શું? સાચવ સાચવ દીપક...સાચવ.

૦૧
ગુજરાતીઓ કોક વખત વિચારે છે કે દારૂ પીવો જોઈએ કે નહિ? નોનઆલ્કોહૉલીક બિયર ખરેખર નોનઆલ્કોહૉલીક છે? સિગારેટ એક વાર તો ટેસ્ટ કરવી જ જોઈએ, નોનવેજ વાર-તહેવારે લઈ શકાય કે નહિ? પોલ્ટ્રીફાર્મથી આવતા ઈડા શાકાહારી કે માંસાહારી? શાકાહારીઓ જાણે આમલેટ ખાઈને મોટી ધાડ મારી હોય એમ વર્તૅ છે, અથવા બહુ મોટો ગુનો કર્યો હોય એમ છુપાવે છે. પી આવીને જાણે બહુ મોટી જંગ જીત્યા હોય એમ બુમાબૂમ કરે છે. તમે આટલું વિચારો ત્યાં સુધીમાં તો બીજા નાના બાળકો આ બધું ચાખી ચૂક્યા હોય છે, અને આ કોઈ મોટી બાબતો નથી રહી. આવું કરીને તમે કોઈ તોપ નથી ફોડી! માટે છોડો આવા વિચારો. માટે ચૂપચાપ બેસી રહો...સારા બની ને!

19 comments:

  1. i fully agree with ur comments. we should try to stop our friends and relatives from doing this by telling this on regular basis. pl dont loose hope, they will reduce intake if they dont quit such bad habbits one day, if you tell them on continous basis. so pl keep telling them, before that you need to leave it. all the best

    ReplyDelete
  2. :) I never lost my hope! Nobody Should. Thanks for your comment sir!

    (I think i missed something in writing...this is not what i exactly suppose to say...will write again. )

    ReplyDelete
  3. તમે તો ગાળોની *@@*%$#%@!$#% કરી નાખી!

    ReplyDelete
  4. મિત્ર દીપક... ખૂબ જ મજાની અને હકીકતની વાતો લખી છે. મોટાભાગે યુવાનો બીજેથી ઊઠાવીને ડાહી ડાહી વાતો મૂકતા હોય ત્યારે મને એમ થાય છે કે... આના કરતાં પોતાના અનુભવો કે વિચારો કે લખાણો મૂકતા હોય તો! પછી ભલે તે કાલાઘેલા હોય.
    જ્યારે તમે જુદુ છતાંય મજાનું લખી રહ્યા છો તે બદલ ધન્યવાદ.
    વાતમાં અને રજૂઆતમાં દમ લાગ્યો છે એટલે આટલું લખવું પડ્યું છે.
    ફરીથી ધન્યાવાદ. મળતા રહીશું.

    ReplyDelete
  5. અલગ વસ્તુ ઘણા ઓછા લોકોને ગમે છે, આપને ગમ્યું એ મને ગમ્યું! આભાર.

    ReplyDelete
  6. પ્રિય દિપકભાઈ,

    સુંદર આલેખ,ખૂબ-ખૂબ અભિનંદન.

    ReplyDelete
  7. આભારસહ ચરણસ્પર્શ!

    ReplyDelete
  8. ભાઇ અમને તો આ કુવિચાર ગમ્યાં હોં...

    --
    દર્શિત, અમદાવાદ.

    ReplyDelete
  9. આભાર દર્શિતભાઈ!

    ReplyDelete
  10. એક લેખક હોવાના કારણે અને આ લેખમાં વર્ણવેલ "આજની જનરેશન" માં પણ આવતો હોવાથી દરેક બાબત સાથે તો સંમત નહિ થઇ શકું પણ તમારું લખાણ અને મુદ્દાઓ વાંચવાની મજ્જા આવી.

    પ્રથમવાર તમારા બ્લોગની મુલાકાત લીધી. હવે લેતો રહીશ.

    આભાર.

    ReplyDelete
  11. આભાર જીગર. માસ્ટર્સ પુરૂં કરવા માટે શુભકામનાઓ!

    ReplyDelete
  12. તમારા કુ વિચારો ખરેખર સુવિચારો છે જે સમજે તેના માટે... આજના જમાનામાં તમારે જેવા લેખોની જરુર છે કે જે કોઇપણ બાબત સીધી જ કહી દે...સીધી વાત ન કોઇ બકવાસ... . ગમ્યુ પ્રથમ વખત મુલાકાત લીધી પણ હવે મુલાકાત લેતો રહીશ...

    ReplyDelete
  13. ભલે પધાર્યા દીપકભાઈ...આભાર!

    ReplyDelete
  14. દીપકભાઇ...
    ખૂબ જ મજાની અને હકીકતની વાતો લખી છે. મોટાભાગે યુવાનો બીજેથી ઊઠાવીને ડાહી ડાહી વાતો મૂકતા હોય ત્યારે મને એમ થાય છે કે... આના કરતાં પોતાના અનુભવો કે વિચારો કે લખાણો મૂકતા હોય તો! પછી ભલે તે કાલાઘેલા હોય.
    જ્યારે તમે જુદુ છતાંય મજાનું લખી રહ્યા છો તે બદલ ધન્યવાદ.
    વાતમાં અને રજૂઆતમાં દમ લાગ્યો છે.
    ફરીથી ધન્યાવાદ. મળતા રહીશું.
    mdgandhi21@hotmail.com

    ReplyDelete
  15. અલગ વાતો ઘણા ઓછા લોકોને ગમે છે. આપને ગમ્યું એ મને ગમ્યું! આભાર!

    ReplyDelete