એક સામાન્ય સાંજ છે. સૂરજ ડુબી ગયો છે પણ હજી આકાશ કાળું પડ્યું નથી. રસ્તા પર ટ્રાફિક જામ્યો છે. રોડ સાંકડો છે પણ બંને બાજુ ખાસ્સી જગ્યા છે, એટલે અવરજવર ચાલુ છે. જોકે ઘોંઘાટ ઘણો છે. કેપ્રી, ટી-શર્ટ, સ્પોર્ટ શૂઝ અને આઈ-પોડ સાથે દરેક નાનામોટા, જાડા-પાતળા, સ્ત્રી અને પુરૂષો ઈવનીંગ વૉક પર નીકળી પડ્યા છે. થાકેલા મજૂર વર્ગના માણસો ઘરે જઈ રહ્યા છે, દરેકના હાથમાં આજનો, આજ પૂરતો સામાન છે. ટીનેજર્સના ટ્યૂશન ક્લાસનો સમય થઈ ગયો છે, એટલે એમની બાઈક્સ-સ્કુટી હોર્ન વગાડતી દોડી રહી છે. એપાર્ટમેન્ટ્સના અમુક ઘરોમાં લાઈટ ચાલુ થઈ ગઈ છે. સ્ટ્રીટ લાઈટ્સ રોડને પીઠી લગાવી રહી છે. જ્યારે લગભગ લોકોના બધા કામ પુરા થઈ ગયા છે, ત્યારે દુકાનદારોની લહાણી હમણાં ચાલુ થઈ છે.

ચાર રસ્તા પાસે પાનના ગલ્લા પાસે એકાદ-બે શાકભાજીની લારી ઉભી હોય છે. એક કુંભાર જોડું પોતાનો પથારો પાથરીને બેઠું છે. જેમાં ખાસ કરીને દિવાળી માટે કોડિયા અને મોટા ફ્લાવર વાઝ છે. કલર કરીને ટીલડીઓથી સજાવેલા હાથી, ઘોડા વગેરે શો-પીસ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. બધી વસ્તુઓ પ્લાસ્ટીક પર પાથરેલ છે. પતિ-પત્ની બેસીને આવતા-જતા માણસોને આશાભરી નજરે જોઈ રહ્યા છે. પસાર થતા લોકોને કારીગરી પસંદ તો પડી હશે પણ તેઓ નજીકથી જોવાનું ટાળે છે, ભલું પુછવું...પેલા વેચવાવાળા પાછળ પડી જાય તો! ખેર હવે તો બધો સામાન આટોપી લેવાનો સમય થયો હશે કે શું એટલે પેલી બાઈ આજની કમાણી ગણી રહી છે. એમની નાનકડી છોકરી એક હાથી કે ઘોડો લઈને રમી રહી છે.

એકાદ મેડમ પેલા કુંભાર જોડે ભાવતાલ કરવા ઉભા રહ્યા. એમની નાનકડી બેબીએ પપ્પાની આંગળી પકડી રાખી છે. પેલા મેડમને ફ્લાવર વાઝ ગમી ગયો અને એના ભાવ વિશે રકઝક ચાલતી રહી. છેવટે એ વાઝ ગમે તે કારણસર નહિ વેચાયો, એની જગ્યાએ મુકી દેવાયો. હવે પેલી બેબીને ઘોડો પસંદ પડ્યો છે, એ એના પપ્પાનો હાથ ખેંચી ખેંચીને પેલા સજાવટના હાથી-ઘોડા તરફ ઈશારો કરી રહી છે. એની મમ્મીની ઈચ્છા નથી લાગતી પણ પપ્પાને બેબીની જીદ્દ ગમી ગઈ. એ સાહેબ વાંકા વળીને પોતાની બેબીને પસંદ પડેલ રમકડું ઉઠાવે છે. પેલી કુંભારણ એ રમકડાની વિશિષ્ટતાઓ સમજાવા લાગે છે. મેડમજીને એ રમકડું પણ ઘણું મોંઘું લાગ્યું કે કેમ પણ એની કિંમત વિશે પાછી રકઝક ચાલુ થઈ. આ બધામાં પેલી બેબીને કોઈ રસ નહોતો, એ પોતાના ફેવરેટ રંગનું રમકડું શોધી રહી. આ વાત એના પપ્પા સમજી રહ્યા હતા, તેઓ હજી બીજા રમકડાં ઉંચકીને બેબીને બતાવીને કાલી કાલી ભાષામાં કંઈક પૂછી રહ્યા છે. બેબી ના પર ના પાડે છે ત્યારે એના બોયકટ વાળ સરસ લહેરાય છે, એની નજર અચાનક બીજા રમકડા પર પડે છે. એ રમકડું એને પહેલી નજરમાં ગમી જાય છે. દુરભાગ્યે એ રમકડું પેલા કુંભારની બાળકી રમી રહી હતી. હજી કુંભાર દંપત્તિ ભાવતાલ કરવામાં મશગુલ હતું...અને છેવટે ભાવ નક્કી થઈ ગયો. હવે કયા રંગનું રમકડું લેવું એ પેલી બેબીને પૂછવામાં આવ્યું. બેબીને તો પેલું રમકડું ગમી જ ગયું હતું. એ આંગળીથી પેલા રમકડા તરફ ઈશારો કરે છે જે કુંભારની છોકરી ધ્યાનથી રમી રહી હતી. કુંભાર ક્ષણના વિલંબ વિના પેલું રમકડું ઝુંટવી લે છે અને પેલી બેબીને આપી દે છે. પેલી ગરીબ બાળકી ભોંઠી પડીને આંગળીઓ મોંમા નાખી દે છે અને એનું રમકડાને બીજા હાથોમાં જતાં જોઈ રહી છે. પૈસા ગણી લેવાય છે.

હું નજર ફેરવી લઉં છું. પછી વિચારી લઉં છું કે પેલી બાળકીને બીજું કોઈ રમકડું એના કુંભાર પિતા આપશે. વળી પિતા કુંભાર છે એટલે અદ્દલ એના જેવું જ બીજું રમકડું ઘડી આપશે. વળી આ ઘડીએ પૈસા ઘણા જરૂરી હતા. કદાચ પેલી બાળકી માટે જ સ્તો. આવું વિચાર્યું એટલે તરત મનમાં પેસેલી ફાચર નીકળી ગઈ.

2 comments:

  1. ભાઈ શ્રી

    હુ બહુ ઓછા બ્લોગ વાંચુ છુ આજે અણધર્યો અહિયા આવીચડ્યો અને આ વાંચ્યુ ખરેખર એક નાની અને બિજા ની નજરે ન પડે એવી વાત નેમૂકવા માટે ધન્યવાદ મે એક અવા બનાવ ને જોએલો બરાબર આવોજ બનાવ અને મને જે સંવેદનાથઈ તે હુ લખી શક્યો નહી અને જે મારા બદલે તમે લખ્યુ મને સંતોષ થયો. અને એબનાવ મા મે એ નાનક્ડી દિકરી ને બીજે લઈ જઈ ને રમક્ડુ અપાવેલુ અને એનો એ સુખદ આસ્ચ્ર્ય ભર્યો ચહેરો મારી નજરે આવે છે ત્યારે મને કાઈક કર્યાનૂ સંતોષ થાય છે . આવાપ્રસંગો શ્રીકીશનસિંહ ચાવડા એ અમાસ નાતારા નામની તેમની એક બૂક મા લખ્યા છે રસ પડે તો જોઈ જશો અસ્તુ

    ReplyDelete
  2. આભાર મહેશસાહેબ...આપે એ વખતે જે કર્યું એ બદલ આભાર! હું આવું કંઈજ કરી ન શક્યો.
    આ લેખનો અંત એકદમ ઝડપી હતો...લેખમાં કરૂણતા હોય ન હોય પણ તે ઘડીએ ત્યાં તો અપાર વેદના હતી...હું વધું જોઈ ન શક્યો. કંઈક પોઝીટીવ/સારૂં વિચારીને મનને આશ્વાસન આપી દીધું.

    ReplyDelete