મુલાકાત

જેમ કોઈ જાણીતી વાર્તાની શરૂઆત હોય એમ ફરી એક વાર મારી મુલાકાત એની જોડે થઈ. જાણે મહિનાઓ પછી એને જોઈ રહ્યો હોઉં એમ એના ચહેરાથી નજર ખસી નહોતી રહી. દિમાગ વારંવાર આવું કરવાની ના પાડી રહ્યું હતું પણ આંખો બસ એને તાકી જ રહી હતી. બસ સ્ટેન્ડ પર ચારે તરફ લોકો ઉભા હતા. મારા જેવા શરમાળ અને અતડા છોકરાની આવી ચેષ્ઠા? પણ લાગ્યું કે એને આ બધું ગમ્યું. એટલે એની આંખો ક્યારેક ક્યારેક મને જોઈ રહી હતી. હવે એનો ચહેરો મારી દિશામાં હતો. મારા તરફ એના ચહેરાનું ફરવું, આ વાત મનમાં આશાઓનો શ્વાસ પુરી રહી હતી. એના કપડાં, એની નેઈલપૉલિશ અને એની લિપ્સ્ટીકનો રંગ જાણે એના માટે જ બન્યા હોય એમ એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. 'સુંદરતા જોનારની આંખોમાં હોય છે' આ ઉક્તિ અહીં તદ્દન ખોટી હતી. એના શાંત અને સહેજ શરમાળ સ્વભાવે મને મહિના પહેલા નિરાભીમાની બનાવી દીધો હતો. બપોરનો સમય હતો. બસોની આવ-જા ચાલુ હતી. ભીડ ધીમે ધીમે ઓછી થઈ રહી હતી. મારી બસ હમણાં દસ મિનિટ પછી હતી, અને એના અડધા કલાકે બીજી બસ હતી. આવા સમયે એનું અહીં, આ બસસ્ટેન્ડ પર, મારી જોડે હોવું એ એક અદ્‌ભુત અનુભવ હતો. વચ્ચે વચ્ચે હું બસસ્ટેન્ડના થાંભલાઓ, દુર ઉગેલા વૃક્ષો, અને બહાર જતા વાહનો જોઈ રહ્યો હતો. પણ મન એને જ, બસ એને જ કલ્પી રહ્યું હતું.

હંમેશાથી એવું લાગી રહ્યું હતું કે એ બધું જ સમજી રહી છે. ટુકડે ટુકડે મારી આખી વાર્તાની કડીઓ એને સાંકળી લીધી હતી કદાચ. મારો સ્વભાવ, મારી પ્રતિક્રીયા, બધું જ એ જાણી ગઈ હતી. એની આ સમજદારી મને, મારી સામે, નાસમજ સાબિત કરી રહી હતી. બસ...એક નશો હતો જેમાં મારે ડુબવું જ હતુ અને ડુબી ગયો હતો. રંગો શું છે, વાદળો કેવા વહે છે, ઉત્સવ શેના હોય છે એ બધું હું જોઈ રહ્યો હતો. ઘર તરફના બધા દુઃખો-ટેન્શન સહેવાના સહેલા થઈ ગયા હતા. મન ચોવીસ કલાક ખુશ રહેતું હતું, જેના યથાયોગ્ય પરિણામો જીંદગીને મળી રહ્યા હતા. હજી તો એને આ પાગલપનનો અણસાર નહોતો. અણસાર હોત તો કદાચ એ ગભરાઈ જાત. વળી કેટલાય ઉતાર-ચઢાવ પાર કરીને પછી આટલા મોટા સુખની કોઈ આશા રહી ન હોવા ના કારણે મન આગળ વધતાં રોકાઈ ગયું હતું. બસ. આ જ વાતની એને ખબર નહોતી. હું જાણતો હતો કે જો એ ના પાડશે તો પછી કદાચ મારા જીવનમાં એના ન આવી શકવાની ખામી કોઈ પુરી નહિ શકે. એટલે હું ગભરાવાની જગ્યાએ તદ્દન લાચારી અનુભવી રહ્યો હતો. આ દિવસો યાદગાર હતા, બસ આ જ દિવસો હું યાદ રાખવા માંગતો હતો. જીંદગીભર. જો એ ના પાડે તો એ પછીનો ભારે સમય આખી જીંદગી મારી સાથે જ રહેવાનો હતો! ખાસ મિત્રોમાંથી ફક્ત એક જ મિત્રને એની વાતો કહી હતી. એ મિત્ર મારી આખી કથા ઘણી જ સરળતાથી ખુદ મને કહી શકતો હતો, પણ એ કામ મારાથી બિલકુલ થતું નહિ. ઘરે અરીસા સામે એનો ચહેરો જોતો રહેતો. ભીડમાં, ટીવીમાં એના જેવા કેટલાય ચહેરા દેખાતા. મારી અમુક આદતો, વ્યવહાર અને ખાસ કરીને ચહેરા ઉપરની ખુશીને મારી આસપાસના લોકો શંકાની નજરે જોઈ રહ્યા હતા. આખરે આ દુનિયા મારામાં પણ ઈન્ટ્રેસ્ટ લેવા માંડી!

વધુ એકવાર નજર અથડાઈ, શ્વાસ રોકાયો, પછી નીચું જોવાઈ ગયું. મારા દોસ્તે મને કાયર અને બેવકુફ જેવા શબ્દોથી નવાજ્યો હતો એ બધું યાદ આવી ગયું. આજે તો આવનાર તમામ દુઃખી દિવસોનો સામનો કરવો છે, એવું વિચારી ઘરેથી નીકળ્યો હતો. પોતાને કોસતો હું બેસી રહ્યો. એકાદ-બે ઊંડા નિઃશ્વાસ નાખ્યા. જ્યારે જ્યારે સંજોગો મળ્યા અમે થોડી વાતો કરી હતી. એ વાતોના ઈશારે મેં અત્યારનું જીવન સજાવી લીધું હતું. એ બધા પળ કશે સંગ્રહી રાખ્યા હતા. આ વખતે વાત ન કરવાનું કોઈ કારણ ન હતું. ઉલ્ટાનું જો ન વાત કરૂં તો ખરાબ લાગે એવું હતું. વાતો તો કરવાની જ હતી. વળી આવો સમય, આવો માહોલ પાછો મહિના-બે મહિના સુધી મળે ન મળે, એટલે જે પૂછવાનું હતું મનમાં એના વિશે વાક્યો ક્યારના બનાવી લીધા હતા. ગભરામણના પેલે પાર પરમ શાંતિ હતી! જબરો સેલ્ફ કંટ્રોલ! ચાલીને એની પાસે જવું એ તો મારા પગે એ પછીના કેટલાય દિવસો સુધી યાદ રાખ્યું. એની નજર આ દરમિયાન બહાર રસ્તા પર ગઈ હતી, ગુંચવાઈને જ તો! વળી મારી સામે જોયું અને મૃદુતાથી હસી. હું કેવું હસ્યો એ યાદ નથી પણ હું કંઈ કહું એ પહેલા "કેમ છે?" કહીને એણે મને જાણે ચૂપ કરી નાખ્યો, પણ "બસ મજા" એટલું હું કહી શક્યો. હજી એના યાદ રહી જાય એવા અવાજના પડઘા સંભળાઈ રહ્યા હતા...વાહનો ના ઘોંઘાટ વચ્ચે. મુદ્દા પર આવી શકું એટલી સ્વસ્થતા જાળવવા થોડી આમતેમની વાતો કરવી હતી. એટલે મેં પૂછ્યું "શું ચાલે છે?" એ પછીના મીઠા શબ્દો હું બહુ ધ્યાનથી સાંભળતો હોઉં એમ માથું હલાવીને એની આંખોમાં જોયે રાખ્યું. મારા આવા વર્તનથી એની આંખો હવે બીજી તરફ જોવા માંડતી, મારી આવી હરકત પર મનેય થોડી શરમ આવી. પણ સામાન્ય વ્યવહાર કરવો મારા માટે અશક્ય હતો. થોડી ભણતરની, થોડી નોકરીની, થોડી દોસ્તોની વાતો થઈ. બહું ટૂંકા વાક્યો હતા. બહું ઓછા શબ્દો હતા. પણ મારા તરફથી લાગણીઓનો અતિરેક હતો. જોકે એના તરફથી સ્વસ્થતા હતી, જે હવે મને થોડી ખૂંચી રહી હતી. મારી નજર હવે થોડી કાબુમાં આવી હતી. હવે હું સામે રસ્તા પર જોઈ રહ્યો હતો, અને એ પણ. મન મને "હવે શું કરૂં?" "કહું કે ન કહું?" "થોડી હિંટ આપી દઉં?" જેવા સવાલો પૂ્છી રહ્યું હતું. હવામાં ઉડતી આશાઓ પાછી જમીન પર ઉતરી રહી હતી. વાત વાતમાં એણે એક સવાલ એવો કર્યો જેનાથી હું એને મારા મુદ્દા પર લાવી શકતો હતો. બસ...હવે સમય આવી ગયો હતો. એ સમય જે આવનાર કેટલાય વર્ષો સુધી ખુશી અથવા દુઃખ લાવવાનો હતો. મારૂં હૈયું જોરજોરથી ધડકી રહ્યું હતું. શબ્દો ભુલાઈ રહ્યા હતા.


એક બસ આવી. ઉભી રહી. બીજી તરફ ઉભી રહેલી છેલ્લી મહિલા એ બસમાં ચઢી ગઈ. બસ જતી રહી. અમારા બેઉમાંથી એ બસને જોવાની કોઈએ તસ્દી ન લીધી! એ બોલી "કદાચ મારી બસ હતી!" હું હસ્યો. એ હસી . સમય વીતી રહ્યો હતો. એની બીજી બસ ક્યારે આવશે એનો મને ખ્યાલ નહતો. જોકે એને કોઈ ઉતાવળ નહોતી લાગતી. નિરાંતી મારી જોડે ઉભી હતી. મારી જોડે! "મારી જોડે" એનું હોવું એ પણ હું અનુભવવાની કોશિશ કરી રહ્યો હતો. શ્વાસ લઈને એને ખુદમાં ભરી લેવાના પ્રયત્નો ચાલુ જ હતા. એની જોડે આમ જ , આવી જ રીતે રહેવાનું મન થયું. "એ બીજે ક્યાં જશે?", "સાચો પ્રેમ તો એનો મુકામ પામે જ" એવા અધકચરા વિશ્વાસ ઉપર નભવાનું મન થયું. મારા જેવા નાકામીયાબ, હારેલા માણસ જોડે એ કેવી રીતે ખુશ રહેશે એની ચિંતા થઈ આવી. બધા હકારાત્મક અભિગમો, લડી લેવાની તાકાત, ઊંચા વિચારો અને હું એક તરફ અને એનો એ હસતો ચહેરો એક તરફ. એની સામે હું સસ્મિત જોઈ રહ્યો. એ ફરી વખત થોડી ગુંચવાઈ. પણ એ મને ઓળખતી હતી. જાણતી હતી કે કોઈ વાત તો હશે. ખબર નહિ એણે શું અંદાજ લગાવ્યો હશે, અંદાજો લગાવ્યો પણ હશે કે નહિ?

દુર ઉંચું આકાશ, વાદળો, આસપાસના વાહનો અને ચાલતા જતાં લોકો મને સમય થંભી નથી ગયો એની ખાતરી કરાવી રહ્યા હતા. સૂરજ તપી રહ્યો હતો. હોઠ સૂકાઈ રહ્યા હતા. મારે હમણાં જ કોઈ નિર્ણય લઈ લેવાનો હતો. એ નિર્ણય મને આખી જીંદગી સુખ કે દુઃખ આપવાનો હતો.

આખરે સફળતા મળી. હાશ....મોકળાશ! મન થોડું હલકું થયું. હવે બધું સાફ થઈ ગયું. મારા આ નિર્ણયથી માત્ર હું જ દુઃખી થઈશ, બીજું કોઈ નહિ એવી સાંત્વના મનને આપી. ખબર નહિ કેમ પણ આ નિર્ણય મને ગમ્યો. "ફરી ક્યારેક મન થશે તો કહી દઈશ" એમ મન મનાવી લીધું. ફરી એની બસ આવી. "તારી બસ" કહીને હું બસને જોવા લાગ્યો. એના ચહેરા તરફ જોવાનું મક્કમ મને ટાળ્યું. એ "હું જાઉં" એમ બોલી કે પૂછ્યું. મેં "આવજે" કહીને ટૂંકો જવાબ આપી દીધો. અને એ બસમાં ચઢી...બસની બારીમાંથી હું એને આગળની સીટ તરફ ચાલતા જોઈ શક્યો. બસ ઊપડી. મન ભરાઈ આવ્યું. એક ઊંડો નિસાસો...વાર્તા પુરી.


(આપેલ ફોટો માત્ર પ્રતીકાત્મક છે)


♥ મુલાકાત (2)


મુલાકાત...બસ, આ જ ઘટનાનો વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. વસંતના જીવનમાંથી લીલોતરી ક્યારની જતી રહી હતી. આંસુઓનો ભેજ/ઝાકળ ક્યારેય લીલોતરી લાવતું નથી. ઝુરી ઝુરીને જીવતો વસંત હવે દુનિયા પ્રત્યે લાગણીવિહીન થઈ ગયો હતો. સદાય હસમુખ ગણાતો વસંત એકલામાં ક્યારેક રડી લેતો.  કેટલાય પ્રયત્નો કર્યા, કેટલાય હવાતિયાં માર્યા પણ યાદો જાણે પથ્થર પર કોરાઈ હતી. મૌન આંસુઓનું વહેણ એ લકીરોને ભુંસી શક્યું નહોતું. પણ જ્યારે વસંત એને યાદ કરતો .... મનમાંથી બસ દુવાઓ જ નીકળતી!

એ લગ્ન પછી ક્યાં જતી રહી, વસંત જાણી ન શક્યો. આખરે એના પક્ષમાં હતું જ કોણ? એનું ખુદનું નસીબ, ખુદના ખુદાએ એને હાથતાળી આપી દીધી હતી. કોઈને ખોટી પૂછાપૂછ કરીને ફાયદો નહતો. એનાથી એમનો સંબંધ બદનામ થઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. વળી એના લગ્ન થઈ ગયા પછી પ્રેમ, લાગણી જેવા શબ્દો પાંગળા થઈ ગયા હતા. વાસ્તવિકતાની સામે સપનાઓની ઓકાત કરોળિયાના જાળા જેવી હતી...કદરદાન માટે કળા અને વ્યવહારૂ માણસ માટે એક આંગળીએ તુટી જાય એવો તાંતણો.

અચાનક પોતે ક્યાં છે એનું વસંતને ભાન થયું...કદાચ મ્યુઝીકલ પાર્ટીએ જોરથી હિન્દી ગીતો ગાવાના ચાલુ કર્યા હશે એટલે. ઓફીસની થાક હજી ઉતર્યો નહતો. શુક્લા સાહેબનું કામ હજી પેન્ડીંગ હતું. મુકેશનો હમણાં બે વાર ફોન આવીને ગયો. આવું ભારે ટેન્શન લઈને અનિલના લગ્નના રીસેપ્શનમાં આવવાનો વસંતનો ઝાઝો મુડ નહોતો. પણ અનિલે એને સવારે ખાસ ફોન કર્યો હતો એટલે વસંત ના ન પાડી શક્યો. વળી કોલેજના બધા મિત્રોએ એકબીજાના લગ્નમાં હાજરી આપી હતી. એટલે વખતે પણ "એ" આવશે એવી વસંતને આશાતો હતી જ. પણ હવે ખાસ્સો સમય થઈ ગયો હતો. લગભગ બે વર્ષ. અનિલે એને બોલાવી હશે કે નહિ એની પણ વસંતને ખબર નહોતી. શા માટે હવે એને મળવાની કે જોવાની ઈચ્છા રાખવી? હવે એ પારકી થઈ ગઈ હતી. આકાશનો ચાંદ.

ફિલ્મી ગીતો પાર્ટીમાં મુડ જમાવી રહ્યા હતા. પાર્ટી પ્લોટ બહુ મોટો હતો. મહેમાનો પણ ઘણા હતા. મોડી સાંજ, લીલું ઘાસ, હેલોજનનો પીળો પ્રકાશ, મસાલાની ખુશ્બો, મોંઘા કપડા, બધાના પર્ફયૂમની મિક્સ ગંધ, જ્વેલરી, ઈમ્પોર્ટેડ ફુલો થી સજાવેલ સ્ટેજ, કેમેરામેન, વીડીયોગ્રાફર, પ્લાસ્ટીકની સફેદ ખુર્સીઓ, પ્લાસ્ટીકની થાળીઓ, કચકડાના ગ્લાસ, ઍપૅટાઈઝર લઈને મોંધા યુનિફોર્મમાં ફરતી ગરીબ ઘરની છોકરીઓ.

વસંતના કોલેજકાળના મિત્રો હવે એક એક કરીને આવી રહ્યા હતા. એક ખાસ મિત્ર પણ આવી ગયો હતો. એટલે જુની વાતો ચાલુ થઈ. બધા મિત્રો ખુશ હતા એ વાતો કરીને. જ્યારે વસંત ઓફીસ, માર્કેટની વાત કરી રહ્યો હતો, જાણે કે જુની વાતો ટાળી રહ્યો હતો. મન બસ હવે મેઈન દરવાજા તરફ લાગેલું હતું. આવતા જતાં દરેક ગોરા ચહેરાને જોઈ વસંત એક ધબકાર ચૂકી જતો. આ તાલાવેલીને મિત્રો સામે કંટાળાનું મહોરૂં પહેરીને છૂપાવાનું હવે થોડું મુશ્કેલ જણાતા વસંત હવે બીજી કઈ એક્ટીંગ કરવી એ વિચારી રહ્યો હતો.

એક જાણીતી સુગંધ હવામાં પ્રસરે છે. વસંત હબકીને પાછળ જુએ છે. ના એ નથી. વસંત વિચારે છે કે હવે કેમ આવા બધા નાટકો થઈ રહ્યા છે? આ બધું શું છે? આખરે જો એ નહિ આવે...આવે તોયે શું ફરક પડવાનો છે? ઘરે જઈને પાછી એજ ઉદાસી, બેચેની, એકલતા.

ગીત બદલાય છે. જમવાનું શરૂં થઈ જાય છે. નાના બાળકોની દોડાદોડી, સ્ટેજ પરથી વણી લાવેલા ફુલોથી થતી મારામારી હજી ચાલુ જ છે. ચાઈનીઝ, પાણીપુરીના સ્ટૉલ પર સફારી, શેરવાની, સુટ, સાડી, પંજાબીડ્રેસ, સ્કર્ટ, જીન્સ, ટીશર્ટ વગેરે બધાની ભીડ લાગી છે.

વસંત ની નજર બહાર મેઈનગેટ પર છે. ત્યાં એક ગરીબ બાઈ ફુગ્ગા લઈને ઉભી છે. એનો ખસમ ડબ્બીમાંથી પરપોટા ઉડાવી રહ્યો છે. બાઈનો નાનો બાળક રડી રહ્યો હતો પણ આવનાર ભીડ વધારે છે એટલે એ બાઈ વધારે ફુગ્ગા બનાવી રહી છે.

હવે ભુખ લાગી હતી. જમીને ઘરે નીકળી જવું હતું. સવારે ઓફીસ જવાનું હતું, શુક્લાજી જોડે ભેજામારી કરવાની હતી. અમુક ઉતાવળીયા મિત્રો ડીશ લઈને લાઈનમાં ઉભા રહી ગયા હતા. અનિલને મળીને ફોટો પડાવા માટે હજી ભીડ હતી. એની પત્ની ગોરી હતી, સજી-ધજીને અત્યંત રૂપાળી લાગી રહી હતી. અનિલના પગારના હિસાબે એને આવી સુંદર અર્ધાંગના મળી છે એવી ચર્ચા મિત્રોની અંદર ચાલી ત્યારે વસંતે ટકોર કરી કે નસીબ નામની પણ કોઈ વસ્તુ છે.

એની નજર ફરી દરવાજા પર પડે છે. પેલા ઉડતા પરપોટાની વચ્ચેથી કોઈ વાદળી રંગની સાડીમાં આવી રહ્યું છે. આક્રૂતિ આબેહૂબ "એના" જેવી હતી. કદાચ એ જ હતી! હા, એ જ તો હતી! એક ઊંડો શ્વાસ બહાર આવ્યો. મન ખાલી થઈ ગયું. હજી એવી ને એવી જ હતી. ધીમે ધીમે, એકાદ-બે લોકોને મળતા મળતા એ વસંત તરફ આવી રહી હતી. જોડે એનો પતિ હતો. ગોરો, ઊંચો, દેખાવડો. અને પૈસાવાળો. વસંતને પોતાની ઉક્તિ પર થોડો સંદેહ થઈ આવ્યો...નસીબ નામની પણ કોઈ વસ્તુ છે?

થોડી ક્ષણો સ્લોમોશનમાં વીતી...એ વસંતની સામે ઊભી હતી. બધા દોસ્તો એ બંને જોડે ઉમળકાથી હાથ મળાવી રહ્યા હતા. વસંતે પણ ઔપચારિકતા પુરી કરી. એની જોડે વસંતે ચોથીવાર હાથ મળાવ્યો હતો. કેમકે બંને વચ્ચે કશું ખાસ હતું નહિ. એકાદ વર્ષની મિત્રતા, એકાદ વખતનો પ્રેમ-પ્રત્સાવ, હંમેશ માટેની ના અને પાંચ-છ વર્ષનું ધુમ્મ્સ. જેની આરપાર બંનેમાંથી કોઈએ ન તો જોયું કે ન તો જોવાની કોશિશ કરી. માત્ર એક વખત એના લગ્નમાં આવવાની કંકોત્રી મળી. એમાંય વળી વસંત સિવાયના બીજા કેટલાય મિત્રોના નામ હતા.

એના લગ્ન થયા પછી બધું સુખ બદલાઈને મુળ સ્વરૂપમાં આવી ગયું હતું. વર્ષો સુધી મન ભારે રહ્યું. એકપક્ષીય પ્રેમ ભલે દિશાવિહીન હોય પણ એની તાકાત, જોશ વધારે પડતું જ હોય ને! હવે વસંતના લગ્નની વાતો ચાલી રહી હતી. બે-એક ફોટાને વસંતે રીજેક્ટ કર્યા હતા. વાત ત્યાં જ અટકી ગઈ હતી. હજી વસંતને પરણવાનો મુડ નહોતો.

એનો પતિ આવ્યો એમ બધાને મળીને પોતાની ઈમ્પ્રેસીવ વાતોમાં બીઝી થઈ ગયો. બધા લગભગ અંજાઈ ગયા હતા. વસંતને થોડી હીણપણાની લાગણી થઈ આવી, આખરે એના અને વસંતના પગાર વચ્ચે એક મીંડાનો ફરક હતો...પુરા એક મીંડાનો. આ એક મીંડાને કારણે આજે હું એકલો છું એવી ગેરમાન્યતા વસંતને થઈ. પણ આ બધો નસીબનો જ ખેલ છે ને?

બધા મિત્રો આવી જ ગયા હતા. જે અમુક જમવામાં પડ્યા હતા એમને પડતાં મૂકીને બધા સ્ટેજ પર ગયા. અનિલને મળ્યા. એની પત્ની ખરેખર સુંદર હતી. થોડી ઈર્ષ્યા થઈ, અનિલના લગ્ન પહેલાના "જલસા" પછી પણ એને આવી જોડીદાર મળી?

વસંત બધા મિત્રો જોડે નીચે ઉતર્યો. હવે જમવાનું હતું. ડીશ લઈને બધા લાઈનમા ગોઠવાઈ ગયા. એના પતિનું નામ પ્રશાંત હતું. એણે વસંતના એક મિત્ર જોડે મોટેથી ચર્ચા માંડી હતી અને વાતો કરતાં કરતાં બંને થોડા બાજુમાં જતા રહ્યા. વસંતને લાગ્યું કે હમણાં મારે પેલી જોડે થોડી વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ...જેટલી વાતો થાય એટલી! પણ પછી થયું કે આ બધા મિત્રો ઉભા છે, શું સમજશે એ લોકો? વળી પારકા બૈરા જોડે મારે કેમ લમણાં લેવા?

જમવા માટે હાથ ધોવા હૉલ તરફ જવું પડે એમ હતું. જાણે અજાણે બે જણ ત્યાં ભેગા થઈ જાય છે. રૂમાલથી હાથ લુછતા લુછતા વસંતથી એના તરફ જોવાઈ ગયું. મનતો ભારે હતું જ. કશું પુછે એની પહેલા વસંતની આંખો ભીની થઈ ગઈ. નકરૂં દરદ. હવે વસંતથી કંઈ બોલાય એવું નહોતું. વસંતની સામે જોઈને એની પણ આંખો ભરાઈ ગઈ. નીચે નજર ઢાળી પોતાના આંસુ છુપાવી દીધા. પ્રશાંત આવી રહ્યો હતો. નજર ઉઠાવી એક આંસુ ભરી નજર વસંત ઉપર નાખીને એ જતી રહી. વસંત ઉભો રહ્યો.

જમણવાર પત્યો. બધા મિત્રો એકએક કરી નીકળી રહ્યા હતા. પ્રશાંતે કડક હાથ રાખી વસંત અને એના મિત્રો જોડે હેન્ડશેક કર્યા. વસંત બંનેને પાછા જતાં જોઈ રહ્યો હતો. હજી પેલી ફુગ્ગાવાળી ત્યાં જ ઉભી હતી. પણ પેલા સાબુના પરપોટા નહોતા દેખાતા. પાર્ટી પ્લૉટમાંથી ભીડ ઓછી થઈ ગઈ હતી. આઈસ્ક્રીમ વહેંચાવાની ચાલુ હતી. મ્યુઝીક પાર્ટીવાળા પોતાના વાજીંત્રો છોડી જમવા લાગ્યા હતા.

વર્ષો સુધી વસંત પેલીના આંસુંના ઉભરાનું કારણ સમજી નથી શકવાનો...બસ અંદાજા પર અંદાજા લગાવાનો છે. છેવટે નસીબને ભાંડીને બેસી રહેવાનો છે...નસીબના ભરોસે.

6 comments:

  1. પ્રિય દિપકભાઈ,

    `મુલાકાત`ની રજુઆત, તદ્દન આગવી અને ઈમાનદારી સાથે આપે કરી છે.અભિનંદન.

    લખાણ સરળ, છતાં હ્યદયને સ્પર્શે છે. મને પણ આપે મારા કૉલેજના દિન યાદ કરાવી દીધા.

    માઁ સરસ્વતી આપને નવું જોમ અને ઉત્સાહ બક્ષે તેવી પ્રાર્થના.

    આપનાં સ્વપ્નના સંગાથી બનવાનું, દરેકને ગમે તો નવાઈ પામવા જેવું નથી.

    માર્કંડ દવે.

    ReplyDelete
  2. આભાર સાહેબ! આપે આવું કહી દીધું એટલે મજા પડી ગઈ મને! જુઓ આજ વિષય ઉપર એક બીજી વાર્તા પણ લખી નાખી છે.

    ReplyDelete
  3. દીપકભાઈ,

    એકદમ નિખાલસ રજૂઆત કરી છે મુલાકાતની. રજૂઆત જેટલી સરળ અને સુંદર હોય તેટલીજ સરળતાથી મન પણ અંકિત થઇ જાય છે.

    દીપક ભાઈ કદીક તમારા પગલા આમારા બ્લોગ ઉપર પણ પાડો : http://vedangthakar.wordpress.com

    ReplyDelete
  4. જરૂર વેદાંગભાઈ, આપનો આભાર.

    ReplyDelete
  5. Excellent narration. Enjoyed reading. Sorry I don't have gujarati fonts on my cell.

    ReplyDelete