દોઢ ડહાપણ

મારી ટેવ દોઢ ડહાપણ કરવાની. લાઈટ-પંખા મોટા ચાલુ હોય તો બંધ કરી દઉં, ભલે ઘરના હોય કે ક્લાસ અને ઓફિસના. મને ખબર છે કે આ વિજળી બનાવવા કેટલા કોલસા અને ન્યુક્લિયર એનર્જી ખર્ચાય છે.

ગમે ત્યાં પાણીના નળ ચાલુ હોય તો બંધ કરી દઉં પછી ભલે એ મેં ન ચાલુ કર્યા હોય. ઘરે આવતું પાણી પીવાલાયક ગણાય. એનાથી આપણે વાસણ, કપડા, કચરા-પોતા કરીએ એ અલગ વાત છે. એટલે એનું ટીપે-ટીપું બચાવવુ જ જોઈએ એવુ હું માનું છું.

આવા દોઢડહાપણ કરવા બદલ કેટલાય લોકો ટોકે પણ ખરા. જોકે મારે બીજા કોઈથી વધુ નિસ્બત નથી. મારું એવું માનવું કે જેમ નફ્ફટ માણસો પોતાની નફ્ફટાઈ ન છોડે તો સારા માણસે પોતાનું સારાપણું કેમ છોડવું? એ લોકો પોતાના નફ્ફટાઈમાં નીતનવા અપડેટ્સ કરતા રહેતા હોય તો સારા માણસોએ પોતાની અચ્છાઈઓમાં વધારો કરતા રહેવાનો. બીજું શું? 

પણ એવા જ એક મિત્રને મારાથી કહેવાઈ પણ ગયું કે આપણે ખેડૂત છીએ. આપણને ખબર છે કે કેટલી બધી રાહ જોયા બાદ ગામડે વિજળી આવી, ડેમ બન્યા અને પાણી આવ્યુંં. આપણને ખબર હોવી જોઈએ કે પાણી અને વિજળીનું મુલ્ય શું છે?

આપણે બીજા જેવું નથી વિચારવાનું કે લાઈટબિલ અને પાણી વેરો ભર્યો એટલે આપણે એ પુરેપુરું વસુલ કરવાનું. આપણે ય હવે ખાધેપીધે સુખી થઈ ગયા હોઈ આવા નાના ખર્ચા આરામથી કરી તો શકીએ, પણ એસીની ઠંડકમાં બેસીને એ ભુલી ન જઈએ કે જે ભુમિએ આપણને આટલું બધું આપ્યું છે...આપણે એને કંઈ આપવાના બદલે એને સુકી-ભઠ્ઠ ન બાનાવી દઈએ. 

ડપકુંઃ 
સરકાર આ વર્ષે પણ ખેડૂત માટે બહુ ઈન્વેસ્ટ કરી રહી છે. ભુખ્યા ભ્રષ્ટાચારીઓ અને લુખ્ખા લુંટારાઓની દરમિયાનગીરી પછી થોડા-ઘણા, ઝીણા-ઝીણા ફાયદા મળશે એનો સંપૂર્ણ ઉપયોગ કરવો, કરાવવો અને કરવા દેવો! જે કોઈ ભાઈ-બહેન સરકારી ફિલ્ડમાં હોય...એ જરૂરી માહિતીઓનો પ્રચાર કરે એવી આશા!

2 comments:

  1. તમારી દુનીયા સારી લાગી. ‘દોઢ ડહાપણ’ શીર્ષક પરથી મને ‘ડહાપણ દાઢ’ શબ્દ સુઝ્યો. તમારાં લખાણોનો, ડહાપણની દાઢની જેમ, મને મોડો પરીચય થયો. ક્યારેક મળતાં રહીશું તમારી આ દુનીયામાં અને એ નીમીત્તે.

    ReplyDelete
  2. ખુબ આભાર શ્રી જુગલ કિશોર જી!

    ReplyDelete