(ભાગ-૧)

"શું આઈટમ લાગે છે રીના, મા-કસમ! ટના-ટન્ન."
"ઉપરથી એની ડ્રેસીંગ સ્ટાઈલ?"
"એની તો વાત જ ના કરીશ! કાલે કેવું પહેરી લાવી હતી!"
"અરે...મારી તો આંખો જ 'ત્યાં' ચોંટી ગઈ હતી. વારેઘડીએ એ તરફ જ નજર જા-જા કરતી હતી!"
"એમાં તારો શો વાંક? આવા કપડા કોઈ પહેરીને ઓફિસમાં આવે, તારા જેવા વાંઢાની નજર શું અમારા જેવા પરણેલાનું પણ હલી ઉઠે."
"શું?"
"ચરિત્ર!"
"હા હા હા હા"

હું આ બંને સિનીયર્સની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો. ઓફિસમાં મારી પહેલી નોકરીનો બીજો દિવસ હતો. અમે પણ કોલેજના મોટા ભાગના દોસ્તો જોડે આવી વાતો કરતા રહેતા. ઠીક છે નારી-અધિકાર, નારી સુરક્ષા વગેરે વગેરે. પણ જુવાન છોકરાઓ જ્યારે કોલેજના ખુલ્લા વાતાવરણમાં ઉગી રહ્યા હોય, જીગરજાન દોસ્તોનો સાથ હોય, જીંદગીની મજા લેવાના ફક્ત ત્રણ વર્ષ જ બાકી હોય, ઉપરથી છોકરીઓના આમંત્રણ આપતા કપડા અને વાતો હોય એટલે અમારી કલ્પના અને હરકતો ક્યાં જઈ ને રોકાય?

મેં એક-બે સીદીસાદી પણ દેખાવડી છોકરીઓને પ્રપોઝ કર્યું પણ ખરું. પણ કશે મેળ પડ્યો નહિ. મને ફેશનેબલ છોકરીઓ જોવાની ગમતી પણ ક્યારેય પ્રેમ વગેરે જાગ્યો જ નહોતો. ઘરની પરિસ્થિતિના કારણે ભણવા પર ધ્યાન આપવું પડે એવું પણ હતું. આખરે એવામાં જાણે 'અચાનક' જ કોલેજ પુરી થઈ ગઈ! કમ-સે-કમ મને તો એવું જ લાગ્યું. જ્યારે છેલ્લા દિવસે ડિગ્રીનું સર્ટીફિકેટ લેવા બધા ભેગા થયા ત્યારે મોટાભાગના લોકો છેલ્લી વખત મળી રહ્યા હતા. અમે મિત્રોતો ભેગા થવાના જ હતા...પણ જે બહારના મિત્રો હતા, ચિત-પરીચિત હતા, જે ઓળખીતા ચહેરાઓ હતા એ તો હવે પછી ભુલાઈ જ જવાના હતા. મિત્રો એ છેલ્લે ટોંટ તો માર્યો જ. સાલા તેં ત્રણ વર્ષમાં કંઈ જ કર્યું નહિ. છોકરી પટાવી તો નહિ જ પણ એકાદ નાનકડું લફરૂં પણ ન કરી શક્યો! મને સૌથી મોટું દુઃખ એ હતુ કે આ બધી બબાલમાં ન પડવા છતાં મારા ૫૫ ટકા જ આવ્યા હતા. હું ખરેખર ખુદને 'હારેલો ખેલાડી' ફીલ કરી રહ્યો હતો.

ખેર, પછી આ નવી નોકરી. પહેલી નોકરી ખરેખર તો મારી માટે જમ્પર જેક જેવી હતી. જેની જરૂરત છએક મહિના જેટલી કરીને એનો એક્સ્પીરીયન્સ મોટી કંપનીમાં બતાવી ત્યાં જતા રહેવા જેટલી જ હતી. એટલે ગમેતેમ કરી અહીં થોડો સમય પસાર કરી નાખવો હતો.

પહેલા દિવસે અહીં કોઈ 'રીના' તો શું પણ રીનાની બીના પણ નજર આવી નહોતી. આજે આ સિનીયરો એના એટલા 'વખાણ' કરી રહ્યા હતા કે એને એક વાર જોવાની ઈચ્છા થઈ આવી.

'"કોણ છે આ રીના?" મેં વચ્ચે પ્રશ્ન કર્યો.
"અલ્યા, આને પણ ઈન્ટ્રેસ્ટ ચડ્યો!" બંને ફરી હસવા લાગ્યા.
"ભઈલા, બહુ મોટો ફટકો છે."
"પીસ છે...પીઈઈસ" બીજાએ ગુણાકાર કર્યો.
"એકદમ ફ્રી માઈન્ડેડ."

મને ખરેખર ઈન્ટ્રેસ્ટ ચડ્યો નહોતો. આ રીના બીજી પંદર મિનિટમાં ભુલાઈ પણ ગઈ.

***

"એસ્ક્યુઝ મી."
"હમ્મ?"
"તમારો પાન કાર્ડ નંબર આપશો?"
"એક જ મિનિટ."
હું મારૂં બેગ ખોલવા નીચો નમ્યો. રંગેલા નખ. સાદા સફેદ ડ્રેસની રંગીન બોર્ડર પર નજર ફરી ગઈ. પાન કાર્ડનો નંબર મને મોઢે તો હતો પણ છેલ્લા બે આંકડાઓમાં ડાઉટ હતો.
"લો લખી લ્યો ને!"
"બોલો."
એને નંબર લખાવતા મારે નજર એની કાનની રંગીન બુટ્ટીઓ પર ફરી ગઈ. ગોરો વાન હતો. ચહેરો સુંદર હતો કે નહિ એ હજી હુ નક્કી નહોતો કરી શકતો.
"ઓકે થેક્સ!"
"વેલકમ મેડમ!"
"તમારો એક્ષ્ક્ટેન્શન નંબર ખબર નહોતી એટલે અહીં આવવુ પડ્યું!"
"ફોન કરીને ન પૂછી લેવાય?"
"હં!?"
આ પીજે પછી અમે બંનેવ હસ્યા. એ ખરેખર સુંદર હતી. ખુબ જ. મારા અધુરા ઓરતા થોડી વાર સુધી જાગી ઉઠ્યા. અહીં રીના જેવી બોલ્ડ બ્યુટી હતી તો આવી સીદીસાદી અને સુંદર છોકરી પણ હતી. હું એને જતા જોઈ રહ્યો.

કાશ જો...

***

બીજા દિવસે સાંજે જતી વેળા એ મને લિફ્ટમાં ભેગી થઈ ગઈ. અમે બંને લિફ્ટમાં એકલાજ હતા. આજે એણે એક સુંદર ડ્રેસ પહેર્યો હતો. સાંજે જતી વખતે પણ ચહેરા પર આવી તાજગી! એણે મારી સામે જોઈને એક સરસ મજાની સ્માઈલ આપી. મારી સાંજ સુધરી ગઈ!
"હાય"
"એક્ચ્યુલી આ બાય કહેવાનો સમય છે." મેં મારી આદત મુજબ પીજે માર્યો.
"ઓહ, હાં...એતો છે જ. તો કેવી લાગી ઓફિસ? કામ વગેરે?"
"સરસ. ખાસ કરીને અહીના માણસો." એ મારો ઈશારો સમજી નહી.
"તમે ક્યાં રહો છો?"
"એરીસ વિલા"
"ઓહ...વાઉ!" એણે ભ્રમર ઉંચી કરી ઔપચારિક આશ્ચર્ય દર્શાવ્યું.
"ફક્ત નામ જ મોટું છે. અપાર્ટમેન્ટ છે. બાર બાય બારના બે રૂમ વાળો." મારી જોક મારવાની આદત ક્યારે સુધરશે એનો ખ્યાલ અને જોક મારી દીધા પછી આવતો.
"હા હા..." એ હસી. લિફ્ટ ખુલી, "ઓકે બાય" કહેતા અમે પોતપોતાના રસ્તે જતા રહ્યા.

સાંજે સુતી વખતે ગીતો સાંભળવાનું મન થયું. ઈયરફોન કાનમાં નાખી કિશોરદાનું ગીત ચાલુ કરી જોડે મેં પણ ચાલુ કર્યું, "ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત, કૌન હો તુમ બતલાઓ!"

મનમાં ફરી થયું...કાશ જો...

***
બીજા જ દિવસે મારી બાઈકને ઓવરટેક કરી એક બાઈક ગઈ જેની પાછળ એક 'હોટ ગર્લ' બેઠી હતી. પાછળથી હું એની પાતળી કમર, નાજુક ખભા, ઉડતા વાળ વગેરે જોઈ રહ્યો. ટર્કોઈશ રંગનો શોર્ટ ડ્રેસ એના ઘુંટણથી ઉપર હતો. એના સંગેમરમરસા પગ રસ્તે બધા જ જોઈ રહ્યા હતા. એ ખરેખર ખુબ જ કામણગારી લાગી રહી હતી. હું પણ જોતો જ રહી ગયો!

અહો આશ્ચર્યમ્! ઓફિસના ગેટ પર એજ હોટ ગર્લ ઉભી હતી. એના વળાંકો પરથી નજર ચહેરા ઉપર ખસી તો જમીન ખસી ગઈ. બીજું કોઈ નહી પણ મને ઓફિસમાં એક માત્ર ગમતી ગર્લ જ હતી! આ 'રીના' છે? 'આ' રીના છે? વગેરે સવાલો શરીર ઉપરના રૂંવાટાની જેમ ઉભા થઈ ગયા. મન મસળાઈ ગયું.

"મોર્નિંગ."
"ગુડમોર્નિંગ." મેં સસ્મિત રિપ્લાય આપવાનો પ્રયત્ન કર્યો. એ પેલા હીરોના ખભે બંને હાથોથી ધક્કા મારતી હસતા હસતા લિફ્ટમાં ઘુસી ગઈ.
"રીના જોડે ઓળખાણ થઈ ગઈ?" પાછળ પેલા બે સિનિયર્સ આવી રહ્યા હતા.
"કેવી લાગે?" બીજાનો સવાલ.
"જબરજસ્ત." મેં એમને ગમતો જવાબ આપ્યો.

કોલેજના દિવસો પછી મન ફરી એક વખત ઉલ્લુ બની ગયું. બપોરે ટીફિનનું જમવાનું પણ બકવાસ હતું.

***

હવે મને જે રોગ થયો હતો એ સાવ નવો હતો. એકાદ અઠવાડિયું હું ક્યારેક અરીસામાં જોતા જોતા હું રીના વિશે વિચારી લેતો હતો. વાળ ઓળીને જ્યારે હું ડીઓ છાંટતો...ડીઓનું એક જ સ્પ્રે મને રીનાનું ફ્રી માઈન્ડેડ વલણ, ફેશન, રૂપ વગેરે યાદ અપાવી જતું. ઓફિસમાં ક્યારેય પણ રીનાની વાતો કોઈ કરતું હોય મને સંભળાઈ જાય. મને એમ જ લાગતું કે રીના આખા ઓફિસમાં ચર્ચાઈ રહી છે. સિનિયર, એચ.આર. અને ખુદ બોસ પણ રીનાને બહુજ ભાવ આપતા હોય એવું મને લાગ્યા કરતું. દરેક વ્યક્તિ, ખાસ કરીને પુરૂષ રીના જોડે વાત કરવાની જ તક શોધ્યા કરે છે એવી મને શંકા જતી. એને અમારા કાચના કેબિનમાંથી જોતો રહેતો. એ આમ તેમ ફરતી હોય, લોકો એને વળીને જોતા હોય. એને કોઈ નાનકડા કામથી વાત કરવા લોકો રોકી લીધી હોય, ક્યારેક કોઈ સ્પર્શી લેતું, કોઈ એની જોડે ફોટો ખેંચાવતું, સોશિયલ વેબસાઈટ પર એની ધુમ મચી જતી.

હું આ બધાથી એકદમ અળગો હતો. મને એની પડી નહોતી....એવું મન મનાવ્યા કરતો. એક - બે દિવસ એ ન આવી. ખબર પડી કે એ બિમાર છે. રાત્રે ફોન મચેડતા મચેડતા જ અચાનક મારાથી મેસેજ થઈ ગયો....ગેટ વેલ સુન. એ ત્યાં જ ફ્રી જ હતી. તરત રિપ્લાય પણ આવી ગયો. એ પછી સોશિયલ વેબસાઈટ ઉપર અમે ભેગા થઈ ગયા. અચાનક એક વખત એ મળવા આવી. પાનકાર્ડની ઝેરોક્ષ લેવા માટે જ સ્તો! થોડી વાતો પણ થઈ. કેબિનમાં અમારા સિનીયર દ્વારા એના સેક્સી ડ્રેસના વખાણ પર કરવામાં આવ્યા. એ હસતી હસતી જતી રહી....મારો જીવ બળી ગયો.

***

આ દરમિયાન ઓફિસના ગૃપે એક અનઓફિશ્યલ ટુર ગોઠવી નાખી. ટુર નજીકના જ એક પિકનીક સ્પૉટની હતી. રવિવારે બધા ભેગા થયા અને હું પણ સમયસર પહોંચી ગયો. રીના ખરેખર ખુબ જ હોટ લાગી રહી હતી. એના સ્કીન ટાઈટ જીન્સ, ખુલ્લું ગળું, ખુલ્લા લહેરાતા વાળ વગેરે સૌ વાંઢા-પરણેલાઓને પાગલ બનાવી રહ્યા હતા. અહી સૌનો અસલી રંગ દેખાઈ રહ્યો હતો. રીના પણ બિન્દાસ્ત હતી, એ દરેક દ્વિઅર્થી કોમેન્ટ નો અર્થપુર્ણ જવાબ આપતા ચુકતી નહોતી. મને એના નાના નાના કપડાં સહેજે ગમતા નહોતા. જેને હું પ્રેમ કરવા ઈચ્છી રહ્યો હતો એ મને પ્રેમ કરવાને લાયક લાગી નહોતી રહી.

આજે મેં એના દરેક રૂપરંગ જોયા. એની મસ્તી, એની અદાઓ, એના તોફાનો. મેં પણ થોડી વાતો કરી. મારો ખભો પકડીને એ હસતી હસતી બેવડ વળી ગઈ. મને બહુ ગમ્યું. સાંજ સુધીમાં તો હું જાણે એને વર્ષથી ઓળખતો હોઉં એટલી નિકટતા થઈ ગઈ. પરણેલા દુર ખસી ગયા, વાંઢાઓમાં પણ અમારી નિકટતાનો સોપો પડી ગયો. જે લોકો મને ગણતા પણ નહોતા આજે વાતો કરવા આવી પહોંચ્યા, એ બાદ રીનાના જુના ગણાતા ઓફિસના મિત્રો પણ એના પર હક જતાવવા આવી ગયા. રીનાએ કંટાળીને એમની થોડી અવગણના કરી એટલે એ બધા વીલા મોઢે પાછા ફર્યા. મને આ પણ બહુ ગમ્યું!

જોકે સાંજે એને કોઈ છોકરો પીકઅપ કરવા આવ્યો હતો. એની જોડે એ બાઈક પાછળ ગોઠવાઈ ગઈ. પણ એક વાત તો નક્કી હતી જ....આ છોકરી જોડે લગ્ન તો શું પ્રેમ પણ ના કરાય. છતાં..સાંજે રીનાની યાદો મને વળગી હું સુઈ ગયો.

***

બીજા દિવસે થી રોજિંદી રીતે ઓફિસના દિવસો ચાલુ થઈ ગયા. રીનાના બધા 'દોસ્તો' હવે મને ઓળખતા હતા. બધાએ સામેથી હાય-હેલો કર્યું, મારો તો ભાવ વધી ગયો! એમાં અડધા ઉપરાંત કદાચ મારા શત્રુ જ હશે?
જોકે મારો અવિચારી પ્રયત્નો તો ચાલુ થઈ જ ગયા બધાની જેમ જ્યાં રીના મળે વાત કરી લેવાની. ખાસ કરી એના વખાણતો કરી જ લેવા. એની કમનીય કાયા અને અંગ ઉપાંગો તરફ કુદૃષ્ટી રાખવી. આ બધું કદાચ મને એના તરફ જાગતા પ્રેમથી દુર રાખશે એવી મારી ગણતરી હતી. ધીમે ધીમે ફોન ઉપર પણ થોડી વાતો પણ ચાલુ થઈ. આમ દોસ્તી આગળ વધતી રહી. એ મારા વિશે થોડુ જાણતી થઈ હું એને વધુ ઓળખતો થયો. ઘરમાં કોણ કોણ છે, કોણ શું કરે છે એ બધું સમજ પડતી ગઈ. મારી જગ્યાએ કોઈ બીજો હોત તો? મારું મન મને કેટલીએ વાર આવા સવાલો કરતુ રહેતું. એ રોજ ઓફિસના એક છોકરા જોડે બેસીને આવતી-જતી. એ ન હોય તો કોઈ બીજો લિફ્ટ આપવા તૈયાર જ હોય! એટલે ક્યારેક રીના મારી બાઈક પર બેસે એવા અવસર માટે હું તરસી રહ્યો.

આ પ્રેમ જેવા જ રોગના લક્ષણો કંઈક આવા હતા. રીના જોડે દોસ્તી રાખનારા, એની પાછળ પડેલા, એની પીઠ પાછળ ગંદી કોમેન્ટ કરનારા દરેક જણ મારા અંગત શત્રુ બની ગયા! એમની સંખ્યા વધારે હતી. મારા સિનીયર્સ અને એચ.આર પણ એમાં શામેલ હતા! હદ થઈ ગઈ હતી. સવારે આંખ ખુલતા જ રીના-રીના થઈ જતું. આખો દિવસ રીના-રીના પછી રાત્રે પણ જ્યાં સુધી આંખો પરાણે મીંચાઈ ન જાય....રીના નામની નારી પીછો છોડી રહી નહોતી!

આનો ઉપાય શું? હું રીના વિશે હંમેશા ખરાબ જ વિચારવા લાગ્યો. આ ક્રિયા મને પ્રેમરોગથી બચાવી રહી હતી. આ યોગ્ય હતું?

***

એવામાં ઓફિસમાં વિરાટની એન્ટ્રી પડી. વિરાટ અમારી ઓફિસની જ મુંબઈ બ્રાન્ચમાં કામ કરતો હતો. એનો અલગ જ 'સોટ્ટો' હતો! એના કપડા, ઘડિયાળ, હેરસ્ટાઈલ, રંગ-ઢંગ તદ્‍ન અલગ અને ફ્રેશ હ્તા. ઓફિસની કેટલીયે છોકરીઓ એની આસપાસ વીંટળાઈ રહેતી...પહેલા દિવસથી જ! પણ વિરાટની નજર સૌથી ફેશનેબલ છોકરી રીના ઉપર જ આવી ગઈ હતી. વિરાટના બધા ફોર્મુલા-ફંડા અલગ હતા. દિવસોમાં એ રીના જોડે કોફી પીતો થઈ ગયો. મારો જીવ રોજ અકળાતો. પેલા અડધા કોફીના કપ જેટલું લોહી બળી જતું હશે!

વિરાટ એક વખત અમારા કેબિનમાં જ હતો અને એટલામાં રીના ત્યાંથી પસાર થઈ, હું વિરાટની નજર જોઈ રહ્યો. એક સિનીયરે સી...કરીને જેમ મરચું તીખું લાગ્યું હોય અને લ્હાય બળતી હોય એવો સિસકારો નાખ્યો. વિરાટે તરત જ એને કોમેન્ટ મારીએ,"પાણી પીલો અરૂણભાઈ." વિરાટનો ટોન એવો હતો કે જાણે રીના વિરાટની ગર્લફ્રેન્ડજ ન બની ગઈ હોય!

મારે મોડું કરવા જેવું નહોતું...કદાચ મારું પત્તું એક મહિનાની અંદર જ કપાઈ જવાનું હતું. મને એ પણ ખબર પડતી નહોતી કે રીનાનું શું કરવું? જવા દઉં એ રખડેલને વિરાટ જોડે? તેલ લેવા ગયા બંનેવ! આ નોકરી તો ફક્ત એક્સપીરીયન્સ માટે જ કરી રહ્યો છું ને? બે મહિનામાં મારું અડધું વર્ષ પતી જશે. આટલો અનુભવ તો નવી એપ્લિકેશન માટે પુરતો છે. એ પછી મહીનામાં તો હું ઉપડીને મોટી કંપનીમાં! ખેર...જવા દો એ રીનાને!


***

(ભાગ-૨)


આખરે એ રવિવારે મને રીના વિરાટ જોડે સીટી તરફ ફરતી દેખાઈ. હું તડપી ઉઠ્યો! રાત્રે મેં મેસેજ કર્યો, તો એનો રિપ્લાય આવ્યો કે એ વિરાટ જોડે એની ઓફિસની જ ફ્રેન્ડના ઘરે કોઈ કામથી ગઈ હતી. રીના મારી બાઈક પર ક્યારેક બેસસે કે નહિ? મારા બીજે નોકરી શોધવાના પ્રયત્નો ચાલુ થઈ ગયા. રીનાના સોશિયલ નેટવર્કના પેજ પર ઘણા બધા ફોટોગ્રાફ હતા. જેની નીચે સેક્સી, ગોર્જીયસ જેવી કોમેન્ટ્સ પણ લખી હતી. રીનાના આટલા બધા 'ફ્રેન્ડ્સ' જોઈને મને ખબર પડી રહી હતી કે એણે ઘાટ ઘાટના પાણી પીધા છે. એને એક એવો છોકરો પટાવવા જઈ રહ્યો છે, જેણે કોલેજમાં માખી પણ મારી નથી. એના ચણાતો શું, ફોતરાં પણ નહીં આવે!

***

ઓફિસમં એક બપોરે આમ જ અમે ભેગા થઈ ગયા...ટીફિન લઈને. અમે સાથે લંચ લેવા બેઠા.
"કેમ તું આજકાલ બહુ બીઝી લાગે છે?"
"બસ આમ જ, બહુ કામ રહે છે."
"પહેલાં તો તો સાથે લંચ કે કોફી માટે ભેગો થઈ જતો હતો, હવે તો તમે મોટા માણસ થઈ ગયા છો." એ થોડું મોઢું ચડાવતા બોલી. હટ્ સાલી...
"ના એવું નથી. એક્ચ્યુલી તમે બહુ બીઝી છો."
"હું? ના તો! ક્યાં?"
"ફ્રેન્ડ્સ જોડે, રુપાલી છે, અલ્પેશ છે..અને હવે તો વિરાટ પણ છે!"
"વિરાટ તો મને ગમતો જ નથી"
"કેમ? તમારી જોડી..."
"ચલ હટ્, કેવી વાત કરે છે તું! એ બહુ ચીપકુ છે યાર."
"કેમ તને એવા માણસો નથી ગમતા? સ્ટાઈલીશ?"
"ના બકા, મને તો તારા જેવા સીદા સાદા માણસો વધારે ગમે!" એણે આંખ મારી.

***
ભલે, જે પણ હોય. આજે મજા પડી ગઈ. એનો આંખ મારતો ચહેરો અને વાતો મારી આસપાસ ફરી રહી હતી. એ છોકરી કોઈને ગાંઠે એવી નથી જ. કેટલાય લોકોને ફરાવી ચૂકી હશે. અને હવે જો એ મને આમંત્રણ આપી રહી હોય...અથવા એવું બિલકુલ પણ ન હોય તો પણ મારે ચાન્સ મારવા જેવો ખરો કે નહી?

રાત્રે મુંઝાઈને મારા એક લંગોટિયા દોસ્ત સામે મેં પેટછૂટી વાત કરી. જો કે આ પહેલા પણ રીના, એની અદા, એની મારા ઉપર અસર; એના બોયફ્રેન્ડ્સ, એમની મારા ઉપર અસર વગેરેની ચર્ચા કરી ચુક્યો હતો. તો એણે મને મને એજ સલાહ આપી જે દરેક સાચો મિત્ર આપે છે! જે મને ગમી! જે મારે સાંભળવી હતી!!! એણે કહ્યું કે મારી કિશોરાવસ્થા, કોલેજકાળ ભલે કોરેકોરો ગયો...પણ આવા લફરા કરવા મળતા હોય, તો એ મારું નસીબ છે! મોકો જોઈ ચોકો મારવો, વહેતી ગંગામાં હાથ ધોઈ નાખવા, લોખંડ ગરમ હોય તો હથોડો મારી દેવો જેવા કેટલાય રૂઢિપ્રયોગોથી મને ઢંઢોળ્યો. એના મિત્રોએ કેવા કેવા 'સેટીંગ' કર્યા છે, પરણ્યા પછી પણ બિરીયાની ખાય છે વગેરેના દ્ષ્ટાંતો આપીને મારું માનસિક મનોબળ વધાર્યું. જરૂર પડે તો ફોન કરીને બીજો ડોઝ આપવાનો દિલાસો આપ્યો. એણે એ પણ કહ્યું કે જો હું રીનાને  ઓફિસ સિવાય બીજે કશે પુછવા જઉં, તો એણે મારી સાથે જોડે આવવાની પણ તૈયારી બતાવી. મારા ફોનમાં રીનાના ફોટો વાહ વાહ કરતાક જોઈ રહ્યો.

***

બીજા દિવસે એ ઓફિસે નહોતી આવી. પછી એના જોડે કામ કરતા વડીલ લાગતા ભાઈએ આંખ મિચકારતાં કહ્યું કે વિરાટ, અર્પણા અને આ...રીના ભેગા થઈ મુવી જોવા ગયા છે! બીજા એક જણાએ કહ્યું કે અર્પણાનો બોયફ્રેન્ડ પણ ત્યાં આવવાનો છે. પત્યું. મારી ખોપડી છટકી. સાલી એ રખડેલ છોકરીને કેટલો શોખ છે કે મુવી જોવા ઉપડી ગઈ. અર્પણા અને એનો બોયફ્રેન્ડ એકબીજામાં બીઝી હશે તો વિરાટ પણ કંઈ ચાન્સ છોડે એવો નથી!

સાંજે મારે ફોન કરવાનો જ હતો, અને મેં કર્યો પણ.
"હાય."
"ઓહ હાય કેમ છે?"
"તું કેમ છે? તબિયત તો ઠીક છે ને?"
"હા કેમ? મારી તબિયતને શું થવાનું હતું?"
"આજે તું ઓફિસમાં દેખાઈ નહી એટલે પુછ્યું."
"ના એ તો જરા કામ હતું એટલે.."
"ઓહ." મેં વધારે ન પુછ્યું.
"મુવી જોવા ગયા હતા." આખરે એને બોલવું પડ્યું.
"મને કહ્યું હોત તો હું પણ જોડે આવત ને!"
"અચાનક પ્લાન બની ગયો, એટલે મારે જવું પડ્યું."
"જવું પડ્યું?"
"હું તને પછી ફોન કરું? મારે જરા કામ છે."
"ઓકે, બાય." એનો રિપ્લાય સાંભળતા પહેલા મેં ફોન કટ કરી દીધો.

***

"શું થયું કાલે તો ભઈનો કંઈ મુડ નહોતો લાગતો!" એ સામે જ મળી.
"ભઈ-બઈ ના કહીશ."
"ભાઈ નથી કહ્યું, ભઈ કીધું છે."
"એ જે કંઈ હોય તે."
"મુડ તો આજે પણ નથી લાગતો!"
"મારે જરા કામ છે." હું કટ મારીને નીકળવા લાગ્યો.
"બહાના ન બનાવીશ."
"કેમ? તમારે હોય અને મારે કામ ન હોય?"
એ મને જતા જોઈ રહી હશે એમ મને લાગ્યું ખરું, પણ મેં પાછળ વળીને ન જોયું. કદાચ એ ન પણ જોતી હોત તો!

સાંજે ઝેરોક્ષ મશીન પાસે અમે ફરી ભેગા થયા. મશીનમાં એનું પેપર ફસાયું અને મારે કાઢવું પડ્યું. મારો શર્ટ જરા બગડ્યો એટલે એને હસવું આવ્યું. એનું હસવાનું છુપાવતા મનેય હસવું આવી ગયું. આમ ફરી દોસ્તી શરુ થઈ ગઈ

આજે એમ પણ એ ટાઈટ જીન્સ અને ટોપમાં જરા હોટ લાગતી હતી.

રાત્રે મેસેજની આપ-લે પણ થઈ.

***
રવિવારે વળી મારા પેલા લંગોટિયા મિત્રને બધી વાતો કહી એટલે એ અકળાયો. આવી તે કેવી છોકરી છે? બીજા જોડે ફરે છે, પિક્ચરો જુએ છે, તનેય ઉલ્લુ બનાવે છે, તારા જેવા કેટલાય હશે વગેરે એના મુદ્દાઓ એણે એટલા આત્મવિશ્વાસથી કહ્યા કે મને લાગ્યું કે હું રીના-રીના કરીને ખોટો સમય બગાડી રહ્યો છું. આ છોકરી પેલી બધી કોલેજની ચીબાવલીઓ જેવી જ છે. દસ છોકરાઓ જોડે ફરવું, સાલું કોણ એનો અસલી પ્રેમ છે એ ખબર જ ન પડે. એક જોડે બગીચામાં બેસવું, બીજા જોડે બાઈક પર જવું, ત્રીજા જોડે ડીનર લેતાં લેતાં ચોથા-પાચમાંની વાત કરવી! બધી હદ-મર્યાદા તોડીને વળી પૈસાદાર પતિના સ્વપના સેવવાના! કેટકેટલું કંફ્યુઝન ! આટલું બધું મેનેજ કેમનું કરવું? દિવસમાં બીજા જોડે અને પોતાના આત્મા જોડે કેટલું જુઠું બોલવું!

રીના પણ એવી જ હશે ને? કોલેજ પતી ગઈ પણ એ બિન્સાસ્તપણું છુટી નથી રહ્યુ! એ પણ વિચારતી હશે કે લગ્ન થાય ત્યાં સુધી બધું માણી લેવું. મારે તો આ નોકરી કેટલી જવાબદારીઓ પુરી પાડવા કરવાની છે. એમાં પાછી આ રીનાનો રોગ પાળવો કેમ પોસાય?

હું ફરી એકલતા અનુભવવા લાગ્યો. રીનાના મેસેજનો કોઈ રિપ્લાય ન કર્યો. રાત્રે ૧-૦૦ વાગ્યા સુધી ઉંઘ ન આવી અને આખરે મેસેજ પણ જોવો પડ્યો.
"હાય, વોસ્સપ? આજે સાંજે અર્પણા જોડે વિરાટના ઘરે ગયા હતા." મારું દિલ બળી ગયું સા# ત્યાં કેમ ગઈ હશે? શું થયું અને શું ન થયું હશે વગેરે કલ્પનાઓથી દિમાગ ભરાઈ ગયું. વળી મને મેસેજ મોકલવાનું શું કારણ?

***

બીજા દિવસે મારા કેબિનમાં એ લાગ જોઈ ને આવી કે શું પણ એ સમયે કોઈ નહોતું.
"કાલે વિરાટ અને અર્પણાએ પ્રોગ્રામ બનાવ્યો હતો. મેં અર્પણાને કહ્યું પણ કે તને ફોન કરીએ."
"મારે રવિવારે ઘરના બહુ કામ રહે છે." હું ફાઈલ જોતો બોલ્યો.
"કામ તો મારે પણ રહે જ છે પણ કાલે હું ફ્રી હતી."

એ દિવસે ઓફિસમાં કોઈના મોઢે સાંભળ્યું પણ ખરું કે વિરાટ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો છે. ભલે જતો, એક પથરો ઓછો. મારું મન નફરતથી ભરાઈ રહ્યું હતું. રીના અને વિરાટની વાતો કરનારા જાણે મારા કટ્ટર દુશ્મન હોય એવો ગુસ્સો મને ચડી રહ્યો હતો.

હું સમજી ગયો કે મારી વાત આગળ વધવાની નથી. હવે કંટાળો આવવા લાગ્યો છે. ક્યાંક તો હું રીનાને પ્રપોઝ કરી દઉં અથવા એની જોડે લાગણીનો આ સંબંધ તોડી નાખું.

***

ત્રીજો રસ્તો મને મારા લંગોટિયા મિત્રને સુઝાડ્યો.

"એને લવમાં બવ ઈન્ટ્રેસ્ટ નથી લાગતો! એનો શોખ તો કંઈક ઓર જ છે."
"એટલે?"
"જો, આજકાલની જનરેશનને બધું જ જોઈએ. હમણાં જ જોઈએ. ગમે તે ભોગે. એ કંઈ અભાવ ચલાવી ન લે. એમાં છોકરીઓ તો ખાસ. એમને એક ન મળે તો બીજો તૈયાર જ હોય. છોકરો જો ઠેકાણા વગરનો, ગરીબ, લબાડ હોય તો એની એકેય ગર્લફ્રેન્ડ ન હોય. પણ છોકરી ભલે ભંગાર માલ હોય...એને ઓછામાં ઓછા ચાર જણ તો પ્રપોઝ કરે જ."
"શું વાત કરે છે!" મને હસવું આવ્યું
"આ વાત છોકરી પણ જાણે જ છે એટલે એ સમય વીતી જાય એ પહેલાં મોજ-શોખ પુરા કરી જ લે. અમુક છોકરીઓને  બધું જ જોઈએ. પણ બધું એક જ માણસ તરફથી ક્યારે મળી રહે? એટલે એ એક જોડે ફરે, એક જોડે દોસ્તી રાખે, એકાદને પ્રેમ કરે, એકાદ જોડે શરીરસુખ માણે. આ બધાજ સબંધોના વળી એક-બે ઓપ્શન પણ રાખી મુકે. જો એક પુરો થઈ જાય એટલે બીજો રેડી જ હોય!"
"ખરેખર?
"કોઈને મારી વાતો ભલે આછકલી લાગે, પણ આ જ સચ્ચાઈ છે મારા દોસ્ત...ગંદી સચ્ચાઈ! તું અત્યારે એનો દોસ્ત ભલે રહ્યો. પણ હવે તારે આગળ વધવું પડશે, નહિ તો એને ભુલી જા. એનો અને તારો, એમ બંનેનો સમય બચશે!"
"હા મારા ગુરુજી, હવે બસ કરો! મારે નથી કરવો લવ-બવ. આજથી રીના ગઈ તેલ લેવા. એને જ્યાં ફરવું હોય; વિરાટ જોડે કે બોસ જોડે, જેની જોડે ફરવું હોય, ફરે. મારે હવે કંઈ લેવા-દેવા નથી. આ એના નામનું પાણી મુકું છું...આક થું!"

***
"હજી પણ તારો ગુસ્સો ઉતર્યો નથી." રીના કોફીના સીપ લેતા લેતા બોલી.
"કેવો ગુસ્સો?"
"રવિવારવાળો" એ મલકાતા બોલી.
"છોડને યા...ર."
"એજ કહું છું ને કે છોડને યા...ર! તો પણ તને ખરાબ લાગ્યું હોય તો સોરી." એનું મોઢું જરાક ઉતરી જેવું ગયું.
"અરે! તુ મને સોરી કેમ કહે છે?" હું પ્રેશરમાં આવી ગયો!
"..." એ હોઠ લાંબા-ટુંકા કરી રહી!
"મને કોઈથી કોઈ પ્રોબ્લેમ નથી રીના!"
"તો બે દિવસથી મોં ચઢાવી કેમ રાખ્યું છે?"
"મને કંટાળો આવે છે...અમ્મ...ઓફિસના કામથી!" મને બીજું કંઈ બહાનું ન સુઝ્યું તો ઓફિસનું નામ લઈ લીધું!
"ઓકે તો ચલ કશે ફરવા જઈએ. હું તું અને અર્પણા?" એણે મારી સામે પ્રસ્તાવ મુક્યો અને હું રીતસરનો લલચાયો!
"અર્પણા?"
"હાસ્તો, કેમ એને જોડે નથી લેવી?"
"હું વિચારતો હતો કે..."
"કે?"
"આપણે બે..."
"આપણે બે જ?" રીના જરાક ચોંકી.
"કશેક જમવા..."
"ઓકે ડન, ચાલ કાઠિયાવાડી જઈએ. બહુ દિવસથી ખાધું નથી!"

એ સાંજે એ ખરેખર સુંદર ડ્રેસ પહેરીને આવી. પહેલી વખત મારી જોડે બાઈક ઉપર કોઈ છોકરી બેઠી! એ સુગંધ, એ નિકટતા, એ જરાક સ્પર્શ... આ સ્વપનું તો નહોતું ને? મારી મહિનાઓ લાંબી વાર્તા અચાનક એક અણધારા મુકામ પર પહોંચી ગઈ હતી!

આવતી વેળા એ મને લગોલગ ચોંટીને બેઠી, કદાચ વિરાટ કે અલ્પેશ જોડે પણ એ બહાર આમ જ બેસતી હશે? જે હોય તે પણ આ વિચાર મારો મુડ બગાડી ન શક્યો!

***
આખરે એ નવરાત્રિ આવી ગઈ. અમે ઓફિસવાળા ખુબ ગરબે ઘુમ્યા. વિરાટ કે અલ્પેશને ગરબા આવડતા નહોતા. અમે ઓફિસનું આખું ગૃપ રોજ રાત્રે એક મોટા ગરબામાં ભેગા થઈ ગરબા રમતા. હજારોની મેદની વચ્ચે ક્યારેક અમે બંને ખોવાઈ જતા. રીનાની હોટ ચણિયાચોળી અને ખાસ કરીને એનુ ફીટીંગ મને મદમસ્ત બનાવી દેતું.

એવામાં ત્રીજા જ  દિવસે એનું સ્કુટર બગડતા હું એને લેવા મુકવાની ડ્યુટી હોંશે હોંશે કરવા લાગ્યો. હું બહાર બાઈક ઉપર બેઠો બેઠો એની રાહ જોતો હતો ત્યારે એના મમ્મીએ મને અંદર બોલાવ્યો. આખા પરિવાર સાથે મુલાકાત થઈ. વાત વાતમાં એના પપ્પાનીઅમારા કોઈ દુ...રના સગા જોડે ઓળખાણ નીકળી. એના પપ્પા-મમ્મી ખુશ થયા.

રીના નવી ચણિયાચોળી પહેરીને આવી. સહેજ ડીપકટ ચોળી અને એ પણ વળી બેકલેસ. ચણિયો નાભિથી ચાર આંગળ નીચે અને એની પાતળી, નાજુક, ખુલ્લી કમર! વાઉ!
પૂનમની અજવાળી રાતમાં અમે ગરબે રમતા રહ્યા અને રમતા રમતા મારાથી એને ન કહેવાનું કહેવાઈ ગયું!

"રીના, તુ મને બહુ જ ગમે છે!"
"શું?" એને ચાલુ ગરબે બહુ સમજ પડી?
"આઈ લવ યુ!" અને તરત રીનાનું મોં પડી ગયું! એ ગૃપમાંથી નીકળી ન ગઈ પણ તદ્દન ઠંડી પડી ગઈ. કલાક પછી બ્રેકમાં અમે બધા પાણી પીવા નીકળ્યા.
"તમે બંનેવની જોડી આજે બહુ જામે છે!" અલ્પેશ અચાનક જ બોલ્યો.
"હાં બંનેના કપડા પણ સેઈમ જ છે!" અર્પણા પણ ટહુકી.
એમને શું ખબર કે મેં કેટલો મોટો બોમ્બ ફોડ્યો છે! હું પાઉચ પીતા પીતા એક નજર રીના તરફ જોઈને ગીલ્ટી ફિલ કરતોક નીચે જોઈ ગયો. ધીમે ધીમે બધા અંદર મેદાનમાં જઈ રહ્યા હતા. અમે બધા લાઈનમાંજ ઉભા હતા. હું આગળ હતો અને અચાનક મારી ટચલી આંગળીએ કોઈ અડ્યું!
"આઈ લવ યુ ટુ!" કદાચ રીના આવું કંઈક બોલી કે શું...હું સમજી ન શક્યો અને વિશ્વાસ પણ ન કરી શક્યો. મારો બસ એક જ શબ્દ એને સંભળાયો હશે..."રીના!"
પછી અમે બહુ શાંતિથી ગરબા રમ્યા. અઢળક સંતોષ. જાણે કોઈ ફિલ્મ પુરી થઈ ગઈ હોય અને થિયેટર ધીમે ધીમે ખાલી થઈ રહ્યું હોય.
ગરબા પુરા થયાને અમે બાઈક પર જોડે જ નીકળ્યા. "બંને સીધા ઘરે જ જાજો!" અર્પણાએ પાછળથી બુમ પાડી અને બધાનો હસવાનો અવાજ પણ આવ્યો!
ઓફિસના બધા કટ્ટર શત્રુ આજે કેટલા સપોર્ટીવ હતા!

અમે બંને બાઈક પર ધીમે ધીમે જઈ રહ્યા હતા. કોઈને ઘરે પહોંચવાની ઉતાવળ નહોતી.
"કેમ કંઈ બોલતો નથી?"
"બસ થોડું અનુભવવા માંગુ છું."
"શું?"
"તારો સાથ."
બદલામાં એ મને વળગી ગઈ. એનુ માથું મારા ખભે મુકીને એ મલકી હશે! એના ઘરે મેં એને ઉતારી
"આઈ લવ યુ રીના! આઈ લવ યુ સો મચ!" મેં એનો હાથ પકડીને કહ્યું.
"લવ યુ ટુ!" એ શરમાતા શરમાતા બોલી!

આજે હું ઉડતો ઉડતો ઘરે આવ્યો!

***
સવારે ઓફિસમાં એ વિરાટ જોડે કંઈ વાતોમાં ચોંટી રહી. મારો જીવ બળતો રહ્યો. મને જોઈએ થોડી વારે મને મળવા આવી.
"શું ચાલે છે?"
"કામ બીજું શું ચાલતું હોય?"
"એ તો એને પેલી રીતુ સાથે ઝગડો થયો એની વાત ચાલતી હતી."
"એમ?"

સાંજે વળી વિરાટ જોડે બેસીને એ રીતુનો ઝગડો સોલ્વ કરવા ગઈ. વિરાટ જોડે એને કેમ આટલું બધું ફાવતું એ ખબર નહોતી પડી રહી.

સાંજે ગરબામાં પણ મારું દિમાગ નહોતું લાગી રહ્યું. રીના મનાવતી રહી. હું તટસ્થ રહ્યો.

સાચી વાત તો એ હતી કે રીનાના ચરિત્ર વિશે મને શંકા હતી જ. ઓફિસમાં એના નખરાં, લટકા-ઝટકા, ખુલ્લા વિચારો અને ખુલ્લા પગ વગેરે બધું વધારે પડતું હતું. મને એની જુની વાતો પણ યાદ હતી. વિરાટ, અલ્પેશ જોડે એની નિકટતા દુરથી દેખાતી. ભલે એ ઉપરથી દોસ્ત-દોસ્ત કરતી હોય પણ અંદરખાને શું ચાલતું હોય એ મારા જેવા સીદાસાદા વ્યક્તિને શું ખબર પડે?

***
નવરાત્રી પુરી થયાના ત્રણ દિવસ પહેલાં પાછો હું માની ગયો. મારા બાળપણના પેલા અંગત વિશ્વાસુ મિત્રે આદત મુજબ એક સલાહ આપી. બહુ જ અણછાજતી. પણ આજના જમાનામાં છોછ કોને હોય છે? મારે જુના વિચારો સાથે લઈને ચાલવામાં રીના ગુમાવવી પડે તેમ હતી! કદાચ મારા બધા અનુમાનો ખોટા પડે એમ પણ હોય પણ મારે કોઈ ચાન્સ લેવો ન હતો!

મેં મારા પ્રયત્નો આદરી દીધા. એનો હાથ પકડવો, હાથ લગાવવો વગેરે. મારે એનું ચરિત્ર ચકાસવું હતું. એના
વિશે સઘળું જાણવું હતું. એ કેવી છે, એનો ભુતકાળ કેવો છે, મારા પહેલા પણ કોઈ હતું કે નહી વગેરે બધીજ બાબત.

મને બહુજ ગિલ્ટી ફીલ થઈ રહ્યું હતું પણ આ બાબત દરેક જણ જાણવા માંગતું હોય છે. ખરું ને?

***
આફ્ટર નવરાત્રીના ગરબામાં મેં ઉડતી ચકલી મારી પાડી. રીના પ્રેમમાં એકદમ મદહોશ થઈ ગઈ હતી. હું એ અનુભવી શકતો હતો. એને છુટીને હું મિત્રના ઘરે લઈ ગયો. ત્યાં મારી યોજના મુજબ કોઈ નહોતું. અમે તાળું ખોલી અંદર ગયા. હું બારણું બંધ કરીને એની નજીક બેઠો. રીના મને પ્રશ્ન ભરી નજરે જોતી રહી. હું એની ચણિયાચોળી, આંખો, વાળ વગેરે તરફ એક ભરપુર નજર નાખી રહ્યો હતો.

"શું વિચાર છે?" મેં આંખ મીંચકારતા પૂછ્યું.
"તુ જે કહે તે." એણે આંખમાં આંખ પરોવીને તટસ્થતાથી જવાબ આપ્યો.
કેટલાય વિચારો મારી સામે ફરી વળ્યા. શરુઆતથી અંત સુધી. એનું બીજા જોડે ફરવું, મારી સામે જોવું, બીજા જોડે મસ્તી મજાક કરવો, મારી જોડે સાચવીને વાતો કરવી. એના ખુલ્લા વાળથી લઈને મારી ટચલી આંગળી પકડીને જવાબ આપવા સુધી બધું જ એ ક્ષણમાં નજર સમક્ષ ફરી ગયું.
"હું માનું છું કે હું થોડી મોર્ડન છું, આઝાદ વિચારવાળી છું પણ જો તું ..."
"શું રીના?"
"તું લગ્ન સુધી રાહ જોઈ શકતો હોય તો સારું." એ ભીની નજર ઝુકાવીને ધીમેથી બોલી.

મેં હજી સુધી લગ્નની કોઈ વાત નહોતી કરી. મેં લગ્ન સુધી વિચાર્યું નહોતું! આ છોકરીઓ કેટલી સેન્સીટીવ હોય છે નહિ? આટલી બોલ્ડ હોવા છતાં એ લગ્નની વાત કરી રહી હતી.

હું સમજી ગયો. એની આંખોમાં અનહદ પ્રેમ મને તો દેખાઈ ગયો. મારા દિલ-દિમાગમાંથી બધો કચરો સાફ થઈ ગયો! કોઈ પણ ભુલ કર્યા વિના હું રીનાને લઈને એના ઘરે છોડવા બાઈક ઉપાડી.

અમારા બંનેના મનમાં હવે ફક્ત એક જ નિશ્ચય હતો...લગ્ન કરવાના પ્રયત્નો કરીશું. વડીલોને મનાવીશું. જે થાય એ જોઈ લઈશું!

(સમાપ્ત)

No comments:

Post a Comment