અનુપમ



વર્ષો વીતે છે અને એની અસર ચહેરાઓ ઉપર વર્તાય છે. યુ-ટ્યૂબ પર ફરતાં ફરતાં ઘણા સમય પછી સ્કૂલના દિવસો યાદ આવી ગયા. દસમા ધોરણ પછી સ્કૂલ બદલવી પડેલી. દસમું ધોરણ એટલે મારી માટે સ્કૂલનું દસમું વર્ષ હતુ. ખબર નહિ કેમ પણ આ વર્ષો અતિશય લાંબા લાગ્યા હતા. જીંદગીનો ખુબજ મોટો ટુકડો. આઠમા ધોરણથી દસમા ધોરણ સુધીતો એટલી મજા પડી કે ન પુછો વાત! કદાચ એટલે જ લાગતું રહ્યું કે હંમણાં જ આટલી મજા આવે છે તો આગળ જતાં બારમા ધોરણની અને એ પછી કૉલેજ લાઈફની કેટલી મજા પડશે? જોકે મને ખબર હતી કે આ દિવસો પણ ખુબ જ યાદ આવવાના છે. બે ક્લાસના મળીને કુલ એંસી છોકરાઓના નામ દરેકને અટક સાથે યાદ હતા. કોણ ક્યાં બેસે છે એ આંખ બંધ કરીને યાદ કરૂં તો પણ મને યાદ આવી જતું. એટલે મને એમ કે હું આમાનું કશું પણ ક્યારેય નહિ ભુલું. પણ કોલેજ પાસ કરી ત્યાં સુધીમાં કેટલું બધું ભુલી જવાયું! અફસોસ કે એ સમયે મોબાઈલ, કેમેરા જેવી વસ્તુઓ નહોતી, નહિતર યાદો કશેક સાચવીને રખાઈ હોત. દસમા ધોરણની એક નોટબુક હજી પણ મારી પાસે છે. વળી, એ સ્કૂલના દિવસો જેટલી મજા કૉલેજમાં પણ ના આવી.

એ વર્ષોમાં જે ફિલ્મી ગીતો અમે સાંભળતા અને સ્કૂલના ફ્રી પિરિયડમાં મોટ્ટેથી ગવાતા એ ગીતો વગાડીને ફરી સમય રીવર્સ કરવાની કોશિશ ચાલુ છે. એ પણ ખબર છે કે હું મારી વાત કરતો હોઉં અને સાંભળનાર એ શબ્દોથી પોતાના અનુભવ/અનુમાન/અવલોકન પ્રમાણે એક અલગ દ્રશ્ય બનાવી લે પછી ભલેને સાંભળનાર એ સમયે મારી સાથે હોય. એટલે મારું દ્રશ્ય ફક્ત હું જ જોઈ રહ્યો છું.

ફિલ્મી ગીતો મળી ગયા પછી એ જુના દિવસોને પકડવા જુના દોસ્તોને શોધવાનો પ્રયત્ન કર્યો. એકાદ-બે મળ્યા. અલગ ચહેરાવાળા ખાસ મિત્રો! આ સમય બધું જ બદલી નાખે છે કમ્બખત! થ્રીડી એનિમેશનથી એક એન્વાયરમેન્ટ બનાવાનો પ્રયત્ન પણ કર્યો હતો! પણ રિઝલ્ટ ખુબ નકલી!

જુની સિરિયલો, જુની ચોપડીઓ સુધી પહોંચીને વળી થયું કે હું પણ કેટલો પાગલ! ચલોને એ જુની સ્કૂલ તરફજ આંટો મારી લઉં! જે રસ્તાઓ ઉપર હું હોંશે હોંશે સાઈકલ લઈને ગવર્નર ઉપરથી હાથ છોડીને ઉડતો રહેતો એ આખો રસ્તો બદલાઈ ગયો છે! સર્કલ, સોસાયટીઓ, બંગલાઓ, અરે રે!

હમણાંતો નાના નાના બાળમિત્રો જોડે સ્કુલની વાતો કરીને, એમની સ્કૂલની ચોપડીઓ જોઈને ખુશી મેળવી લઉં છું. સ્ટેશનરીની દુકાનોમાં અથવા મોલમાં પેન્સિલ, ચોપડી વગેરે જોતો રહું છું. રબરની ખુશ્બુ પણ ઘણું બધું યાદ અપાવી જાય છે.

ટૂંકમાં રીતસરનો હિજરાઉં છું! કદાચ હું પાગલ હોઈશ. કદાચ આ બધું વિચારવું જરૂરી નથી. શું કહો છો?

અને હાં...મારી સ્કૂલનું નામ અનુપમ વિદ્યાલય છે.

No comments:

Post a Comment