રેવુ

રેવુ. લોકો મને આ જ નામથી બોલાવે છે. હું આર્યદેશના મહારાજાનો નાનકડો સેવક છું. રાજમહેલનો પહેરેદાર. અમારી માટે મહારાજાનું નામ લેવું વર્જિત છે. હું મહારાજાના કક્ષની પહેરેદારી કરૂં છું. જે બહુ મોટી વાત છે. રાજમહેલ ઊંચા પહાડોની વચ્ચે છે અને દુરથી રાક્ષસ જેવો વિશાળ દેખાય છે. બહાર કેટલાય ગજ ઊંચા પથ્થરના સિંહ છે. કહેવાય છે કે એ સિંહ લડાઈ વખતે જીવતા થઈ જાય છે અને હુમલાખોરોને એમના ઘોડા સહિત પગ નીચે કચડી નાખે છે.

હું પેલી સામે દેખાતી તળેટીમાં રહું છું. ત્યાં મારૂં ગામ છે. મારા મા-બાપ, બે બહેનો, પત્ની, ત્રણ બાળકો ત્યાં જ રહે છે. અમારી જાતના લોકો ગામની એક તરફ રહે છે. અમારી જાત આમ ઘણી નીમ્ન ગણાય છે. પણ તે છતાંયે મને રાજમહેલમાં કામ કરવાનું સમ્માન મને મળ્યું. કારણ, હું પંકાયેલો શીકારી છું. તલવાર અને ભાલો ચલાવવાની શિક્ષા મે રાજમહેલમાં લીધી અને હવે ત્રણ ચોમાસાથી ત્યાં જ કામ કરૂં છુ. હું રોજ સંધ્યાકાળે પહેરો ભરવા જાઉં છુ. સવારે ઘરે આવી જાઉં છું. બપોર પછી નદીકિનારે બેસું છું. વહેતા પાણીને જોતો રહું છું. ઉડતા પક્ષીઓને નિહાળ્યા કરૂં છુ. મને ત્યાં બહુ ગમે છે. મને લાગે છે કે આ ડૂબતા સુર્યને, આ વહેતા પાણીને, ઉડતા પક્ષીઓને કોઈ ભેદભાવ નથી નડતો. ફ્કત માણસ જ આડો ફાટ્યો છે. મને આ ગામમાં બહુ નથી ગમતું. હું ઈચ્છું છું કે આ પક્ષીઓની જેમ કશે દૂર જઈ શકું. થોડીક જમીન, નાનકડું ઘર, એકાદ ગાય મારી પાસે પણ હોય. અમને ગામમાં ગાય પાળવાની મનાઈ છે. એ ફક્ત ઉંચી જાતવાળા જ પાળી શકે. મંદિર, કુવો, સભા; દરેક જગ્યાએ અમારે છેલ્લા જ જવું પડે. અમારા લોકોમાના અમુક લોકો માંસાહાર કરે અને મહુડો પીવે છે. હું માંસાહાર નથી કરતો પણ હમણાં હમણાં મહુડો પીઉં છું. ક્યારેક થાય છે કે એકાદ તુંબડી મહુડો પીને નદી કિનારે પડી રહું. આળસ અને થાક મને જકડી રાખે છે. ઘરે આવતા કોક પાસેથી માંગીને ટીંબલીના પાનની બીડી પી લઉં છું.

મારી પત્ની પહેલા મારી જોડે રોજ નદીએ આવતી પણ હવે એ અને મારી બે બહેનો જમીનદારોના ખેતરમાં મજૂરી કરવા જાય છે. અમારી પાસે પોતાની જમીન નથી. પિતા કહેતા કે અમારી બાપુકી જમીન જમીનદારોએ પડાવી લીધેલી. મારે શિક્ષા લેવી હતી પણ ગુરૂજી અમને નથી ભણાવતા. હું મારા બાળકોની પંણ વાત કરી આવ્યો પણ ગુરૂજી માનતા નથી. મોટા લોકો અમારી જોડે સારો વહેવાર રાખતા નથી. અમારી ઉપેક્ષા અને અવગણના કર્યા કરે છે. અમારૂં એક આંબલીનું ઝાડ જમીનદારે લઈ લીધું કેમકે એ એમની જમીન ઉપર હતું. મારા બાપુની ઈચ્છા હતી કે એમના અંતિમ સંસ્કાર એજ લાકડાથી થાય. હું જ્યારે રાજમહેલમાં મહારાજાનું કામ કરતો થયો ત્યારે એ જમીનદાર તરત એ ઝાડ આપવા માટે માની ગયો.

હું એક વખત લડાઈમાં પણ ગયો હતો. રુદ્રદેશના રાજા જોડે બહુ મોટી લડાઈ થઈ હતી. છ દિવસની એ લડાઈમાં હું પણ સાથે હતો. હું ત્યાં સૈનિકોને ભાલા અને તીર પહોંચડવાનું કામ કરતો હતો. પાણીની મશક પણ જોડે રાખતો હતો. આ કામ પણ બહુ જવાબદારીવાળું અને મોટું હતું. પણ દુનિયા બહુ જલ્દી આ બધું ભુલી જાય છે. પેલા ગગનચુંબી સિંહ મને યાદ આવતા રહે છે, કેમ ક્રૂર અને ખરાબ લોકોને સદીઓ સુધી યાદ રાખવામાં આવે છે? કેમ એમની નાનકડી ખુબીને ખુબ પ્રસંશાય છે અને મારી નાની નાની ભુલોને મારા અસ્તિત્વથી પણ મોટી અંકાય છે? અમે બહુ નાના લોકો છે? હું પણ કંઈ મોટું કામ કરવા ઈચ્છું છું. હું પણ વિચારૂં છું કે મને મારા પછી લોકો યાદ કરશે કે નહિ?

નદીકિનારે એક અજાણ્યો માણસ મળ્યો. એણે મને કહ્યું કે એ મને બદલો લઈ આપશે. શેનો બદલો? મારે કોઈથી બદલો નથી લેવો એવું હું કહું છું. એ મને એક બહુ ખાસ કામ કરવા કહે છે. બદલામાં એ મને કોથળી ભરીને સોનામહોર આપે છે. હું મારા દારૂણ્યને યાદ કરૂં છું. મારૂં પરિવાર અને તકલીફો યાદ કરૂં છું. હું નદીકિનારે રહેતા મારા મનના સપનાઓ યાદ કરૂં છું. એ અજાણ્યો મને કહે છે કે એ કામ કર્યા પછી મને રાજમહેલમાં મોટો હોદ્દો અપાશે જેને કારણે મારૂં જીવન બદલાઈ જશે. મને ડર લાગ્યો. અમારા લોકોને ડરપોકપણું વારસામાં મળ્યું કહેવાય છે. મારે મારી બહાદુરી પણ સાબિત કરવી હતી પણ એની તક મને ન અપાઈ. એ અજાણ્યા માણસે મને યાદ દેવડાવ્યું કે અમારો મહારાજા કેટલો કૃર છે અને અમારા લોકો સાથે કેવો વ્યવહાર રાખે છે. મને કશું યાદ ન આવ્યું પણ હું રાજમહેલમાં પહેરો ભરી ભરીને કંટાળી ગયો છું. મારા સાથીદારો ક્ષત્રિય છે અને વાત વાતમાં મને ઉતારી પાડે છે, મારો ઉપહાસ કરતા રહે છે.

હું એ વિશાળ રાજમહેલમાં પહેરો ભરી રહ્યો છું. ઠંડી રાત છે. મહારાજા એમના નીચેના કક્ષમાં જ છે. એમની બે-ત્રણ દાસીઓ એમની સાથે જ છે. માંસાહાર, મદિરાપાન, વ્યભિચાર, ક્રૂરતા; આ માણસ તો મારી જાતને પણ ખરાબ કહેવડાવે એવો છે! હું આવા માણસનો નોકર કેમ છું? અહીં રહેતા બે સિપાહી પણ પેલા અજાણ્યા માણસને મળેલા જ હતા. પણ મને લાગે છે કે મને આ કામ એટલે સોંપાયું કેમ કે હું નીચલી જાતિનો છું. પોતાના રાજાને દગો કરવાનું કામ કદાચ મારા જેવા લોકો જ કરી શકે! મહેલના પાછળના વિશાળ દરવાજામાં એક નાનકડો દરવાજો મારે રોજ બંધ કરવાનો હોય છે. પેલું ખાસ કામ એ છે કે મારે એક દિવસ માટે એ કડી વાસવાનું ભુલી જવાનું છે. પછી એ અજાણ્યો, પદછંદ અને પડછાયા જેવો માણસ અંદર આવી જશે. પછી શું થશે એની મને ખબર નથી. એ પછી મને રાજમહેલમાં મોટો હોદ્દો અપાશે અને ઘણી બધી સોનામહોરો અને એક કોથળી દાગીના મળશે. મેં ક્યારેય દાગીના જોયા નથી. મારી પત્ની અને મા પથ્થરના ઘરેણાં પહેરે છે અને શાહુડીના કાંટાનો કાંસકો માથે ખોંસી રાખે છે. હું મહુડો પીધા વગર જ ડગમગવા લાગ્યો છું. હું રોજની જેમ પેલા દરવાજે જાઉં છું. દરવાજો વાસીને પેલા નાનક્ડા દરવાજી કડી બંધ કરતી વખતે રોકાઈ જાઉં છું. આ ખાસ કામ માત્ર હું જ કરી શકું છું કેમ કે અહીં હું ચોકીદારી કરૂ છું. કથાઓમાં કહેવાયું છે એમ એક નીચ, દગાખોર અને હલકો માણસ ફરી એક વખત ઈતિહાસ રચીને બદનામ થવા જઈ રહ્યો છે. આવનારી પેઢીઓ સુધી મારી જાતને દગાખોર માનવામાં આવશે. હું તો મારૂં પરિવાર લઈને ભાગી છૂટીશ પણ મારી જાતિના બાકી લોકોનું માથું પેલા પથરાળ સિંહોના પડછાયામાં કાપી નખાશે અથવા ગામના જ પાદરે શૂળીએ ચડાવી દેવાશે અથવા ઘરમાં પુરીને જીવતા ભૂંજી નાખવામાં આવશે. હું વિચારૂં છું કે આ ઝગડાળુ અને કર્કશ વાણીવાળા જાતબંધુઓ શા કામના? દરબારમાં ભરાતી સભામાં એક વખતે મેં સાંભળ્યું હતું કે બહુ વિચાર કરવાવાળા કશું જ કરી નથી શકતા. વિચારતા જીવે છે અને વિચારતા જ મરે છે. મારે બહુ વિચારવું નથી. મારે કંઈક કરી બતાવવું છે.

કાંપતા હાથોથી હું નાનકડા દરવાજાની કડી ફરી ખોલું છું. મહેલની ઊંચી દિવાલો ઉપર પહેરો ભરતા પેલા બે જાણકાર સિપાહીઓને દરવાજાની મશાલ હોલવીને સંકેત આપું છું. એમની મશાલો એક વખત સાંકેતિક રીતે હલે છે. મારૂં કામ પુરૂં થઈ ગયું હતું. હું રોજની માફક આ દિવાલથી પેલી દિવાલ તરફ ચાલવા લાગું છું. બંને દિવાલો બહુ દૂર દૂર છે. એક પડછાયો પેલા દરવાજાથી અંદર આવે છે. હું ચાલતો રહું છું. મન જોર જોરથી ધડકવા લાગે છે. મને હવે એ મહેલની અંદર જતો દેખાય છે. હું વિચારૂં છું કે હવે મોટા હોદ્દાનો મોહ છોડીને મારે ભાગી નીકળવું જોઈએ. કદાચ મને પણ મારી નાખવામાં આવે. એમ પણ સોનામહોરો તો મળી જ ગઈ છે. કેમ નહિ હું પરિવારને લઈને ભાગી જાઉં? મારા પગ થરથરે છે અને મને ઠંડી ચડી ગઈ છે. મેં કશૂં ખોટું કર્યું છે? પેલા રાજગુરૂ કહેતા હતા કે આ નીચ લોકોનો કંઈ ભરોસો નહિ, ગમે તે કરી બેસે એમને રાજમહેલમાં કામ આપવું નહિ. છતાંય હું અહીં હતો. જેનો મેં ફાયદો ઉઠાવી લીધો!

મારા મ્હોં ઉપર લુચ્ચું સ્મિત આવી ગયું છે. હું તો અહીં એટલે રખાયો હતો કે હું સારો શિકારી છું. મારા તીરોને ઝેર પણ નથી લગાવવું પડતું, એ સીધા નસને જ વીંધે છે અને શિકાર ખતમ! સારો શિકારી હંમેશા તીર-કામઠું જોડે જ રાખે છે. હું ભાલો એક તરફ મુકીને મારું શસ્ત્ર ખભેથી ઉતારૂં છું મારે બહુ વિચારવાનું નથી. એક તીર ચડાવીને હું નિશાનો સાધુ છું. રાત છે પણ મને દિવાલો ઉપર ચાલતી મશાલો ચોખ્ખી દેખાય છે. 'સ્સ્સ્સ્ટટ્‍...' એક તીર અને એક મશાલ ઢળી પડે છે. પાછળની દિશામાં બીજી મશાલ આ જોઈને રોકાઈ ગઈ લાગે છે પણ ત્યાં સુધીમાં મારું બીજું તીર એની કમાન છોડી ચૂક્યું છે. ક્ષણમાં બીજી મશાલ દિવાલ ઉપરથી પાછળની બાજુ પડતી દેખાય છે. બારીમાં રાજા એની દાસીઓ જોડે રત હોય એવું લાગી રહ્યું છે. આ બધું હું પરદા પાછળના ઢંકાતા અને દેખાતા દીવાઓથી અંદાજો લગાવી શકું છું. કંઈક ધમાચકડી સંભળાતા મારી પાસે બાકી રહેલું ત્રીજું અને છેલ્લું તીર એ તરફ તાકું છું. રાતનું ઠંડું વાતાવરણ મને એકાગ્રતા ભેગી કરવામાં મદદ કરે છે. મને મારા નિશાન ઉપર ભરોસો છે. મારી પાસે બાકી રહેલું છેલ્લું તીર હુ છોડું છું. 'સ્સ્સ્સ્ટટ્‍...' પરદો ચીરીને તીર રુદ્રના રાજાના હ્યદયમાં ખૂંપી જાય છે. અંદર ચીસાચીસ સંભળાય છે. મશાલો સળગી ઉઠે છે. અમારા મહારાજા નગ્ન અવસ્થામાં બહાર દોડી આવે છે. દુશ્મન રાજાના લોહીથી એમનું આખું શરીર તરબોળ છે. એ મને દુર, છેક દરવાજા પાસે કામઠું લઈને ઉભેલો જુએ છે. એમને જોઈને મને લાગે છે કે એમને હજી પણ મારા નિશાના ઉપર વિશ્વાસ નથી!

હું હજી પણ પેલી નદીના કિનારે બેસીને સૂરજ ઢળતા જોઉં છું મારી પત્ની પણ મારી જોડે જ હોય છે. એ હવે મજૂરીએ નથી જતી. ઢળતો સૂરજ ખુબ સુંદર લાગી રહ્યો છે.


( વાર્તાનો સમયકાળ, સ્થળ, જાતિ-કોમ વગેરેના નામ તદ્દન કાલ્પનિક છે. )