માફ કરજો ભઈ, આ તો જરા ઉભરો ઠલવાઈ ગયો. બાકી ઘણીવાર મારી પાસે બોલવાલાયક કશું હોતું નથી અને ઘણીવાર હું જ બોલવાલાયક હોતો નથી. મારું બોલવાનું ટપક-સીંચાઈ પધ્ધતિ જેવું. જરૂર હોય ત્યાં સહેજ ટપ્પ. ફેંકાફેંક પણ સાંભળી લઉં અને મોટી પણ નકામી વાતોય કાને ધરી લઉં.
બીજા લોકોએ પણ અનુભવ કર્યો હશે કે દરેક સ્થાને...ભલે એ ઓફિસ હોય, કૉલેજ હોય, મુસાફરી હોય, એક ને એક તો મળી જ જાય છે જે "ફુલ ટૉકટાઈમ" વાપરે છે. આજે તો આવું થયું, મેં પેલાને આવું કહ્યું, મેં આજે આમ અને મેં કાલે તેમ. ખબર નહિ ક્યાંથી પણ આખું બંડલ જ ઉઠાવીને લાવ્યા હોય. ખોલે, ફેંકાફેંક ચાલુ.
મજબુરીમાંજ, પણ મનમાં એક વાતાવરણ બનતું રહે છે. પેલાની 'બકવાસ' એક વાર્તા બનાવી દે છે. એક આખું દૃશ્ય આકાર લે છે. જોકે અમુક સાચી વાતો, હકીકતો, રહસ્યો, સમાચાર વગેરે જાણવા મળી જાય છે.

વર્ષો સુધી આવું જ ચાલે. જેને ખરેખર દુઃખ છે, જે ખરેખર લાયક છે એની બધી વાતો હંમેશા દબાઈને જ રહે છે. ચારેતરફના લોકોને કદાચ બધું ખબર હોય કે કોણ કેટલા પાણીમાં છે છતાં પેલો "બોલર" ફેંકાફેંક ચાલુ જ રાખે છે.
આનો ઉપાય કશો નથી. એક જાય તો કોઈ બીજો એની સીટ લઈ લે. પેલા મુંગાલોકો બીચારા...
આ તો આપણું અવલોકન છે ભઈ, કોઈએ બંધબેસતું હેલમેટ પહેરવું નહિ. વાતો ચાલુ રાખજો. મને તો આદત પડી ગઈ છે.
No comments:
Post a Comment