ગઝલો અને કાવ્યો

એક કામ કરી જાઉં?
પાનું આખું ભરી જાઉં?
શબ્દો-વ્યાકરણથી પરે,
કાવ્ય એક ધરી જાઉં?

તું બારણાં વાસે છતાં,
તારા મનમાં સરી જાઉં?
મુઠ્ઠીમાં તું જકડે જેને,
હૈયું એ તારું હરી જાઉં?

સુકી હવાથી ભેજ ખેંચી,
રણ વચ્ચે પાંગરી જાઉં?
રેતીનો દરિયો કરીને,
ઓટ બની ઓસરી જાઉં?

રાત ભલે અંધારી રહી,
પૂછે છે 'દીપક' ઠરી જાઉં?
ટીપે ટીપે ભરાયો ભલે,
હું દરિયો છું, વિફરી જાઉં?

( 18-1-18)


સૌને ગમતું લખું એમ?


સૌને ગમતું લખું એમ?
થોડું નમતું લખું એમ?

ઘર બળતું બચાવવા,
ઝાંખુ, ટમટમતું લખું એમ?

સીધેસીધું ના લખું,
લાગતું-વળગતું લખું એમ?

'એ'નું નામ લઈ લઈ,
'એ'ને ય ઠગતું લખું એમ?
('એ' = ઈશ્વર) 

પેટમાં ઉતરતું લખું,
દિલ ને છેતરતું લખું એમ?

મારી ભુલને કારણ,
અકારણ મરતું લખું એમ?

તરસ્યાઓના રણમાં,
કશુંક વરસતું લખું એમ?

જીવે છે જેમ આ "દીપક"
એવું સાવ અમસ્તું લખું એમ?

૩૦.૬.૧૫
---------------------

નાનકડી મહેચ્છા!

કદી આપણો પણ સમય હોવો જોઈએ,
ડુબેલા સુરજનો ઉદય હોવો જોઈએ.

બધી ક્ષણ વીતેલી ફરી પાછી આવે
કશે એક એવો વલય હોવો જોઈએ.

તને લાગે છે એક નાનું છમકલું,
મને લાગે છે એ પ્રલય હોવો જોઈએ

હું સદીયો સુધી રાહ તારી તકું પણ,
તારોય આવવાનો આશય હોવો જોઈએ.

તુ મળશે કે નહિં, એ તને કેમ પુછું ?
મને કોઈ ભ્રમ, કોઈ ભય હોવો જોઈએ.

કરી પ્રેમ સૌ એની નિંદા કરે છે...
હવે તો બધે એનો જય હોવો જોઈએ!

(14.6.15)
------------------------------------------------


હાઈકુ (3)

આજે પરોઢે,
ગણી ગણીને વેઢે,
હાઈકુ વાવ્યા।

કતરી ગયો, 
વાયર માઉસનો,
બાંડો ઉંદર।

નદી  કિનારે,
નારીયેળી રે ભાઈ,
નારીયેળી રે!

શબ્દરમત,
હાઈકુ મતલબ 
શબ્દરમત!

(24.11.13) 

હાઈકુ (2)

જે વહ્યો નહિ,
પ્રેમનાં પ્રવાહમાં,
 પથ્થર હશે.
-------
પડ્યું ટીપુ જો, 
પથ્થર ઉપર તો,
વમળ થશે!

મારી અણઆવડત

ક્યાંક  ગમતી રહી મારી અણઆવડત,
તેથી  ઉગમતી રહી મારી અણઆવડત.

હું  સીંચતો ગયો મારી અણઆવડત,
અને વધતી રહી મારી અણઆવડત.

થોડી ઢીલ મુકીને છોડી લગામ,
પછી ઉડતી રહી મારી અણઆવડત.

હું  રહ્યો સીધો-સાદો અને સરળ,
મને નડતી રહી મારી અણઆવડત.

વારેઘડીએ ભુલો અને વળી ફરી ભુલ,
શું શીખતી રહી મારી અણઆવડત?

એકાદ વખત તો  મારી આવડત જુઓ!
એવું ચીખતી રહી મારી અણઆવડત!

(01.03.12)


હાઈકુ 
 

લખું હાઈકુ
પણ મનમાં થાય
તું વાંચે ખરી?
_____

તું રડી શકે,
મન હળવું કરી.
મારી દશા જો!
_____

પથ્થર તુટ્યો
તુટ્યું ગુમાન, તારૂં
પાષાણ હ્રદય!
_____

તારી ઉડાન
આભથી ઉંચી અને
હું માત્ર હું છુ..
_____

હવે તું મળ
શીખવી દઉં તને
રાહ જોવાનું
_____

મારી જીંદગી
ચાલે છે સાથે મારી
પેરેલલ જો :(
_____

કચરામાં છે
કાગળના ટુકડા
બિચ્ચારું કાવ્ય!
_____

અપરંપાર
વેદના પછી શાતા
અપરંપાર!
_____

વેદના પછી
શીખું ખુશ થવાનું
ઝીણી વાતોમાં
_____

અસ્તિત્વ મારૂં
બહુ શોધ્યું ન મળ્યું
તારી આંખોમાં
_____

તું વ્યક્તિગત
તું પરંપરાગત
હું સુસંગત?

_____

પ્રથમ ક્ષણ
અંતિમ મિલનની
યાદ રહેશે
તું (૨)

 
જો સુઝી ગઝલ,
ફરી તું મળી!
જો બની ગઝલ,
તું ઝળહળી!

જો પુરી ગઝલ.
તું ઉતાવળી.
તું ગઈ પછી,
નથી કળ વળી.

છોડી ના જા,
મનને છળી.
મુજમાં તુ ક્યાંક,
છે ઓગળી.

'હું' થી નથી
તું વેગળી.
મારી વાત
ક્યારે સાંભળી?

જો તું નથી,
રહે ખળભળી,
પાણીથી,
આશા પાતળી.

ફરી એક
ઈચ્છા સળવળી,
છોડો ક્યારે
કોઈ છે ફળી!

વરસાદ
આંસુમાં ભળી,
વિનતી કરે
તને પાંગળી.

બને જીંદગી
બેબાકળી,
મને દેજે તું...

તારી આંગળી!

(28.08.11)



જોજે!  


જ્યારે રંગ નીખરી આવશે ત્યારે જોજે
જ્યારે રૂપ ઉભરી આવશે ત્યારે જોજે.

હમણાં તો લાગે છે શાંત શાંત પાણી,
કાલે દરિયો વિફરી આવશે પછી જોજે.

આંખોની પાંપણ છું, તને શું ખબર?
હવા કદી આકરી આવશે પછી જોજે.

એક વખત પાછું વળી જોયું નહિ,
શ્વાસ મારા આખરી આવશે પછી જોજે.

તુ ખુદ મને ચકાસવાનું બંધ કર,
કસોટી અઘરી આવશે પછી જોજે.

તું રીસાશે તો હું એટલી મનાવીશ,
ખુદ ખુદાય ઉતરી આવશે પછી જોજે.



(14.04.11)

અકાવ્ય
વિરહની ગઝલો વાંચી, શબ્દોની રમત લાગી.
કશું પોતાનું નથી, લાગણીઓ એવી જાગી.
છતાં લખ્યે રાખું છું કશું,
જેમ રેતી પર આંગળીઓ ફરતી રહે,
બંને વચ્ચે સમય માત્રનો ફરક છે,
ભીનાશ તો એટલીની એટલી.
કદાચ કોઈ આવી ચઢે ઓચિંતુ,
ઘર એટલે સજાવી રાખ્યું છે,
પણ સાંજ વીતી ગઈ.
રાત લાવતી હતી સપના પહેલા,
આજકાલ એકલતા લાવે છે.
હજીયે કાલની આશા કેમ?
કાલે એ જ સાંજ છે, કાલે એ જ રાત છે.
તું એટલી જરૂરી હતી...
જેટલી આ કાવ્યમાં પ્રાસ, છંદ, ચોટ, આવડત જરૂરી હતી.
પણ છતાંયે આ કાવ્ય છે.
પણ છતાંયે આ જીવન છે.


(10.04.11)


રહેવા દે...


તારી યાદોના વમળમાં રહેવા દે,
વાતો બસ, કાગળમાં રહેવા દે.
 
ના કહીશ કશું, નથી મતલબ કોઈ,
જવાબ, મનના તળમાં રહેવા દે.

સદીઓ તારી જોડે રહેવું હતું,
રહેવા દે, હવે આ પળમાં રહેવા દે.

હોઠો પર કદી ન સંભળાયો,
મને માથાની સળમાં રહેવા દે!


(22.12.10)
 
તારા ગયા પછી...


મન છે રોયું, તારા ગયા પછી...
સઘળું ખોયું, તારા ગયા પછી...
કશું નથી, તારા ગયા પછી...
મનમાં જોયું, તારા ગયા પછી...


આસું રહ્યું, તારા ગયા પછી...
યાદે વહ્યું, તારા ગયા પછી...
પથ્થર થયો, તારા ગયા પછી...
દરદ સહ્યું, તારા ગયા પછી...


ઘણો હસું, તારા ગયા પછી...
સુખ ના તસું, તારા ગયા પછી...
બરબાદ છું, તારા ગયા પછી...
ક્યાં જઈ વસુ, તારા ગયા પછી...


હવે શું, તારા ગયા પછી...
માત્ર હું, તારા ગયા પછી...
હુંયે નથી તારા ગયા પછી...
બસ...તું, તારા ગયા પછી...


(27.11.10)


તું

ઘણી વાર એવું લાગે છે,
કે તું હંમેશા સાથે છે.

ઘણી વાર એવું લાગે છે,
પડછાયો બસ સંગાથે છે.

તને માંગુ પણ તું મળે નહિ,
કેવી લકીરો હાથે છે?

ક્યારેક તો સમજાવી દઉં,
ક્યારેક મન મને બાથે છે.

જો તું હતી, તારૂં હતું,
જીવન હવે તો પ્રરાર્થે છે.

આ પ્રેમીઓથી બળું છું હું!
જાણે તાજ એમના માથે છે!

(01.11.2010)


सेल्समेन
 
सेल्समेन हुं, मै सपने बेचता हुं,
कभी दुसरो के कभी अपने बेचता हुं,

सपने सच ना हो तो बदल के देता हुं,
अगर सच हो जाये तो कमिशन लेता हुं,

सपने सबके सच हो, ये दुआएं करता हुं,
सेल्समेन हुं, लेकिन सच कहेता हुं!

(29.10. 2010)


પ્રેમ

સેંકડો પ્રેમીઓ એ
જીવન બરબાદ કરી નાખ્યું...
કવિઓએ કલમ સાથે
જીંદગી ઘસી નાખી...
ગુરુઓ, મહાત્માઓ જેનું વર્ણન કરી ન શક્યા...
પામ્યા પછી પણ જાણી ન શકાયો...
અને પ્રેમ...
આખરે
અવ્યાખ્યાયિત રહ્યો!

(17.10.2010)


અમસ્તું

અમસ્તી વાત,
અમસ્તી યાદ,
અમસ્તી જીદ,
અમસ્તું આંસું,
લાં...બી જીંદગી.
બસ...
અમસ્તી.

(16.10.2010)


કિંમતી શબ્દો..

પાણીયે જ્યાં નથી,
મૃગજળ ત્યાં કિંમતી.

વરસાદ ના પડે,
વાદળ ત્યાં કિંમતી.

જ્યાં તુ મળે મને,
પળ-પળ ત્યાં કિંમતી.

સુંદરતા જ્યાં વસી,
કાજળ ત્યાં કિંમતી.

જ્યાં ઇન્કલાબ છે,
ચળવળ ત્યાં કિંમતી.

જ્યાં શબ્દો સુઝે છે,
કાગળ ત્યાં કિંમતી...

(29.9.2010)


अंतिमा

बस पुछती है आवाम यही,
जिसे और दुसरे काम नहीं,
अंतिमा किसको कहेतें है?

बस देखते होंगे लोग तुम्हे,
और सोचते होंगे बात यही,
अंतिमा किसको कहेतें है?

सुबह नही, जहां शाम नहीं,
जिस छोर पे जाना आम नहीं,
अंतिमा उसको कहेतें है...

जहां सत्य शुरु, जहां झुठ ख़तम
जहां स्वपन भी हो, जहां टुटे भरम।
अंतिमा उसको कहेतें है |

(29.9. 2010)


મહેચ્છા

એક સપનું માંગુ છું,
છાનું-છપનું માંગુ છું.

માંગુ છું ક્યાં બધું?
મારા ખપનું માંગુ છું.

ચાંદો તૈયાર છે,
પણ વદનું માંગુ છું,

કદી ખુટી જાય ના,
અનહદનું માંગુ છું.

બારેમાસી જેવા,
મોસમનું માંગુ છું.

બીજું ના જોઈએ,
હરદમનું માંગુ છું.

શું સમજે છે કે હું,
નાહકનું માંગુ છું?

આપી દે, એ ખુદા,
મારા હકનું માંગુ છું!

(27.9. 2010)

 
Things to do...


હજી બાકી છે જીવવાનું,
હજી ઉગવાનું બાકી છે.

હજી તો પાનખર વીતી,
હજી ખીલવાનું બાકી છે.

હજી મુળિયાં ઉતારૂં છું,
કે વિસ્તરવાનું બાકી છે.

હજી આકાશ છે ઊચૂં,
હજી અડવાનું બાકી છે.

કહો, વરસાદ મંગાવું,
કે વાદળ નાનું બાકી છે.

હજી જીત્યું નથી તોફાન,
હજી લડવાનું બાકી છે.

(16.9.2010)