દિવાળી

તમામ વાચક મિત્રોને દિવાળી અને નવા વર્ષની ઢગલો શુભેચ્છાઓ!

મોંઘવારી,  ભાવવધારો, રાજકારણ અને ભ્રષ્ટાચારના માહોલ વચ્ચે વચ્ચે આ જે બધા તહેવારો આવી જાય છે, ઉજવવાની મજા પડે છે. આમ પણ આપણી પ્રજાએ એડજસ્ટ/મેનેજ કરતાં શીખી લીધું છે એટલે ગમે એવી પરિસ્થિતિમાં જ્યારે તક મળે, એને માણી લેવાનું આપણે ચૂકતા નથી. મારે મન બ્લોગ લખવું એ પણ એક તક સમાન જ થઈ ગયું છે એટલે મે પણ આ પંચદિવસીય વેકેશનના પ્રથમ દિવસે જ  લાભ લઈ લીધો! લખવા માટે ઘણું બધું હોય એવું લાગ્યા કરે અને સમય મળ્યે કલમરૂપી કીબોર્ડ અટકી જાય એવું લગભગ ૬ મહિનાઓથી બન્યા કરે છે એટલે આ વખતે પણ દિવાળી જેવા તહેવાર સમયે પોતાના વિચારો સિવાય લખવા માટે બીજું કશું નથી.

સમયસર થયેલું બોનસ, સાત તારીખે થઈ ગયેલો પગાર વત્તા પાંચ દિવસની રજા જેવી આકર્ષક પેકેજ સમી દિવાળીથી અમે બધા રાજીના લાલ (રેડ) થઈ ગયા છીએ. જોકે આજે પ્રથમ દિવસની બપોર સુધીમાંજ બજેટ ડામાડોળ થઈ ગયું છે પણ રજાઓને કારણે મનમાં કમસે કમ સારો ઉમંગ રહેશે એવું લાગી રહ્યું છે.

ગયી નવરાત્રીથી જ મંગળબજારની પોળોમાં ખરીદી કરવાની શુભ શરૂઆત કરી હતી. આપણને ભાવતાલ કરવાની બહુ સુઝ નહિ હોવાથી શૂઝ અને કપડાં વગેરે ડી-માર્ટમાંથી જ લેવાનું પસંદ કરૂં છું. એથી ઉલ્ટું સ્ત્રીઓને સાડી-ચંપલ વગેરે માટે તો સીટીમાં જ રખડવું પડે. આપણે એકાદ-બે જીન્સ અને શર્ટ લઈને એવું સમજીએ કે કેટલી મજા પડી! સ્ત્રીવર્ગની ખરીદીની યાદી કેટલી હોય એ આ વર્ષે ખબર પડી રહી છે!

બજારથી ઘરે આવતી વખતે રસ્તે પોલોગ્રાઉન્ડ જોવાનું મળ્યું. ફટાકડાની દુકાનોમાં ગઈકાલે લાગેલી આગથી જે નુકશાન થયું હતું એ કલ્પી શકાતું નહોતું.રાખ અને કાટમાળ સિવાય કશું જોવા મળ્યું નહિ. જેમની દુકાનો સળગી ગઈ હતી એ દુકાનદારો અને જેમના વાહન સળગી ગયા હતાં એ ખરીદદારો પોતપોતાનો કાટમાળ લેવા આવ્યા હતા. સળગી ગયેલી બાઈક્સ અને કાર્સ બહુ નજીકથી જોઈ. અમારી જેમ ઘણા બધા લોકો ફક્ત જોવા માટે જ આવ્યા હતા અને મોબાઈલથી ફોટો ક્લિક કરી રહ્યા હ્તા. દસ કિલોમીટર દુર સંભળાતા ધડાકાઓ અને ધૂમાડો હું અત્યારે કલ્પી શકતો નહોતો. હવે બધું શાંત હતું. બીજું શું લખું? દુઃખ, પીડા, નિરાશા વગેરેથી તો જગત ભરેલું છે.

એક ચિલ્લર પાર્ટી પણ આંટા મારી રહી હતી અને જોડે એમના મમ્મી પણ હતાં. એમણે અમને કહ્યું કે કેવી રીતે એમના છોકરાઓ કાલે અહીથી આબાદ બચી ગયા અને આજે એમનો છાપાંઓમાં ફોટો છપાયા છે. આ જાણીને આવા વાતાવરણમાં પણ મનને થોડો આનંદ થયો.

અમે એકટીવા બહાર ઉભી રાખી હતી અને એ જ તરફ પોલીસની ટો વાન આવી રહી હતી. રખે ને અમારી ગાડી પણ એ લોકો ઉઠાવી જાય...અમે ઉતાવળા નીકળી આવ્યા. લાલબાગ પાસે એસ.આર.પીના જવાનોએ ફટાકડાનું વેચાણ શરૂ કરેલ હતું, ત્યાંથી રૂપિયા ૫૦૦ પુરાના ફટાકટા લીધા. કોઠી, તારામંડળ, રોકેટના એક એક પેક અને સો વાળી એક લુમ. પાંચસો ગ્રામ કેળા લઈએ એટલી કોથળીમાં આખી દિવાળી!

દિવાળી મુબારક!

2 comments:

 1. તું હરિ કીધું લખે --------દીપક ત્રિવેદી
  હું લખું અધરું બધું તું સરળ સીધું લખે !
  હું કીધું મારું લખું તું હરિ કીધું લખે !
  પહોંચવાનું હોય છે આ ખૂણેથી ખામ્ભીએ -
  તું કરે રાજીખુશીથી, પ્યાલીનું પીધું લખે !
  ઠેસ વાગે તો કહું, દર્દનાં અણસાર ને --
  તું સકલનાં હિંચકેથી મર્મનું લીધું લખે !
  એના શબ્દોથી મહેકતાં સમજણોનાં સાથિયા
  એ સતત ઉંચે જઈ, આયખું દીધું લખે !
  મન વિષેનું આ ઉખાણું એમ કંઈ સમજાય નહીં
  કોઈ કંઠે થી અચાનક તું અધર-પીધું લખે !!!
  -------દીપક ત્રિવેદી

  ReplyDelete
 2. આભાર દીપકજી,

  જે મનમાં આવે એ લખી નાખું છું,
  જે લખતાં ફાવે એ લખી નાખું છું,
  લાગણીઓને ભાષાની સીમા શું?
  જે મન લખાવે એ લખી નાખું છું!

  ReplyDelete