રાશિફળ


મેષઃ આજનો દિવસ શુભ છે. મન પ્રસન્ન રહે. રોજીંદા કામ થાય. આરોગ્ય સાચવવું. દાંપત્યજીવનમાં પ્રેમ વધે.

વૄષભઃ વાદવિવાદથી બચવું. માનસિક ઉચાટ રહે. ઉપરીથી સાચવવું. સાંજ પછી માનસિક શાંતિ મળવાની શક્યતા છે. અગત્યના કામમાં પ્રગતિ થાય.

મિથુનઃ કશેક બહાર ફરવાનું થાય. અટકેલા કાર્ય પુરા થાય. વાહનથી સંભાળવું. જીવનસાથીથી મતભેદ બાદ શાંતિ.

કર્કઃ આજનો દિવસ સારો છે. આખો દિવસ આનંદથી પસાર થાય. ઉપરીથી મતભેદ થઈ શકે. શેર-સ્ટોકમાં રોકાણ કરતા પહેલા વિચારજો.

સિંહઃ આરોગ્યની દરકાર રાખવી. વિરોધીઓની કારી ચાલે નહિ. વાહનથી સાચવું. કોઈ સારા સમાચાર મળે.

કન્યાઃ રોજિંદા કાર્યોમાં સાનુકૂળતા. દિવસ એકંદરે સારો રહે. વ્યવહારિક, સામાજીક કામ થાય. સ્નેહીથી મિલન.

તુલાઃ વિલંબમાં પડેલા કામ ઉકેલાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. વિરોધીઓથી ચેતીને ચાલવું. આવક કરતા જાવક વધે.

વૃશ્ચિકઃ આકસ્મિક કામ આવી જાય. મૂંઝાવણ-ચિંતા રહે. મિત્રવર્ગનો સહકાર મળે. ધર્મકાર્યથી શાંતિ અનુભવાય.

ધનઃ કોઈ નવા કાર્યની શરૂઆત થશે. પુત્રાદિક કામમાં ખર્ચો જણાય. પ્રગતિકારક દિવસ. અભ્યાસમાં સફળતા માટે મહેનત જરૂરી.

મકરઃ બીજાના કામમાં માથું મારવું નહિ. કઠણ પરિસ્થિતિનો સામનો કરવો પડે. મનમાં ઊચાટ રહે. બપોર પછી દિવસ સારો જશે. પ્રવાસ સફળ નીવડે.

કુંભઃ એકંદરે શુભ દિવસ. બપોર સુધી માનસિક પરિતાપ રહે. આરોગ્ય સાચવવું. કશેક બહાર જવાનું થાય. કોર્ટકચેરી-વિવાદમાં સમાધાનકારી વલણ રાખશો.

મીનઃ આજે આપના બ્લૉગ ઉપરની પોસ્ટ સહુને ખુબ ગમે. જોકે ટીપ્પણીઓ ઓછી મળશે. એકંદરે સારો દિવસ.તરૂણાવસ્થાથી રાશિ વાંચવાની આદત લાગી ગઈ હતી. છાપાને છેલ્લા પેજથી વાંચવાનું શરૂ કરવું, સ્થાનિક સમાચાર ઉપર ઉડતી નજર, ફિલ્મોની જાહેરાત અને તે બાદ રાશિવાળું પેજ વાંચીને દિવસની શરૂઆત કરવી એ નિત્યક્રમ બની ગયો હતો. કોઈક વાર સાંજે છાપું હાથ લાગતા ફરે રાશિ ચેક કરી લેવામાં આવતી....સાચી છે કે નહિ! અમુક વાર રાશિ સાચી પડી જતી અમુક વાર ખોટી ઠરતી. રાશિફળ વાંચતા વાંચતા મને પણ નરો વા કુંજરો વા જેવું રાશિફળ લખતાં આવડી ગયું છે! શું કહો છો?

No comments:

Post a Comment