સર્વજ્ઞાતા

"સ્કુલ દિવસોમાં એવું થતું કે, કાશ...મને બધી વાતની પહેલાથી ખબર પડી જાય તો કેટલી મજા પડે! બધી મુશ્કેલીઓને પહેલેથી જાણીને એનો ઈલાજ કરી રાખવામાં આવે. પરીક્ષાના બધા સવાલો જાણી જાઉં, સ્કૂલમાં શું હોમવર્ક અપાશે એ ખબર પડી જાય, મેડમ કયો સવાલ પૂછવાના છે એ જ વાંચીને જાઉં! કૉલેજના દિવસોમાં વિચાર્યું કે કઈ નોકરી મળવાની હશે, કઈ છોકરી મને પ્રેમ કરતી હશે; આ બધું જો હું પહેલાથી જાણી લઉં તો?

પછી એ પણ ખબર પડી કે મારા જેવા લોકો તો અનેક છે. જે એકજ વસ્તુ જાણવા માંગે છે...જે હજુ ઘટીત નથી...જે હજી સમયના ધુમ્મ્સમાં છે...'ભવિષ્ય'.

શું ભવિષ્ય જાણીને દુનિયા સુખી રહેશે? પછી સુખ-દુઃખની શું કિંમત રહેશે? આવનાર સુખ વિશે જો ખબર પડી જાય તો સરપ્રાઈઝ નહિ મળે. આગળના દુઃખ વિશે ખબર પડી જાય તો એનું ટેન્શન ક્યારેય ઓછું થશે?"

હું એ ચહેરા તરફ તાકી રહ્યો. પછી અચાનક તંદ્રામાંથી જાગ્યો. વાહનોનો શોરબકોર હજી યથાવત્‍ હતો. આ બુઢ્ઢા જ્યોતિષ પાસેથી હું આવું સાંભળીશ એવું વિચાર્યું નહોતું. મારો હાથ મેં પાછો ખેંચી લીધો. એ મારી આંખોમાં એમ તાકી રહ્યો હતો કે જાણે વર્ષોથી મને ઓળખે છે. હું એટલે જો તો રોકાઈ ગયો હતો, મને લાગ્યું કે આ જ્યોતિષ કંઈક સારું કહેશે.

પછી હું ચાલતો થયો.

બીજા દિવસે પણ હું ત્યાથી જ પસાર થયો ત્યારે ગઈકાલ મને યાદ આવી. ઓફિસમાં કેટલોય સમય મને એની વાતો ખુંચતી રહી. એણે મને કેમ કશું નહિ કીધું? કંઈક અજુગતું તો નથી બનવાનુંને? એટલે મેં નક્કી કર્યું કે આ તો જાણવું જ પડશે. એટલે આજે તો ઓફિસટાઈમ ભુલીને આ તરફ નીકળી આવ્યો. મારી 'કંઈક શોધતી' નજર બીજા પથારાવાળા બધા ઓળખી ગયા. "બોલો સાહેબ", "શું થયું સાહેબ" જેવા બે-ચાર અવાજો કાને અથડાયા. મારી નજર પેલાને શોધવામાં નિષ્ફળ રહી એટલે વળી હું એમની તરફ વળ્યો.

"પેલો જ્યોતિષ?"
"અહીંયા બેસે છે એ?" એક પ્લાસ્ટીકના રમકડાના પથારાવાળાએ પૂછ્યું.
"હાં એ જ, મારી જ ઉંમરનો છે, લાંબા વાળ..."
"એનું કંઈ નક્કી નહિ સાહેબ" મારી વાત વચ્ચેથી કપાઈ ગઈ. "એ તો ગમે ત્યારે આવે ને જાય, એને ધંધામાં કંઈ ઈન્ટ્રેસ્ટ નથી"
કોઈ ઘરાક એની પાસે રોકાયો એટલે એ એને વસ્તુઓ બતાવવા લાગ્યો.
"એ ક્યાં મળશે?" મેં પૂછ્યું.
"એનું કંઈ ઠેકાણું નથી" એ રમકડાં બતાવતા બોલ્યો. "એ ક્યારેક આવે ક્યારેક ન પણ આવે."
હું વળ્યો.
"કંઈક કામ હતું સાહેબ?" હું રોકાયો, " બહુ સારો માણસ હોં સાહેબ. બધ્ધાને મદદ કરે. થોડા પૈસા કમાય પછી બસોમાં ફર્યા કરે."
"સારું પછી મળી લઈશ."

બચત, કરકસર, મહેનત કરતાં કરતાં કમર તુટી રહી હતી. કમાઓ એટલા પૈસા ઓછા પડી રહ્યા હતા. એવું લાગતું કે હું દોડમાં પાછળ રહી ગયો છું અને બધા આગળ નીકળી રહ્યા છે. જ્યારે કશું પોતાના હાથમાં નથી હોતું ત્યારે જે ફાફાં માણસ મારે છે એ હાસ્યાસ્પદ હોઈ શકે પણ એમાં કરૂણતા તો છે જ.
જ્યારે જ્યારે ત્યાંથી જવાનું થતું મને એ ચહેરો યાદ આવતો રહેતો. ભવિષ્ય જાણવાની જેટલી ઘેલછા હતી, એના કરતાં તો પેલા માણસ વિશે જાણવાની તાલાવેલી લાગી હતી! પછી એવું પણ લાગતું કે એ માણસ મને કોઈ રાહ ચીંધી શકશે. મને આ તકલીફોમાંથી ઉગારી લેશે...માત્ર પાંચ કે દસ રુપિયામાં જ?

ટ્રેનની એજ ગરદી અને હું વડોદરા સુધી ઉભા ઉભાજ પહોંચી ગયો. બસ પકડીને હું ઓફિસ તરફ નિકળ્યો. ટીકીટ લઈને હું શિંદે જોડે જ ઉભો રહ્યો. સાલી....બસમાં પણ એટલી જ ભીડ. બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો કે પેલો 'જ્યોતિષાચાર્ય' છે કે નથી. એક નજર એમ જ નાખી. બીજી નજરમાં પેલો ચહેરો દેખાઈ ગયો. હું તરત ઉભો થઈ ગયો. કંડક્ટર હજી મારી આગળ જ હતો.

"બસ ઉભી રખાવજો જરા..."
"શું થયું?"
"પ્લીઝ" મેં રિક્વેસ્ટ કરી.
"કયાં" શિંદેનો અવાજ સંભળાયો.
"આવું છું...જરા મોડેથી" હું પાછળ જોયા વિના ઉતાવળે દરવાજા તરફ ઉતાવળે ચાલ્યો.

મારી જ્યોતિષ ઉપર જ હતી. એ ઉભો જ થઈ રહ્યો હતો. બસથી ઉતરીને હું સીધો એ તરફ ચાલ્યો. ઉતાવળે ફુટપાથ ઉપર પગ અથડાયો કે કેમ પણ હું પડવા ગયો ત્યાં તરત પેલા જ્યોતિષે મારો ખભો પકડી લીધો. હસ્યો.. હું પણ.
"કેમ છો"
"ઠીક"
"તે દિવસે હું જરા ઉતાવળમાં હતો..."
"કશો વાંધો નહિ."
"જરા હાથ જોઈ આપજો ને..." હું મારી મુશ્કેલીઓને વધારે પડતી જાહેર કરવા માંગતો ન હતો. એની આદત તો નહોતી જ પણ રખેને આ જ્યોતિષ એનો ફાયદો ઉઠાવી લઈને વધારે પૈસા માંગી લે.
"હું પૈસા નહિ લઉં." જ્યોતિષે મને જોઈને મરક્યો.
"શું...કેમ?" શું કહેવું હું એજ સમજી ન શક્યો. મને થોડી નવાઈ કે લાગી આણે તો મારા મનની વાત કહી દીધી!
"બસ, એમજ." એ ફુટપાથના કિનારે એની બેઠક ઉપર બેસી ગયો. એની સામે થોડી ચોપડીઓ, વીંટીઓ, માળા, મણકા વગેરે હતા. હું બધું જોઈ રહ્યો હતો. આમાંથી એકાદ વસ્તુ એ મને આપશે અને મને રાહત થઈ જશે.
"આમાંથી કોઈ વસ્તુ તમારે કામની નથી." જ્યોતિષ મારી તરફ જોઈને સ્મિત કરી રહ્યો હતો.
આ વખતે હું ખરેખર નવાઈ પામ્યો. હશે..સંયોગ-વંયોગ.
"તમે બોલો એમ કરૂં ત્યારે." હું પણ સસ્મિત બોલ્યો.
"એમ?"
"હાસ્તો."
"બોલો ત્યારે, શું તકલીફ છે?" એ ડોક્ટરની અદામાં બોલ્યો. હું પણ હસ્યો.
"બસ જીવનમાં સ્ટ્રગલ વધારે છે."
"બસ એટલું જ?"
"પૈસા આવશે કે નહિ એ જાણવું છે."
"વપરાય એટલા તો આવશે જ."
"આવે એટલા તો વપરાઈ જાય છે!"
"કેટલા પૈસા જોઈએ છે? ખાલી પૈસા જ તમારી સમસ્યાનો ઉકેલ છે?" જ્યોતિષે પૂછ્યું. હું વિચારતો રહી ગયો. કેટલાય બાકી રહેલા સપનાઓ આંખો સામે ટમટમી ગયા.
"કશું કહેવાની જરૂર નથી. તમારી બધી ઈચ્છાઓ પુરી થશે."
મનમાં આશાઓ ઝગમગી ઉઠી. કોઈ અજાણ્યાનું પણ આવું સાંભળવાથી કેટલો આનંદ થાય છે!

(ક્રમશઃ)

No comments:

Post a Comment