આ જ તક


પરિવારના બધા સભ્યો હાથમાં જમવાનો કોળિયો અને ખુલ્લું મોઢુ રાખીને સ્ટેચ્યુ થઈ ગયા. ટીવી ઉપર જોરશોરથી પ્રસારણ થઈ રહ્યું હતું. સંવાદદાતા દીપક સ્ટુડિયોમાં બેસી કાનમાં ઈયરફોન એડજસ્ટ કરતા કરતા બુમાબુમ કરી રહ્યો હતો, "આજ સુધીનો આખી દુનિયાનો સહુથી મોટો ચમત્કાર થશે પરમદિવસે! હાં ભાઈઓ અને બહેનો ચમત્કાર! જેના ઉપર તમે વિશ્વાસ નહિ કરી શકો. ઝડપી લેજો આ તક... આ જ તક ન્યૂઝચેનલ ઉપર.... પરમદિવસે રાત્રે સાડા આઠ વાગ્યે જુઓ લાઈવ ચમત્કાર ચમત્કાર ચમત્કાર" સ્ટેચ્યુ ઓફ.

બીજા દિવસે આની આજ ફુટેજ પંદરસો વખત બતાવી હશે. સાત મોટી કંપની સ્પોન્સશીપ આપી રહી હતી. સોસાયટીમાં ગઈકાલે જ થોડી ચર્ચા થઈ હતી. "આ જ તક" ચેનલવાળા ચમત્કાર તરીકે શું બતાવાના હશે એ વિશે અનેક ગેસીસ અને ગોસીપ્સ થઈ ગયા. જોકે કંઈ ખાસ નહોતું. બધાને દૂધ અને પેટ્રોલના ભાવવધારા વિશે ચર્ચા ચાલી.

આગલા દિવસે સવારે હોબાળો થયો. ટીવી, આ જ તક ચેનલ વગેરે બુમાબુમ સંભળાવા લાગી. બધાએ છાપા મુકીને ટીવી ફટાફટ ચાલુ કરી દીધા. રસોડાઓનો રણકાર શાંત થઈ ગયો. "આ જ તક" ન્યૂઝ ચેનલ ઉપર મોટ્ટા થ્રીડી અક્ષરોમાં લખ્યું હતું "ભગવાન જોડે મુલાકાત!" જોડેજોડે દીપક જે પોતે રીપોર્ટર હતો એનો ખુદનો ઈન્ટર્વ્યુ ચાલુ હતો.
"દીપકજી આ વાત સાચી છે કે આપ કાલે ભગવાન-ઈશ્વરને મળીને એમનો ઈન્ટર્વ્યુ લેવાના છો?"
"ના, વાત અર્ધી સાચી છે. હું એમને નથી મળવાનો બલ્કે ભગવાન ખુદ મને મળવાના છે."
"આવું કેવી રીતે બને?"
"ગઈ કાલે મને ખુદ ભગવાનનો ફોન આવ્યો."
"ભગવાનનો ફોન? તમારો મતલબ ઈશ્વરનો?"
"હાં એજ ભગવાન જેના આપણે મંદિર બનાવ્યા છે, જેની આપણે પૂજા કરીએ છીએ."
"કયા ભગવાનનો ફોન હતો?"
"જી એમણે પોતાનું નામ મને કહ્યું નથી, મેં પૂછ્યું તો કહ્યું કે કાલે મળશો એટલે ઓળખી જશો."
"આ કેવી રીતે શક્ય છે? આઈ મીન હજી તો લોકોને ભગવાનના હોવા ન હોવા વિશે શંકા છે અને તમે કેવી રીતે વિશ્વાસ કરો છો કે ફોન કરનાર ભગવાન જ છે?"
"જુઓ હું કોઈ સાધુ મહાત્મા નથી કે જે ભગવાન વિશે જાણતો હોય, મને બસ ફોન આવ્યો અને કહ્યું કે હું દુનિયા સામે જાહેર થવા માંગુ છું."
"તો જોયું મિત્રો, આ હતા આ..જ તક ના સંવાદદાતા દીપક ચૌદસીયા, કે જેમને ભગવાને-ઈશ્વરે તક આપી છે જીવતે જીવ મળવાની . કેમેરામેન પપ્પુ પાસવાન જોડે હું પીંકી."

પછી તો ઓફિસ- દફ્તરોમાં, ગલીઓ-નુક્કડોમાં, રસ્તે-બજારોમાં, ફુટપાથ-દુકાનોમાં હો હા. મંદિરોમાં ભીડ જામી, પૂજા-અર્ચના-ઉપવાસ રખાયા. ઓફિસ, ટ્યુશન, દુકાનોમાં આગલા દિવસની અડધી રજાઓ મુકાઈ ગઈ. શહેર, દેશ અને ઈન્ટરનેટના કારણે વિશ્વના ખુણેખુણે સમાચાર-એ-સનસની ફેલાઈ ગઈ. ચેનલો ઉપર કેટલાક લોકોએ વાતને મજાક ગણાવીને વખોડી નાખી તો કેટલાક બાબા આ વિશે ઈન્ટરવ્યુ આપવા લાગ્યા. ફેસ્બુક-ટ્વીટરના સ્ટેટસ બદલાઈ ગયા. એસેએમસ ઉપર મોબાઈલ કંપનીઓએ એક રુપિયો ચાર્જ ગણવાનો ચાલુ કર્યો! દીપક રાતોરાત હીરો બની ગયો!

આખરે બીજો દિવસ ઉગ્યો. બધાના મોબાઈલમાં આ...જ તક વિશે રમુજી એસએમએસ હતા. ટીવીમાં માત્ર અને માત્ર એક જ ચેનલ ચાલી રહી હતી. નવા સમાચાર હતા કે દીપકને ભગવાનનો કમ્ફરમેશન કોલ આવી ગયો હતો. આદતાનુસાર દીપકે સવાલો પૂછવાનો પ્રયત્ન કર્યો હશે પણ ભગવાન જરા ઉતાવળમાં હતા. જોકે દીપકનો જુસ્સો યથાવત હતો. અમુક ભાવુક/ભાવિક ભક્તો એ ઉપવાસ રાખ્યા હતા. દોઢ-બે વાગે કાર્યક્રમ શરૂ થવાનો હતો.  સેટ પર ફુલ-હારનો શણગાર હતો. ડાઈરેક્ટર તો ગળગળો થઈને અગરબત્તીઓ પણ ફેરવી ગયો! સ્ટુડિયો જે રસ્તે હતો એ રોડ આખો જનમેદનીથી ચિક્કાર ભરેલો હતો. જોકે સ્ટુડિયોમાં લોકો ઘુસી ન જાય એ માટે કડક પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. માથે એકાદ હેલીકૉપ્ટર ઝઝુમી રહ્યું હતું.

દસ...નવ...આઠ...સાત... છ... પાંચ...ચાર...ત્રણ...બે...એક...શૂન્ય. સમય થઈ ગયો! બધાનો શ્વાસ થંભી ગયો. કેમેરા લાઈટ્સ ચાલુ થઈ ગઈ. બહાર ભીડમાં ધક્કામુક્કી ચાલુ થઈ ગઈ, જોકે ભીડ માટે જમ્બો એલસીડી સ્ક્રીન લગાવ્યા હતા જેમાં લાઈવ ટેલીકાસ્ટ દેખાવાનું હતું.  કેટલાય નામી લોકો સ્ટૂડિયોમાં જવા ફાંફા મારી રહ્યા હતા.  બે જણને તો પકડીને બહાર ફેંકી દેવામાં આવ્યા. એમાં એક તો બિચારો ડોસો હતો.  દીપક ચૌદસીયા આજે ઝભ્ભો-પાયજામો ધારણ કરીને જનોઈની જેમ માઈક્રોફોન ચડાવીને સેટ પર બેસી ગયો હતો. પરસેવે રેબઝેબ.

એના ફોનની રીંગ વાગી...આખી દુનિયા થંભી ગઈ. અમેરિકાના વડાપ્રધાન પણ ચાર દુભાષિયાઓ જોડે લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા. હિન્દુઓ તો ઠીક મુસ્લિમ અને ખ્રીસ્તીઓ પણ ગદગદ થઈ ગયા!

"હેલો...ભગવાન?"
"હા"
"તમે ક્યાં છો?"
"બહાર ઉભો છું"
"અરે! આપ બહાર ઉભા છો? તમે અંદર ના આવ્યા?"
"અરે આવ્યો પણ તમારા સિક્યોરીટીવાળાઓએ મને ઉંચકીને બહાર નાખી દીધો."
"શું" દીપક ઉભો થઈ ગયો.
હેન્ડી કેમેરામેન દરવાજા આગળ દોડી ગયા. બધાની નજર ત્યાં મંડાઈ. બહાર ભીડ પણ એકબીજા તરફ જોવા લાગી. ક્યાં છે ભગવાન?

આર.કે. લક્ષ્મણના કાર્ટુન જેવો એક ડોસો આગળ વધ્યો. બધા એક-બે ડગલાં પાછળ ખસી ગયા. લોકોના સમજમાં કશું આવી નહોતું રહ્યું. બધા ફક્ત એનો કાંતિવાન, પસીને રેબઝેબ ચહેરો જોઈ રહ્યા. આજુ બાજુ જોતા જોતા ધીમે ડગલે એ ડોસો સ્ટુડિયોમાં પ્રવેશ્યો. કેમેરામેનના કેમેરા જેમના તેમ રહી ગયા પણ છેવટે એમણે એંગલ સંભાળી લીધા. એ ડોસો દીપક પાસે ગયો અને હાથ લંબાવી શેકહેન્ડ કર્યા. દીપકનું મોં ખુલ્લું જ હતું. આંખો પહોળી થઈ ગઈ હતી.

"કેમ છો?"
"!!"
"દીપકભાઈ?"
"!!"
"દીપક?"
"સોરી સોરી..બસ જલસા...તમે કેમ છો?"
"બસ ઠીક"
"તમે ભગવાન છો?"
"હા"
"ખરેખર?"
"હાસ્તો...પણ મારી પાસે એનું આઈડી-કાર્ડ નથી હોં ભાઈ." ડોસો વિનમ્ર હતો.
"પણ ભગવાન તો ..." દીપકની નજર ફ્લોર, દરવાજા, લાઈટ, કેમેરા, ભીડ તરફ ઘુમી રહી હતી.
"હા, ખાસ્સી ગેરમાન્યતાઓ છે મારા વિશે."
"એટલે?"
"એટલે કે આ રામ આનંદ સાગરે મારી ઈમ્પ્રેશનની વાટ લગાવી છે"
"વાટ?"
"એટલે મારો પહેરવેશ વગેરે"
"એટલે કે તમે જ ભગવાન છો?"
"હા ભાઈ હા."

બહાર ભીડ અલગ અલગ નામની જય પોકારવા લાગી.  ટીવી/એલસીડી સ્ક્રીનની રીતસર ની પૂજા ચાલુ થઈ ગઈ. એક જણાએ તો જોશમાં ટીવી ઉપર નારિયેળ ફોડ્યું અને બધાએ બાજુના ઘરમાં ટીવી જોવા જવું પડ્યું.

"પણ ભગવાન તો પ્રગટ થાય છે ને જેમ પેલી સીરિયલમાં..."
"એજ તો... હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વિઝ્યુઅલ ઈફેક્ટ જોડે પ્રગટ થાઉં એવું કોણે કહ્યું છે?"
ડાઈરેક્ટ ટોપી ઉતારી માથું ખંજવાળી રહ્યો હતો.
"હાં પ્રભુ વાત તો સાચી છે...આપને આ સમયે કેવું લાગી રહ્યું છે?"
"કરી દીધોને રીપોર્ટરવાળો સવાલ...તમે કહો તમને આ સમયે કેવું લાગી રહ્યું છે?"
"સોરી પ્રભુ....અમને બહુ આશ્ચર્ય અને અચંબો થઈ રહ્યો છે કે સાક્ષાત પ્રભુ અમારી સામે બેઠા છે એક નવા પહેરવેશમાં."
"નવો પહેરવેશ? હું તો ભાઈ વર્ષોથી આવા જ કપડા પહેરૂં છું. જ્યારે જે ફેશન ચાલી એ જ કપડા પહેરી લીધા. આખરે મારે પણ તમારા વચ્ચે જીવવું હતું ને."
"હેં ભગવન, તમે અમારી વચ્ચે જીવો છો?"
"હાસ્તો"
"કેમ પ્રભુ? અમે બધા સ્વર્ગમાં જવા ઈચ્છીએ છીએ, મોક્ષ પામવા માંગીએ છીએ અને તમે અહીં?"
"મને આ દુનિયાથી બહુ લગાવ છે બેટા. માણસોની જીંદગી જોવાનો; એમની ખુશી, ઉત્સવો જોવાનો મને બહુ ગમે છે. વળી સ્વર્ગ અને નર્ક આ દુનિયામાં જ છે."
દીપકને એના હેડફોનમાં કોઈ આદેશ સંભળાયો એટલે એણે આગલો સવાલ કર્યો.
"હેં પ્રભુ, તમને ભગવાન તરીકેય ઓળખવાનું સંભવ નથી એટલે તમારૂં નામ તો ક્યાંથી ઓળખી શકાય? તમે કયા ભગવાન છો?"
"હા હા હા...સારો સવાલ છે"
"!!"
"મારૂં નામકરણ જે થયું એ અલગ ભાષામાં છે એટલે તમને સમજ નહિ પડે."
"એટલે તમે રામ, શિવ, ક્રિષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ..."
"અરે એતો એ જમાના ના ફિલોસોફર એટલે કે મહામુનિઓએ પાડેલા નામ છે"
"એટલે એ બધુ સત્ય નથી?"
"સાવ સાચું છે ભાઈ....પણ સત્ય એવું નથી જેવું દુનિયા સમજે છે."

જનમેદની તદ્દન શાંત થઈને વાર્તાલાપ સાંભળી રહી હતી. રસ્તા, ગલી, શહેર, ગામ, દેશ, દુનિયા...જસ્ટ સ્ટેચ્યુ.

"તો સત્ય શું છે પ્રભુ? આજે કહી દો...આખી દુનિયા આખું વિશ્વ તમને લાઈવ જોઈ રહ્યું છે." દીપકે એક હાથથી કેમેરા બતાવ્યો.
"હ્મ્મ...આતો માનવોની સહુથી મોટી ખોજ છે. આવા આધુનિક ચમત્કારો તો કળિયુગમાં જ જોવા મળ્યા હો ભાઈ."
"શું વાત કરો છો પ્રભુ! તમે આને ચમત્કાર કહો છો? તમે પોતે તો આખી દુનિયા ચલાવો છો,  વિશ્વના સર્જનહાર છો"
"કોણે કહ્યું તમને?"
"ઉપનિષદોમાં લખ્યું છે."
"તમે વાંચ્યા છે?"
"ના...એટલે બધા કહે છે."
"એ તો સંસ્કૃત ભાષામાં બહુ મોડે મોડે ફિલોસોફર મુનિઓએ લખેલા જેથી આગલી પેઢી વાંચે, સમજે, અનુકરણ કરે અને સભ્ય બનીને જીવે. પણ કોઈને સંસ્કૃતતો ઠીક માતૃભાષા પણ વાંચતા નથી આવડતી તે વળી મુનિઓની ઉચ્ચ ભાષા શું સમજ્યા હશે, શું અનુસર્યા હશે, શું ફેલાવો કર્યો હશે, , મને તો બહુ જ હસવું આવે છે."
"એટલેકે આજ સુધી જે સાંભળ્યું એ બધું ખોટું?"
"ના રે... માણસે ઉન્નતિ અને પ્રગતિ તો સાધી જ છે, હું તો બલ્કે ખુશ છું કે માનવપ્રયાસથી માનવજીવનનું આટલું બધું કલ્યાણ થયું છે."
"કલ્યાણ? આજે માણસ કેટલો દુઃખી, અશાંત છે,"
"એ તો હંમેશાથી એવું જ ચાલે છે. હમણાં માણસ થોડો એક્સ્પ્રેસીવ થઈ ગયો છે. પહેલા સહનશીલ હતો પણ હવે દુઃખ-ખુશી બધું જાહેર રાખવાનું ગમે છે."
"ઓકે પ્રભુ. હવે તમારા વિશે કંઈ કહો."
"શું કહું? અજર છું, અમર છું, કોઈ નામ નથી કોઈ માતા-પિતા નથી. સ્વયં-ભૂ છું. ક્યારેક તો મને લાગે છે કે હું એક માણસ જ છું. પહેલા પહેલાતો એક સામાન્ય માણસની જેમ બધી લાગણીઓ અને અનુભવો થી ગુજરી ચૂક્યો છું. પછી જેમ આધેડ અવસ્થામાં માણસને કંટાળો આવે એમ હું બધાથી કંટાળી પણ ચૂક્યો હતો. હું દુનિયામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં જાતઅનુભવ અને મનોમંથનથી ઘણું બધું શીખી ચુક્યો છું."
"તમે અમર છો"
"હાં"
"કેટલા સમય થી"
"આશરે દોઢસો ટંગુ થયા"
"શું, કેટલા થયા?"
"દોઢસો ટંગુ"
"ટંગુ?"
"એ તમને નહિ સમજ પડે. મેં ગણતરી કરવાનો શીખ્યો પછી સમય માપવાનો આ શબ્દ વિકસાવ્યો. છે."
"મેં પહેલી વાર સાંભળ્યો આ શબ્દ."
"અરે જાતે ગણિત શીખ્યો, તમે કહો છો એ થોડું સાઈન્સ શીખ્યો, ભાષા બધી નથી શીખી શક્યો પણ ત્રણસો જેવી આવડે ખરી."
"તો આખી દુનિયા મંદિરમાં તમારી પાસે માંગે છે એ માંગણી તમે કેવી રીતે પૂરી કરો છો?"
"હું ક્યાં માંગણી પુરી કરૂં છું?"
"!!"
"હું તો એક જ છું ક્યાં ક્યાં કયા કયા મંદિર, મસ્જીદ, દેવળ જઈને માંગણીઓ સાંભળું?"
"તે તમે અંતર્યામી નથી? અને એક ખાસ સવાલ... તમે મસ્જીદમાં પણ જાઓ છો?"
"હા તે વળી, ધર્મના વાડા તો તમે મનુષ્યોએ બનાવ્યા છે, મારે મન તો તમે બધા એક જ છો ને."
"શું વાત કરો છો....એટલે તમે હિન્દુ નથી?"
"હા હા હા હા.. "
ભીડમાં બધા આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. હવે તો કટ્ટર ધર્મ પાળનારાઓ સ્તબ્ધ થઈ ગયા.
"અત્યાર સુધી લાગ્યા કરતું હતું કે છો ભલે બધા પોતપોતાનો ધર્મ અપનાવીને જીવે, કેમકે ટંગુઓ સોરી...કરોડો યુગો જેટલો મારો અનુભવ કહે છે કે માણસને જે રીતે જીવવું હોય એ રીતે જ જીવવા દેવો. એમાં જ એની ખુશી છે."
"પણ આજે અચાનક કેમ તમે સાચું રૂપ પ્રગટ કર્યુ?"
"કારણકે મને થયું કે માનવમસ્તિષ્ક હવે સચ્ચાઈ સમજવા જેટલું પુખ્ત થઈ ગયુ છે. હોલિવુડની ફિલ્મો, ટીવી સિરિયલો વગેરેમાં કોમ્પ્યુટરથી જે અચરજ ભરી કલ્પનાઓને સાચી કરીને બતાવાય છે એ ખરેખર જોરદાર વસ્તુ છે. છતાં એ સચ્ચાઈતો બિલકુલ જ નથી. પણ પબ્લિક સોરી...માણસો એવું વિચારે કે ભગવાન આવી રીતે ચમત્કાર કરતા હશે, આવા ચમકદાર કપડા પહેરતા હશે, ચમત્કારો કરતા હશે.. "
"એટલે તમે ચમત્કાર નથી કરતા?"
"ના ભાઈ."
"શું વાત કરો છો!"
"તમે જોયો મારો કોઈ ચમત્કાર?"
"મ્મ્મ....ના" દીપક ગુંચવાયો. "તો ભગવન, આ દુનિયા તમે નથી બનાવી? માણસોનું સર્જન નથી કર્યું? "
"અરે ના... રચનાકાર હું નથી. દુનિયા સ્વયં ભૂ છે. મારાથી પણ પહેલાની છે. ચાંદ, સુરજ, આકાશગંગા વિશે તમારા વૈજ્ઞાનીઓ શોધીજ રહ્યા છે. આપણને બંનેને સાથે જ ખબર પડશે કે આ બધું કેવી રીતે બન્યું છે. "
"તો આ જીવન ચાલે છે કેવી રીતે?"
"અરે તમારી સામે તો નાનકડા બીમાંથી આખેઆખું ઝાડ ઉગી નીકળે છે. ફુલ ખીલે છે, ફળ ઉગે છે... આજ ચક્ર બધા જીવને લાગુ પડે છે."
"એટલે તમે અંતર્યામી પણ નથી!"
"હમ્મ...જુઓ મને ટંગુઓનો ... સોરી કરોડો યુગોનો અનુભવ છે માણસની વર્તણુંકનો, હાવભાવનો, ચાલચલનનો! આપણને તો જોઈને જ સામેવાળાનું આખું કેરેક્ટર ખબર પડી જાય. તમે જોતા નથી મનોવૈજ્ઞાનીઓ કેવી રીતે તમારા મનની વાત જાણી લે છે, જ્યોતિષીઓ તમને જોઈને તમારી તકલીફ તાડી લે છે. દુશ્મનો તમારી મજબુરીઓ ભાંપી લે છે. બસ ...સેઈમ."
"આતો પ્રભુ તમે ભારે કરી! હવે અમારૂં શું થશે? બધા મંદિર, મસ્જીદ, ચર્ચમાં જઈને માથું ટેકવે છે એમનું શું?"
"અરે એનાથી તમને શક્તિ તો મળે છે ને? આત્મબળતો વધે છે ને? તમે માંગ્યું એ તમને મળે ન મળે પણ સંજોગો સામે લડાવાની હિંમત તો મળી જાય છે ને? આમ તો આખી દુનિયા અંદરોઅંદરે એક બીજાને મારવા દોડી જાય. પણ જોયું નથી મંદિરોમાં કેવા ભાવથી એકબીજાને સ્માઈલ આપે છે, મસ્જીદમાં એક બીજાને મદદ કરે છે, ચર્ચમાં સેવા કરવા લાગે છે. સારું છે, ક્યાંક તો મારી આમન્યા જળવાય છે!"
"આ શ્લોક, આયતો, પુરાણ, ગ્રંથો, વાણીઓ...."
"બધું મહામાનવો દ્વારા માનવહિત માટેનું સર્જન છે, અનુભવો અને મંથનનો નિચોડ. એ ના હોત તો માનવ સાવ આધુનિક છતાં જંગલી બની ગયો હોત. લડી મર્યો હોત, નામાશેષ થઈ ગયો હોત. વાધ અને સિંહ રાજ કરત હોત આ દુનિયામાં. મારું નમન છે માનવસહજ બુધ્ધિને."
"એવું ના કહો ભગવન...માણસને તમારો ડર નહિ રહે. દરેક માણસ આતંકવાદી બની જશે."
"નહિ નહિ. બિન લાદેન પણ નમાજ પઢતો હશે. મારાથી ડરતો હશે. પણ એના દિમાગમાં જે ભરેલું હતું એ જ એની અશાંતિ બની. મારાથી ડરવું જરૂરી નથી, હું કશું કરતો નથી. હું કર્તા છું જ નહિ. લાદેન લાદેન બન્યો એ પણ માણસની જ ભુલ. તમારામાં આતંકવાદી પાકે એ તમારી સિસ્ટમનીજ ખામી છે. "
"ઓહ.. સાવ સાચી વાત ભગવન! હવે માણસે સચ્ચાઈ જાણ્યા બાદ શું કરવું જોઈએ?"
"અરે! તમે શુ કરવાના? રોજ જે કામ કરો છો એ શાંતિ અને પ્રમાણિકતાથી કરો. એકબીજામાટે સદભાવ રાખો એટલે બસ. સારું નથઈ શકે તો વાંધો નહિ...કશું ખોટું કરવાનું નહિ. એમ પણ મોંઘવારી, વસ્તીવધારો, કુદરતી આપદાઓ, ભ્રષ્ટાચાર, નશોખોરી, બેકારી.... વગેરે સમસ્યાઓ વધતી જ રહેવાની છે, હું એમાં કંઈ ન કરી શકું. પોતપોતાના દેશની જ બનાવટો વાપરો, એને મોડે સુધી ચલાવે રાખો. છોકરાઓને સારા બનાવો, સારી તાલીમ આપો...એટલે ભયો ભયો."
શ્રધ્ધાળુઓની આંખો ભરાઈ આવી!
"ભગવાન, દુનિયાના અબ્બજો લોકો પાસે અબ્બજો સવાલ હશે, એ બધાનું નિરાકરણ?"
"એક જ... મનોમંથન."
"જોયું દર્શકમિત્રો, આ...જ તક ટીવીના સેટ પર આજે બિરાજમાન છે સાક્ષાત ભગવાન, ઈશ્વર, ખુદા, ગોડ! જેવા તમે વિચારો છો એના કરતા અનેક ગણા સાચા! તમે જે સવાલ પૂછવા ઈચ્છો છો એ પૂછી શકો છો!"

(આખો લેખ કાલ્પનિક છે...કોઈ પણ વ્યક્તિ, સંસ્થા સાથે કોઈ લેવા દેવા નથી...બધું  મારા ચક્રમ ભેજાની ઉપજ છે...કોઈએ ખોટું લગાડવાની/ દુઃખી થવાની મનાઈ છે. ભગવાન તમે પણ જો આ લેખ વાંચતા હોવ તો તો મારા ઉપર ગુસ્સે ના થતા. જે કોઈએ ક્શી શંકા હોય અથવા અહીં પધારેલ ઈશ્વરને સવાલ પુછવા હોય એ પૂછી શકે છે.)

4 comments:

  1. પ્રિય શ્રીદિપકભાઈ,

    મારા વતી ભગવાનને પ્રશ્ન કરશોકે?,"દિપકભાઈના દિમાગમાં આટલા સુંદર લેખ લખવાની પ્રેરણા ક્યાંથી પ્રાપ્ત થાય છે..!!"

    અભિનંદન.

    ReplyDelete
  2. નમસ્તે દિપકભાઇ,

    સુંદર વાત કહી છે. દરેક પ્રશ્નના જવાબોમાં ઉંડી દ્રષ્ટિ અને અભ્યાસ જણાય છે. આ આખી વાત સમજાય તો ઘણી સમસ્યાઓ ઓછી થઇ જાય...

    આભાર.
    --
    હેમાંગ પટેલ

    ReplyDelete
  3. ખુબ ખુબ આભાર દવે સાહેબ! ભગવાન કહે છે: "જરૂર કોઈ મોટા લેખકના આશીર્વાદ મળેલ હશે."
    તમારો પણ આભાર હેમાંગભાઈ!

    ReplyDelete
  4. dipak bhai sanatan satya lakhi ne and ma bhagvan thi pan na daray koene khotu lage ke dhukh thay te ne aava lekh vachi ne vicharvu ane jivan ma utarvu

    ReplyDelete