ધ પરફેક્ટ ફેમિલી

એ સવારે વાસ્તુપૂજનમાં સહપરિવાર જવું જ પડે એમ હતું. મોબાઈલની રીંગ રણકી. આનંદભાઈ સમજી ગયા કે વિષ્ણુભાઈનો જ ફોન હશે. ટુંકી, ઔપચારિક વાતો થઈ ગઈ. ઘરના બધા સભ્યો ઘરેથી નીકળવા તૈયાર જ હતા. નીલા, આશિષને તો વળી ખુબ મજા પડી. કેટલા દિવસો પછી બધા મળીને "જમવા" જવાના હતા! વિષ્ણુભાઈ પોતાની ગાડી લઈને આવવાના હતા. રીટાયર થવા પહેલા પહેલા એમણે સ્વિફ્ટ "છોડાવી" હતી. એમની ગાડીમાં એક સીટ ખાલી હતી એટલે રેણુકાબેનને જોડે લઈ જવાની વાત થઈ હતી. છેલ્લી ઘડી ફરી એક વખત વિષ્ણુભાઈનો ફોન આવ્યો.
"હેલ્લો, આનંદભાઈ...તૈયાર?"
"હા, બસ તૈયાર."
"જરાક લોચો પડ્યો છે."
"શું થયું?"
"અમારા નિકેતનનો ફોન આવ્યો છે, એટલે હવે ત્યાં જવું પડશે. પાછો એ સ્ટેટ જાય છે એટલે ફરી વાર એને નહિ મળાય."
"હા, હા...તમે ત્યાં જઈ આવો. પ્રમોદભાઈને ફોન કરી દીધો?"
"હા, ફોન તો કર્યો પણ કોઈએ ફોન ઉઠાવ્યો નહિ."
"હમ્મ હમ્મ, એ વળી પૂજામાં બેઠા હશે."
"હા..ચલો ત્યારે, જય શ્રી ક્રિષ્ણા."
"જય શ્રી ક્રિષ્ણા."

આશિષ પાસે નવા શૂઝ નહોતા પણ જુના શૂઝ પર પાણીનું પોતું ફેરવીને સાફ કરી લીધા. નીલા હંમેશા પોતાની વસ્તુ જાળવીને વાપરતી. એટલે દીવાળી સમયે લીધેલો ડ્રેસ ઈસ્ત્રી કરી લીધો. મોબાઈલ હજી ચાર્જીંગમાં જ હતો કેમકે એની બેટરી ખરાબ હતી, ગમે ત્યારે મોબાઈલ બંધ થઈ જતો. થોડી ધીમી વાતચીત પછી કવરમાં એકસો એકાવન રૂપિયા મુકવાનું નક્કી થયું. પેપરની ગિફ્ટ કુપનો મુકેલા ડબ્બામાંથી ગુંદર લઈને કવર ચોટાડ્યું. આનંદભાઈ પોતાના જુના સ્કુટર ઉપર રેણુકાબેન જોડે બેઠા અને આશિષ તથા નીલા બાઈક ઉપર બેસીને જોડે જોડે નીકળ્યા. તડકો હતો. નાકેના પેટ્રોલપંપથી અનુક્રમે સો અને પચાર રૂપિયાનું પેટ્રોલ નખાવીને હવા ચેક કરાવ્યા બાદ આગળ વધ્યા. આશરે આઠ-નવ કિલોમીટર જવાનું હતું. રસ્તે ડચકા ખાઈને સ્કુટર બંધ પડ્યું. સ્કુટર નમાવીને કીક મારી જોઈ, પ્લગ સાફ કરી જોયો પણ સ્કુટર ચાલુ થાય જ નહિ. આનંદભાઈના કપાળેથી પસીનો નીતરતો હતો. આશિષે કહ્યું. "લાવો પપ્પા મને કીક મારવા દો." ચાર-પાંચ કીકમાં સ્કુટર ચાલુ! ફરી કાફલો ઉપડ્યો મંઝિલે. સોસાયટી સુધી પહોંચવા બે-ત્રણ ઠેકાણે પૂછવું પડ્યું. પ્રમોદભાઈએ એક ડુપ્લેક્ષ લીધો હતો. લગબગ સાઠ-પાસઠ લાખનો. પોશ એરિયા નહોતો પણ ત્યાં, એ એરિયામાં આજ ભાવ ચાલે. બાંધકામ તો ખબર નહિ પણ ફિનીશીંગ "ચકાચક".

સોસાયટીની અંદર પાતળા પણ આરસીસી રોડ ઉપર કારની લાઈનજ એટલી લાંબી હતી કે પાર્કિંગ ક્યાં કરવું એ પણ એક સવાલ હતો. જોકે સોસયટીની શરૂઆતમાં થોડી બાઈક વગેરે મુકી હતી ત્યાં જ પાર્કિંગ કરવું પડ્યું. ગાડી પાર્ક કરી તરત જ આશિષે જીન્સના ખીસ્સામાંથી નાનો કાંસકો કાઢી વાળ વ્યવસ્થિત કર્યા. આનંદભાઈએ આ જોયું, '"લાવને મને પણ આપને!"

આવેલી કારના મોડેલના નામ વાંચતા વાંચતા આશિષ અને નીલા મમ્મી-પપ્પાની પાછળ ચાલ્યા. વાસ્તુપૂજન પુરૂં થવાની તૈયારીમાં જ હતું. થોડી વાર ત્યાં મંડપ નીચે બધા બેઠા. બે-ચાર મોટાં માથાવાળા પણ આવ્યા હતા, આવી પ્રમોદભાઈની શાખ હતી. પૂજા પુરી થઈ અને જમવા માટે સહુ ઉભા થયા. પ્રમોદભાઈ આ તરફ દેખાયા એટલે લાગ જોઈને તરત આનંદભાઈએ એમને મળી લીધું. નીલા અને આશિષની મુલાકાત કરાવી. બીજી જ મિનિટે પ્રમોદભાઈએ આગળ જવું પડ્યું. "લંચ લઈલો આનંદભાઈ....ભાભી." "હા...બસ જઈએ જ છીએ" રેણુકાબેન હસ્યા.

અડધા કલાક પછી બધા જમી રહ્યા હતા. પ્રમોદભાઈ એમના મિસિસ હેમલતાબેન ફરીને બધાને મળી રહ્યા હતા, "જમ્યા કે નહિ, બરાબર જમજો."
એમનો છોકરો વ્યવસ્થા સંભાળવા દોડાદોડી કરી રહ્યો હતો. આનંદભાઈને ઘણા ચિત-પરિચિત લોકો મળ્યા. જુના, નવા. આનંદભાઈ વાતો કરવા ઈચ્છે પણ સામેવાળી પાર્ટીને ઈન્ટ્રેસ જ ન હોય. બે જ મિનિટમાં હા-ના કરતા આગળ વધી જાય. આશિષ અને રેણુકાબેનને આનંદભાઈ ઉપર બહુ ગુસ્સો આવે પણ કંઈ બોલે નહિ ફક્ત આંખો કાઢે. ચોથી વાર તો રેણુકાબેને કહી દીધું, "નથી બોલતા એ લોકોને કેમ બોલાવ બોલાવ કરો છો?" "અરે બહુ જુની ઓળખાણ છે, સારા માણસ છે" જેવી દલીલો આનંદભાઈ કરતા રહ્યા. નીલા હવામાં ઉડતા મોંઘા મંડપને જોતી રહી. છેવટે આનંદભાઈને વાતો કરવા એક સામાન્ય ભાઈ મળી ગયા. વાતો ચાલી. જમી લઈને બધાએ આઈસ્ક્રીમ ખાધો. નીલાને આઈસ્ક્રીમ બહુ ભાવ્યો, આશિષ કહે, "જાને લી, ફરી વાર લઈ આવ." પણ નીલા ના ગઈ તે ના જ ગઈ. આશિષ જવા લાગ્યો પણ નીલાએ ના પાડી.

મહેમાનો જવા લાગ્યા. મંડપ ખાલી થવા લાગ્યો. પ્રમોદભાઈ આવીને બેઠા. છોકરાઓ શું ભણે છે, રેણુકાબેનની તબિયત કેવી છે વગેરે વાતો થઈ. વળી એટલામાં એમનો છોકરો એમને બોલાવી લઈ ગયો. આનંદભાઈ બોલ્યા, "અમે હવે જઈએ જ છીએ."
"જાઓ જ છો?"
"હાં પાછું આશિષનું ટ્યુશન છે."
"એને ટ્યુશન જવાનું છે." રેણુકાબેને સાદ પુરાવ્યો.
"ઓક્કે...સારૂં ત્યારે, મળીએ."
"આપણા વિષ્ણુભાઈને બહાર જવાનું થયું એટલે...."
"જોયો જોયો મેં મિસકૉલ જોયો...મળીએ" સ્માઈલ આપી વાત કાપતા પ્રમોદભાઈ આગળ ઉપડ્યા.
"હા"

ચારેય જણ ચાલતા નીકળ્યા. છેક સોસાયટીના ગેટ પાસે એમની ગાડીઓ હતી. આવતી વખતે સ્કુટર બંધ પડ્યું નહિ. નીલા અને આશિષ હસતા હસતા વાતો કરી રહ્યા હતા. આશિષભાઈ અને રેણુકાબેન પેલા ડુપ્લેક્ષના વખાણ કરી રહ્યા હતા. એમણે અત્યારે પોતાના ભાડાના મકાન વિશે કોઈ ચર્ચા ન કરી. બધા ખુશ હતા. બપોરે સાડા ત્રણ વાગે તો ઘરે પહોંચી ગયું...ધ પરફેક્ટ ફેમિલી!

No comments:

Post a Comment