અલગ

દુનિયા એટલે જગતભાઈ. જગતભાઈ વર્ગીકરણ કરે. લપાતા કે લાપતા માણસોનેય પકડીને ચોક્કસ ખાનામાં ગોઠવી દે. બીજું કંઈ નહિ તો આવું કરવામાં પોતાનો અહમ અને સ્વાર્થ, બંને સંતોષી લે. કોઈ કંઈ નવું કે અલગ કરે તો એના કામને એક ચોક્ક્સ ફ્રેમમાં જક્ડી લેવામાં આવે. જેમકે કોઈ અલગ બોલ્ડ સ્ટ્રોકવાળું ચિત્ર બનાવે તો એને હુસેનમાં ખપાવી દેવાય. કોઈ સાચું બોલતો હોય તો એને ગાંધી કહી દેવાય.

એ.આર.રહેમાનનું સંગીત કંઈક એવું જ હતું. ઘણા બધા સાઝ વચ્ચેથી કંઈક અલગ જ પ્રકારનું સંગીત જેવું કંઈક વહેતું. જે સાંભળવાનું ઘણું મન થતું, કેમકે આવું તો ક્યારેય સાંભળ્યું નહોતું. લોકોને થોડા સમય માટે સમજવામાં ઘણી મુશ્કેલી પડી કે આ સંગીત જેવું જ સંભળાય છે એ શું છે! પહેલા ટેકનિક વિશે અચરજ થતું જોડે એની અલગ પ્રકારની મીઠાશ તો હતી જ. રહેમાનથી ઘણા સંગીતકાર પણ પ્રભાવિત થયા. ૧૯૯૫ પછી અનુમલિક, આનંદ-મિલિન્દ, શંકર-અહેસાન-લૉય ના સંગીતમાં રહેમાનની સ્ટાઈલ ગુંજતી. ઈસ્માઈલ દરબાર, અદનાન સામી અને વિશાલ-શેખર; આ બધાએ રહેમાનના ફેન હોવાનો ખુલ્લો એકરાર કરેલ. પહેલા તો ખબર પડી જતી કે આતો રહેમાનનું જ સંગીત છે. આજે એવો હાલ છે કે રહેમાન ના સંગીત અને આજના સંગીત વચ્ચે ફરક પાડવો અઘરો છે. આખું બોલીવુડનું સંગીત જ રહેમાનમય બની ગયું છે.

રામ ગોપાલ વર્માની 'રંગીલા'થી ઉર્મિલા, એ.આર.રહેમાન, સંજ્ય છેલ, નિરજ વ્હોરા, મનીષ મલહોત્રા, લેખક મેહબુબ વગેરે બોલીવુડની સામે આવ્યા. 'બાજી' ફિલ્મની નિષ્ફળતા પછી આમિરને ફિલ્મ માટે ફાંફા પડ્યા હતા. સલમાન 'હમ આપકે હૈ કોન' પછી છવાઈ ગયો હતો અને આમિરનું ટેલેન્ટ હજી છતું નહોતું થયું. આશા ભોંસલેને પ્રાઈવેટ આલબમ તરફ વળવું પડ્યું હતું. આ બધા 'રંગીલા' ને કારણે લાઈમલાઈટમાં આવી ગયા. મનીષ મલહોત્રાની ક્લોધ ડિઝાઈન એ બાદ કરિશ્માથી માંડીને કાજોલ સુધી ગઈ. એટલે 'રંગીલા' ઘણી બોલિવુડ હસ્તીની ફેવરેટ છે. રામુની ફિલ્મોની ટ્રીટમેન્ટ જ એવી કે જોનાર પોતે એ ફિલ્મના પાત્રોને મળી આવ્યા હોય એવું લાગે. બેકગ્રાઉન્ડ દ્રશ્ય અને બેકગ્રાઉન્ડ સાઉન્ડ/મ્યુઝિક તદ્દન રીયાલીસ્ટીક. જ્યાં સુધી રામુની "ફેક્ટરી" ચાલુ નહોતી થઈ ત્યાં સુધી ફિલ્મની ક્વૉલિટી સુપર્બ હતી. જોકે રામુ પોતે કોઈ સ્ટારને કાસ્ટ કરવામાં માનતો નહોતો કેમકે સ્ટાર ક્વૉલિટી એની ફિલ્મના પાત્રોને ડિસ્ટર્બ કરતું. નવા ચહેરાઓ નવા પાત્રને ભજવે તો જ ફિલ્મ રિયલ લાગે. નહિતો પછી જોનારના મનમાં અમિતાભ, અજયની પાછલી ફિલ્મની ઈમ્પ્રેશન આવી જાય. રામુએ કોઈ જગ્યાએ શીખવા વગર આ બધી ટેકનિક નુસ્ખા સમજ્યા છે અને ફિલ્મોમાં અજમાવ્યા. એ બાદ રિયાલીસ્ટીક ફિલ્મોને બોલિવુડમાં પ્રથમ સ્થાન મળ્યું.આજે કેમેરા એંગલ કે ડાઈરેક્શન અથવા બેકગ્રાઉન્ડ જોઈને ખબર ન પડે કે રામુની ફિલ્મ છે કે બીજા કોઈની! કેમકે હવે એ બધું હવે બધા ડાઈરેક્ટરને કરવું જ પડે છે જોકે હજી પણ બોલિવુડમાં આગળ લાવવા જેવી ઘણી બાબતો છે. બધા ઑસ્કાર પાછળ ભાગી રહ્યા છે રે એક વાત સમજવા જેવી છે કે ઈન્ડિયન કલ્ચર અથવા મહાનતાને જોઈને કોઈ ઓસ્કાર નથી આપવાનું. એ માટે હજી પાયાની ઘણી બાબતો ફિલ્મોમાં ઉતારવી પડે. જે માટે રામુ, સંતોષ સીવન, નાગેશ કુકુનુર સિવાય બીજું કોઈ સમર્થ નથી અથવા કદાચ કોઈ નવો ડાઈરેક્ટર હોય તો જ.

ગુલઝાર સાહેબની લેખન શૈલી પહેલેથીજ ફિલ્મી નહોતી. મોરા ગોરા અંગ લઈ લે, હમને દેખી હે ઉન આંખો કી ચમકતી ખુશ્બુ, રુકે રુકે સે કદમ, તુમ પુકાર લો વગેરે શબ્દો હીરો-હીરોઈન કરતાં પહેલા જ ધ્યાન ખેંચી લે. યોગેશ અને રવિ સાથે રહેતા ગુલઝાર સાહેબની ઉર્દુમાં સારી પકડ હોવા છતાં સીદા સાદા ગીતો વધારે લખતા. મનની લાગણીઓને વસ્તુઓ જોડે જોડી દેતા હતા. ગુલઝાર સાહેબ પંજાબી શીખ હોવાથી એમણે પંજાબી ગીતો પણ ઘણા લખ્યા. એમના ગીતો મોટા ભાગે રામુ-રહેમાનની જેમ એક્સ્પરીમેન્ટ જ હોય. મેરા કુછ સામાન, તુજસે નારાજ નહિ વગેરે ગીતો જેના અંત્યાનુપ્રાસ પણ ભેગા ન થતા હોય. હમણાં હમણાં થોડા ઈંગ્લીશ વર્ડ પણ મીઠા ગીતોમાં ઉમેરતા. જેમકે સાથિયાના ચૂપકે સે ગીતના અંતરામાં 'ફરવરી કી ધૂપ', બંટી ઓર બબલીના કરજારેના અંતરામાં 'રાત દિન તારોમેં જીના-વીના ઈઝી નહિ.' એમનું એક જુનું ગીત પણ હતું 'મોસમ મોસમ, લવલી મોસમ.' એમનાં લેખનમાં દિલ-વિલ, પ્યાર-વ્યાર જેવા શબ્દોને ભાગ્યેજ ચાન્સ મળે! મળે તો પણ ગુલઝારની શરતે. જેમ કે દિલ સે રે, બેચારા દિલ ક્યા કરે, દિલતો બચ્ચા હૈ જી વગેરે. પણ હવે તમે ગુલઝારને અલગ જોઈ ન શકો કેમકે હમણાં બોલિવુડમાં પ્રસૂન જોશી જેવા ઘણા ગીતકાર ગુલઝાર જેવું લખવાની કોશીશ કરે છે.

આ સિવાય પંચમ દા, સત્યજીત રે, ગુરૂદત્ત સાહેબે, ૠષીકેશ મુકર્જી જેવા બંગાળીબાબુઓએ પણ એમના જમાનામાં એક નવો ચીલો ચીતર્યો હતો; જે આજે પણ વખાણાય છે. એમના વિશે એમના ફેન લખશે. આપણે તો ભઈ રામુના ફેન હતા. જેના કારણે રહેમાન (ફિલ્મઃ રંગીલા, દોડ) અને ગુલઝાર સાહેબ (ફિલ્મઃ સત્યા )ને પણ ઓળખી શક્યો. આજે જે કંઈ પણ વાર્તા, સંગીત, લેખન લખું છું એ બધું આ ત્રિવેણીના કારણે જ!

એ.આર.રહેમાન, રામ ગોપાલ વર્મા, ગુલઝાર; આ લોકો માટે જગતભાઈએ 'અલગ' નામનું ખાનું બનાવીને એમાં એમને ગોઠવી દીધા છે. બોલિવુડ કહે તમે બેસો હવે અમે જોઈ લઈશું! પછી પાર્ટી, સેલ્ફ પબ્લિસીટી, મિડિયા કોન્ટ્રોવર્સી! કદી જોયા છે આ ત્રણમાંથી એકેય ને...સ્ટેજ પર, ટીવી પર માઈક પકડીને જોરથી બકબક કરતા?

No comments:

Post a Comment