કોશિશ


બપોરના દોઢ વાગ્યા હતા. હું મારી બાઈક સાફ કરવાના બહાને ટાઈમપાસ કરી રહ્યો હતો. મનમાં મુંઝવણ વધતી જઈ રહી હતી. અત્યાર સુધી જે પ્લાનિંગ અને આશાઓ હતી એ ડહોળાઈ રહી હતી. બધો આત્મવિશ્વાસ જાણે આ ટાયર પંચર થઈ ગયું હોય એમ ફુસ્સ થઈ ગયો હ્તો. હું ટાયરને પગ મારી ફરાવતા વિચારી રહ્યો હતો કે હવે શું? આ વળાંક પછીનું ભવિષ્ય શું હશે?

આ અઠવાડીયે ડોલર સામે રુપિયાનો ભાવ ફરી ગગડ્યો હતો, પેટ્રોલમાં રુપિયા ત્રણ વધી ગયા હતા. અશોકનું નક્કી થઈ ગયું હતું, વિનોદને સરકારી નોકરી મળી ગઈ હતી. માસીના છોકરાએ નવી કાર ખરીદી હતી. અમારી કંપનીને બહારથી એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, સેમસંગ કંપનીનો એક નવો ફોન લોન્ચ થઈ ગયો હતો. ક્રિકેટની નવી ત્રિકોણીય મેચ શરુ થવાની હતી. નાની, મોટી, જીવ બાળે તેવી, ખુશી આપે એવી, કામની, નકામી કેટકેટલી બાબતો દિમાગ સામે ફરવા લાગી. મન ક્યારેક કેન્દ્રિત તો ક્યારેક વિકેન્દ્રિત થાતું.

એ શું કરતી હશે. એના મનમાં મારા વિશે કઈ વાત ચાલતી હશે વગેરે પ્રશ્નો થતાં અને એના અનુમાનો લગાવવામાં દિવસો પસાર થઈ ગયા હતા. હજી એના તરફથી કોઈ પોઝીટીવ જવાબ નહોતો મળ્યો. થોડા અંશો એની આંખોમાં દેખાતા પણ એનાથી મને કોઈ સહારો મળી નહોતો રહ્યો......માત્ર આશાઓના તળાવમાં તરંગો થતા રહેતા. ક્યારેક થતું કે મારાથી કશું થવાનું નથી, હું કાંઈ કરી શક્વાનો નથી. આ પણ તો એને ગુમાવવાનો ડર જ તો હતો, જે મને કોઈ નક્કર પગલાં લેવાનું કહી રહ્યો હતો.

કોઈ મદદ તો નહોતી જ. મારી વાત દોસ્તો માટે બધું મજાક અને મજાકથી વધીને એક સિરીયસ ટોપિક માત્ર હતી. હું એને મેસેજ કરતો અને એનો રિપ્લ્યાય પણ ક્યારેક ક્યારેક જ આવતો. પહેલા તો હંમેશા મેસેજના પતંગિયા આવતા-જતા રહેતા. પણ હવે એના લગ્નની વાતો ચાલી રહી હતી એટલે એ હવે આ બધામાં પડવા નહોતી માંગતી. કોલેજની દોસ્તી માત્ર કોલેજ સુધી જ હોય, પ્રેમ કરીને કોઈનું ભલું થયું નથી, મા-બાપની ઈજ્જ્ત વગેરે એના વિચારો મને હંમેશા જકડી રાખતા. કેટલીયે વાર પ્રપોઝ કર્યા બાદ એને એ તો વિશ્વાસ થયો કે મારો પ્રેમ સાચો છે પણ...એને એમાં પડવું નહોતું.

એકતરફી પ્રેમની બસ આટલી જ વાત હતી અને મારૂં હાલનું જીવન વીરાન થઈ ચાલ્યું હતું. જ્યારે એનો મેસેજ આવ્યો કે થોડા દિવસોમાં એને જોવા છોકરો આવવાનો છે ત્યારથી મારો જીવ રીતસરનો કોચાઈ રહ્યો હતો. હું બહારથી સામાન્ય રહેવાનો પ્રયત્ન કરતો અને અંદરથી એટલોજ તુટી રહ્યો હતો. મારી સામાન્ય નોકરી, સામાન્ય ઘર વગેરે સામાન્ય લાગતી બાબતો હવે મને ખુબ કનડી રહી હતી. કદાચ સારી નોકરી અને સંપત્તિ હોત તો અલગ વાત હોત...પણ એ શું એવી હતી? એની માટે પણ પ્રેમ મહ્ત્વનો હતો જ ને? કે પછી એ પણ બીજા બધાની જેમ ઉંચી લાઈફસ્ટાઈલ જીવવા માંગતી હતી? હું ખુદને રોજબરોજ વધુ ને વધુ નફરત કરતો થઈ ગયો હતો.

એક દિવસ આ વિચારોમાં નીકળી ગયો હતો. આખરે આજે ફરી એવોજ ભારે દિવસ ઊગ્યો હતો. આજે તો મારે કંઈક કરવું જ હતું. મારા મિત્રોમાંથી ઘણા બધાએ ક્યારેકને ક્યારેક લફડાં કર્યા હતા અને માર પણ ખાધો હતો! આજે વધારેમાં વધારે શું થશે? વળી ઉપરથી એને કાયમ માટે ખોઇ દેવાનો ડર પણ હતો. મન થથરી રહ્યું હતું.

મેં વધુ વિચાર્યા વગર, ઘરમાં કોઈને કશું કહ્યા વગર બાઈકને કીક મારી. આજે રવિવાર હતો અને હું એના ઘરે એનો હાથ માંગવા જઈ રહ્યો હતો! બે-ત્રણ જાણીતા ચહેરા સામે મળ્યા. મંદિરમાં ભીડ હતી. મને જાત-જાતના નકામા વિચારો આવી રહ્યા હતા..એ ઘરે નહિ હોય તો? બીજું કોઈ મહેમાન એના ઘરે હશે તો? રસ્તે બાઈક બગડી જશે તો? માર ઘરે ખબર પડી જશે તો? પેલા લાલિયા જેવું થશે તો? મન ધડકી રહ્યું હતું. રસ્તો લાંબો હતો અને હું એક અણગમતું ગીત ગણગણતા જાણે ઊડી રહ્યો હતો.

***

હું એની ગલીમાં પહોચ્યો. એના ઘરની સામે જ ગાડી ઊભી રાખી. આમ એકાદ વખત મિત્રો સાથે હું અહીં એના ઘરે આવી ચુક્યો હતો. ગલીના ઘરો દરવાજા તો ખુલ્લા હોય જ. એનો દરવાજો પણ ખુલ્લો હતો. એ રૂમમાંથી મને શુઝ ઉતારતા જોઈ રહી. એ તરત જ ગભરાઈ! બીજી જ ક્ષણે એણે જાણે કંઈક થયું જ ન હોય એમ સ્વસ્થતાથી સસ્મિત બોલી, "આવ. આ તરફ ક્યાંથી?"
"તને જ મળવા આવ્યો છું."
એ સમજી જ ગઈ કે આજે કંઈક થવાનું જ છે. પણ એ વ્યવહારુ હતી અને હાજરજવાબી પણ.
એ તરત બોલી, "તે દોસ્તો ને મળવા આવવું જ પડે ને." એ એના મમ્મીને રસોડામાંથી આવતા જોઈ રહી હતી. એના ઘરે મને કોઈ ઓળખતા તો હતા નહિ. વરસ પહેલાં હું અહી મિત્રો સાથે માત્ર એક વખત આવ્યો હતો.
"આવો" એના મમ્મી હસીને મને ઓળખવાની કોશિશ કરી રહ્યા હતા.
"કેમ છો?" મેં પણ ઔપચારિકતા દાખવી.
"બસ મજામાં." એના મમ્મી સોફા તરફ બેસતા બોલ્યા.
"બેસ ને! મમ્મી આ મારો ફ્રેન્ડ છે. ગયા વરસે આ અને કોલેજના બધા ફ્રેન્ડ્સ અહીં નહોતા આવ્યા?"
"હા, બરાબર." એની મમ્મીએ કહી મુક્યું. એમને થોડા બધા ચહેરા યાદ હશે!
એમણે મને સામે બેસવા ઈશારો કર્યો. હું બેઠો.
"આ તરફ કોઈ કામથી નીકળ્યો છે? તું એમને એમ તો આવે એવો નથી!" હસતી હસતી એ એવું દર્શાવી રહી હતી જાણે એને કંઈ અંદાજો આવી ન રહ્યો હોય! કેવી હોય છે છોકરીઓ!
"ના બીજા કોઈ કામથી નથી આવ્યો. મને થયું કે ચાલ...મળી લઉં તને." હું એની આંખો જોતા બોલ્યો. મારું ખોટું સ્મિત એ જાણી ગઈ. એ વિચારતી હશે આજે તો આવીજ બની!
"સાચું બોલને હવે!" એ હજી વાતાવરણને નોર્મલ બનાવવાની કોશિશ કરી રહી હતી. મારી વાતો મજાક માત્ર છે એવું એના મમ્મી સમક્ષ જતાવવા હસી રહી હતી.
"સાચે જ!" હું હસ્યો.
"હું પાણી લઈ આવું." કહેતાક એ ખસકી.
"ફ્રીજનું નહિ હોં?"
"એ..હાં."

હું દિવાલો જોઈ રહ્યો. ભગવાનના ફોટા, વોલ પીસ, ઘડિયાળમાં પોણા ત્રણના કાંટા, ટેબલ, સોફા અને નજર એના મમ્મી ઉપર રોકાઈ. પચાસેકની ઉંમર, થોડા સફેદ વાળ અને શાલીનતા.
એક હાથમાં નાનકડી ટ્રે ફક્ત દેખાવ માત્ર માટે, એના ઉપર કાચનો ગ્લાસ એણે બીજા હાથથી પકડી રાખ્યો હતો. મેં ગ્લાસ ઉઠાવતા એના તરફ જોયું. એનો રંગ ઉડી રહ્યો હતો. નખ રંગેલી એની નાજુક આંગળીઓ!
"નથી? તારા પપ્પા?" મેં એને સીધો સવાલ કર્યો.
"એ અહીં જ દુકાન તરફ ગયા છે." એના મમ્મીએ જવાબ આપ્યો.
"કેમ કોઈ સ્કીમ લઈને આવ્યો છે કે શું...બેન્ક-વેન્કની?" એ કેટલી ચાલાક હતી!
"ના, જરા કામ હતું."
"શું કામ હતું?" જમાનો જોયેલ એના મમ્મીને દાળમાં કાળું લાગી રહ્યું હતું. એમની આંખો પરથી મને એવું જ લાગ્યું.
"થોડીક..." હું ખચકાયો, "વાત કરવી હતી."
"શેની વાત?"
"અંકલ હોત તો..." હું અટક્યો.
"એમને તો વાર લાગશે"
"હં, એમનું નક્કી નહિ." એણે પણ ટાપસી પુરી.
"ઓહ." હું મુંઝાયો. વાત કરું કે નહિ? બહાનું કાઢીને નીકળી જાઉં? હું એના ગોરા ચહેરા તરફ જોતા વિચારી રહ્યો કે આ મને પ્રેમ કરતી હશે કે નહિ? એસએમએસના પતંગિયા, વાતોના ફુલો, લાગણીઓની ઝાકળ વગેરે પ્રેમનો ફક્ત ઈશારો જ કરતા હતા. એની તરફથી ક્યારેય ઈઝહાર-એ-ઇશ્ક તો થયો જ નથી! માત્ર હું એને પૂછતો રહેતો. એ મને સમજાવતી રહેતી.
એની આંખો જાણે મને કહી રહી હતી કે હવે તું જા. જે શક્ય નથી તે રહેવા દે. હું ભલભલું સહી લેતો પણ એને કોઈ બીજો પરણી જશે. એ કોઈ બીજાની થઈ જશે એ કલ્પના મને કચડી નાખતી.
"તે વાત કરી?" મે એને પૂછ્યું. એણે નકારમાં માથું હલાવ્યું, છુટ્ટી લટ કાન પાછળ ખોંસી.  હવે હું વાત કરીશ જ એ એને ખાતરી થઈ ગઈ.
"કઈ વાત?" એના મમ્મીએ મને પૂછ્યું.
"હું આની સાથે..." હું ધીમેથી બોલ્યો, "મેરેજ કરવા માંગું છું." "
"મેરેજ?" એના મમ્મીએ ઘોર આશ્ચર્યપુર્વક પૂછ્યું. એમને મારા કહેલા શબ્દો ઉપર વિશ્વાસ જ ન બેઠો! મારે અહીં આવ્યે એક મિનિટ પણ નહોતી થઈ અને મેં બોમ્બ ફોડી દીધો! જોકે બોમ્બ ફોડવો એક ફકત એક નવી કહેવત હતી, મેં હજી બોમ્બ સળગાવ્યો જ હતો, અને ફૂરચે ફુરચા આવતી થોડી મિનિટમાં મારી ઈજ્જ્તના ઉડી જવાના હતા.

***

"હાં, અમે ત્રણેક વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ." મેં માંડ વાક્ય પુરુ કર્યું.
"એક મિનિટ બેસ. " એના મમ્મી ઊભા થયા અને બાજુના રૂમમાં ગયાં.
"મમ્મી એક મિનિટ." એણે એની મમ્મીનો હાથ પકડીને રોકવાની કોશિશ કરી. ઝાટકો આપીને એના મમ્મી કડક અવાજમાં એક જ શબ્દ બોલ્યા, "ખસ."
અમે બંને અહીં એકલા હતા. એ મને નિઃસહાય જોઈ રહી. હવે શું થવાનું હતું? એણે કપાળે હાથ મુક્ર્યો.
"તું કેમ આવું કરે છે? જા અહીંથી, પ્લીઝ, સમજ!" એની નાજુક પાતળી આંગળીઓના રંગીન નખ દબાઈ ન જાય એ રીતે એ કપાળ દબાવવા લાગી. એની મમ્મીનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એ ફોન કરીને કોઈને બોલાવી રહ્યા હતા.
ફોન કરી તરત પાછા અહીં આવી ગયા અને સોફા પર બેઠા.
"ક્યાં રહે છે તું? શું નામ છે?"
"હું બાજુના શહેરમાં રહું છું." હું ધીમેથી બોલ્યો.
"એ મારી જોડે જ કોલેજમાં ભણતો હતો મમ્મી." આ વાત ફરી દોહરાવવામાં આવી. જાણે એ પોતાની સફાઈ પેશ કરી રહી હોય.
"તો?"
"તો કશું નહિ, મને લાગ્યું કે અમે સારા દોસ્ત છીએ અને એક-બીજાને ઓળખીએ છીએ એટલે મને લાગ્યું કે..." મેં વાત આગળ વધારી.
"સારા દોસ્ત હોય તો દોસ્ત તરીકે જ રહેવાનું ને બેટા?" એની મમ્મીએ ભાર પૂર્વક મને સમજાવવા લાગ્યા, "મારી છોકરી આવા બધામાં પડતી જ નથી. એના કેટલાય મિત્રો છે પણ આજ સુધી અહીં આવીને આવી રીતે કોઈએ વાત કરી નથી. મારી છોકરીને ભણવામાં ઈન્ટ્રસ્ટ છે. તમારા મા-બાપ આ બધું કરવા કોલેજમાં મુકે છે?"
આવા સવાલનો જવાબ આપવા માટે કોઈ શબ્દો નહોતા.
"ના આંટી, પણ મને તમારી છોકરી ગમતી હતી એટલે જ હું તમારી પાસે આવ્યો. તમને ફક્ત જણાવવા માટે."
"ના, અમારા ઘરમાં આવું બધું 'અલાઉ' નથી, એના પપ્પા આવશે તો ખીજાશે. એમનો ગુસ્સો બહુ ભારે છે તું ઘરે જા, આ બધા નાટકો શોભે નહિ." એના મમ્મીનો ટોન ઊંચો હતો, "એના માટે હવે અમે છોકરો પણ શોધવાનું ચાલું કર્યું છે. આવું બધું સમાજમાં ખબર પડે તો શું થાય એનું કંઈ ભોન-બોન છે?"
"હા તું જા, હું તને ફ્ક્ત એક દોસ્ત માનું છું, તું પ્લીઝ જા."
હું એની લાચાર આંખોમાં જોઈ રહ્યો.

***

"શું થયું?" એનો ભાઈ ત્યાં આવી પહોંચ્યો.
"જોને બેટા, તારી બહેનને લગનનું પુ્છે છે?" એની મમ્મીએ જવાબ આપ્યો.
"ઓયે, કેમ? કોણ છે તું?" એનો ભાઈ ખીજવાયો. "ભાઈ, તું રહેવા દે, જવા દે, બધાને ખબર પડી જશે.." બહેન એને રોકી રહી હતી.
"છોડ મને, ચલ ઉભો થા...બહાર ચાલ મારી જોડે.." એનો ભાઈ જોરથી બોલ્યો.
"ભાઈ, બધાને ખબર પડી જશે."
હું ઉભો તો થયો પણ એટલામાં એના પપ્પા આવી ગયા.
"કોણ છે? કોણ છે એ હરામખોર? તું? તું જ લગ્નનુ પુછવા આવ્યો છે" એના પપ્પા આવતાવેંત વરસ્યા, "તું ઓળખે છે આને?"
"મારી જોડે કોલેજમાં..." એ ધીમેથી આવું જ કંઈક ગણગણી.
"કોલેજમાં જોડે ભણતો હતો એની જોડે, " એના મમ્મીએ એનો પક્ષ લીધો, "કોલેજ પતી એટલે ભઈસાહેબ આવી ગયા લગ્નનું માંગુ નાખવા, ન નાત-જાત, ન ઓળખાણ-પીછાણ....આજકાલના છોકરાંવ...બધું રમત સમજે છે"
"નહીં તો શું...એકલો જ આવ્યો છે? જા બોલાય તારા બાપને. લાવ ફોન નંબર આપ તારા બાપનો. " એના પપ્પા કડક શબ્દોમાં બોલ્યા
ગરમાગરમી તો થશે એ તો ખબર જ હતી. પણ મારે મારા પપ્પાને અહીં બોલાવવાનો સવાલ જ નહોતો. મેં વિચારી લીધું કે હવે સાંભળીને કે છેવટે એકાદ-બે લાફા ખાઈને બધી વાત પતી જશે.
"લાવ નંબર લાવ." એનો ભાઈ પણ હજી ઉકળી રહ્યો હ્તો.
પડોસમાંજ એના સગા રહેતા હતા. એ પણ આવી પહોંચ્યા. એ થોડા નરમ હતા.
એમણે આ બંને જણને માંડ શાંત પાડ્યા. પછી મને કહેવા લાગ્યા, ''બેટા, આવું ગાંડપણ ન કરાય, ખોટી વાતો ઉડશે, અમારી છોકરી બદનામ થશે, એના લગ્નની વાતો ચાલી રહી છે. તું શાતિથી અહીંથી જતો રહે. આવી રીતે વાત ન થાય. ગમે ત્યાં લગ્ન ન ગોઠવાય."
"પણ અંકલ, તમે મારી વાત તો સાંભળો."
"અમે બ્રાહ્મણ બરાબરની જાતના છીએ ખબર છે તને? શું કાસ્ટ છે તારી?" એના પપ્પા ફરી ઉભા થઈ ગયા.
"જી તમારી કાસ્ટ જેટલી ઉંચી તો નથી પણ..." હું નીચે જોતો બોલ્યો.
"તો પછી હાલતીનો થા...વધારે મગજમારી ના કરીશ ભઈલા, મને ગુસ્સો ન અપાવ. મારી છોકરીનું નામ આજ પછી લેતો નહિ, 'ને અહીં ફરી આવીશ નહિ."
"પ્લીઝ, હું એના વગર નહિં રહી શકું..." હું આજીજી કરી રહ્યો
"જા નહિં તો તારા હાડકાં ખોખરા કરી નાખીશ સમજ્યો? ચાલવાના ઠેકાણા નહિં રહે ડોબા.." એના પપ્પા બરાડ્યા.
"સાલા કાપીને ફેંકી દઈશ." ભાઈ પણ ખરેખર જ ભાઈ હતો!
"ક્યાં છે એ?" એક કરડાકીભર્યો સ્વર સહુને થરથરાવી ગયો. હું પણ ચોંક્યો કે આવો ભારે અવાજ કોનો હશે! એ એના સગા કાકા હતા અથવા મામા.
"ચલ ઉભો થા, નીકળ અહીં થી." એ મારી સમક્ષ ઉભા હતા. મોટી મુંછ અને રાખોડી રંગની સફારી રાતી આંખો અને ભારે અવાજ કોઈને પણ ડરાવી નાખે એવા હતા.
"મેં કંઈ ખોટું કર્યું છે? ફક્ત તમને કહેવા જ તો આવ્યો છું!" મારો અવાજ વાઘ સામે બકરી જેવો હતો.
"એક વાર કહ્યું સમજ નથી પડતી?" સીધી મારી ફેંટ પકડવામાં આવી. હું ખેંચાઈને એ કાળા ચહેરાની લગોલગ પહોંચી ગયો!
"શંકરભાઈ."
"રહેવા દો, છોડી દો શંકરભાઈ." એના મમ્મીએ પણ સાદ પુરાવ્યો.
"ના અંકલ. ઠોકો એને બે-ચાર."
"ભાઈ તું ચુપ રહે ને, અંકલ એને જવાદો. એ મારો જસ્ટ ફ્રેન્ડ છે, હવે આવું નહિ કરે."
"તું ચુપ રહે." એનો ભાઈ બરાડ્યો.
હવે હું ફરી એ કાળા ચહેરા અને રાતી આંખો સમક્ષ હતો.
કેમ પાંગળો થઈ જાય છે પ્રેમ, જ્યારે મુશ્કેલીઓ સામે આવી જાય છે? ક્યાં ઓગળી જાય છે એ ઈશ્ક, જ્યારે સત્ય ઉજાગર થાય છે?
હું ફરી વિચારું છું, આજે તો માર પડશે જ. સાલું...છેલ્લીવાર ઘર સિવાયનો માર મેં સ્કુલના દિવસોમાં ખાધેલો!
"જો માર ના ખાવો હોય તો ચુપચાપ નીકળી જા. ફરી દેખાતો નહિ. મારી છોકરીની બદનામી ન થાય એટલે હું તને છોડું છું, નહિતર બહાર કાઢીને માર્યો હોત, તારા ટાંટિયા ભાંગી નાખ્યા હોત. ક્યાંઉ ગાયબ કરી નાખત અને તારા ઘરવાળા તને શોધતા જ રહી જાત." આટલું કહીને મારો કોલર છોડતાં એક ધક્કો મારે છે, જેથી હુ બે ડગલા પાછળ જતો રહ્યો. એના પપ્પા માથું પકડીને સોફા પર ધબ્બ દેતા બેસી પડ્યા.
હું એની સામે, એના પપ્પા-મમ્મી તરફ એક નજર નાખું છું.
"ચલ ફૂટ." એના ભાઈ પર પણ એક નજર પડે છે.
"જા જા જા જા...." એક ચપટી વગાડતા એના કાકા.

***

"શું!" એ ચોંકી.
"હાં હું તને ચાહું છું." હું એની આંખોમાં જોતા બોલ્યો., "આઈ લવ યુ."
"તને બધી ખબર છે તો પણ..." એ નકારમાં માથું હલાવતા બોલી, "આ ઈમ્પોસીબલ છે. તું પણ આવો જ નીકળ્યો? મેં તને સારો દોસ્ત, એક ફ્રેન્ડ માન્યો હતો."
"મને ખબર હતી કે તને નહિ ગમે. તું મને દોસ્ત જ માને છે એ પણ હું જાણું છું. પણ મારે હંમેશા એક દોસ્ત બની રહેવાનું નાટક નહોતું કરવું. એટલે મારા મનમાં જે હતું એ તને કહી દીધું, એ પણ જ્યારે એકદમ અસહ્ય થઈ ગયું ત્યારે."
"પણ હજી તો બે-ત્રણ મહિના થયા છે આપણે મળ્યે." એ હજી આશ્ચર્યચકિત હતી.
"મને તો લાગ્યું કે બહુ સમય થઈ ગયો. અચાનક મારી બોરીંગ, કોઈ મતલબ વિનાની જીંદગીમાં તું આવી અને જાણે બધું બદલાઈ ગયું! તું મારી માટે બહુ, બહુ જ ખાસ થઈ ગઈ છે. અને બીજા ઘણા છોકરાઓને પણ જોયા...જે તને પ્રપોઝ કરવા માંગતા હતા એટલે.."
"એટલે તેં વિચાર્યું કે પહેલા હું પ્રપોઝ કરી લઉં એમ?" એ કટાક્ષમાં હસી. "જવા દે આ વાત, હું એવી નથી. મને આ બધામાં ઈન્ટ્રેસ્ટ નથી. દુનિયામાં બીજી બધી પણ બહુ જરૂરી હોય છે."
મારી પાસે જવાબ નહોતો. હું બીજી તરફ જોવા લાગું છું, "સોરી તને ખોટું લાગ્યું હોય તો."
"ખોટું લાગ્યું જ છે. " એ દરેક શબ્દો પર ભાર દેતી બોલી. "જો તું ઈચ્છતો હોય કે આપણી દોસ્તી કાયમ રહે તો જેવું હતું તેવું જ રાખજે. નહિતર બોલવાના સબંધ પણ નહિ રહે. ફરી આવી વાત ના કરતો."
પછી એ ફટ દેતી ઉઠીને જતી રહી. મેં બીજે નજર ફેરવી લીધી. એને જતાં પણ ન જોઈ શક્યો.

***

આ એક ક્ષણમાં મારી સમક્ષ જાણે પાછલા ત્રણ વર્ષ ફરી ગયા. હું રૂમમાં ઉભેલા તમામના ચહેરા જોઈ રહ્યો. પેલી તો એની આંખોમાં આંસૂ ભરી મને જોઈ રહી હતી. એની આંખોના આસું મને વ્યાકુળ બનાવી ગયા. મેં હાથે કરી બખેડો ઉભો કરી દીધો. એના મનમાં મને ક્યારેય પ્રેમ જણાયો નહોતો. ક્યારેક મારા પ્રેમ ઉપર એને સહાનુભુતિ થવાનો અહેસાસ માત્ર થતો. આવું તો દરેક છોકરીને થતું હશે! છતાં હું અહીં હતો. એના ઘરે. એના કુટુંબીજનોની વચમાં. એક બાલિશ જીદ લઈને જ સ્તો!

પણ હું ભલુંબુરૂં વિચારી શકતો હતો, નહિ કે? હું આખરે એક સાચો પ્રેમી હતો. જેનું સર્ટિફિકેટ પણ પોતાને મેં જ આપ્યું હતું. હાથે કરીને મનના નાનકડા ઘરમાં મસમોટાં સપનાં ભરી દીધા હતાં. જે ફરી મારે જ ટુકડેટુકડા કરી બહાર નાખવા પડશે. ખોબે ખોબે પ્રેમનો દરિયો તો હું આઠ-દસ વર્ષે ઉલેચી શકીશ. પણ યાદોનું શું? એ જીવતેજીવ પીછો છોડશે? ઓહ, આ મેં શું કરી નાખ્યું? ખુદની આખી જીંદગી જાણે બરબાદ કરી નાખી! મેં પ્રેમ કરી લીધો...એ પણ આકાશના ચાંદ જોડે!

ના. મારે નથી જીવવી એવી અધુરી જીંદગી! હું પ્રયત્ન કરવા આવ્યો છું. પ્રયત્ન તો કરીશ જ. ભલે મારાથી મનની બધી વાતો કહી ન શકાય, બધા વિચારેલા ડાઈલોગ્સ વાપરી ન શકાય, વ્યવહારૂ દુનિયાને અવ્યવહારૂ ગણિત ન શિખવાડાય, તેમ છતાં....પોતાના ખાતર, પોતાના પ્રેમ ખાતર, સપનાઓ ખાતર, બાકી રહેલી પંચોતેર વર્ષની જીંદગી ખાતર, આ છોકરીને સાબિત કરવા કે પ્રેમ જ સર્વસ્વ છે, આખી દુનિયામાં સહુથી જરૂરી છે....મારે પ્રયત્ન તો કરવો જ પડશે.

હું ઉભો થયો. એક નિશ્વાસ. "અંક્લ..." ઘરના દરેક સભ્યોના ધાર્યાથી ઉલ્ટું હું એના પપ્પા તરફ વધ્યો. એ સોફા ઉપર બેઠા હતા અને અચરજ પામી જોઈ રહ્યા હતા.
"સોરી....મેં.....મેં અહીં આવીને બધાને પરેશાન કર્યા, " હું ઉભડક એના પપ્પા સમક્ષ બેઠો. "હવે હું નહિ આવું. ક્યારેય નહિ આવું. મને ખબર હતી કે આ બધું પોસિબલ નથી. આવું ક્યારેય થયું નથી અને થશે પણ નહિ. તમે જાણો જ છો કે મારા જેવો કોઈ લો કાસ્ટ, સામાન્ય ઘરનો ગરીબ છોકરો તમારા જેવા ખાનદાની લોકોને આવા મામલે મનાવી શકે..."
"ચલ ઉઠ..ત્યાં શું બેસી ગયો? મારી જોડે વાત કર?" એના કાકા જોરમાં બોલ્યા, હું એ તરફ જોઈને પળભર ચૂપ થઈ ગયો.
"મને બોલી લેવા દો, હું જતો રહીશ."
"જતો શું રહીશ? નીકળ ચલ અહીંથી." એનો ભાઈ.
"એક જ મિનિટ" હું સીધું એના પપ્પાને જ કહું છું. "હું જાઉં જ છું."
"એક મિનિટ, એ જાય જ છે." આ વખતે એના પપ્પા બોલ્યા.
"એને બોલી લેવા દો જરા." એના મમ્મીએ પણ જાણે સપોર્ટ કર્યો.
"બસ, એ જ કે કોલેજમાં મને આ પસંદ હતી, જે મેં એને કહી દીધું હતું. પછી જ્યારે મને નોકરે મળી મેં એને લગ્નનું પુછ્યં હતું. પણ તમને તો ખબર જ છે કે આ કેવી છે! એણે મને હંમેશા ચોખ્ખી ના પાડી છે. એણે હંમેશા કહ્યું છે કે મા-બાપની ખુશી હોય ત્યાં જ લગ્ન કરીશ. આવી સમજુ, સારી, લાખો-કરોડોમાં એક છોકરી મારા નસીબમાં વળી ક્યાંથી હોય? પણ તમે તો ધંધાદારી છો. તમને તો ખબર જ છે કે દુનિયામાં સહુથી વધારે શું જરૂરી છે. હું નાનકડી નોકરી કરું છું. જેટલું કમાઈ શકું એનાથી વધારે કમાવાનો પ્રયત્ન કરતો રહીશ, ઓવરટાઈમ કરીશ, બીજી પાર્ટટાઈમ આવક શોધી લઈશ. નાનકડું પણ મારી પાસે પોતાનું ઘર છે. નાનકડી ફેમિલી છે. હું...હું ઘસાઈ જઈશ પણ તમારી છોકરીને આંચ નહિ આવવા દઉં." મારી આંખો હવે ભરાઈ, મેં એમના ઘુંટણ પર હાથ મુક્યો, "હું તમારી છોકરીને હંમેશા ખુશ રાખીશ.  એ મારી જોડે સુખી નહી રહી શકે પણ હંમેશા ખુશ તો રહેશે જ! ચપટી વગાડતા મારા કરતાં લાખ ગણો છોકરો તમે શોધી નાખશો, પણ હું એને.....હું એને હંમેશા... .... હંમેશા...." અને મારી આંખ આસું ગળી પડ્યું.

"ચલ આવા નાટક ના કાઢીશ." એના કાકાએ મને ખભો પકડીને હડસેલતા કહ્યું.
હવે હું જાણે મરણીયો થઈ ગયો. ક્યાં તો આપાર ક્યાં તો પેલે પાર. મારી ખોપડી તપી. "તમને લાગે છે કે હું નાટક કરૂં છું?" હું બરાડ્યો. "હું પાગલ છું? મને ખબર નહિ હોય કે ઝગડો થશે? મને એટલી અક્ક્લ નથી કે મને માર પડશે? તમારા સહુ જોડે વાત કરવા આવ્યો હતો. પણ જાણતો હતો કે આવું કંઈક તો થશે જ . એટલે જ તો બધી તૈયારી સાથે આવ્યો છું." મેં પાછલા ખીસ્સામાં હાથ નાખ્યો. એનો ભાઈ અને કાકા....સાલ્લાઓ....બંનેવ એક એક ડગલું પાછળ ખસી ગયા!

મારો હાથ ખીસ્સામાંથી બહાર નીકળ્યો ત્યાં સુધી બધાની નજર ત્યાં જ હતી. પણ મારા હાથમાં એક કાગળ જ હતો!
" મારી પાસે કંઈ ચપ્પુ-વપ્પુ નથી. હું તમારી જેમ ખાનદાની તો નહિ પણ એક શરીફ માણસ છું. બસ એક મહેરબાની કરજો, જો તમારામાં તાકાત હોય, ખરેખર હિંમત હોય." કાગળની એ નાનકડી ગડી મેં એના કાકા તરફ વધારી, "લો આ કાગળ. જુઓ એમાં."
એના કાકાએ કાગળ ખોલ્યો. ચારેક લીટીનો એ કાગળ વાંચી એના કાકા મને કોઈ પાગલને જોતા હોય એમ જોઈ રહ્યા.
"શું છે એમાં?" એના પપ્પાએ પૂછ્યું. છેક છેલ્લીથી જોતી બે ભીની આંખોમાં પણ એ જ સવાલ હતો!
"કશું નહિ." હું બોલ્યો. "એમાં લખ્યું છે કે નોકરીથી કંટાળીને હું આત્મહત્યા કરી રહ્યો છું. નીચે મારી સહી પણ કરી છે." હું એના કાકા તરફ જોઈને બોલ્યો,"બોલો હવે શું કહેવું છે?"
"શું?" એના કાકા બઘવાઈ ગયા!
હું ખુણે ઉભેલી, હેબતાઈ ગયેલી મારી જીંદગી તરફ જોતા બોલ્યો, "હું આને ચાહું છું અને ચાહતો રહીશ. અને તમારામાંથી કોઈને પણ પ્રોબ્લેમ હોય તો મને મારી નાખો. આના વગર જીવવા કરતાં તમે મને છુટો કરો, કોઈનું નામ પણ નહિ આવે. મારા ઉપર પણ ઉપકાર થશે."
એના કાકા મને જોઈ રહ્યા. ફક્ત એના કાકા જ કેમ...બધા અવાચક બની ગયા.
"પ્લીઝ..." મેં એક નજર બધા લોકો પર ફેરવી.
"અમે ખુની નથી." કોકના હોઠ ફફડયા.
"મારી કમનસીબી, બીજું શું! હું ઉભો થયો અને થાકેલા પગલે દરવાજા તરફ જતા રોકાયો અને કશુંક કહેવાનું યાદ આવ્યું.
હું પલ્ટ્યો, "સોરી તને ખોટું લાગ્યું હોય તો."
એ આંસુપારથી મારી તરફ જોઈ રહી. હું પણ જાણે એને છેલ્લી વખત પણ જોઈ રહ્યો હોઉં એમ આંખોમાં આ ક્ષણ કાયમ માટે આંજી લીધી!

***

આ બધી બબાલ દુનિયા માટે તો કદાચ છોકરમત જ હતી. હજારો કિસ્સાઓમાંનો એક કિસ્સો. પણ હવે એ મારો કિસ્સો હતો. દુનિયાભરની ચર્ચાઓમાં એક ચર્ચા મારી પણ!

હું બાઈક પર ઘરે આવવા નીકળી પડ્યો. હવે મન જબરજસ્ત શાંતિમાં હતુ. મને ખબર હતી કે કંઈ પણ ઉકળવાનું નથી. હું કશું ઉખેડી લેવાનો નથી. પણ મેં પ્રયત્ન તો કર્યો! હવે કદાચ ઘરે જઈને એકાદ દોસ્તને આ કિસ્સા વડે ચોંકાવી દેવાનો પણ વિચાર મને આવ્યો. ભવિષ્યમાં કદાચ હું ઝુકરબર્ગ જેવો કામિયાબ થઈ જાઉં તો? શાહરૂખ-સલ્લુ જેવો સ્ટાર થઈ જાઉં તો? મારી વાર્તામાં કંઈ ફર્ક પડશે? કોઈક મને ગુમાવી દેવા માટે જીવ બાળશે ખરું? હું બાઈક ઉપર જ હસું છું. જેમ ધીમે ધીમે બધા લોકો પોતાની જ વાર્તા ભુલી જાય છે...હું પણ એને ભુલી જઈશ? કદાચ વર્ષો પછી એકાદ વખત સામે મળી જશે તો?

કેટલીએ વખત આંખો ભીની થઈ. કેટલીએ વખત ચહેરો હસી ઉઠ્યો. એવું પણ બની શકે ને કે કદાચ આગળ મારો રસ્તો આંતરીને મને હંમેશ માટે ચીરશાંતિ આપી દે! અથવા એકાદ બે દિવસ પછી સામેથી જ એના ઘરવાળાઓનો ફોન આવે અને હા પાડી દે!

શક્યતાઓ તો ઘણી છે....રસ્તો હજી ઘણો લાંબો છે...ઘરે પહોંચતા સુધીમાં તો મને આવા કેટલાય વિચારો આવી જવાના છે! હમણાં ક્ષણભર તો સંતોષ છે.
(સમાપ્ત)

4 comments:

 1. Wait for the next session.....

  ReplyDelete
 2. "કેટલીએ વખત આંખો ભીની થઈ,કેટલીએ વખત ચહેરો હસી ઉઠ્યો."
  શ્રી દિપકભાઈ, ખૂબ સુંદર અભિવ્યક્તિ..! અભિનંદન.

  ReplyDelete
 3. શ્રીદવે સાહેબ અને 'Jacks' આપનો ખુબ ખુબ આભાર!

  ReplyDelete