That's How Life Ends!

અખિલ. સીદોસાદો વ્યક્તિ. સીદીસાદી જીંદગી. વૈભવ. અખિલથી તદ્દન વિપરીત. પણ બંને લંગોટીયા દોસ્તો. જેમજેમ બંને મોટા થયા, બંનેની જીંદગી અલગ-અલગ દિશામાં જવા લાગી. અખિલની સચ્ચાઈ-સાદગી તરત દેખાઈ આવતી. જ્યારે વૈભવને દેખાડો કરવાનો શોખ. ખોટો ખર્ચો કરે અને કરાવાડે. અખિલને એ વારે-વારે, વાતે-વાતે ઉતારી પાડતો. મિત્રમંડળની સામે જ! છતાં અખિલ એને ગંભીરતાથી લેતો નહિ. એ પોતાના કામથી કામ રાખતો.

'કામથી કામ રાખવું' આમ તો બહુ સાદી, સરળ વાક્યરચના છે. પણ એનો અમલ ઘણો જ અઘરો છે. જાણે-અજાણ્યે આપણે આપણા હદની બહારજ રમતા હોઈએ છીએ.

ચાલો છોડો એ વાત. અહીં અખિલ અને વૈભવ આમ જ મિત્રતા નિભાવતા રહ્યા. વૈભવને ઓચિંતા રુપિયાની જરૂર આવી પડી. એ અખિલ પાસે એકદમ નમણો થઈ ને પૈસા માંગવા ગયો. અખિલે મહેનત અને કરકસર કરી બચાવેલા પૈસા આપી પણ દીધા. ત્રણેક મહિનામાં થોડા-થોડા કરીને વૈભવે પૈસા પાછા ચૂકવી પણ દીધા.

આવું બે-ત્રણ વખત થયું. એ બાદ પણ મિત્રમંડળ સમક્ષ વૈભવ અખિલનો મજાક તો ઉડાવતો જ. એની સાદગી વિશે એને છંછેડતો જ. મિત્રમંડળમાંથી એક જણે તો અખિલને મોઢા પર કહી દીધું કે એ વૈભવની વાતો કેમ સાંભળી લે છે.

પરંતુ આમ હંમેશ માટે ચાલતું રહ્યું. કોઈ બદલાયું નહિ.

***

એક નાનકડા શહેરમાં નવો બસ ડેપો બન્યો! એક નવીસવી બસ રોજે ત્યાંથી આંતરિયાળ ગામ તરફ ઉપડતી. એ નવી બસ ખુબજ સરસ દેખાતી. એને મોટાભાગે બે ડ્રાઈવરો હાંકી જતા. એ બંને વારાફરતી બસ ચલાવતા. પણ એમાં મોટી સમસ્યા આવી ગયેલી! વાત જાણે એમ હતી કે એક ડ્રાઈવર શીખ હતો અને એક બિહારી. બસ ચાલુ કરતા પહેલાં બિહારી ચોક વડે બોનેટ ઉપર 'જય શ્રી રામ' લખીને પછી જ બસ ચાલુ કરતો. શીખ નો જ્યારે વારો આવતો એ બોનેટ ભૂંસીને 'વાહેગુરૂ' લખતો. ફરી વારો બદલાતા બિહારી 'જય શ્રી રામ' લખતો. આમ ચાલતું ગયું.

વર્ષો બાદ એ બસ, બસમાંથી 'ખટારો' થઈ ગઈ! સીટો ફાટી ગઈ, બારીના કાંચ તૂટી ગયા. એન્જીન ખખડી ગયું અને બસનો રંગ ઉડી ગયો. પણ પેલો મુક ઝગડો ચાલુ જ રહ્યો!

(દુરદર્શનની વર્ષો જુની સિરીયલ, કદાચ 'મિટ્ટી કે રંગ' ના એપિસોડ ઉપરથી)

***

મુંબઈ. સિદ્ધાર્થ ત્યાં જ મોટો થયો. એના પિતા નાની પણ 'સરકારી' નોકરી કરતા. સિદ્ધાર્થને ફિલ્મોનો શોખ. કિશોર અવસ્થા આવે એ પહેલા-પહેલાથી જ કાચ સામે જોઈ એક્ટિંગ કરતો. ભણવાનું માંડ પુરું કર્યા બાદ પૂરજોશમાં ફિલ્મ લાઈનમાં ઝંપલાવ્યું. પોર્ટફોલિયો લઈને ટ્રેનમાં મુંબઈના એકથી બીજા છેડે રોજ જવું, એના જ જેવા બીજા છોકરા-છોકરીઓ ગ્રુપ બનાવી રિહર્સલ કરતા. ફિલ્મો જોવી અને એમાંથી શીખવું, એની વાતો કરવી, ગ્રુપ ડિસ્કશન કરવું વગેરેમાં બહુ મજા પડતી. એમને જોઈને બધા કહેતા એ આ છોકરાઓ કંઈક કરી બતાવશે.

આમ ધીમેધીમે વર્ષો વીતતા ગયા. આ દરમિયાન એક્ટિંગનો કોર્સ, ડાન્સ વગેરેની વિધીવત્ત તાલીમ પણ સિદ્ધાર્થે લીધી. બે-ત્રણ જગ્યાએ નાનકડું કામ પણ એને મળ્યું. પછી ઘરની જવાબદારી વધી ગઈ. કોઈ ખાસ ડિગ્રી તો હતી નહિ એટલે નાનકડી પાર્ટટાઇમ જોબ ચાલુ કરવી પડી. પોર્ટફોલિયો એમનો એમ પડી રહયો. હીરો નહિ બનાય એ સ્વીકારતા સિદ્ધાર્થના સાત વર્ષ વીતી ગયા. એ બાદ એણે ટીવીમાં રોલ શોધવાના ચાલુ કર્યાં. ત્યાં એને એના જેવા લોકો રખડતા જોવા મળ્યા. એ નિષ્ફળતા બાદ છેવટે ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે જવાનું ચાલું કર્યુ. ફિલ્મી ચકાચોંધનો એક નાનકડું કિરણ પણ એ ન બની શક્યો.

થોડી ઉંમર ચહેરા ઉપર ચડતાં એણે વિચાર્યું કે કેરેક્ટર રોલ તો મને મળવાજ જોઈએ. એણે નવો પોર્ટફોલિયો એ પ્રમાણે જ બનાવ્યો. હજી પણ એને સમાચાર મળતાં જ નોકરી પર હાફલીવ મુકીને ઓડિશન આપવા પહોંચી જ જાય છે.

***

"That's How Life Ends!" કોઈ નકારાત્મક સંદેશ નથી. પણ તટસ્થ અને વાસ્તવિક તો છે જ !

3 comments:

  1. બહુ સુંદર કથાઓ છે.
    M.D.Gandhi, U.S.A.
    mdgandhi21@hotmail.com

    ReplyDelete
  2. આપનો ખુબ આભાર! પધારતા રહેશો!

    ReplyDelete
  3. અખિલ અને વૈભવ ની નાનકડી વાર્તા પરથી એટલું જ કહીશ કે મિત્રતા નિ:સ્વાર્થ હોવી જોઈએ.

    ReplyDelete