ટોપ ટેન ઈનોવેશન્સ/દસ મોટામાં મોટી શોધ 
(જેણે માનવજીવન બદલી નાખ્યું)


શોધ. શોધ માનવજીવનને ઉંચું લાવે છે, બદલી નાખે છે. કોને ખબર હતી કે સેલફોન, ઈન્ટરનેટ જેવી ટેકનોલૉજી આ સદીના માણસને એક નવી દિશા તરફ લઈ જશે. પ્રગતિના પંથ ખોલી દેશે. જોકે ટેકનોલૉજી વિશે આપણને વધારે ગતાગમ નથી, અને એનું કંઈ ગમ નથી! મને તો પાછલા વર્ષોમાં મારી નજરે પડેલા/ચડેલા મહાન આવિષ્કારો વિશે જણાવવામાં વધારે રસ છે. આ આવિષ્કારો બીજાની સરખામણીમાં કંઈક ઓછા હોય તો કહેજો!


બુકાનીઃ બુકાની સૌપ્રથમ તો અરબ દેશોમાં વપરાતી હશે, કેમકે ત્યાં ખુબ જ ગરમી પડે છે. ખબર નહિ ક્યાંથી પણ આપણે ત્યાંય લગભગ દસેક વર્ષોથી ડાકુગીરી શરૂ થઈ ગઈ છે. પહેલા તો છોકરીઓ બ્યુટીપાર્લરથી આવતી વખતે મોઢે સ્કાફ બાંધીને આવતી. શરૂઆતમાં ઉનાળામાં અને એ બાદ દરેક ઋતુમાં અને એ બાદ તો દરેક છોકરી 'બારમાસી' ડાકુ બની ગઈ. હવે કદાચ જ કોઈ છોકરી મોંઢે સ્કાફ કે ઓઢણી નહિ બાંધતી હોય. એના પાછા ફાયદા પણ ઘણા. એક તો મોઢે ખીલની દુકાન હોય કે ચાંઠાની ચીતરામણ હોય...બધુંય ઢંકાઈ જાય. વળી અમુક નાના-મોટા કામ માટે મેકઅપ-પાઉડર વગેરેની જરૂરત નહિ. આ સાથે સાથે છોકરાઓય રૂમાલ બાંધતા થઈ ગયા. જેમ ફ્લુ ફેલાયો હોય એમ બધા જ મોં બાંધીને જ ફરે.

આ બધામાં કોલેજીયન ફાવી ગયા હોંકે!

ડીઓ
વાર-તહેવાર-પ્રસંગે અત્તરની બોલબાલા હતી. એમજી રોડ પર અત્તરોની ઘણી દુકાનો અને ઘણી ભીડ રહેતી. હવે પાનના ગલ્લે પણ ડીઓડ્રેન્ટ મળી જાય છે. એની જાહેરાતમાં પહેલા દેખાડાતું કે જેમને બોડી ઓર્ડર છે, એમની માટે આ પ્રોડક્ટ છે. હવે એની અકુદરતી સુગંધ બધાને ખુબ જ રાસ આવી ગઈ છે, અને ડીઓડ્રેન્ટને પ્રેમથી 'ડીઓ' કહે છે હવો બધા પોતપોતાના પર્સમાં/બેગમાં ડીઓ કાયમ સાથે રાખે છે. દિવસમાં છ-સાત વખત છી*....છી* કરવા.

(* અહિં છી એટલે ખરાબ ન સમજવું...આ તો ડીઓ છાંટવાનો અવાજ છે. )

શોપિંગ મૉલ
તમે છેલ્લે બગીચે ક્યારે ગયેલા? બગીચામાં હોય પણ શું? ઘાસ અને ફુલ? આપણને હમણાં હમણાં નવો શોખ લાગ્યો છે. રજાના દિવસે શોપિંગમૉલમાં ફરવા જવાનું. ૫૦-૬૦% ફ્લેટ ડિસ્કાઉન્ટ પછી પણ જેની કિંમત પોસાય નહિ એવી વસ્તુઓ જોવા/અડવા/ટ્રાય કરવા મળે, ઉપરથી મફત એસીમાં ફરવા મળે! આ લોકોએ શોપિંગમોલમાં બેસવાની જગ્યા પણ બનાવવી જોઈએ નહિ? ફર-ફર કરવા કરતાં શાંતિ થી બેસીને ઘરેથી સાથે લાવેલા નાસ્તા આરોગવાની કેવી મજા પડે! અહીં ખરીદી કરવાનો એક અનોખો અનુભવ થાય છે. એક જ વસ્તુના લગભગ બધા જ ઓપ્શન્સ જોવાના મળી જાય. દુકાનદારો અને સુપરસ્ટોરવાળાની ઘરાકીમાં થોડીક અસર તો પડીજ.

શોપિંગ મૉલ આમ ઈનોવેશનમાં ગણાય તો નહિ પણ એ એક બદલાવ તો છે જ.


લારી
લારીઓ ઉપર હમણાંજ જંકફુડનું વેચાણ ચાલુ થયું એ નવી વાત નથી. પણ પાછલા વર્ષોમાં જે ધુમ મચી છે બોસ.. પૂછો ના. કેટલાય લોકો નાની-મોટી નોકરી છોડીને રસોઈઆ બની ગયાના દાખલા જોવામાં આવ્યા છે! લોકો લારીઓ ઉપર જે રીતે તુટે છે એ જોવા જેવું છે. કરેક લારી ઉપર લાલાભાઈ, બકાભાઈ, જાડિયાભાઈ જેવા વડોદરાના વર્લ્ડ ફેમસ રસોઈયાઓ બેઠા હોય છે. દરેક લારી ઉપર એક અલગ સ્પેશ્યાલીટી જોવા મળે છે. સેવઉસળ, ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઈન્ડીયન જેવી અનેક વાનગી અલગ અલગ લારીએ અલગ અલગ સ્વાદ/ટેસ્ટમાં મજા કરાવે છે.

સ્ટ્રોંગ સોડા
દરેક ચાર રસ્તે એક મોબાઈલ સટ્રોંગ સોડા શોપ હોય જ. સાંજ પડે એટલે પ્લાસ્ટિકની ખુરશી નંખાઈ જાય, એક નાનકડી સીએફએલ ચમકવા માંડે એટલે સમજવું કે દુકાન ચાલુ! (આ પ્લાસ્ટિકની ખુરશી અને સિએફએલને પણ આ મહાન આવિષ્કારોમાં જ ગણવી) લોકો જમવા પહેલા કે જમીને એક એક ગ્લાસ તો ઉતારી જ દે! પછી પા-અડધો કલાક ઓડકારો દીધે રાખે. મિનરલ વોટરથી બનેલ સ્ટ્રોંગ સોડા કેટલો ગેસ આંતરડા સુધી લઈ જાય છે તેની ચિંતા કોને હોય?


એટીએમ
ઈમરજન્સીમાં તો પડોશીય પૈસા સામે ચાલીને આપી જતા હતા. પણ હવે એવા વહેવારો રહ્યા નથી એટલે ના છૂટકે બેંકવાળાઓએ ઓલ-ટાઈમ-મનીની સેવા આપવી પડી. ના હોં ભાઈ મજાક કરૂં છું! એટીએમ આવી ગયું એટલે ઘણી રાહત થઈ ગઈ. નવું નવું શરૂ થયેલું એટલે ખાલી-ખાલી પણ ઉપાડ કરી આવીએ. હવે ડર લાગે કે ભલું પુછવું...કોક 'કરી ન નાખે.' ઓનલાઈન શોપીંગ, હેકીંગ, કોડિંગ જેવા શબ્દો ટડિંગ-ટડિંગ વાગતા રહે. એક તો મુડી ઓછી અને રખે ને કોઈ બેઠા બેઠા ચૂનો લગાવી જાય. એક કેસ તો પરમદિવસનો જ સાંભળ્યો છે રે ભાઈ!

ડીજે
એક જુનું કેસેટ પ્લેયર હતું  મેં થોડું રીપેર કરું ને થોડું વગાડી જોઉં. એક દોસ્તારે બુમ મારી હું બહાર મળવા ગયો. એણે મને પૂછ્યું કે તારા ઘરે ગીતો વાગે છે? હું એટલો ખુશ થયેલો કે આજે પંદર વર્ષેય મને આ વાત યાદ છે! ઘરની બહાર ફિલ્મી ગીતો સંભળાઈ જવા એ કંઈ છેક સામાન્ય વાત નહોતી. એ માટે સારી સિસ્ટમ હોવી જોઈતી હતી અને સામાન્ય વર્ગમાં એ સમયે કલર ટીવી માંડ આવ્યા હતા.

થોડો સમય વિત્યો. ડીજે ડીજે એવી વાતો ઘણી સાંભળવા મળી હતી પણ જોયું નહોતું. હું એક વખત જ્યારે લાલબાગ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાતાવરણમાં ગજબ ઘબકારા સંભળાયા. આવો 'બેઝ' ભર્યો અવાજ તો થિયેટરમાં પણ નહોતો સાંભળ્યો. નજીક જઈને જોયું તો ડીજે હતું. એક-બે વર્ષ ખુબ જ મજા પડી એનાથી વિશેષ વધું નથી લખવું કેમકે ઘરથી નજીક જ એક પાર્ટીપ્લોટ છે.

ટીવી સિરીયલ
ટીવી સિરીયલ માત્ર સ્ત્રીઓ માટે જ હોય છે એવું  નથી કેટલાય પુરૂષો પણ સિરીયલોના દિવાના છે. શાંતિ સિરીયલથી જે મેગા સિરીયલ બનાવાનો ટ્રેન્ડ શરૂ થયો તો હજી રોકાયો નથી. કેટલાય વર્ષો સુધી એકની એક વાર્તા ખેંચ્યે રખાય છે. પાત્રો બદલાઈ જાય, સમયકાળ બદલાઈ જાય, સ્ટોરીની થીમ બદલાઈ જાય, આપણી પસંદ બદલાઈ જાય પણ સિરીયલ ચ્યુઈંગમની જેમ ચાલતી રહે છે. બધી સિરીયલ્સના નામ મોટા ભાગે મોટાભાગે ફિલ્મી ગીત ઉપરથી રાખેલા હોય છે. આ કામમાં તમે અને હું ય 'ફોઈ' બની શકીએ. દા.ઢ. ઉપ્પ્સ સોરી દા.ત.  'જાને વો કૈસે લોગ થે',  'પુકારતા ચલા હું મૈ', 'જાઉં કહાં બતા એ દિલ', 'આવાઝ દે કહાં હૈ', 'અગર મુઝસે મુહોબ્બત હૈ', 'તેરા મેરા પ્યાર અમર', 'જય જય શિવશંકર' વગેરે.
સમાચાર, ખેલ-જગત, રિયાલીટી શો પણ આજ ગણતરીમાં રાખીએ હોંકે?

મચ્છર રેકેટ
આ આવિષ્કાર પણ આપણે નથી કર્યો...ચાઈનાની 'તડાકેદાર' મહાન ભેટ છે. નવરા બેઠા મચ્છર મારવા જેવું મહેનત ભર્યું કામ હવે કેટલું સરળ થઈ ગયું છે! સવારે રેકેટ ચાર્જ કરી રાખવાનું અને સાંજે મચ્છરો મુલાકાતે આવે એટલે એમની જોડે થોડું ફુલ-રેકેટ રમી લેવાનું. તડતડ-તડાતડ અને મચ્છરોનો ઢગલો! એટલે હવે 'કાચબા છાપ' ઉપાયો કરતા આ રેકેટ સસ્તુંય પડે અને બધા મચ્છરોને 'ઓલઆઉટ' કરી દે! નંબર એક માટે અસલ દાવેદાર તો મચ્છર રેકેટજ હતું...પણ છેલ્લે છેલ્લે રિયાલીટી શોમાં થાય એમ આનેય આંટી જાય એવો બીજો વિષય મળી ગયો.

પાણી પાઉચ
નંબર વન ઉપર આવે છે પાણીના પાઉચ. ક્વૉલીટી ગમે તો હોય પણ પાઉચ અને બોટલે દરેક તરસ્યા હોઠ સુધી પાણી પહોંચાડ્યું છે. વર્ષો પહેલા ટ્રેન ઉપડી જાય એ પહેલા સ્ટેશનના નળથી પાણી ભરી લાવવું એ શૂરાનું જ કામ. એક તો વોટરબેગ રાખવી ગમે નહિ. નાના બાળકો હોય એ લોકો વોટરબેગ લઈને આવે. વળી આ થર્મોસ જેવી બોટલો એ જમાનામાં ૨૫૦-૩૦૦ની મળતી. કોક પાસે વોટરબેગ હોય તો ય થોડીવાર તરસ્યો બેસી રહેતો, પછી જેવી બોટલ નીકળે એટલે જોવાવાળાઓની તરસ ડબલ થઈ જતી! હવે તો લગભગ દરેક જગ્યાએ પાણીનું પાઉચ અને બોટલ મળી જ જાય.

આ મજૂરવર્ગ માટે પ્લાસ્ટિક બોટલો હાથવગી થઈ ગઈ એટલે એમની મોટી મુશ્કેલી દુર થઈ નહિ?

1 comment: