સત્યપદુડા


"અમે તો ભઈ આવા જ. અમને બીજાની જેમ પીઠ પાછળ બોલવાની આદત જ નથી. જે હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દઈએ. સાવ સીધું જ મોં ઉપર સંભળાવી દઈએ. ભલે જેવું લાગે એવું."

આવા ભડવાક્યોના કાંટાળા પેકિંગની વચ્ચે કેટલીએ કડવી વાતો સંભળાવી દીધી હોય, એનું અવલોકન/અનુભવ સૌને થયો હશે. પપ્પાએ નાનપણમાં એક ગુજરાતીની કહેવત સંભળાવી હતી.

કાણાને કાણો ના કહીએ માઠા લાગે વેણ,
ધીમેથી એમ પૂછીએ, શાથી ખોયા નેણ?

કેમ પોતે આકાશવાણી કરતા હોય એવા અવાજે કોઈકને બ્રહ્મસત્યથી જબરજસ્તી અવજ્ઞત કરાવવું જરૂરી છે? થોડો ટૉકટાઈમ ઓછો વાપરીએ તો? લુલી જીભને થોડો આરામ આપીએ તો? સામેવાળાના મજબુર/સફેદ જુઠાણામાં સાથ આપીએ તો?

વળી આવા સત્યભાષીઓ (સત્યપદુડાઓ)પોતાના વિશે ક્યાં કશુ બોલે છે? એને તો સામેવાળાને ખોટો/નાનો સાબિત કરવાનો જશ ચાખવો હોય છે. આજે કોઈને ખોટો જાહેર કરી દીધો હોય અને આવતી કાલે એ જ વ્યક્તિ સાચો સાબિત થાય; ત્યારે કેમ સત્યભાષીઓ પોતાની ભુલ સ્વીકારતા નથી...એટલા જ મોટા અવાજે? એટલાજ જોશમાં? હકલાયા વગર?

આ પણ એક સાચી વાત જ છે. કોઈએ ખોટું લગાડવું નહિ. અમે તો ભઈ આવા જ. અમને બીજાની જેમ પીઠ પાછળ બોલવાની આદત જ નથી. જે હોય એ ચોખ્ખે ચોખ્ખું કહી દઈએ. સાવ સીધું જ મોં ઉપર સંભળાવી દઈએ. ભલે જેવું લાગે એવું ;)

ડપકું:

આવું સીધ્ધેસીધ્ધું બોલનારાઓને ગુજરાતીમાં 'વાંકુ બોલનારા' કહેવાય છે!

1 comment:

  1. Many Many Happy Returns of the Day Deepakji!!
    May God Bless you always!!

    ReplyDelete