વસ્તુપ્રેમ


બહુ ઓછો ફરક છે વસ્તુ માટેના મોહ અને વસ્તુ માટેના પ્રેમ વચ્ચે. આપણે ટીવી, ગાડી, મોબાઈલ જેવી વસ્તુ માટે પ્લાનિંગ કરી રાખીએ. કોઈકના ઘરે ટીવી ગમી ગયું હોય તો એ કંપની/ફીચર્સ યાદ રાખી લઈએ. જુની બાઈક વેચીને નવી બાઈક ખરીદવાના સપના જોઈએ. જો કાર લઈતો હપ્તા કેટલાના પડશે એ ગણ્યે રાખીએ. મોબાઈલ/ગેઝેટ યુઝર્સ તો પાછા એક કદમ આગળ. કોઈનું ગેઝેટ જોયેલું પણ હોય, ફલાણી કંપની સારી એવું માઈન્ડ સેટ હોય, નેટ ઉપર બધું સ્પેસીફીકેશન જોઈ રાખ્યું હોય.

આ બધી વિધી પછી આપણા ઘરે વસ્તુઓ આવે છે, અલબત્ત થોડી રાહ જોવડાવીને. પછી? પછી આપણે એ વસ્તુ વાપરવાની ચાલુ કરીએ છીએ. દે ઠોક. મનમાં વસ્તુને પામી લેવાનો સંતોષ થઈ ગયો ઍટલે વસ્તુનો મોહ ધીમે ધીમે ખલાસ થવા લાગે છે. એ બાદ આપણે રીતસરનો અત્યાચાર જ તો કરીએ છીએ! ક્યાં જાય છે પેલો પહેલો પ્રેમ? એકાદ રીપેરીંગ કરાવ્યા બાદ તો વસ્તુ જુની જ ગણાવા લાગે છે અને એના ઉપર કોઈ ભરોસો કે વિશ્વાસ કરાતો નથી. ટૂંકમાં,  વસ્તુપ્રેમ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. જોકે હજી ખાસ કરીને ગામડામાં બાઈક સરસ શણગારાય. વરસાદનો છાંટો, તડકાની સેર પણ ન પડવા દે, અરે એને  ઘરમાં મુકી દેવાય!

આપણે પણ ક્યારેક જુનો રેડિયો સુધારવાની કોશિશ કરી હશે, ઘડિયાળ ખોલી જોયું હશે, ટીવી એન્ટેના મચેડ્યું હશે, કબાટ/ફોટોફ્રેમની ઠોકઠાક કરી હશે. પણ એ બધા દિવસો જુના થઈ ગયા હશે. હવે સમયના અભાવના કારણે બધું રહી જતું હશે.  હવે  કાર, મોબાઈલ અને ઘર પ્રત્યેનો પ્રેમ વધારે જોવા મળે છે. કંઈક વધારે પડતીજ સંભાળ રાખવામાં આવે છે. રોજ આવતા-જતા ઓછામાં ઓછો એક જણ તો હાફપેન્ટ પહેરીને ગાડી ચમકાવતો જોવા મળે જ.

જુની વસ્તુને પણ પ્રેમનો હક્ક બરાબરનો મળવો જોઈએ. નો પાર્સાલીટી પ્લીઝ!

No comments:

Post a Comment