તાજ

જેના પર ઉર્દુ આયતો લખાઈ છે, ગઝલો અને ગીતો બન્યા છે, જેને ખુદ બનતાં જ દાયકાઓ લાગ્યા છે, એ તાજ વિશે હું શું લખી શકું?

બહુ સાંભળ્યું હતું તાજમહેલ વિશે. વિશ્વની સાતમી અજાયબી. ત્યાં ક્યારેક જવાશે એવું વિચારેલું નહિ. પણ કદાચ એટલે જ જવાયું! એક ખાસ મિત્રના લગ્નમાં એ તરફ જવાનું થયું અને તાજને જોવાનો સમય અને સૌભાગ્ય પણ મળ્યું. ફોટા અને ફિલ્મોમાં તો તાજમહેલ બહુ દેખાયા કરે એટલે એના લુક વિશે કોઈ નવાઈ નહોતી. પણ રીક્ષામાં બેઠા બેઠા યમુના કિનારે જ્યારે તાજને જોયો...જોતો જ રહી ગયો.

મનમાં ઘણા બધા પુર્વગ્રહો હતા. ચોપડીમાં, ઈન્ટરનેટ ઉપર સારૂં-નરસું વાંચેલું. બધાએ વાંચેલું હશે. જ્યારે કલાક લાઈનમાં ઉભા રહીને અમે ત્રણ દોસ્તો કડક સિક્યુરીટીમાંથી પસાર થઈને પ્રાંગણમાં પહોંચ્યા; વિદેશીઓની ભીડ અને ઉત્સુકતા જોવાનું ગમ્યું. અને પછી દરવાજામાંથી તાજનો ફર્સ્ટલુક...ઓહ! જેમ ફિલ્મોમાં બધા એક સાથે બોલી પડે છે...અમે આ ભવ્ય ગઝલનુમા ઈમારત જોઈને શબ્દો સરી પડ્યા...ઓહ શી#! બિલકુલ પોઝિટીવલી, હં કે!

થોડી મિનિટ એને દુરથી નિહાળી લીધા પછી વિચાર્યું કે આને ઘરે કેવી રીતે લઈ જવાય? પછી જેમ બધાજ લોકો એક ખાસ પોઝમાં ફોટો પડાવે છે એ એંગલ શોધવાનું શરૂ કર્યું. હું વળી હોશિયાર વધારે, પોતાને બીજાઓ કરતા સવાયો અને અલગ સમજું, એટલે આવો ફોટો પડાવ્યો. પછી ધીમે ધીમે મોબાઈલથી ફોટો ક્લિક કરતા અમે ત્રણ જણ આગળ વધ્યા. કહી શકાય કે તાજમહેલ અમારી તરફ વધી રહ્યો હતો.

પછી આખો તાજમહેલ મોબાઈલમાં આવતો બંધ થયો. આરસપહાણ ઉપર પડતો બપોરનો તડકો અને તાજનું ચમકવું. પછી તાજની અંદર ગયા. ઠંડા આરસને અડ્યા. આંગળીઓ બસ ફુલપાનની રંગબેરંગી ભાત ઉપર ફરતી રહી. ગાઈડસ ટોર્ચથી ચમકતા પથ્થરો બતાવી રહ્યા હતા. મકબરા જોઈને બહાર નીકળ્યા. તાજના પાછળના ભાગે ફુલ છાંયડો હતો. ઠંડક. ગંદી યમુનાનો કિનારો. લોકો તાજના ઓટલે બેસી ગયા હતા. ત્યાં બેસીને તાજ જોયે રાખ્યો.

તાજમહેલને જોઈ લીધો હતો. તાજમહેલના નિર્માણનો સમય, નિર્માણનું કારણ કલ્પી શકાતું નહોતું. ઈતિહાસ ખુબ વિચિત્ર વિષય છે. જેટલું જાણો એટલું વધારે સામાન્ય લાગતું જાય છે. પછી તાજને પ્રેમનું પ્રતીક ગણીને જોઈએ તો તાજ ગમે, પણ એને બનાવનાર કારીગરો વિશે વિચારીએ તો ન ગમે, એને બહુ ભવ્ય અને સુંદર ઈમારત તરીકે જોઈએ તો પાછો ગમે, એને એક મકબરા તરીકે જોઈએ તો ન ગમે. પણ આટલું બધું વિચાર્યા વિના ઉપર ઉપરથી વિચારીએ તો એક વખત તો ત્યાં ફરી જ આવવું. કાશ કે આને ફોટાઓ અને ફિલ્મોમાં આટલો બધો જોયો ના હોત. સુંદર પણ પથરાળ...તાજ.

No comments:

Post a Comment