ટુક્કલ

મનને દરવાજો હળવેકથી ખોલીને માથું સહેજ હલાવીને અંદર આવવાની રજા માંગી. સાહેબે નિસ્તેજ નજર નાખીને સહેજ ગરદન હલાવી. મનન સંકોચાતો જઈને ખુરશી સામે ઉભો રહ્યો. સાહેબ ફોન પર વાત કરી રહ્યા હતા. મનન એમનો ફોન પતે એની રાહ જોતાં ઉભો રહ્યો. એમને શું કહેવું અને શું નહિ એ વાક્યો મનમાં ગોઠવી લેવાની મનનની આદત હતી. બસમાં આવતા આવતા એણે આખો પ્રસંગ વિચારી રાખ્યો હતો. મનન એ પણ જાણતો હતો કે સાહેબને કશું કહેવાથી કશો ફરક પડવાનો નથી. આખરે એમણે કંપની ચલાવાની છે...કોઈ ધર્મશાળા નહિ.

બાજુની દીવાલ ઉપર લટકતું કેલેન્ડર ખુબ સુંદર ભાસી રહ્યું હતું એમાં હસતું પીળું ફુલ મનન જોતો રહ્યો. કેમેરાની કમાલ, ફોટોશોપનું ટચીંગ, મોંઘું ફ્રેમીંગ; છતાંય કેટલું નિર્જીવ! સાહેબ ફોન ઉપરજ વરસી પડ્યા. મનનને થયું કે આજે તો આવી જ બની છે. સાહેબનો મુડ તદ્દન ખરાબ હતો. મનન લગભગ બે મહિનાથી અનિયમિત આવી રહ્યો હતો. મોટાભાગે મોડું આવવું, વહેલા જતા રહેવું, રજા પાડવી; જાણે કે નિયમ બની ગયો હતો. કામમાં પણ ધ્યાન લાગી રહ્યું નહોતું. એકાદ-બે વાર મનનને સાહેબ તરફથી વોર્નિંગ મળી ચૂકી હતી. ગયા મહિનાથી એક નવો માણસ પણ આ જ કંપનીમાં લાગ્યો એટલે મનનને થોડી આંખતો ફરકી. કદાચ એને પોતાની જગ્યા ભરવા માટે તો નથી બોલાવ્યો ને? એના સ્ટાફના લોકો પણ જરા અતડા રહેતા. કામ પુરતી જ વાતો થતી. જોકે આવો સ્વભાવ તો મનનનો હતો!

હજી સુધી વાચકને મનનની ભુલ દેખાતી હશે. પણ મનન શું કરતો? એની મા છ મહિનાથી બિમાર હતી. છેલ્લા બે મહિનાથી ખાટલો પકડી લીધો હતો. મા સિવાય મનનના પરિવારમાં બીજું કોઈ જ નહોતું. ડૉક્ટર ખર્ચો ખુબ મોટો બતાવી રહ્યા હતા. મનનની અત્યાર સુધીની કમાણી સારવારમાંજ લગભગ તળિયાઝાટક થઈ ગઈ હતી. બાઈક વેચાઈ ગઈ, બસના ધક્કા ખાવાના દિવસો આવી ગયા.જોકે મનનની માના સારા થઈ જવાના ચાન્સ ઘણા હતા.

"બોલો મનન સાહેબ" સાહેબે ફોન મૂક્યો.
"હા સાહેબ"
"શું ચાલે છે?"
સાહેબે પોતાના સ્વભાવ વિરુધ્ધનો આવો સવાલ પહેલી વાર પૂછ્યો એટલે મનન ગૂંચવાયો.
"અં કશુ નહિ સાહેબ, કામ"
"એમ? કામ?" સાહેબ બંને ભ્રમર ઊંચી કરીને કટાક્ષમાં બોલ્યા.
"હં સાહેબ, શું...થયું? ." મનન લગભગ ગણગણ્યો.
"કામ ક્યારે કરો છો તમે? મહિનાના પંદર દિવસતો તમે રજા પર હોવ છો, ઓફિસ હોવ ત્યારે મોડા આવો છો..."
"સાહેબ..." મનન ધીમેથી બોલવા ગયો.
"સાંભળો પહેલા....મોડા આવો છો, વહેલી જાઓ છો, કામમાં ઈમ્પ્રૂવમેન્ટ નથી, ઈમ્પ્રૂવમેન્ટ તો શું....ઉલ્ટાનો બધો લોચો માર્યો છે." સાહેબે મનનની ફાઈલ ખોલતા બોલ્યા.
"પણ સાહેબ..."
"આવું નહિ ચાલે...મનન...આવું નહિ ચાલે"
મનનને પોતાનું હ્યદય બેસતું લાગ્યું.

મનન જોકે આ નોકરીથી ત્રાસી ગયો હતો. પણ એના ભણતર પ્રમાણે એને બીજી કોઈ સારી નોકરી મળે એવું શકય નહોતું, વળી ઘરની જવાબદારી હતી. એટલે ઢસરડા ચાલુ હતા. માની બિમારી પછી આર્થિક હાલત વધુ પાંગળી થઈ રહી હતી.

"મને નથી લાગતું કે કંપની તને અફોર્ડ કરી શકે."
"!"
"જો મનન હું તારી ઘરની હાલત જાણું છું, મારાથી થઈ શકે એટલું મેં ખેચી રાખ્યું " સાહેબ હવે મુદ્દા પર આવી રહ્યા હતા.
"તે ગયા મહિને જે સાડાચાર હજાર ઉછીના લીધા હતા, હું એ માફ કરૂં છું. એ મારી ફરજ છે. પણ કાલથી તું બીજે નોકરી શોધી શકે છે. આ મહિનાનો અરધો પગાર તારી રજાઓના કારણે કપાઈ રહ્યો છે, આખર તારીખે બાકીનો પગાર લઈ જજે. ઓલ ધી બેસ્ટ." સાહેબે હાથ લંબાવ્યો.
મનને યંત્રવત્ હાથ મળાવ્યો.
"ઓકે સર."
"હં" સાહેબ ફાઈલમાં ખોવાઈ ગયા. મનન પેલા કેલેન્ડર ઉપર એક નજર નાખીને નીચું જોઈ કેબીનની બહાર નીકળી ગયો.

***

સંધ્યા ધીમા પગલે ચાલતી આવી રહી હતી. હતાશ મનનના મનમાં કશુંક સળવળ્યું. ઉંડો શ્વાસ. એની જીંદગીનું કેન્દ્રબિંદુ સંધ્યા હતી. પોતાના હજ્જારો દુઃખોની એક જ દવા સંધ્યા હતી. સવારે ઓફિસમાં થયેલ ઘટનાથી મનન વ્યથિત હતો. હવે બિમાર માનો ઈલાજ અને ઘરખર્ચની ચિંતા એનું કાળજું કોરી રહી હતી. પણ સંધ્યાનું આવવું...આમ ધીમા પગલે...મનન માટે એક નવી આશાનો સંચાર હતો.

જીન્સ ઉપર ભુરો કુર્તો. નોકરીથી સંધ્યા બસસ્ટેન્ડ સુધી ચાલતી જતી. મનન પણ જોડેજ રહેતો. જોડે જ રહેવા માંગતો હતો. સંધ્યા પણ મનનને ખુબ ચાહતી રહી હતી. પણ આ દિવસોમાં મનન ખુબ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો જેને કારણે સંધ્યા પણ ઉદાસ રહેતી. ફોન ઉપર વાતો થતી રહેતી પણ મળવાનું ઓછું થઈ ગયું હતું. ચાર વર્ષનો પ્રેમ આખરે વાસ્તવિકતાની પથરાળ અને કાંટાળી જમીન ઉપર ઉતરી રહ્યો હતો.

"શું થયું ઓફિસમાં?" સંધ્યાએ આવતાવેંત સવાલ પૂછ્યો.
"એ જ ...જે થવાનું હતું." મનન દુઃખી સ્મિતસહ બોલ્યો.
સંધ્યા પ્રશ્નોભરી આંખોથી મનનને જોઈ રહી! એને મનનની હાલતથી ખુબ વેદના થઈ આવી. બંને બસસ્ટેશન તરફ ચાલી રહ્યા હતા અને સંધ્યાના આંસુ વહી ચાલ્યા.
"બધું ઠીક થઈ જશે સંધ્યા..."
સંધ્યા ચૂપચાપ ચાલી રહી હતી.
"મને એમ પણ એ નોકરી પસંદ નહોતી...બીજી શોધી લઈશ."
સંધ્યા આંસુ લુછી રહી હતી.
"નસીબમાં હશે તો બધું સમું થઈ જશે" મનનને ખુદને પોતાના આ કથન પર વિશ્વાસ નહોતો.
"મને તારા દુઃખે દુઃખી થવા દે મનન..."
"એવી કોઈ જરૂર નથી. તુ જ હંમેશા કહે છે ને કે માણસે પ્રેક્ટિકલ રહેવું જોઈએ?"
"હાં પણ..."
"મારી માટે રડવાથી મારી મુશ્કેલી દૂર નથી થવાની." મનન એને સમજાવી રહ્યો હતો.
"રડવા દે મનન. તારી માટે જ રડું છું...પણ વાત એ નથી." સંધ્યાએ રોકાઈને આવાક્ય કહ્યું, સાથે એની આંખો ફરી ઉભરાઈ આવી.
"શું થયું સંધ્યા?"
"કશું નહિ. છોડ એ વાત, કાલે કહીશ." સંધ્યા આગળ વધી ગઈ.
"બોલને સંધ્યા" મનન પાછળ ચાલ્યો.
"આજે નહિ. આજે તું આમ પણ ટેન્શનમાં છે."
"એ તો રોજનું છે, બોલ ને સંધ્યા."
"ના, કાલે કહીશ. જીદ્દ ના કરીશ" સંધ્યા ચાલતી રહી.
"સંધ્યા" મનન રોકાઈ ગયો. "પ્લીઝ."
"મનન, પ્લીઝ!"
મનન થોડી વાર પોતાના દુઃખને ભુલીને જાણવાની જિજ્ઞાસાસાં ખોવાઈ ગયો. ખબર નહિ શું વાત હશે. જરૂર કોઈ ખરાબ સમાચાર જ હશે એવું મનનને લાગી રહ્યું હતું.
"તારી મમ્મીને કેમ છે?" સંધ્યાએ વાત બદલી.
"સારૂં છે આજે તો. વિમળામાસી બહુ સેવા કરે છે."
"એમને પૈસા આપ્યા?"
"પાછલા મહિનાના બાકી છે હજી. આ મહિને તો આપવા પડે એમ છે."
"હં."
"સંધ્યા..."
"હં?"
"શું વાત હતી મને નહિ કહે?"
સંધ્યા ચુપ થઈ ગઈ. બસસ્ટેન્ડ આવી ગયું હતું મુસાફરો ઘણા હતા. બસ ગમે ત્યારે આવી જતી હતી.

"મનન?"
"બોલ"
"એક બહુ ખાસ વાત કહેવાની હતી."
"બોલને!"
"સવારથી વિચારીને જ આવી હતી કે તને આજે કહી દઈશ, પણ આજે તારી નોકરી ગઈ એ જાણીને..."
"કહી દે સંધ્યા." મનને ખાત્રી થઈ ગઈ હતી કે ચોક્કસ કશું અજુગતું થવાનું છે.
"આપણે છૂટા પડવું પડશે મનન." એક ટ્રક મોટ્ટા અવાજ સાથે બાજુમાંથી નીકળી ગયો. મનન હજી વાક્યને સમજવાની કોશિશ કરતો કરતો સંધ્યાને જોઈ રહ્યો.
"છૂટા? કેમ?"
"હા મનન, મેં બહુ વિચારીને આ ડિસિઝન લીધું છે."
"પણ કેમ?" મનન ઓશિયાળું હસ્યો. એ હજી વિશ્વાસ નહોતો કરી શક્તો.
"તારી પરિસ્થિતિ, તારી હાલત...તને છોડી નથી રહી મનન"
"એટલે?"
"મનન મેં તને ચાહ્યો છે. તારી જોડે લગ્નના સપના પણ મેં જોયા છે. પણ હવે લાગે છે કે આ બધું બહું અઘરૂં છે."
"ના સંધ્યા ના, કશું અઘરૂં નથી. તું સાથે હોઈશ તો હું ગમે તેમ કરીને લડી લઈશ."
"એ જ તો મનન. હું નથી ઈચ્છતી કે તું રોજ લડી લડીને જીવે. આપણો પ્રેમ હમણાં છે પણ હંમેશા નહિ રહે."
"કેમ નહિ રહે?"
"આ ગરીબી, હતાશા, અભાવ; પ્રેમને જીવવા નથી દેતી મનન"
"સાફ સાફ બોલને સંધ્યા!" મનન અનાયાસ હસીને બોલવા લાગ્યો.

"મારે જીવવું છે મનન!" સંધ્યા એક એક શબ્દ ઉપર ભાર આપીને બોલી.
"ઓહ! તો એમ બોલને! એમ બોલ કે હવે તું મને પ્રેમ નથી કરી શકતી, કેમકે હું ગરીબ છું!"
"મનન..." સંધ્યા ઉશ્કેરાઈ. પણ મનન બોલતો જ ગયો.
"હવે તને હું નથી ગમતો, કોઈ પૈસાવાળો જોઈએ છે. જે તને ખુશ રાખે. તારી જરુરિયાતો પુરી કરે, એશોઆરામ આપે, એમજ ને?"
"જો એમજ હોત તો મે તને પ્રેમ ન કર્યો હોત."
"એ તો કોલેજ ના દિવસો હતા સંધ્યા" મનન કટાક્ષપુર્વક કહી રહ્યો હતો, "એ નવા નવા દિવસોમાં બધું સારૂં લાગે. જોશ હોય, ઉંમંગ હોય; પણ જીવન કોલેજ થોડું છે? અહીં તો એ જ તુટતા સપનાઓ છે, ભાંગતી મહત્વકાંક્ષાઓ છે, લાચાર પરિસ્થિતિઓ છે."
"મનન, હું તને ભવિષ્યમાં દુઃખી કરવા નથી માંગતી. આપણે લડવું નથી, પ્રેમને મરતા જોવો નથી"
"પણ આપણે હંમેશા લડીએ છીએ સંધ્યા, હંમેશા! એ જ આપણો પ્રેમ છે!"
"બસ? આ જ પ્રેમ છે?"
"જો, તને ખબર છે કે તું મારી જરૂરિયાત છે." મનન ધીમા અને ભારે અવાજમાં બોલ્યો, "હું તારા માટે આ બધું કરૂં છું."
"શુ કરે છે મનન?" "આ બે ટકાની નોકરી? સંધ્યા છંછેડાઈ
"સોરી....સોરી મનન મારો એ મતલબ નહોતો." સંધ્યાને કંઈક વિચિત્ર બોલી જવાનું ભાન થયું હતું.


"અને હવે એ પણ નથી." બબડીને મનન ચુપ થઈ ગયો.
"જો મનન, હું જે કરી રહી છું એના થી આપણે બંને દુંખી નહિ થઈએ. હું તને આમ ઝુરતા નહિ જોઈ શકું અને તું મને નાની નાની વસ્તુ માટે વલખાં મારતા નહી જોઈ શકે."
મનન બીજે જોઈ રહ્યો હતો. એની આંખોમાં પાણી હતું. ઘોર નિરાશા હતી. સંધ્યા એના આંસું જોઈ સહેજ શાંત થઈ. પણ એ એના ઈરાદામાં હંમેશાની જેમ મક્કમ રહી.
"હું જાઉં છું મનન. આપણે ફરી નહિ મળીએ."
ટપ્પ!
"રડવાનો કોઈ ફાયદો નથી મનન, હું પણ બહુ રડી ચૂકી છું."
"જા...જા સંધ્યા જા." મનન રડમસ સ્વરે બોલ્યો, "મારી પાસે તને આપવા માટે પ્રેમ સિવાય બીજું કંઈ નથી."
"મને પણ પ્રેમ જોઈએ છે, હું કંઈ પથ્થર નથી મનન. પણ જીંદગી માત્ર પ્રેમથી નથી ચાલતી ને? બીજી બધી ઘણી જરૂરી વસ્તુઓ છે જીવનમાં."
"જેમ કે?" મનને એની સામે જોઈને પૂછ્યું.
"બાય મનન" સંધ્યા આગળ ચાલવા લાગી.
આગળ હંમેશા રીક્ષાઓ ઉભી રહેતી હતી. સંધ્યા એમાં બેસી ગઈ. અચાનક મનન હોશમાં આવ્યો. એને ભાન થયું કે આ બંનેની મુલાકાતની આખરી ક્ષણ હતી. એ સફાળો સપનામાંથી જાગ્યો હોય એમ એ રીક્ષા પાછળ બુમો પાડતો ભાગ્યો..."સંધ્યા....સંધ્યા...."
રીક્ષા જતી રહી પછી પણ મનન એ દિશામાં પગ ઢસડતો ચાલતો રહ્યો. મનનને એના પોતાના વાક્યો મનમાં ગૂંજી રહ્યા...તુ જ હંમેશા કહે છે ને કે માણસે પ્રેક્ટિકલ રહેવું જોઈએ?"

***

ઘરે આવતા આવતા મોડું થઈ ગયું. આજનો દિવસ ઘણો ભારે હતો. બધું વિચિત્ર લાગી રહ્યું હતું ટ્રાફિક, શોર-બકોર, દરવાજા, ઘર, માણસો.

ઘરે માને કહી શકાય એવી એક પણ વાત નહોતી. એ પલંગ પાસે મનન બેસી રહ્યો. બલ્બના આછા પીળા પ્રકાશ સિવાય ઘરમાં બીજી કોઈ જ રોનક નહોતી. મનન એની માને જોઈ રહ્યો. એના માથે હાથ પસારતો એની તબિયત પૂછી રહ્યો હતો.
"આજે કેમ છે"
"ઠીક છે બેટા. જમી લે, વિમળામાસી સાંજે આવ્યાજ નહિ, સવારનું કશું બચ્યું હશે."
"વિંમળામાસી નહોતા આવ્યા?" મનનને ગુસ્સો આવ્યો. એણે બાજુના સ્ટૂલ ઉપર મુક્લો લોટો ઉપાડીને જોયો. ખાલી!
"તેં પાણી પીધું હતું?"
"સાંજે બેટા."
મનન જલ્દીથી પાણી લઈને આવ્યો અને માને પાણી પીવડાવ્યું ખીચડી બાફી અને માને ખવડાવવા લઈ આવ્યો.
"તું પહેલા જમી લે ને મનન" માના થોથવાતા શબ્દો મનન સાફ સાંભળી શકતો હતો.
"ના તું ખાઈ લે. પછી દવા પણ પીવાની છે ને?"
"દવા પી ને કેટલું જીવવાનું છે?"
"જો બેકારની વાતો ના કરીશ ચૂપચાપ જમી લે. કાલે આપણે મંદિર જવાનું છે."
"કેમ કાલે નોકરીએ નથી જવાનું?"
"ના."
"આવું ના કરીશ દીકરા, સાહેબ તને બોલશે."
"નહિ બોલે, સાહેબ બહુ સારા માણસ છે, તને ખબર છે મને પ્રમોશન આપવાના છે. પગાર પણ વધી જશે. પછી જો તું! પહેલા તું સારી થઈ જા." માની આંખો ચકળવકળ થઈ રહી હતી. બંને નિરાશ હ્યદય એકબીજાને દિલાસા આપી રહ્યા હતા. મનન ત્યાં જ પલંગ પર માથું રાખી સુઈ ગયો.

સવારે મનન ઉઠ્યો. એણે માથું ઉચક્યું તો માનો હાથ પલંગ ઉપર પછડાયો. મનન ધારી ધારીને માનો ચહેરો જોવા લાગ્યો. અને અચાનક તંદ્રામાંથી જાગ્યો હોય એમ માને ઉઠાડવા લાગ્યો. પણ મા ઉઠે તો ને! મનન જોરથી રડવા ગયો પણ અવાજ રૂંધાઈ ગયો. રૂદનને બદલે મોંથી ફક્ત હવા નીકળી રહી હતી. અને આખરે મહામહેનતે એક ચીખ છૂટી. "ઓ મા....."

મહોલ્લાવાળા એની જોડે જ રહ્યા. બધા એની પરિસ્થિતિ જાણતા હતા. કેટલીક મહિલાઓ ખરેખર ખુબ રડી હતી. સ્મશાનથી મનન પાછો આવી રહ્યો હતો. રડી રડીને થાકી ગયો હતો. એ સમય એને છાનો રાખવાનું કોઈનું ગજું નહોતું.

સાંજે ઘરે મનન એકલો હતો. વિંમળામાસી આગ્રહકરીને બોલાવી રહ્યા હતા પણ મનન ન ગયો તે ન જ ગયો. બીજા પાડોશી પણ આવીને બેઠા અને સાંત્વ્ના આપી ગયા.બધા ગયા અને મનને દરવાજો બંધ કર્યો. પીળો બલ્બ ચાલુજ હતો. મોઢું ધોઈને અરીસામાં ચહેરો જોયો. માના પલંગ ઉપર જઈને આડો પડ્યો. છતને તાકતા તાકતા આંખના બંને ખુણેથી અલગ અલગ દિશામાં આસું વહી રહ્યા હતા. ક્યારે ઉંઘ આવીને મનને સુવડાવી ગઈ એ ખબર ન પડી.

***

સવાર પડી અને મનન ઉઠ્યો. આજે કશે જવાનું નહોતું. દોઢ-બે વાગ્યા સુધી પડી રહ્યો. પછી એ સાદા કપડા પહેરી બહાર નીકળ્યો. અડોસપડોસના લોકો સહાનુભૂતિવાળી દ્રષ્ટિએ એને જતા જોઈ રહ્યા. દૂર રેલ્વેલાઈન નજીક તડકામાં બાળકો રમી રહ્યા હતા. મનન એ તરફ શૂન્યમન્સ્ક ચાલી રહ્યો હતો.

એક ટ્રેન જોરથી હોર્ન મારતી નીકળી. મનન રોકાઈને એ તરફ જોઈ રહ્યો. પેલા બે-ત્રણ બાળકો એક નવી જ રમત રમી રહ્યા હતા. પ્લાસ્ટીકની કોથળીના નાનકડા ટુકડાઓ ને પથ્થરમાં વીંટીને જોરથી ઉપર ફેંકતા. કોથળીના ટુકડાઓ પથ્થર જોડે ઉંચે સુધી જઈને અલગ થઈ જતા. સુકી હવા જોડે ઉડતા ઉડતા કેટલેય દૂર સુધી જઈ રહ્યા હતા. અને બાળકો બુમો પાડી રહ્યા હતા...એ ચાલી મારી ટુક્કલ! મનન થોડી ક્ષણ એ ઉડતા જતા ટુકડાઓને તાકી રહ્યો.

પછી ઝડપથી એ તરફ ગયો. બાળકો એને જોઈ જ રહ્યા.
"મને એક ટુક્કલ આપને લ્યા!" મનને સ્મિત સાથે કહ્યું, "હું બહુ ઊંચે ફેંકીશ!"
ચોંકી ગયેલા બાળકો ખુશ થઈ ગયા. એકજણે પાતળો પારદર્શક કોથળીનો ટુકડો એને આપ્યો. મનને એક પથ્થરમાં એ ટુકડો વીંટાળી પુરી તાકાતથી ઉપર આકાશમાં ફેંક્યો. પથ્થર નીચે આવ્યો અને ટુકડો ઉડતો જ ગયો. બધા સસ્મિત એને જતા જોઈ રહ્યા હતા. પછી ખાસ્સી વાર સુધી આ રમત ચાલી!

મનન તદ્દન સ્વસ્થ હતો. એ વિચારતો રહ્યો કે સંધ્યાને પામવા માટે જે નોકરી વેઠી રહ્યો હતો એ નોકરી અને સંધ્યાના ગયા બાદ બીજું કોઈ ટેન્શન બચતું નહોતું. માના મર્યા પછી મનનને એની પીડાથી છુટી ગયો હતો. હવે એ ખર્ચાની પણ ચિંતા ગઈ. આમ ત્રણેય તકલીફો એક બીજાથી જોડાયેલી હતી...એ બધી અચાનક જ પુરી થઈ ગઈ હતી. મનન પેલી ટુક્કલની જેમ આઝાદ હતો.

2 comments:

  1. આપના બ્લોગ ની આ પોસ્ટ વાંચી અને તે વેધક અને માર્મિક છે..ટુક્કલ..ટુક્કલ...ટુક્કલ જેવી જીન્દગી..એની આઝાદી...ધન્યવાદ

    ReplyDelete
  2. આભાર. અહીં અમુક વાર્તાઓ મારી ફેવરેટ છે. વર્ષોથી વિચારી રાખી ધીમે ધીમે લખાઈ છે, એટલે એના ઉપર મળતી એક-એક કોમેન્ટ ખુબ જ કિંમતી છે! ખુબ ખુબ આભાર!

    ReplyDelete