જોય

તારીખઃ ૨૨ ઓક્ટોબર 

રજાઓ ક્યારે આવી અને ગઈ એની ખબર પણ ન પડી. એ નાનકડા વેકેશનમાં થોડું ફરી આવ્યા. બસ. એટલું જ. રોજીંદી જીંદગી પાછી ચાલુ થઈ ગઈ છે. ડાયરી લખવાનો તો શું વાંચવાનો પણ સમય નથી મળતો. સમય. બહુ અજ્ઞાત ચીજ છે આ સમય. એની મરજી મુજબ લાંબો ટુંકો થયા કરે છે. સારા દિવસોમાં જલ્દી જલ્દી વીતી જાય છે અને જ્યારે કશું 'વીતતું' હોય ત્યારે એ જલ્દી વીતતો નથી!

એવું પણ નથી કે સમય મળતો નથી. દિવસમાં કેટલોય સમય બેકાર જ જાય છે. આળસમાં, થાકમાં, કંટાળામાં. આજે પણ ડાયરી ન લખાત, પણ આજે એક બહુ જુનો દોસ્ત મળી ગયો. જુના દિવસો યાદ અપાવી ગયો. એ મિત્ર માટે નહિ પણ એ જુના દિવસોને વાગોળવાનું મન થયું એટલે ડાયરી લખી રહ્યો છું.

રોજની જેમ, કહો કે સાડા ચાર વર્ષથી જે થાંભલાની નીચે કંપનીની બસની રાહ જોઉં છું, એજ જગ્યાએ આજે પણ ઉભો હતો. કોઈ ઉતાવળ નહોતી. બસ જ્યારે આવે ત્યારે બેસી જવાનું હતું. આ સ્ટોપેજ ઉપર હું એકલો જ ઉભો રહેતો. બસ હંમેશા સમયસર જ આવતી હતી. એજ કંટાળાજનક સવાર, થોડોક ટ્રાફિકનો ઘોંઘાટ અને મારી પ્લાસ્ટિક જેવી જીંદગી. એકદમ લીસ્સી. કશું જ વળગણ નહિ. એકદમ પરફેક્ટ. લગ્ન પછીના એક-બે વર્ષ અલગ લાગ્યા. હવે થોડોક કંટાળી ગયો છું. મિલી બહુ સાથ આપે છે, ઓફિસથી ઘરે જાઉં એટલે મારી રાહ જોતી હોય. ક્યારેક થોડું ફરી આવીએ, ક્યારેક જમી આવીએ. છતાં હવે લાગે છે કે કશું નવું નથી. આટલી સરસ નોકરી, પત્ની, ઘર...હવે શું જોઈએ? ક્યારેક મિલી બાળક માટે કહે છે. મને પણ એવું જ લાગે છે કે એકાદ બાળક ઘરમાં હોય તો ઘર ભરેલું-ભરેલું લાગશે! ખેર, પણ હમણાં એવો કોઈ પ્લાન નથી. મનમાં ઉંડે ઉંડે જે ખાલીપો કેમ છે? એક બાળકથી એ ભરાઈ જશે? હું મારી નોકરીથી ખુશ નથી? શું ઓછું છે હજી જીંદગીમાં?

બસ. આજ વિચારો ચાલતા હતાં અને હું બસ આવવાની દિશા તરફ જોઈ રહ્યો હતો. એક બાઈક સહેજ આગળ જઈને ઉભી રહી. મેં જોયું તો એ જોય હતો! બેઠા બેઠા બાઈક પાછળ ખેંચીને એકદમ મારી આગળ આવ્યો. હું એને ધ્યાનથી જોઈ રહ્યો હતો. એ હતો એવો નો એવો જ! કોલેજના છેલ્લા વર્ષના છેલ્લા મહિને જે સેકેન્ડ હેન્ડ બાઈલ લીધેલી એ જ બાઈક હજી પણ ચલાવી રહ્યો હતો. આમ નામ એનું જય, પણ અમારા એક બંગાળી પ્રોફેસર એને બંગાળી લઢણ મુજબ જોય કહીને બોલાવતા. એના ઘરની પરિસ્થિતિ ઠીક હતી. એકદમ ટિપીકલ મિડલ ક્લાસ જેવા એના સપના હતા. એને મારા જેવી બાઈક લેવી હતી, પોતાનો ધંધો કરવો હતો, મોટા માણસ બનવું હતું. જોકે એવા એના લક્ષણો બિલકુલ નહોતા. એ હતો સાવ મજાકિયો, ઝીરો જીકે, ડફોળ અને સેન્ટીમેન્ટલ. હંમેશા અમે એનો મજાક ઉડાવતા. એને પણ બધા જોડે મસ્તી કરવાની આદત.  એ બધો સમય, ઘટનાઓ અને દુર્ઘટનાઓ યાદ આવી ગઈ! મને જોઈને જોય ઘણો ખુશ થયો. એ મને મજાકમાં આનંદની બદલે અનુ કહીને બોલાવતો. બીજા ગ્રૂપના લોકો બહુ કન્ફ્યુઝ થતા.

એવું નહોતુ કે જોય મારો ખાસ મિત્ર હતો. એના જેવા ઘણા બધા મિત્રો હતા. કૉલેજ પછી બધા છુટી ગયા. ક્યારેક ફોન આવ્યા, રસ્તામાં મળ્યા, ક્યારેક અમસ્તા જ યાદ આવ્યા. પછી નોકરી મળી. નવો વળાંક, નવો ઉમંગ, યંત્રો, ક્રીએટીવીટી, ઈનોવેશન, મેનેજમેન્ટ વગેરે ઘણા બધા પગથિયા રસ્તામાં આવ્યા. જીંદગી તો ચાલતી જ રહી, સમય વીતતો ગયો.

જોય હજી પણ બહુ સપના જુએ છે. એને કાર ખરીદવી છે. બ્લેક એસ્ટીમ, સેકેન્ડ હેન્ડ. હજી પણ એવો નો એવો જ છે ખરેખર! મેં એક કાર વાપરી નાખી અને ગયા વર્ષે બીજી લીધી. મારી કંપની શહેરની બહાર ના હોત અને એની બસ સેવા ન હોત તો આજે જોય મારી કાર જોઈને શું કહેતો ખબર છે?  " "અલ્યા કેટલી કારો લેશે?"
કારો?!

આજ ફરી વીતેલા દિવસો યાદ કરીને, જોય જોડે કૉલેજલાઈફ જેવી ઉલ્ટી-સીધી, ગાંડી વાતો કરીને ખુબ જ ગમ્યું. ખુબ જ.  મુડ સુધરી ગયો, ઓફિસમાં મજા આવી. વિચારૂં છું કે હું પણ કાશ જોય જેવો તરંગી હોત!

ખબર નહિ હવે ફરી આ ડાયરી ક્યારે લખીશ!

તારીખઃ ૨૯ નવેમ્બર

આજે ફરી જોય મળ્યો. આજે ફરી હું ખુશ થયો. આખો દિવસ સુધરી ગયો. પાછલું પાનું મે મારી માટે લખેલું. આજે જોય માટે લખવાનું મન થાય છે. ભગવાન બધાની સાંભળે છે, બધાના સપના પુરા કરે જ છે. ભલે નાના હોય કે મોટા. એજ થાંભલા નીચે, બસ માટે રાહ જોતો હું; અને એક લાલ રંગની કારનું આવવું. મારા આશ્ચર્યની વચ્ચે એમાંથી જોય ઉતર્યો. ફરી પંદરેક મિનિટની ક્રેઝી વાતો, સપનાઓનો વંટોળ. જોય બહુ ખુશ હતો. એના કોઈ સંબંધી જોડે સ્ક્રેપનો ધંધો કરવાનો હતો. ફેક્ટરીઓમાં વપરાયેલી ધાતુના ભંગારના ખરીદ-વેચ કરવાનો. આ વાત લઈને જોય શું ઉત્સાહમાં હતો, આમ કરીશ અને તેમ કરીશ.

એણે કહ્યં કે એના પડોસની એક છોકરી જોડે એનું લગ્ન પણ ગોઠવાઈ ગયા હતા. ચલો સરસ. એને પણ મારી જેમ પ્રેમલગ્ન જ કરવા હતા! કોલેજમાં તો એનો કશો મેળ પડ્યો નહિ પણ છેવટે અત્યારે મેળ પડી ગયો. મને પુછે કે તારી વાઈફ શું કરે છે, તો મેં કહ્યું કે મેં મારી ક્લાસમેટ મિલી જોડે લગ્ન કર્યાં છે. થોડી વાર માટે જોય ચોંકી ગયો. કેમકે ઘણા ઓછા લોકોને મારી અને મિલીના પ્રેમલગ્ન વિશે જાણ છે. કદાચ એન બહુ ખુશી થઈ નહિ! કદાચ એને થયું હશે કે એ એકલો જ આટલો નસીબદાર છે!

મેં પુછ્યું કે લાલ એસ્ટીમ કેમ લીધી, કાળી એસ્ટીમ કેમ નહિ? તો કહે કે એના ત્રણ હજાર રુપિયા વધારે હતા. એના સપનામાં એણે ત્રણ હજાર માટે કૉમ્પ્રોમાઈઝ કરી નાખ્યો!

પ્રેમ, પૈસા, બધું.... ભલે જોયની લાયકાત મુજબનું, પણ 'મળવાનું' છે. ભગવાન... સીરીયસલી...કશું કરજો. સારું ન થઈ શકે તો કશો વાંધો નહિ પણ જો જોય જેવા લોકોની જીંદગીમાં કશું સારું થઈ રહ્યું હોય તો એમાં ટાંગ અડાવતા નહિ.

તારીખઃ ૪ જાન્યુઆરી

આજે ફરી એજ રુટિન જીંદગીમાં જોય મળ્યો. એટલો જ ખુશ. એટલો જ તરંગી. એટલો જ ઉમંગી. મને ફરી આજે ખુશી થઈ. ગયા મહિને ડાયરીના પાછલા પાનાં વાંચ્યા ત્યારે ખબર નહોતી કે જોય ફરીથી મળશે કે નહિ....એક વાર્તા બની રહેલી મારી ડાયરી ફરી લખાશે કે નહિ! અને જોય ખરેખર ફરી મળ્યો...એટલો જ ખુશ. એટલો જ તરંગી. એટલો જ ઉમંગી. એની આ ખાસિયત હું મારા જીવનમાં ઉતારવા માંગુ છું.

જ્યારે હું બસની રાહ જોઈ રહ્યો હતો ત્યારે એ સાઈકલ પર આવીને મારી આગળ ઉભો રહ્યો. એજ ખુશ-ખુશાલ ચહેરો, ભાવુક આંખો. મેં સાઈકલ ચલાવાનું કારણ પૂછ્યું તો ખબર પડી કે એના સબંધીએ પેલા સ્ક્રેપના ધંધામાં જોયના હમણાં સુધી બચાવેલા સિત્તેર હજાર રૂપિયાનું દેવાળું ફૂંકી માર્યું છે. એવામાં એની કાર પણ વેચાઈ ગઈ. મને ઘણો આઘાત લાગ્યો. લાગ્યું કે 'મને' કોઈએ છેતર્યો છે. ખુબ ગુસ્સો આવ્યો. ખરાબ ત્યારે લાગ્યું જ્યારે મેં એને એના લગ્ન વિશે પુછ્યું. એના પેલા પડોશીઓએ લગ્ન ફોક કરી નાખ્યા હતા. કેમકે હવે જોય ફરી ગરીબ થઈ ગયો હતો. મે થોડીક દિલગીરી વ્યક્ત કરી જોઈ પણ જોયે બધું હસી નાખ્યું.

હવે આગળ શું કરીશ એવું પુછતાં એણે કહ્યું કે એ પહેલાં જે નોકરી કરી રહ્યો હતો એજ નોકરી ફરી ચાલુ કરી છે... પછી ફરી જોશમાં આવીને કહે કે દોઢેક વર્ષ પછી દુબઈ જવા માટે પ્લાનિંગ ચાલે છે...ફલાણા ઓળખીતા જોડે વાત કરી છે...નવો મોબાઈલ લેવાનો છે વગેરે ઘણી વાતો થઈ. એની વાતોય એના જેવી ...ખુશનુમા, તરંગી, ઉમંગી. એનું નામ પેલા પ્રોફેસરે ઠીક જ ઉચ્ચાર્યું હતું....જોય.

હું જોયને જતા જોઈ રહ્યો.No comments:

Post a Comment