સુગંધ

સુગંધ શબ્દ સાંભળતા/બોલતા જ મન કેવું સુવાસિત થઈ જાય છે. દરેકને એની મનપસંદ સુગંધિત વસ્તુ દેખાય. ફુલ, અગરબત્તી, અત્તર, ડીઓ, ગરમ નાસ્તો, ભોજન! ઉત્સવના દિવસોમાં ઘરે અગરબત્તી, નવાં કપડા, દિવાલોનો રંગોરાન વગેરેની સુગંધના કારણે લાગ્યા કરે કે આજે તહેવાર છે. મંદિર, મસ્જીદમાં ફુલ. ચંદન અને ધુપની ખુશ્બો કેટલું પવિત્ર વાતાવરણ રચી દે છે! સ્કુલના દફ્તરમાં, કૉલેજની બેગમાં, કબાટના જુના કાગળિયામાં તરેહ તરેહની ગંધ; જે મનને મોટા ભાગે સુગંધ જેવી જ લાગે, વાસ કરે છે! નાનપણમાં રમકડામાંથી આવતી પ્લાસ્ટિકની સુગંધ યાદ છે?

સોસાયટીમાં ચાલતા ચાલતા ક્યારેક પગ થંભી જાય છે. કોક સુગંધ  બાળપણની ઢગલો યાદો લઈ આવે કોઈક વળી મોઢામાં પાણી લાવી દે. કોઈક સુગંધ તહેવારોની યાદ અપાવે તો અમુક ઉત્સવો મનમા સુગંધ બની જાય. 
સુગંધ યાદ બનીને પણ મહેક્યા કરે પછી એ યાદો સુગંધમય બની જાય.

હવે સુગંધ બંધ બોટલમાં વેચાતી મળે છે. અત્તર તો ખેર, ફુલોથી બને છે પણ આ ડીઓ અને રુમ ફ્રેશનર શેની સુગંધ આપે છે? શું યાદ દેવડાવી શકે છે? તીવ્ર, કડવી અને માદક ગંધ જેવું કશુંક હવામાં આખો દિવસ રહ્યા કરે છે. એકદમ નકલી, લાગણી વગરની સપાટ, કોરી!  સુગંધ તો કુદરતની દેન છે. કુદરતીજ સારી લાગે.

હમણાં જોકે વરસાદ વીતી ગયો છે, પણ જમીન ઉપર પહેલી વાર વરસે છે ત્યારે કેવી મસ્ત સુગંધ આવે છે નહિ?

No comments:

Post a Comment