માયા

મરણપથારીએ પડ્યા પડ્યા એ બ્રાહ્મણની આંખો ચકળવકળ થઈ રહી હતી. ફરતે એના સંતાનો ઉભા હતા. પત્ની હિબકાં ભરી રહી હતી. વૈદ્ય નાડી તપાસી રહ્યો હતો. ઘણું કહેવુ હતું પણ બોલાતું નહોતું. જીવવું હતું પણ જીવાતું નહોતું. ભગવાનના ભક્તને પણ શરીર છોડવામાં આટલી વેદના! યાદગાર પ્રસંગો છત પર તરવરી રહ્યા હતા. આખરે પ્રાણઘાતક ક્ષણ આવી ચડી... પહેલી વખત મરવું ખરેખર ભયજનક હતું...જો જીવતા હોત તો ધબકારા વધી જાત, પરંતુ...!

પછી એક અંધારો ઓરડો...વિચિત્ર ઠંડક...અ-શરીરે પણ!  ગંધ-સુગંધ, સ્પર્શ-અસ્પર્શ, દર્દ-આરામ બધુંજ હ્તું/નહોતું. ભયંકર ઉંઘ આવી રહી હતી અને જાણે પાંસળીઓ પકડીને કોઈ ઢસડી રહ્યું હતું...પેલા દરવાજા તરફ. પ્રકાશપુંજ. આંખો હોત તો ચોક્કસ અંજાઈ જાત. અને એ દરવાજેથી એક લીસ્સી ગુફા શરૂ થઈ. પવન વેગે એના વળાંકો પસાર થવા લાગ્યા. ડાબે-જમણે, ઉપર-નીચે.... આગળ પ્રકાશ અને અહીં અંધારૂં. પવનવેગ, ઝડપ, અસ્તવ્યસ્તતા...સમય તો અહીં લાગુ પડતો જ નહોતો. એવું લાગતું કે બધું સપનું છે, તો પછી આંખો ખુલી કેમ નથી રહી? ભય...કેવળ ભય. બુમો પાડી નહોતી શકાતી, શ્વાસ લઈ નહોતો શકાતો, અરે ફરી મરી નહોતું શકાતું! એવું લાગતું કે પાણી છે ચારે તરફ. પાણીનું વહેણ અનુભવાતું.

ખળળળ...બ્રાહ્મણ ઉભો થયો. માથા ઉપરનું ભુરૂં પાણી આંખો સામેથી જથ્થાબંધ નીચે વહી ગયું. ઊંડો શ્વાસ. હ્યદયના ધબકારા. જીવન! બ્રાહ્મણે બાજુમાં નજર ફેરવી. ક્રિષ્ણ મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. બ્રાહ્મણ બહાવરો થઈ ગયો હતો. ખુશખુશાલ. પળ પહેલાં જ કૄષ્ણએ ડુબકી મારવાની આજ્ઞા કરી હતી. એક ડુબકી, માત્ર એક જ ડુબકીમાં એક આખા ભવનો અનુભવ પેલા બ્રાહ્મણને થયો. આખી જીંદગી, સુખ- દુઃખ, પાપ-પુણ્ય, મા-બાપ, પત્નિ, સંતાનો. બચપણ-જુવાની અને ઘડપણ!  અને ફરી એ બધું મનમાં ઉભરાયું એટલે બ્રાહ્મણ રડવા લાગ્યો. કૄષ્ણએ સમજાવ્યું કે એ મારી માયા હતી. માત્ર માયા. બીજું કશુ નહિ. કશું જ નહિ. છતાં એ પ્રત્યે એટલો મોહ કેમ? એ જ તો માનવમનની સહુથી મોટી કમજોરી છે. આસ-પાસની માયાને ઓળખો. એ સત્ય નથી. સત્ય માત્ર હું જ છું. બાકી બધું માત્ર એક પળનો મોહ છે. જ્યારે આંખ ખુલશે, સામે હું હોઈશ. તમારી પાસે માત્ર માયાના તુટેલા તાંતણાં. આટલું કહીને કૃષ્ણએ પાણી તરફ હાથ કર્યો. બ્રાહ્મણે પાણીમાં પોતાનો ચહેરો જોયો. અરે મારા કૃષ્ણ! મારો ચહેરો તો આ રહ્યો! હું આટલા વર્ષ જે ચહેરો જોતો રહ્યો એ પણ મારો નહોતો!

મથુરામાં જે બ્રાહ્મણ પોતાના દુઃખો વિશે કૃષ્ણને ફરિયાદ કરતો રહેતો, એ કૃષ્ણના ચરણે પડી ગયો. જમના કાંઠે.

(પ્રસંગ કશે વાંચેલ હતો, બ્રાહ્મણ ખરેખર કોણ હતું એ નામ યાદ નથી. માત્ર રોચકતા જાળવી રાખવા શરૂઆત ઉંધી કરેલ છે. )

No comments:

Post a Comment