ફુગરીમાઈ

બપોરનું વાસીદું પતાવીને નવોઢા ખેતરે જવાની તૈયારી કરી રહી હતી. સાસુ-સસરા જમીને તરતજ ખેતર જતા રહ્યા હતા. કાંટા વણવાના હતા, શેઢે વાડ કરવાની હતી. ભેંસ અને બળદો માટે ચાર પણ કાપવાની બાકી હતી. ખરી બપોર હતી પણ કામ તો કરવું જ પડે ને! નવોઢા હજી ખાસ્સી નાની ઉમરની હતી, માંડ સોળ કે સત્તર. પતિદેવ નજીકના શહેરમાં નોકરી માટે જતા, છતાં ખેતી ઉપર જ ઘર નિર્ભર હતું. નવોઢાને બે નણંદ અને એક દિયર હતા, ત્રણેય હજી નાના હતા અને ભણતા હતા. નવોઢાનું બચપણ હજી જાઉ જાઉ જ કરતું હતું. ઘરકામની ખાસ્સ સમજણ હજી પડી નહોતી. બસ રોજીંદુ કામ કરી લેતી. સાસુ-સસરાની ધાક રહેતી હતી.

દાંતરડી લઈને નવોઢા પગથિયા ઉતરવા ગઈ, આંગણે ફુગરીમાઈને જોઈ. કમરથી થોડી વળેલી. પતલી કાઠી અને માંદલું શરીર. સાંબળવાનું ઓછું થઈ ગયેલું. પણ ખેતર હોય તો કામ તો કરવું જ પડે. પરિવારમાં જેનાથી જેટલું બને એટલું યોગદાન તો આપે જ, નહિતર પાછું સાંભળવાનું થાય.

ફુગરીમાઈ પોતાના ખેતરે કાંટા વણવા નીકળેલી હતી. ચોમાસાને હજી ખાસ્સે વાર હતી પણ સમય મળ્યે આવા પરચૂરણ કામ પતાવી દેવા સારા. છતાં બળબળતી બપોરે ઘરડું શરીર કેટલું કામ કરી શકે? જોકે એમના જોડે ખાલપી પણ હતી. બંને મળીને કાંટા વણતા વણતા થોડો આરામ કરવા બેઠા હશે. ગરમીના લીધે ઘરે જમવા જવાનું મન નહોતું થતુ. એટલે ફુગરીમાઈ અને ખાલપી અહીં આવીને ઉભા રહ્યા હતા.

ઘરમાં ભેંસ ખરી, એટલે બધાને ખબર તો હતી જ કે દૂધ-દહીં તો રહેતા જ હશે. પણ નવોઢાને મનફાવે એ ખાવાની મોકળાશ ક્યાંથી હોય? વળી સાસુ-સસરાથી બીએ પણ ખરી.


"કેમ સે?"
"સારું માઈ, ખેતરે જ જતી હતી." નવોઢાને ડર હતો કે મોડું થશે તો સસરાજી ગુસ્સે થશે.
"બહુ ગરમી હોં."
"એ તો રે જ ને માઈ."
ખાલપી સાડીથી મોં લુછી રહી.
"તરસ ભી બોઉ લાગી હતી." ફુગરીમાઈ ઓટલે બેસતા બોલ્યા.
"પાણી લાવું કે?"
"પાણી તો ઠીક વળી..."ફુગરીમાઈ  હસી, "છાસ હસે કે?"
કદાચ તમારા ધ્યાનમાં આ વાત આવી હશે કે ગામડાના  લોકો જરૂરિયાતની વસ્તુઓ માંગતી વખતે ઔપચારિક વાતો નથી કરતા!

"છે" મોઢેથી અચાનક જ સરી પડતાં નવોઢા પોતે મુંઝવણમાં મુકાઈ ગઈ. હજી પોતાને છાસ વલોવવાની ગોળીમાં હાથ નાખતા બે વખત વિચાર કરવો પડતો હતો. જોકે હજી સાસુ-સસરા નદી કિનારેવાળા ખેતરે ગયા હતા. પણ સસરાજી ગમે ત્યારે આવી રહેતા. એમને વળી એક સાથે બે ખેતરના કામ સંભાળવા પડતા હતા. એટલે એ ફડક તો નવોઢાને મનમાં હતી જ કે જો એ ફુગરીમાઈને છાસ પીવડાવતા જોઈ જશે તો આવીજ બન્યું સમજો. પણ એક વાર હા પાડી દીધા પછી શું થઈ શકે? વળી બંને ડોશીઓના મોં ઉપર પરસેવા કરતાં આશાની ચમક વધારે દેખાઈ ગઈ.

ઝાંઝર વગરના પગલે નવોઢા રસોડામાં ગઈ. રસોડું સાવ અંધારિયું હતું. ઉપરનું એક નળિયું ખસેડીને ત્યાં ક્યાંકથી જુનો કાચ મુકી દીધેલ હતો જ્યાંથી થોડું અજવાળું સરતું. ત્યાંના મુખ્ય થાંભલા જોડે વલોણું ગોઠવેલું. ત્યાંજ ગોળીમાં અડધો અડધ ટાઢી છાશ હતી. હવે વધારે વિચારવાનો સમય ન હતો. સસરાજી ગમે ત્યારે આવી ચઢે એ પહેલા આ બંને ડોશીઓને રવાના કરવાની હતી. નવોઢાએ આંગળીઓ ના બોળાય એમ એક લોટાથી છાશ કાઢી. એ જ લોટો અને એક થાળી લઈને નવોઢા બહાર આવી.

ફુગરીમાઈ અને ખાલપી ઓટલે જ બેસી ગયા હતા. નવોઢા લોટો અને થાળી ફુગરીમાઈ તરફ ધર્યા, "લે માઈ."
"લાવ." ફુગરીમાઈએ થાળી ખાલપીને પકડાવી અને લોટામાંની અડધી છાસ એમાં ઢોળી.  બંનેવ જણી છાસ પીવા લાગી. નવોઢા સસરાજીના આવી જવાની ચિંતામાં હતી.
"બીજી આપશે કે બેટા?" ફુગરીમાઈ બોલી.
"લાવું." કહેતાકને નવોઢા અંદર ગઈ. બીજા લોટામાં જલ્દીથી છાસ લઈને આવી
"ભવગાન ભલું કરે." ફુગરીમાઈની નજર લોટા ઉપર હતી.
"રેડ." કહેતાંકને ખાલપીએ થાળી ધરી.
નવોઢા છાસ આપતીજ હતી ત્યાં સસરાજી આવી પહોંચ્યા.
સસરાજીને જોઈને હાથ કદાચ કંપી ઉઠ્યા હશે પણ સ્થિરચિત્તે છાસ પીવડાવીને નવોઢા બંને ડોશીઓને રવાના કરે છે.  આ પછી છેક મોડી સાંજ સુધી નવોઢાને મનમાં હતું કે સસરાજી બોલશે, વઢશે. પણ આવું કશું જ થતું નથી.  દિવસ ઓલવાઈજ જાય છે અને નવોઢાને શાંતિ થાય છે.
 
આ વાત તો ભુલાઈ પણ ગઈ હતી. પણ વર્ષો બાદ મારી મમ્મી એ એ ફુગરીબાઈને અવસ્થા દરમ્યાન મળવા ગયેલા ત્યારે ફુગરીમાઈએજ બધા સામે કહેલું કે આ દીકરીએ મને છાસ પીવડાવી હતી અને મારો જીવ ઠંડો પડ્યો હતો. મમ્મીને પણ નવાઈ લાગી કે આ નાનકડી વાત ફુગરીમાઈને હંમેશા માટે યાદ રહી હઈ હતી!

2 comments:

  1. એક નાનકડું કામ પણ લોકોને વર્ષો સુધી યાદ રાખતા હોય છે.સત્યઘટનાનું સરસ આલેખન.

    ReplyDelete
  2. આભાર હીનાજી!

    ReplyDelete