અનુરાગ

ટ્રેનના ફર્સ્ટકલાસ કોચમાં બારી પાસે બેઠા બેઠા અનુરાગ ન્યુઝપેપર વાંચી રહ્યો હતો. થોડી થોડી વારે બારી બહાર નજર પણ નાખી દેતો. એનાથી એ તો સાબિત થઈ ગયું હતું કે એને ના તો ન્યુઝપેપરમાં રસ હતો કે ના બારીની બહાર. પણ મુસાફરીતો પુરી કરવી જ રહી. બિઝનેસનું બધું કામ પત્યું નહોતું એટલે કદાચ આવતા અઠવાડિયે ફરી વાર પણ જવું પડે. કામમાં ખોવાઈ જવું, ભીડમાં રહેવું અને એકલા ન પડવું જેવા નુસ્ખા દરેક વખતે અનુરાગને કામ તો નહોતા લાગતા છતાં એનો અમલ તો કડકાઈથી કરાતો. પણ એકલતા ક્યારેકતો એને પકડી જ લેતી. આ એકલતા સહુથી વધારે દુઃખદાયી રહેતી. છતાં મીઠી. તુટી ગયેલા આત્મવિશ્વાસના અમુક અંશ ભેગા કરીને જેમતેમ જીવનને જીવવા લાયક બનાવ્યું હતું.

એક નાનકડા સ્ટેશને ગાડી ઉભી રહી. કદાચ આગળ કોઈ બીજી ગાડી હશે, નહિતર આ સ્ટેશને સ્ટૉપેજ નહોતું. પાણીના પાઉચીસ અને બોટલ્સ લઈને એક બાળક પસાર થઈ ગયો. પ્લેટફોર્મ પર એક નાનકડા ઝાડ નીચે એક બાકડા ઉપર એક યુગલ બેઠું હતું. સાદા કપડાં અને કોલેજની બૅગ ઉપરથી બંને મધ્યમ વર્ગીય લાગતા હતા. બંને હસી હસીને વાતો કરી રહ્યા હતા. અનુરાગ એમને જોઈ રહ્યો. આવું બધું જોઈને અનુરાગને પાછલા દિવસો યાદ આવી જતા પણ ભીડ અને કામમાં પાછું મન પરોવી લેતો. અને આ વખતે એકલતાને એકલો છોડ્યો નહોતો, એ સાથે જ હતી. એટલે હવે જુના દિવસો ફિલ્મના કોઈ સીનની જેમ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયા. એકાદ જ મિનિટમાં જખમ તાજો. એક ઝટકા સાથે ગાડી ઉપડી ત્યાં સુધી અવિનાશ એમને જોઈ રહ્યો. પેલી છોકરીએ પહેર્યો હતો એ જ રંગનો ડ્રેસ વિદ્યા પાસે પણ હતો. બીજી કોઈ પણ સમાનતા નહોતી, તેમ છતાંયે...

* * *

વિદ્યા સ્ટેશનના બાકડે બેઠી હતી. માઈક ઉપર જુદી જુદી ત્રણ ભાષામાં બોલાયું હતું કે ગાડી આવવાની હજી પોણો કલાકની વાર છે. ખોળામાં બેગ હતી, એના પર કોણી મુકીને પોતાની હડપચી ટેકવી હતી. શૂન્યમનસ્ક ક્ષણો. સ્ટેશન પર અવર જવર હતી. એક ગાડી ઉભી હતી. કુલીઓ દોડાદોડી કરી રહ્યા હતા. કોસ્ડડ્રીંક્સ વેચવાવાળા બુમાબુમ કરીને ઓપનરથી બોટલ્સ ખખડાવી રહ્યા હતા. એક ભીખરણને ટી.સી. વઢી રહ્યો હતો. બે બુટપૉલિશ કરવાવાળા છોકરાઓ થાંભલા નીચેના ઓટલે બેસીને કમાણી ગણી રહ્યા હતા. એમાંથી એક છોકરો થોડી થોડી વારે નજીકના બાકડે બેસેલા એક જાડિયા છોકરાને આઈસ્ક્રીમનો કૉન ખાતા જોઈ રહ્યો હતો. અમુક વી.આઈ.પી. ટાઈપના ફેમિલી પોતાના સામાનના ઢગલાનું ધ્યાન રાખી રહ્યા હતા અને કુલી જોડી ભાવતાલ કરી રહ્યા હતા. વિદ્યા આસપાસના વાતાવરણને અણગમાથી અવગણી રહી હતી.

* * *

અનુરાગ દરવાજા પાસેના વોશબેઝીનમાં હાથ ધોઈ રહ્યો હતો. અરીસામાં પોતાનો ચહેરો જોઈને ન જાણે કેમ પણ પોતાના પર દયા આવી ગઈ! અનુરાગ એના બ્રાન્ડેડ કપડા અને સ્ટાઈલથી બિઝનેસમેન નહિ પણ કોઈ મોડલ જ લાગતો. છતાં એની માનસિક હાલતની આજ દિવસ સુધી કોઈ સમજી શક્યું નહોતું. આટલું મોટું ફ્રેન્ડ સર્કલ હોવા છતાં એજ એકલપણું રાત્રે ઘેરી વળતું. છ વર્ષ વીતી ગયા પછી પણ વિદ્યા દિલોદિમાગ ઉપર છવાયેલી હતી. સારા-ખરાબ પ્રસંગે યાદો અચૂક ઍટેક કરતી. યાદોના પોટલામાં વળી શું હતું? ફિલ્મની ટિકીટો, રેસ્ટોરન્ટના બિલ, સુકાયેલા ફુલ, અત્તરની ખાલી શીશી, પીળા પડી ગયેલા ગ્રીટીંગ કાર્ડ્સ, ગિફ્ટના ખાલી બોક્ષ અને રેપર્સ! અનુરાગના અનુરાગી મનમાં એક ટીસ ઉપડી. આંખોના ખૂણા ભીના થયા. અરીસામાં જોવાનું ગમ્યું. એક સ્મિત. ખેર...યાદો તો સાથે છે ને!

* * *

વિદ્યાના દિમાગમાં ઘણા સવાલો ચાલી રહ્યા હતા. જેના જવાબ મેળવવા મુશ્કેલ અને નિરર્થક હતા. જુની યાદોને મનના કોઈ અજ્ઞાત ખૂણામાં ધરબી દઈને જીવવું સ્ત્રીને કેટલું તકલીફદાયક હોય છે એ પુરૂષ ક્યારેય સમજી શકતો નથી. આવી રીતે જ હવે આગળ જીવવાનું છે એવું વિદ્યાએ માની લીધું હોવા છતાં પતંગ ક્યારેક દોરી તોડીને ઉડી જવાની નાહકની જીદ્દ કરતી.

* * *

અનુરાગ ટી.સી.ને ટિકિટ બતાવીને વૉલેટમાં પાછો મૂકી રહ્યો હતો. કાંસકો કાઢીને વાળ સરખા કર્યા. સ્ટેશન આવવાની તૈયારી હશે. એટેચી ખોલીને અંદર પેપરની પૂર્તિ મુકીને બાકીનું ન્યુઝપેપર બર્થ ઉપરજ રહેવા દીધું. કદાચ કોઈ ખાસ લેખ હશે. ગાડી થોડી ધીમી પડી ગઈ હતી. વડોદરા યાર્ડથી જ ગાડી ઘીમી પડી જાય છે. એકાદ-બે જણ ઉતરવાવાળા હતા. બાકીની સીટ ખાલી જ હતી. વડોદરાથી કદાચ બીજા પેસેન્જર ચડશે. અનુરાગ બીજા દરવાજે જઈને ઉભો રહી ગયો. સ્ટેશનનું પ્લેટફોર્મ શરૂ થઈ ગયું હતું. ભીડ. ઝડપ ઓછી. તદ્દન ઓછી. ગાડી હજી ચાલી જ રહી હતી. અનુરાગ મેઈનગેટ આવવાની રાહ જોઈ રહ્યો હતો. એક હાથમાં એટેચી અને બીજા હાથમાં દરવાજા પાસેનો સળિયો. વિદ્યા અને અનુરાગની નજર ચાર થઈ. કદાચ ભ્રમ હશે. પણ એના જેવા દેખાતા દરેક ચહેરાને ધ્યાનથી જોવાની ટેવ પડી ગઈ હતી એટલે નજર હટી નહિ...બંનેની! વિસ્મય! અચરજ! દુઃખ!

ગાડી ઉભી રહી. અનુરાગ નીચે જોયા વગર ઉતર્યો. એની નજર વિદ્યા ઉપર હતી. વિદ્યા બાકડે જ બેસી રહી હતી. એનું મોં સામેની બાજુએ હતું અને નજર નીચી. અનુરાગને એ જ દિશામાં જવાનું હતું. જેમ જેમ અનુરાગે પગ ઉપાડ્યા...એણે વિદ્યાના બાજુમાં એક ચારેક વર્ષનું બાળક જોયું. બાળકની બાજુમાં બેઠા એના પપ્પાએ વેફરનું પાઉચ પકડ્યું હતું અને કહી રહ્યા હતા કે "મમ્મીને આપ, મમ્મી ને" અનુરાગ જાણે કોઈને ઓળખતો ન હોય એમ એમના સામેથી પસાર થઈ ગયો. આ ક્ષણ બહુ ઝડપથી વીતી, પણ આખી જીંદગી યાદ રહી. મેઈનગેટથી બહાર નીકળતા નીકળતા અનુરાગે શર્ટમાં ખોસેલા કાળા ગ્લાસ ચઢાવી લીધા. કદાચ કંઈક છુપાવવા માટે.

 અનુરાગ (૨)

(બધી વાર્તાના પાત્રોના નામ સરખા છે...માત્ર નામ :)

જાણે બહુ દુઃખ થયું હોય એમ અનુરાગ ચોંક્યો, "શું?" સમાચાર ખરેખર ચોંકવા જેવા જ હતા પણ ખબર નહિ અનુરાગના મનમાં મિક્સ લાગણીઓ છંછેડાઈ. સહેજ દુઃખ અને જુનો ઉભરો મનમાં રડાવી રહ્યા, આંસુઓના નામોનિશાન વગર. વિદ્યાના મિસ્ટર ટૂંકી બિમારી ભોગવ્યા બાદ ગુજરી ગયા એના લગભગ ચારેક દિવસ પછી અનુરાગને આ સમાચાર મળ્યા.  જુના દિવસો યાદ બની વરસી રહ્યા હતા એકાદ કલાકના મનોમંથન પછી અનુરાગ ઓફિસમાં હાફ ડૅ મુકીને નીકળી આવ્યો. બૉસે ટોક્યો પણ ખરો કે વરસાદમાં ક્યાં જાય છે વગેરે.

અનુરાગ થોડા વર્ષ બાદ સ્વસ્થ થઈ ગયો પણ એને જુની યાદોના ભીંગડા ઉખેડવાના મીઠા દુઃખે દુઃખી થવું હતું. બસડેપોએ બેસીને જુની યાદો ફરી ખોતરી. વરસાદ વરસી રહ્યો હતો, વાતાવરણ ભીંજાઈ ગયું હતું.  હમણાં હમણાં બે-અઢી વર્ષમાં જ બધું સમતલ થવા લાગ્યું હતું કે આ નવો જવાળામુખી ફાટ્યો. આ બધું જાતે જ સહન કરવાનું હતું; ન ઘરવાળાઓને, ન ઓફિસના સ્ટાફને, ના દોસ્તો ને ખબર પડે એ રીતે. પણ હમણાંના આંસુઓ ફરી વિદ્યાને નામ.

સાથે નોકરી કરતી વિદ્યાને લગ્ન માટે મનાવવા પ્રયત્નો કર્યા હતા. પણ વિદ્યાના મનમાં "એવું" કશું નહોતું. વિદ્યાના મોટાભાઈને જ્યારે આ બધી વાતની ખબર પડી અને અનુરાગે લગ્ન માટે પુછ્યું ત્યારે ચોખ્ખી ના પાડી દીધી હતી.

બસ આ ત્રણ લીટીની વાર્તા દોઢ વર્ષ ચાલી હતી. વિદ્યાના જ્યારે લગ્ન ગોઠવાઈ ગયા ત્યારે અનુરાગ બસ એને ફોન પર એસએમએસ વાંચતા જોતો અને ખુબ ગુસ્સે થતો. પોતાના ઉપર જ સ્તો. પછીના દિવસો બહુ ભારે હતા પણ અનુરાગ જીવી ગયો. લગ્ન બાદ વિદ્યા નોકરી છોડીને મુંબઈ જતી રહી. ઘરેથી બધા અનુરાગને લગ્ન માટે જોર કરી રહ્યા હતા. એ મુંઝાતો. હવે ફરી વિદ્યા યાદ આવતી રહી, કેવી રીતે જીવતી હશે, શું કરતી હશે વગેરે સવાલો અનુરાગને બેચેન બનાવી મુકતા.

વિદ્યાનો ભાઈ ઘણી વાર દેખાતો. એક વખત એક લગ્નમાં ભેગો થઈ ગયો. એણે સામેથી અનુરાગના હાલચાલ પૂછ્યા એટલે અનુરાગને લાગ્યું કે હવે કદાચ વિદ્યાના કારણે પરેશાન હશે, અને સાચે જ એવું નીકળ્યું. વિદ્યાના સાસરેથી વિદ્યાને કાઢી મુકાઈ હતી કે જાતેજ આવતી રહી હતી. વિદ્યાનો ફોન આવ્યો અને થોડી ઘણી આમતેમ વાત કર્યા પછી મુલાકાત થઈ. એકાદ વર્ષ પછી બહુ સહેલાઈ થી બંનેના લગ્ન થઈ ગયા. ઘરેથી પ્રચંડ વિરોધ છતાં ગમેતેમ કરી અનુરાગે મા-બાપને મનાવી લીધા હતા.

વિદ્યા પહેલા કરતાં ઘણી શાંત થઈ ગઈ હતી, પણ એનાથી વધારે ચુપ અનુરાગ રહેતો હતો. એને હંમેશા લાગતું કે કાશ વિદ્યા પહેલા જ માની જતી, કાશ એનો ભાઈ પહેલાજ મંજુરી આપી દેત, કાશ વિદ્યાના જીવનમાં પતિ તરીકે બીજુ કોઈ ના આવ્યું હોત.  હવે તો વિદ્યા જોડે હતી. ક્યારેક હસતી, ક્યારેક નવા કપડાં લઈ માંગતી, મહેમાનો સામે મોટી વાતો કરતી, ફરવા લઈ જવાની જીદે ચઢતી...અનુરાગ એને જડ મોં રાખીને તાકી રહેતો. એ હજી પણ વિદ્યાને જ વિચારતો રહેતો. ઓફિસમાં, રસ્તામાં, ભીડમાં, એકાંતમાં, તહેવારોમાં, ઉત્સવોમાં. એનો પ્રેમ એ નો એજ હતો પણ કોઈ જાતની ઉદાસી જોડાઈ ચૂકી હતી. એને લાગતું કે વિદ્યા ગરજની માર્યી એની જોડે પરણી છે અને પોતાને ફરી કોઈ જોડે પ્રેમ થવાનો નહોતો એ કારણસર પોતે વિદ્યાને વર્યો છે.

પછી અનુરાગ છાપામાં, ટીવીમાં, પુસ્તકોમાં, વેબસાઈટમાં ઉપાયો શોધતો, મોડેથી ઘરે આવતો, ચૂપ રહેતો. વિદ્યા ઘણીવાર એને ટોકતી. પહેલા પતિની વરસી પર બહુ અપસેટ રહેતી. અનુરાગ તરફથી પ્રેમની અપેક્ષાઓ રાખતી.

બંને પ્રેમથી ભરપુર હ્યદય એકમેક ને ક્યારેય ભીજવી ન શક્યા. ક્યારેક પોતાનામાં, ક્યારેક સામેવાળામાં, ક્યારેક દુનિયામાં, ક્યારેક કિસ્મતમાં અને ક્યારેક ઉપરવાળાના નિર્ણયમાં ભુલો કાઢતા રહ્યા...અને ભુલ કોઈની હતી જ નહિ!અનુરાગ (૩)

(બધી વાર્તાના પાત્રોના નામ સરખા છે...માત્ર નામ :)

બધું હોવા છતાં કશું ન હોવાની લાગણીતો સહુને ક્યારેકને ક્યારેક તો થાય જ છે. પણ આ ઉંમરે તો રોજ ખાલીપો મારા મનને ઘેરી રાખે છે. હવે કોઈની નજર મને શોધતી નથી. કદાચ કોઈ મને જોઈ જ નથી શકતું. છોકરાઓએ અને આ સમાજે મને વડીલ ગણીને માન તો આપી દીધું...પણ સાથે મારા અસ્તિત્વને એક ખુણે હડસેલી દીધું. જીંદગી પણ દિવાળી દિવાળી વીતતી ગઈ અને બુઢાપો નજીક આવતો ગયો. હવે જ્યારે મન માત્ર સહારા અને દયા માટે તડપી રહ્યું હોય ત્યાં પ્રેમની આશા તો ક્યાંથી હોય?

વિદ્યાડી, વિદ્યા, વિદ્યાબેન, વિદ્યાકાકી અને હવે વિદ્યાબા તરીકે ઓળખાતી હું...હવે સવાર-સાંજ મંદિર જાઉં છું. જન્મારો આખો જીવી લીધા પછી સારા મૃત્યુના આશિર્વાદ માંગુ છું. હવે ઝાઝો કોઈ મોહ નથી. માયાઓ મોકળી અને ઈચ્છાઓ પાંગળી થવા લાગી છે. ઘણીવાર સાંજે મારા સપનામાં 'એ' આવે છે અને જુના દિવસો યાદ આવે છે. કેટકેટલી યાદો અને સંભારણા મનમાં એવા ધરબાયેલા પડ્યાં છે જાણે કોઈ ખંડેરના છુપા ઓરડામાં કરોડોનો ખજાનો.

પતિએ પુરતો પ્રેમ કર્યો, બધા ઓરતા પુરા કર્યાં, શણગારી, ફરાવી, જમાડી. લગ્નાના પાંચ-છ વર્ષ જાણે સ્વર્ગમાં રહેવાનું થયું. પછી જે બધા ઘરોમાં થાય છે, જેમ બીજા બધા જીવે છે એ જ મારી પણ વાર્તા છે.

આ વર્ષોમાં અનુરાગ ક્યારેય પણ યાદ આવ્યો નહિ. એ મારો થતો જ કોણ હતો? એનો એકતરફી પ્રેમ હું હંમેશા અવગણતી જ રહી. સામાન્ય દેખાવ, સામાન્ય ઘર, સામાન્ય વિચાર, સામાન્ય જીવનશૈલી અને અસામાન્ય પ્રેમ. આમ તો મુગ્ધાવસ્થાથીજ હું મારી બહેનપણીઓને કહેતી રહેતી કે મારે એક સીદા-સાદા છોકરા જોડે જ લગ્ન કરવા છે. પણ સાચી વાત તો એ હતી કે મારે થોડી 'વ્યવસ્થિત' જીંદગી જીવવી હતી, 'સામાન્ય' નહિ. પણ મને ડર હતો કે જો હું એમ કહેતી ફરું અને પછી મારે કોઈ સામાન્ય છોકરા જોડે લગ્ન કરવા પડશે તો બધી બહેનપણીઓ મારી હાંસી ઉડાવશે. મારે તો એ બધી ચીબાવલીઓ કરતા પૈસાવાળા ઘરમાં પરણવું હતું. આમ, મારા માટે 'સામાન્ય' અને 'વ્યવસ્થિત' શબ્દોના અર્થ વચ્ચે મસમોટા અંતરની ભરપાઈ અનુરાગનો પ્રેમ પણ કરી શકે એમ નહોતો. એક જ ગલીમાં રહેતા હોવાથી અનુરાગ મને ભુલી શક્યો નહિ, મનને મનાવી શક્યો નહિ. એ કેટલીયેવાર પ્રસ્તાવ લઈને આવતો અને હું એને એક જ વાત કહેતી કે આ અશક્ય છે, મને ભૂલી જા નહિ તો પસ્તાઈશ અને દુઃખી થઈશ. હું એને કેવી રીતે કહેતી કે મારા મનના ઓરતાં ખુબ મોટા છે. આ નાનકડી ગલીમાં જીવન જીવવું, અભાવો સાથે રહેવું અને અધૂરા સ્વપ્નાઓ જોડે મરી જવું કેટલું ... કેટલું મજબુરી ભર્યું છે.

પણ અનુરાગ વાસ્તવિકતા ત્યારે જ સમજી શક્યો જ્યારે મારા લગ્ન એક ઉંચા ખાનદાની ઘરમાં થઈ ગયા. હું પછી બધું ભુલવા લાગી. જીવન ખરેખર સુંવાળું થઈ ગયું. મારો નિર્ણય સાચો હતો, હું અડગ હતી, મારો એમાં વિશ્વાસ હતો. વર્ષો પછી અમે પતિ-પત્ની પણ બીજાની માફક ઝગડતાં, લડતાં, આક્ષેપો કરતાં. પણ આ તો ઘર-ઘરની કહાણી છે ને? મતભેદ ક્યાં નથી હોતા? આમ જીવન વીતી ગયું. પતિ પણ જ્યારે ઘરડો થયો, પુત્રોએ એમને ટાઢો પાડી દીધો. થોડા વર્ષ કંટાળામાં કાઢ્યા બાદ છેલ્લે છેલ્લે એમણે પણ સાથ છોડી દીધો.

હું હવે એકલી પડી. મંદિરના પ્રાંગણમાં ઓટલે બેસી રહ્તી અને એમને યાદ કરતી. પ્રભુના ભજન ગણગણતી. ઝાંખું દેખાતું હોવાથી નીચે જોઈને ચાલતાં-ચાલતાં અચાનક સામે એક ડોસો આવી ગયો. હાં, એ અનુરાગ જ હતો. એ આ બાજુ ક્યાંથી? હશે. મને યાદ આવ્યું કે લગ્નના દસેક વર્ષ પછી એક લગ્નામાં જુની બહેનપણીનો ભેટો થઈ ગયેલો, એણ કહેલું કે અનુરાગે મેરેજ કર્યાં જ નથી. એ દિવસે મને થોડું દુઃખ તો થયેલું પણ પછી વિચારેલું કે કદાચ એને કોઈ છોકરી નહિ મળી હોય, કે ગમે તે હોય. મારે શું? કારણ કંઈક બીજું હોઈ શકે.

એણે મને ઓળખી કે ન ઓળખી એ મને ખબર જ ન પડી. હું એને જતા જોઈ રહી. એ બેધ્યાન, ખોવાયેલો-ખોવાયેલો, લાકડીના સહારે ચાલતો જ ગયો.

આજે મને વિચાર આવ્યો કે આખી જીંદગી અનુરાગે કેમ કરી વિતાવી હશે? મારા મનમાં માનવસહજ દયાના આંસુ આવ્યા. મારી પાસે આંસુઓ પણ સહજ આવ્યા, પ્રેમના નહિ. કેટલો અભાગિયો હતો એ!

3 comments:

  1. Deepakji,
    I will always look forward to see your new creations and songs. Hope will be able to see it soon here. Your works are just incomparable please keep writing like this.
    Best of luck and keep up the good work!!!

    ReplyDelete
  2. good but sed story

    ReplyDelete