રેઈનમેન

"ઠકઃ ઠકઃ ઠકઃ"
"નમસ્તે મેડમ! હું ઓશન કંપનીમાંથી આવું છું. અમારી કંપની એક નવું વૉટર પ્યૉરીફાયર ... "
"નથી જોઈતું ભાઈ" બારણું ધડામ!

"ઠકઃ ઠકઃ ઠકઃ"
"હેલો સર! હું ઓશન કંપનીમાંથી આવું છું. અમારી કંપની એક નવું વૉટર વૉટર પ્યૉરીફાયર માર્કેટમાં લોન્ચ કરી રહ્યું છે. એની માર્કૅટ પ્રાઈઝ સાડા ત્રણ હજાર રૂપિયા છે, પણ કંપનીની એડવર્ટાઈઝમેન્ટ માટે ફક્ત દોઢ હજારમાં.."
"નથી લેવું." બારણું ધડામ!

"ડીંગ ડોંગ"
"નમસ્તે સાહેબ..."
"કંઈ નથી જોઈતું ભાઈ, માફ કરો." બારણું ધડામ!

પ્રધ્યુમન નિરાશ મોઢે પોતાની પ્રોડક્ટ લઈને ફ્લૅટના દાદરા ઉતરી ગયો. બાજુના ફ્લૅટમાંથી એક બીજો સેલ્સમેન ઉતરી આવ્યો. બંને મળીને આગળ ક્યાં જવું એ નક્કી કરવા લાગ્યા. પેલાએ એક પ્રોડક્ટ વેચી હતી. થોડી વારે બંને અલગ અલગ દિશામાં આગળ વધ્યા. પ્રધ્યુમને પોતાની સાઈકલ પાછળ પેલું પેકેટ ગોઠવ્યું. પેલા બીજા સેલ્સમેન પોતાની બાઈક લઈને નીકળી ગયો. પ્રધ્યુમનને ચિંતા વધી, એની એક પણ પ્રોડક્ટ વેચાઈ નહોતી. બે મહિનાથી પરફોમન્સ ખરાબ રહ્યું હતું. આ મહિને તો પગાર કપાઈ જ જવાનો હતો. પ્રધ્યુમનને આ મહિને એક જ પ્રોડક્ટ વેચી હતી. કંપનીએ પાંચનું ટાર્ગેટ આપ્યું હતું.

હવે આગળ તરફ જવાનો કોઈ અર્થ નહોતો. પણ પગાર કપાઈ જવાની ચિંતા હતી. પ્રધ્યુમન સાઈકલને પકડીને ચાલતો રહ્યો. ભર ઉનાળો હતો. મે મહિનો. નાનકડી સોસાયટી આવી, એમાં ડબલ માળના રૉ-હાઉસ હતા. ઉપર-નીચે અલગ અલગ ઘર. અહીં તો કોઈ વૉટર પ્યૉરીફાયર કેમ ખરીદશે એ સવાલ ખુદ પ્રધ્યુમનને થયો! છતાં...છેલ્લી ટ્રાય!

"ઠકઃ ઠકઃ ઠકઃ"
"શું છે?"
"મેડમ, હું ઓશન..."
"નથી લેવું." બારણું ધડામ!

"ઠકઃ ઠકઃ ઠકઃ"
આ વખતે બારણું જ ના ખુલ્યું.
"ઠકઃ ઠકઃ ઠકઃ"
"કોણ છે? સુવા દો જરા આરામ કરવા દો યાર.."

એને આ બધાની આદત પડી ગઈ હતી. હવે તો કોઈ સરખી વાત કરતું તો જ નવાઈ લાગતી. હવે ઉપર જવાના કોમન દાદરા પ્રધ્યુમન ચઢ્યો.
કોમન બાલ્કની ના છેલ્લા ખુણાના ઘરની બહાર એક ડોસો ખુરશી નાખીને બેઠો હતો. ના, પેલી પ્લાસ્ટીકની નહિ, લાકડાની...સાદી. બાજુની બારીમાં રેડિયો મુક્યો હતો. ધીમા સુરે જુના ગીતો વાગી રહ્યા હતા.

"ઠકઃ ઠકઃ ઠકઃ"
અંદર આછા અંધારામાંથી એક આકૃતિ પ્રકટી. સાડી! જાણીતો ચહેરો! હાં... આશા! પ્રધ્યુમનની નજર એનું મંગળસુત્ર શોધી રહી હતી. ખભા તરફ, કાનની નીચે સહેજ દેખાયું. હતું. એ પરણી ગઈ હતી એની ખબર હોવા છતાં દુઃખ થયું.
"ઓહ..પ્રધ્યુમન!"
"અ...આશા"
"કેમ છે? કેટલા ટાઈમે.."
"અમ્મ...હા, ખાસ્સો ટાઈમ વીતી ગયો." શબ્દો અને નજરો બંને વડે વાતો ચાલુ હતી.
"શું કરે છે આજકાલ?"
"બસ જો ને...બીજું કંઈ ના થયું તો સેલ્સમેન બની ગયો."
પછી ખાસ્સી વાતો બારણામાં જ થઈ. ઓરડો નાનો હતો, ભરબપોરની વેળા હતી.
વાતોવાતોમાં ખબર પડી કે આશાનો પતિ ગેરકાનુની રીતે અમેરિકા ગયો હતો અને ગુમ થઈ ગયો હતો. બે વર્ષથી કોઈ અત્તોપત્તો નહોતો. અહીં સોસાયટીના ભાડાના મકાનમાં પોતાની ઘરડી મા જોડે રહેતી હતી. સાસુ-સસરા પહેલેથીજ નહોતા અને આશાને કોઈ બાળક પણ નહોતું.

પછી જ્યારે આશાની નજર વૉટર પ્યૉરીફાયર તરફ ત્યારે હસી, " ઉનાળામાં પાણીની તંગી છે, અહીં ઉપરના માળે પાણી એમ પણ નથી ચઢતું. બધા કહે છે કે આ મહિને વરસાદ નહિ આવ્યો તો દુઃકાળ પડશે."
"અરે હું આવ્યો છું તો વરસાદ પણ આવશે, બહુ લકી છું હું." હવે પ્રધ્યુમન હસ્યો. બંનેની નજર ચોંટી ગઈ! જીંદગીના પાછલા પાના ફરફરી ગયા!

પ્રધ્યુમનના હજી લગ્ન નહોતા થયા. આશા પણ હવે એકલી હતી. આ બધી પરીસ્થિતી પ્રધ્યુમનના મનમાં એક કાલ્પનિક ચિત્ર બનાવી રહી હતી. રંગીન ચિત્ર. પછી ઉનાળાની ગરમીમાં ધાબે સૂતા સૂતા ઘણા સપના જોયા. ઘણા બધા. હવે મકાન ખાલી ખાલી નહોતું લાગતું. લાગ્યું કે જીંદગીએ ફરી એક તક આપી છે. કોઈની આશા માત્ર હોવાથી મન કેટલું ઊંચુ ઉડી રહ્યુ હતું! આસું પણ વહ્યા. ખુશીના જ સ્તો!

ત્રીજા દિવસે પ્રધ્યુમન ફરીથી એ સોસાયટીમાં ગયો. બસ આમજ. એજ ભરબપોરનો સમય. પાંપણ પરથી છલકતો પસીનો. દાદરા ચઢવા પહેલાં ઉપરના માળે એક નજર નાખી. બાલ્કની તરફ પીઠ રાખી કોઈ ઉભુ હતું! નીચે સુધી અવાજ સંભળાઈ રહ્યો હતો. કદાચ આશાનો પતિ આવી ગયો હતો. આશાએ ઉપરથી જોઈ લીધું, નજર ફેરવી પણ લીધી, બધું કહી પણ દીધું! સપના ધડામ!

પ્રધ્યુમન વળીને ચાલવા લાગ્યો. મનમાં વાદળ ઘેરાઈ આવ્યા. નજરો જમીન પર હતી અને એક ટીપું પડ્યું. પ્રધ્યુમને આંખ લુછી. અરે...આંખ તો કોરી જ હતી! આકાશ જોયું. અરે આ આંસુ નથી...આ તો વરસાદ છે! ખરેખર વાદળો ઘેરાયા હતા. "અરે હું આવ્યો છું તો વરસાદ પણ આવશે, બહુ લકી છું હું." પ્રધ્યુમન હસ્યો. ખુબ વરસાદ પડ્યો. ખુબ જ!

सेल्समेन हुं, मै सपने बेचता हुं,
कभी दुसरो के कभी अपने बेचता हुं,

सपने सच ना हो तो बदल भी देता हुं,
अगर सच हो जाये तो कमिशन लेता हुं,

सपने सबके सच हो, ये दुआएं करता हुं,
सेल्समेन हुं, लेकिन सच कहेता हुं!
- दीपक

(૧૯૯૦ની અમોલ પાલેકર દ્વારા નિર્દેશિત ફિલ્મ "થોડા સા રૂમાની હો જાયે" થી આ આવાર્તાનો અંત બન્યો છે. ફિલ્મ જોવા જેવી છે. )

Watch "Thoda sa roomani ho jaayen" on Youtube Part 3 Part 11

4 comments:

  1. ખુબ સરસ, પહેલી વાર આવ્યો તમારા બ્લોગ પર, અને પહેલી જ વાર્તા આ વાંચી, દિલ ખુશ થઈ ગયું.

    ReplyDelete
  2. Dipakbhai.. varta saras chhe... varta ma varsad padyo pan pradhyuman ni jindagi to kori j rahi gai... aa varta no aant kharekhar dil todi nakhe evo chhe...

    ReplyDelete
  3. હિરેનભાઈ તમારૂં સ્વાગત છે!
    @smsfunzone .... આભાર!

    ReplyDelete