નવલાટલી

મુને એકલી જાણીને કાને છેડી રે...
નવરાત્રી આવવાની મહિનો વાર હોય અને મંગળબજારમાં ચણિયાચોળી, ઝભ્ભા-કુર્તાની નવી પેટર્ન આવી જાય, ગરબાની ઓડિયો કેસેટ વેચાવાની ચાલુ થઈ જાય. ભર બપોરે ઘરના બારણે યુવકમંડળ લાલ રંગની પાવતી લઈને નવરાત્રીનો ફાળો ઉઘરાવવા આવી પહોંચે. ખાલી મેદાન ઉપરથી કચરો, ઘાસ વગેરે સાફ થવા લાગે. બપોરે સાઈકલ પર સ્કૂલથી આવતા બાળકો રોજ એ મેદાન તરફ નજર નાખીને નવરાત્રીની રાહ જુએ. અમુક ઘરોમાંથી પ્લેયર પર ગરબા વાગતા સંભળાય અને જેમને ગરબા ન આવડતા હોય એ શીખવાનો પ્રયત્નોય કરે. ઓટૉરીક્ષામાં પણ ખાસ ગરબા સંભળાય.

બે-ત્રણ દિવસ બાકી હોય ત્યારે મેદાનમાં વાંસના બંબુ રોપાવા લાગે. આખું વર્ષ જે મેદાન તરફ કોઈ જોતું નહોતું, ગાય ઘાસ શોધતી ફરતી, માત્ર બાળકો રવિવારે એક કિનારે ક્રિકેટ રમતા...એ મેદાન હમણાં દીપી ઉઠે છે. સાંજે બાળકો એ વાંસના બંબુ ફરતે દોડાદોડી કરતા જ હોય.  પેલી ગાયને ભગાડી દેવાય છે. સાંજે છેક સાડાસાતના છેલ્લા કિરણ સાથે સૂરજ સ્વિચ-ઓફ થઈ ગયા બાદ જ બાળકો ઘરે જાય છે.

નવરાત્રીના દિવસે પાણી વગેરે છંટકાવ થઈ જાય છે. સ્કૂલથી આવતા છોકરાઓ બપોરે પેલી બલ્બની સીરીઝને ટીંગાડતા જુએ છે. સાંજે બાળકો રમવા માટે ભેગા થઈ જાય છે. અજાણ્યા મિત્રો બની જાય છે, મોટી રમતો રમાય છે!   હૉલેજન, બલ્બની સીરીઝ વગેરેનું ટેસ્ટીંગ ચાલુ થઈ જાય છે. જ્યારે પહેલી વખત મેઈનસ્વિચ પાડીને આખું મેદાન ઝળહળી ઉઠે છે ત્યારે ઓલમ્પિક સેરેમની ચાલુ થાય એવું લાગે છે! બાળકો બુમાબુમ-દોડાદોડ કરી મૂકે છે.

સાંજે જમવા માટે જતા રહે છે. એ દરમિયાન માઈક અને સ્પીકર ટેસ્ટીંગ ચાલુ થઈ જાય છે. પહેલી વખત "હેલો...હેલો" સાંભળીને જમતા-જમતા થંભી જાય છે. વળી ઉતાવળે જમીને નવા ઝભ્ભા-કુર્તા પહેરીને રમવા જતા રહે છે. એકબીજાને પોતાના કપડાની ડીઝાઈન બતાવતા રહે છે, બીજાની ભાત જોયે રાખે છે. પોતાનો જ ઝભ્ભો વધારે ગમે છે! કોઈ પોતાના ભાઈનો ગયા વર્ષનો કુર્તો પહેરીને આવે છે, એ બીજાના કપડામાં જાણી જોઈને કશો ઈન્ટ્રેસ્ટ રાખતો નથી!  સ્પીકર પર મોટેથી ફિલ્મી ગીતો શરૂ થઈ જાય છે. રમતગમત અને મસ્તી વધી જાય છે. મારા-મારી પણ જોવા મળે છે. યુવકમંડળમાંથી કોઈ એમને છોડાવે છે. કોઈ પોતાના પપ્પા કે મમ્મી અથવા પોતાના ભાઈને બોલાવી લાવે છે!

ગરબા ગાવાવાળા આવી જાય છે. ઢોલીનો કોઈ પત્તો નથી. ધીમે ધીમે લોકો આવવા લાગે છે. કાર્યકરો ભાગાભાગી કરવા લાગે છે. માતાજીનો ફોટો, હાર, નારિયેળ, ચુંદડી વગેરે બધું ગોઠવાઈ જાય છે. બહેનો પુજા કરવા આવી જાય છે. બાળકોમાં સહુથી વધારે શ્રધ્ધા જોવા મળે છે. આખરે ગરબા શરૂ થાય છે. છોકરીઓ ધીમે ધીમે ઘરની બહાર છનછન ઝાંઝર ઝનકાવતી નીકળે છે. એજ જુનાપુરાણા ગરબા શરૂ થાય છે. અમુક નવા ટાબરિયા નવી સ્ટાઈલથી ગરબા કરે છે. રંગ જ રંગ. પછી તો જે બધા જે નવરાત્રી માણે છે એ જ નવરાત્રી.

No comments:

Post a Comment