લવ અનટાઈટલ્ડ

જેમ કાર દરવાજા પાસે આવીને ઉભી રહી, દરવાજે ઉભી રહેલી ઢીંગલી ઘરમાં દોડી ગઈ.
આ ગામ બીજા કરતાં થોડું વધારે ચપળ હતું. અવર-જવર, વિકાસ અને આધુનિકતા બીજા ગામો કરતાં વધારે હતી. પાણી, ડ્રેનેજ, વિજળી, રોડ, સ્ટ્રીટ લાઈટ, દવાખાનું, શાળા, પંચાયત ઓફિસ, મંદિર, તળાવ...બધું જ હતું.

કારમાંથી એક એક કરીને ચાર જણા ઉતરે છે. આધેડ દંપતિ અને એમનો પુત્ર અવિનાશ. જોડે અવિનાશનો ખાસ મિત્ર પણ હતો. જલ્દી જલ્દી ઘરના દરવાજે અનેક લોકો સ્વાગત કરવા આવી ગયા. દરેકની નજર અવિનાશ ઉપર હતી અને અવિનાશની આંખોમાં સૌમ્યતા હતી.

" આવો આવો આવો "
" હા... કેમ છો?"
" બસ મજામાં, તમે?"
" અમેય મજામાં. "
કાશ આ કોઈ વાર્તા હોત તો આવા ઔપચારિક સંવાદો સરસ રીતે લખાયા હોત, એવું અવિનાશનો મિત્ર વિચારી રહ્યો હતો.

ઘરના મોટા ઓરડામાં સોફા પર બેસતાની સાથે બધાની નજર ઓરડામાં ફરવા લાગી. વોલપીસ, ટીવી, ફુલદાની, કેલેન્ડર અને છેવટે પંખો. વ્યવસ્થિત ઘર હતું.

"ઘર શોધતા કોઈ તકલીફતો નહિ પડીને?" વડીલોની ઔપચારિક વાતો હજી ચાલુ જ હતી.
" ના, ના"
" અમે કહ્યૂ, રમેશને, જા જઈને દુકાન પાસે ઉભો રહે, પણ એને પાછું થોડું બીજું કામ નીક્ળી આવ્યું. "
"અરે એવી કોઈ જરૂરત જ નહોતી, સારૂં કર્યું કે ના આવ્યો એ. "

પ્રેરણા નીચી નજરો ઢાળી ઓરડામાં પ્રવેશી. એના હાથમાં ટ્રે હતી. બધાની નજર એના ઉપર ગઈ. પણ અવિનાશ એક નજર જલ્દીથી જોઈને વળી એક નજર પોતાની મમ્મી પર નાખી. એની મમ્મી એકધારી પ્રેરણાને જોઈ રહી હતી. એક એક કરીને પ્રેરણાએ બધાને પાણી આપ્યું. અવિનાશ અને પ્રેરણાની નજર અથડાઈ. પાણી પીતા પીતા અવિનાશે પ્રેરણા તરફ ફરી વાર જોયું. એણે બે હાથથી ખાલી ટ્રે પકડી રાખી હતી અને એના કોમળ અંગુઠાનો રંગીન નખ ટ્રે પર ઘસી રહી હતી. એની પાપણો હજી એમની એમજ ઢળેલી હતી. ખાલી અને અડધા ભરેલા ગ્લાસ લેવા પ્રેરણા પાછી બધા સમક્ષ ટ્રે લઈને ફરી રહી. ફરી એક વાર નજરોથી નજર મળી. હળવે પગલે પ્રેરણા રસોડાના પરદા પાછળ જતી રહી. રસોડામાંથી કંઈક તળાવાનો મંદ અવાજ આવી રહ્યો હતો.

વાતો નો બીજો દોર ચાલુ થયો. અવિનાશને લાગ્યું કે અવિનાશના પપ્પા અને મમ્મીના સુર સામાન્ય કરતાં થોડા ઊંચા થઈ ગયા હતા, મતલબ આ છોકરી બંનેને પસંદ આવી હતી. પ્રેરણા કેટલું ભણી છે, શું શું આવડે છે વગેરે વાતો ચાલી. જોકે વાતો સમય પસાર કરવા માટે જ હતી, કેમકે બંનેના બાયોડેટાની પ્રીન્ટઆઉટ, કુંડળીઓ અને ફોટા તો અઠવાડિયા પહેલા અદલબદલ થઈ ગયા હતા.

દસ મિનિટ પછી પ્રેરણા અને અવિનાશ બાજુના ઓરડામાં બેઠા હતા. બંને થોડા ગભરાયેલા લાગતા હતા.
"કેમ છો?"
"બસ, મજામાં."
"અં...શું ચાલે છે? આઈ મીન શું કરો છો હમણાં?"
"બસ બી.એ. પુરૂં કરીને સોશિયલ વેલફેરનો કોર્સ કરૂં છું."
"સરસ."
પ્રેરણા શરમાવા કરતા ગભરાયેલી વધુ લાગી રહી હતી. અવિનાશને એની ગભરામણ જોવાની મજા આવી રહી હતી. બીજા સવાલો કરીને એ પ્રેરણાને હજી મુંઝવણમાં નાખવા માંગતો હતો!
"મારે એક વાત કહેવાની હતી..." પ્રેરણાના ધીમા અવાજે અવિનાશને આગળ બોલતા રોકી લીઘો.
"હાજી બોલો?"
"તમે કોઈને કહેશો નહિ પ્લીઝ."
"શું" અવિનાશ હવે કોન્શિયસ થઈ ગયો હતો, એના મોં પરનું સ્મિત અલોપ થઈ ગયું.
"સમજ નથી પડતી કે કઈ રીતે કહું, પણ..."
"અરે, કહો કહો..."
"પ્લીઝ તમે કોઈને કહેશો નહિ."
"એવી તો શું વાત છે?"
"એક્ચ્યુલી ... હું એવી છોકરી નથી, પણ હું..." પ્રેરણા મુંઝાઈ ગઈ.
"જુઓ" અવિનાશ ધીમા અવાજે બોલ્યો. "તમારે જે કંઈ પણ કહેવું છે, મને કહી શકો છો."
પ્રેરણાએ અવિનાશની આંખોમાં જોયું અને ફરી નજર ઢાળી દીધી.
"મમ્મી-પપ્પા જબરજસ્તી મારા લગ્ન કરાવી રહ્યા છે."
"ઓહ!" અવિનાશ ચોંકી ગયો.
"મે... બીજા કોઈને... લગ્નનો વાયદો કર્યો છે."
"ઓહ." અવિનાશ પ્રેરણાને તાકી રહ્યો, જાણે કે સંભળાયેલા શબ્દો સમજમાં ન આવ્યા હોય.
લગભગ પાંચેક મિનિટમાં પ્રેરણાએ પોતાની વાત અવિનાશને કરી દીધી. ઓમ જોડે પ્રેમ, બંનેના મા-બાપનો વિરોધ. પરાણે ઈમોશનલ બ્લેકમેઈલને આધીન થઈ પ્રેરણાએ છોકરો જોવાની હા પાડી હતી.
"ઠીક છે, હું કોઈને નહિ કહું, અને તમે ચિંતા કરશો નહિ." અવિનાશ સસ્મિત બોલ્યો.
પ્રેરણાની આંખોમાં મજબુરીના આંસુ હતા.
"જુઓ પ્લીઝ, રડશો નહિ. બધું ઠીક થઈ જશે." અવિનાશ સમજાવા લાગ્યો.
પ્રેરણાના ગાલ પરથી એક ઝરણું વહી રહ્યું.
"તમે મને ઓમનો નંબર આપી દો."
હવે પ્રેરણા વિસ્મય પામે છે.
"જુઓ સમય ઓછો છે, આમ પણ બહાર મમ્મી-પપ્પા વિચારતા હશે કે આ લોકો આટલી બધી શું વાત કરે છે. "
"હં" પ્રેરણાને નંબર મોઢે હતો.
અવિનાશે પોતાના મોબાઈલમાં નંબર સેવ કરી લીધો, સાથે સાથે પોતાના પાકીટમાંથી પોતાનું બિઝનેશ કાર્ડ કાઢીને પ્રેરણાને આપ્યું. પ્રેરણાએ ઝટથી એ કાર્ડ આંગળીઓમાં દબાવી લીધું. દસ-પંદર મિનિટ પછી અવિનાશની કાર હાઈ-વે પર હવા કાપી રહી હતી.

"હેલો, ઓમ?"
"કોણ?"
"હું અવિનાશ"
"કોણ અવિનાશ?"
"પ્રેરણાનો ફ્રેન્ડ, મારે તમારી જોડે થોડી વાત કરવી હતી"
ગાડીના બોનૅટનો ટેકો લઈને અવિનાશ ઉભો હતો. બપોરના એકાદ વાગ્યે પણ ખાસ્સી અવરજવર હતી. ઓમ પોતાની બાઈક પર આવ્યો. પાસેની એક આઈસ્ક્રીમ-શોપમાં બંને ચર્ચાએ ચઢ્યા.ઓમની માનસિક હાલત ખરેખર ખરાબ હતી. પણ મા-બાપના દબાણ વશ એ કંઈ કરી શકે એમ નહોતો. અવિનાશે એને પ્રેરણાની દશા વિશે કહ્યું. થોડી હિંમત આપી. ઘરે જતી વખતે અવિનાશના મનસપટલ ઉપર આખી કહાણી ઘુમી રહી હતી.

બીજા દિવસે પ્રેરણાના પપ્પાનો ફોન આવ્યો. અવિનાશે હજી જવાબ આપવાનો બાકી હતો. અવિનાશે પોતાના મમ્મી અને પપ્પાને ઈનકાર કરી જ દીધો હતો અને કહી દીધું હતું કે છોકરી ખાસ પસંદ પડી નથી. એટલે એ દિશાથી કશી ચિંતા નહોતી. પ્રેરણાના પપ્પા જોડે ફોન પર વાત કરીને એમને મળવાનો સમય માંગી લીધો. હવે માત્ર પ્રેરણા અને ઓમના ઘરવાળાઓને કઈ રીતે સમજાવવું એ નક્કી કરવાનું હતું.

બીજા દિવસે અવિનાશ પ્રેરણાના ઘરે બેઠો હતો. વાતાવરણ જરા ભારે હતું. બાજુના ઘરમાં ૯૦ના દાયકાના ગીતો વાગી રહ્યા હતા. પ્રેરણા દેખાતી નહોતી, કદાચ પરદા પાછળના ઓરડાથી એ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરી રહી હતી, મનોમન પ્રાર્થી રહી હતી. આવા સમયે પ્રેમ સપનાના ફલક ઉપરથી વાસ્તવિકતાની ધરતી ઉપર ઉતરી આવે છે અને લાગણીવેડા તદ્દન ફિક્કા, મામુલી ભાસે છે. અવિનાશે થોડી આડી-અવળી વાત કરીને મુદ્દાની વાત પ્રેરણાના પિતાને કહી દીધી હતી. એમને ગુસ્સો તો આવ્યો હતો પણ સામે અવિનાશ હતો એટલે ગુસ્સો દબાવી દીધો હતો. ઓમ અને પ્રેરણાના ઘરવાળા વચ્ચે જે કોમ્યુનિકેશન ગેપ હજી સુધી રહી હતી એ અવિનાશે પુરી કરી.   

"બોલાવો એને અહીં અવિનાશ કુમાર" પ્રેરણાના પિતાનો અવાજ થોડો કડકાઈ ભર્યો થઈ ગયો હતો. આવું અવિનાશે ધાર્યું તો નહોતું છતાં એના ચહેરા પર એક સંતોષ હતો. પરદા પાછળ કોઈના ધબકારા બમણા થઈ ગયા હતા.

પ્રેરણાના પિતાએ બાજુના ટેબલ પરથી મોબાઈલ ઉઠાવ્યો, "હેલો રાઘવભાઈ..." કહેતાક ને બહાર દરવાજા તરફ જતા રહ્યા. હવે અવિનાશને લાગ્યું કે કંઈ વધારે પડતું ન થાય તો સારૂં. અવિનાશે ઓમને ફોન કરી દીધો. અડધો કલાક અવિનાશ એકલો બેસી રહ્યો. પ્રેરણાના મમ્મી એને પાણી આપી ગયા. બુલેટ પર રાઘવભાઈ આવી ગયા હતા, એમનો કરડાકી ચહેરો અને મુછો બારીમાંથી અવિનાશ જોઈ રહ્યો. પ્રેરણાના પિતા અને રાઘવભાઈ બંને બહાર વાતો કરી રહ્યા હતા. ખાસ્સી વાર પછી બંને અંદર આવ્યા.

"અવિનાશ?" ઓરડામાં વળી એમનો અવાજ ખાસ્સો...ખાસ્સો ભારે અને ઉંચો હતો.
"હં"
"તમે કેવી રીતે ઓળખો છો ઓમને?" રાઘવભાઈએ અવિનાશની પૂછપરછ ચાલુ કરી. અવિનાશે સાચેસાચું કહી દીધું. ઓમ પણ આવી ચડ્યો, એ બહાર જ ઊભો હતો. અવિનાશ બહાર જઈને એને બોલાવી લાવ્યો. ઓમ ગભરાયેલો હતો છતાં વ્યવસ્થિત દેખાવાનો પ્રયત્ન કરતો રહ્યો. બધા વચ્ચે ખાસ્સે ચર્ચા થઈ. અવિનાશે ઓમનો પુરેપુરો સાથ આપ્યો. રાઘવભાઈ જેવા દેખાતા હતા એના કરતા તદ્દન સમજુ નીકળ્યા. પ્રેરણાના પિતાએ ઓમના ઘરવાળાને મળવાની વાત કરી. હજી સુધી અવિનાશ આ બાબતે ચોક્કસ નહોતો કે આગળ શું થવાનું છે.

જ્યારે ઓમના અને પ્રેરણાના માતા-પિતા પ્રેરણાના ઘરે મળ્યા ત્યારે અવિનાશ નહોતો. પ્રેરણાએ ફોન કરીને જણાવ્યું કે બંને પરિવાર વચ્ચે મનમેળ થઈ ગયો છે! પ્રેરણા ફોન પર રડી પડી. અવિનાશે અભિનંદન આપ્યા. ઓમ તો સાંજે અવિનાશને મળવા આવ્યો અને સીધો ભેટી પડ્યો!

એકાદ મહિના પછી સગાઈ થઈ ગઈ. જોકે અવિનાશે આ બધું પોતાના મા-બાપને કહ્યું નહિ. આગલી સીઝનમાં સગાવહાલાના ગમા-અણગમા વચ્ચે લગ્ન ગોઠવાઈ ગયા. અવિનાશને કોઈ કામથી જલ્દી જવાનું હતું. મંડપની સામે સોફા પર બેઠા બેઠા એ વર-વધુને નિહાળી રહ્યો હતો. ઓમ ખુબજ ખુશ હતો, પણ આદત અનુસાર ખુશી છુપાવી રહ્યો હતો. પ્રેરણા ખુબજ સુંદર લાગી રહી હતી.

આખરે ફેરા થઈ ગયા અને અવિનાશને ફોન આવી ગયો. અવિનાશ બંનેને ઈશારાથી આવજો કહીને નિકળી ગયો. દંપતિ એને જતા જોઈ રહ્યા. ઓમના ભપકાદાર દોસ્તોને તો પછી ખબર પડી કે અવિનાશ દંપતિ માટે આટલો મહત્વનો છે! બેઠેલા મહેમાનો પણ અવિનાશને જોઈ રહ્યા. અવિનાશ વિદેશી ફુલોથી સજાવેલા દરવાજાની બહાર જઈ રહ્યો હતો. એની આંખ રડી રહી હતી પણ ચહેરો કઠોર હતો. પહેલી નજરમાં થઈ ગયેલા પ્રેમને અવિનાશે કેવી રીતે નિભાવ્યો એ તો અવિનાશ જ જાણે.

6 comments:

  1. દીપકભાઈ સરસ વાર્તા છે અને જોરદાર વણાંક પર આવીને ઉભી રાખી છે .દીપકભાઈ બીજો ભાગ ત્વરિત મુકજો .

    ReplyDelete
  2. SUPERB.....AAM J LAKHTA RAHEJO...KEEP IT UP

    ReplyDelete
  3. a very Heart touching and rare situation!!
    Keep it up Deepakji. Hope to see some more good stuff like this in future.

    ReplyDelete
  4. સરસ પ્રયાસ. અભિનંદન.
    લખતા રહો.

    ReplyDelete