ધારણા

વિકી અને આલોક. બંને બસની રાહ જોઈ રહ્યા હતા. આજે તેઓ કૉલેજ છુટ્યાને તરત જ કેમ્પસની બહાર નીકળી આવ્યા, કારણકે એમના ગૃપના ખાસ ખાસ મિત્રો આવ્યા ન હતા. થોડાક દિવસો થી પૂર્વી અને રવિના પ્રેમ પ્રકરણ વિશે વાતો આખા કેમ્પસમાં ચાલી રહી હતી. વિકી અને આલોક પણ એમની જ વાતો કરી રહ્યા હતા. વિકી ધ્યાનપૂર્વક આલોકની બધી વાતો સાંભળી રહ્યો હતો. આમ પણ આલોક ખૂબ વાતોડિયો હતો, અને વિકી ઓછાબોલો. આલોક હંમેશા બીજાની પંચાતમાં રહેતો. કોણ શું કરે છે, શું કહે છે, કોણ કેમ રહે છે, એ બધું ધ્યાનમાં રાખતો. વિકીને આવી બધી પી.એચ.ડી. ગમતી નહિ પણ એ આલોકને સહન કરી શકતો હતો.

એક રૂપાળી યુવતી થોડેક દૂર ઉભી હતી. આલોકની નજર સીઆઈડી કરી રહી હતી.
"જો વિકી...પેલી..જે ત્યાં ઉભી છે. મસ્ત છે ને?"
વિકીએ એક નજર પેલી યુવતીને જોઈ "હમ્મ"
"શું કરતી હશે? આજે પહેલી વાર જ દેખાઈ છે અહી...નહિ?"
"હમ્મ"
"એકલી જ લાગે છે."
"હમ્મ"
"શું હમ્મ?"
"છોડને યાર...કૉલેજમાં ઓછી જોઈએ છીએ રોજ?"
"પણ આવી છોકરીને ફસાવવી સહેલી"
"ફસાવવી?" વિકી કંટાળ્યો.
"હાસ્તો વળી. કૉલેજમાં તો બધી છોકરીઓ પાસે બાઈક-કારવાળા ઓપ્શન હોય એટલે એ બહુ ભાવ માંગે. પણ આવી છોકરી જલ્દી માની જાય હોં. પેલો રાહુલ નહિ એણે આવી જ એક છોકરી જોડે મેળ પાડી દીધો."
"તો તું પણ ટ્રાય.મારને." વિકી મનમાં હસ્યો.
"બધા લોકો પેલીને જ જુએ છે યાર...ખાલી ખોટા સુતાઈ જઈશું."
"હમ્મ, કાલે છૂટ્યા પછી આઈનોક્સ જઈશું?" વિકીએ વાત બદલતા કહ્યું.
"પણ દેખાય છે મસ્ત હોં." આલોક હજી એને જ તાકી રહ્યો હતો.

એક બાઈક રસ્તાની સામેની બાજુ રોકાયું. એક યુવાન આ તરફ જોઈ રહ્યો હતો.
"જો" આલોક બોલ્યો
વિકીએ જોયું એ યુવાને જીન્સ અને શર્ટ પહેરેલું હતું, આછી દાઢી હતી અને વિખેરાયેલા વાળ હતા. જોકે એકંદરે સામાન્ય ઘરનો લાગતો હતો.
"જો પેલો આને જ જુએ છે." આલોકનો ઈશારો અહીં ઉભેલી યુવતી તરફ હતો.
વિકી સમજી ગયો કે હવે આલોકકથા શરૂ થવાની છે.
"આવા છોકરાઓ બહુ જબરા હોં...હંમેશા શિકાર જ શોધતા હોય. જ્યાં કોઈ એકલી છોકરી મળી ગઈ ત્યાં ફિલ્ડીંગ જ ગોઠવી દે."
"એવું?" વિકી પેલા યુવાન તરફ જોતાં જોતાં બોલ્યો.
"આપણે કૉલેજના છોકરાઓ હંમેશા હાઈ-ફાઈ છોકરી પાછળ ટાઈમ બરબાદ કર્યા કરે. એના કરતા આવી સીદીસાદી છોકરી પર ટ્રાય મારતા હોય તો?"
"વાત સાચી છે."

આ યુવતીને પેલો યુવાન તાકી જ રહ્યો હતો. યુવતી એક નજર પેલા યુવાન પર નાખીને બીજી તરફ જોવા લાગી. બસને આવવાની હજી વાર હતી. પેલો યુવાન હજી ત્યાં જ તડકામાં ઉભો હતો. એણે બાઈક સ્ટેન્ડ નહોતી કરી બસ આમ જ ઉભા ઉભા આ યુવતીને નિહાળી રહ્યો હતો. આ બધું બીજા પેસેન્જરો પણ જોઈ રહ્યા હતા.

"આવા નફ્ફટ જોડે મગજમારી કોણ કરે?" હવે વિકી બોલ્યો.
"નફ્ફ્ટ શું? આવા છોકરાઓ જ બાજી મારી જાય." આલોકે પોતાના છપાઈ ગયેલા વિચારો જણાવ્યા.
"ના લ્યા...જો ને છોકરી સીધી લાગે છે. એનો ક્યાં વાંક છે?"
"હમ્મ?" આલોકે પોતાનો કાન નજીક લાવ્યો.
"અલ્યા તે છોકરીઓએ બસમાં અપડાઉનેય નહિ કરવાનું? આવા લોફરો તો બધે જ હોવાના, આપણી કૉલેજમાં ઓછા છે?" વિકીની આ વાત આલોકને સાચી લાગી.

પેલા યુવાને હવે બાઈક રસ્તાની એક બાજુ પાર્ક કરી. યુવતી આજુબાજુ જોવા લાગી. એણે અદબવાળીને પોતાની બેગ ખભે લટકાવી લીધી હતી. વિકી પેલી છોકરીનો ક્ષોભ સમજી રહ્યો હતો. આલોક તો ધારીધારી ને પેલા યુવાનની હરકતો જોઈ રહ્યો હતો. 
"લગાવ શરત, પેલો આ છોકરીને ઘણા દિવસથી હેરાન કરતો હશે." આલોક બોલ્યો.
"શેના પરથી કહે છે?" વિકી નવાઈ પામ્યો.
"છોકરીએ પેલાને જોઈને તરતજ મોઢું ફેરવી લીધું હતું, પેલો પણ સ્પેશિયલ આ છોકરી માટેજ આવ્યો હોય એવું લાગે છે."
"એ પણ બને" આલોકનો વિશ્વાસ આ છોકરી પરથી ઉઠી રહ્યો હતો.
"બને...નહિ એવું જ છે." આલોક અર્થપૂર્ણ હસ્યો.
"હમ્મ" વિકી નિરાશ થયો!

ઓચિંતા પેલા યુવાને આ છોકરી સામે માથું હલાવ્યું. આ ઈશારો કંઈ સમજી શકાય તેમ નહતો. એ છોકરીની આસપાસના લોકોએ પણ કદાચ આ જોયું. છોકરીનું મોં પડી ગયું હતું. એ પેલા યુવકના ઈશારાને અવગણીને બીજી બાજુ જોવા લાગી. એણે અદબવાળીને પોતાની બેગ ખભે લટકાવી લીધી હતી.
"જબરી ડેરીંગ હોં" આલોક હવે પ્રશંસા કરવા લાગ્યો. "આવું આપણાથી ના થાય."
"આપણે કરીએ પણ નહિ આવું." વિકીને પેલા યુવાનની હરકત નહોતી ગમી.
પેલો યુવાન હજી એક ઝીણો ઈશારો કરે છે. યુવતી હજી છોભીલી પડી જાય છે.
"જોયું?" આલોક વિકીને કોણી મારે છે. વિકી હજી તો પેલી છોકરીના હાવભાવ જોઈ રહ્યો હતો.

છોકરીની અવગણના પેલા યુવાનની મર્દાનગીને ગુસ્સો અપાવે છે. એ રોડ ઉપર ડાબી-જમણી બાજુ જોઈને એકાદ ડગલું આ તરફ ઉપાડે છે ત્યાં તો છોકરી સાવધાન થઈ ગઈ. ડાબે-જમણે જોતાં જોતાં એ યુવાન રોડ ઓળંગીને આ તરફ આવી રહ્યો હતો.આ બંને કોલેજીયન મિત્રોએ કોઈની આવી હિંમત જોઈ નહોતી. એ બંને અને બાકીના પેસેન્જર શૂન્યમન્સ્ક થઈ ગયા હતા. બીજાના લફરામાં કોણ પડે? આપણા ઘરે બીજા હજાર કામ છે!

આ યુવાને યુવતી પાસે જઈને એક સ્માઈલ આપી. યુવતી બીજી તરફ તાકી રહી. એનો ગુસ્સો સાતમા આસમાને ચઢી ગયો હતો. બધાને લાગતું હતું કે હવે એકાદ ઝાપટ પડી જવાની તૈયારી છે. પેલા યુવાને કંઈક વાત કરવાનો પ્રયત્ન કર્યો. યુવતીએ સહેજ સખત અવાજમાં ના પાડી એ અમુક લોકોને સંભળાઈ. ત્રણ-ચાર વખત સવાલ અને "ના" નો સીલસીલો ચાલ્યો.

છોકરી જ્યારે સહેજ માથું હલાવી ઈનકાર કરતી એના ઝુમખાં પર વિકીનું ધ્યાન જતું. ગુસ્સો યુવતીની સુંદરતાનું કાંઈ બગાડી શકતો નહતો. વિકીએ આલોકના કાન તરફ જઈને ધીમેથી બોલ્યો, "ચાલ ત્યાં જઈએ" આલોક સમજી ગયો કે વિકી આ બબાલની વચ્ચે પડવાની વાત કરી રહ્યો હતો. એ કહે છે "આવું તો રોજ થયા કરે, એમાં આપણે શું? આપણે કાલે પણ આજ બસસ્ટૉપથી જવાનું છે. આ બધી તો રોજની વાત છે...છોડને."


વિકીએ પોતાનો થોડોઘણો ગુસ્સો અને જુસ્સો બંને દબાવી દીધા. આલોક વિકીને જોઈ રહ્યો, એને થયું કે વિકી વચ્ચે ન પડે તો સારૂં.  આખરે બે-ત્રણ મિનિટ વીતી ગઈ. પેલા યુવક-યુવતીનો વાર્તાલાપ પૂરો થયો. પેલો યુવક ચાલતો થયો.

છોકરી પેસેન્જરો પર એક નજર ફેરવી લીધી. એક બેન પોતાના પતિને કશું કહી રહ્યા હતા અને એમની આંખો પેલા યુવક પર હતી. યુવક પોતાની બાઈક સ્ટાર્ટ કરી અને આગળ ઉપડી ગયો. વિકી અને આલોક બાઈક ને જતાં જોઈ રહ્યા.

અચાનક બાઈક આગળ ડીવાઈડરથી જમણે વળીને રોડની આ તરફ આવી રહી હતી. હવે બધા પેસેન્જર્સની ઉત્સુકતા વધી ગઈ. આલોક અને વિકીની તદ્દન સામેથી પેલો યુવક પસાર થયો. એના માથા પર એક જુના ઘાનો નિશાન વિકીએ તરત ધ્યાનમાં લીધો. પેલી યુવતીની સામેજ યુવકે બાઈક રોકી અને પાછળ બેસવાનો ઈશારો કર્યો. આલોકે તરતજ વિકીના કાનમાં કહી દીધું "બેસી જશે." અને વિકીને સમજ ન પડી કે આલોકે આવું શેના પરથી કહ્યું. એ ફક્ત બીજા પેસેન્જરની જેમ જોઈ રહ્યો. આ બધું એકદમ ઝડપી થઈ રહ્યું હતું. રોડની સામેની બાજુ એક ગલ્લા પર ઉભેલા માણસો પણ આ તરફ જોઈ રહ્યા હતા. રોડ પર અવરજવર ચાલુ હતી. ટ્રાફિક કોઈની જીંદગીમાં ઈન્ટ્રેસ્ટ લેતો નથી. એણે તો ફક્ત દોડતા જ રહેવાનું છે.

પેલી યુવતી નજર ઝુકાવીને પેલી બાઈક પર નાછૂટકે બેસી ગઈ. જાણે શું મજબુરી હશે, પણ એના ચહેરા પરના ભાવ કોઈ સમજી ના શક્યું. વિકીના સંવેદનશીલ મન પર થોડો આઘાત લાગે છે. આલોકે પોતાના કથનને સાચા પડતા જોઈ ગર્વથી વિકીને જોયું. વિકીને ફરી ગુસ્સો આવ્યો અને શમી ગયો. "આને કહેવાય ડેરીંગ, જોયું?"આલોકને હજી સંતોષ થયો નહોતો. "હવે ગાડી સીધી ગાર્ડન કે પછી બીજી કશે જશે." આ સાથે આલોક એક બીજા આધેડ ઉંમરના વાંઢા જેવા દેખાતા માણસને પેલી જતી બાઈકને આંખોથી બતાવી. આધેડ પણ અર્થપૂર્ણ હસ્યો.

થોડી વાર પછી વિકી અને આલોક બસમાં બેઠા હતા. આલોક બારીની બહાર જોતો જોતો એની આલોકવાણી કરી રહ્યો હતો. વિકી હજી કશે ખોવાયેલ હતો. આલોક હવે કૉલેજમાં કોની કોની જોડી બનવાની છે, કોણ રહી જવાનું છે એની ભવિષ્યવાણી કરી રહ્યો હતો. "બસ યાર..." વિકી વિનંતી કરે છે.

એક રૂમના પલંગ પર પેલો યુવક યુવતીએ હજી વાતો શરૂજ કરી હતી. અને આ સાથે આપણી વાર્તાનો કેમેરો ત્યાંથી ધીમે ધીમે બ્લર થઈને ટેબલ તરફ શીફ્ટ થાય છે. ટેબલ ઉપર એક ફોટોફ્રેમમા બંનેના લગ્ન વખતે પાડેલ ફોટોમાં બંને હસી રહ્યા હતા. ઝગડો હવે પૂરો થઈ ગયો હતો.

રોજ દેખાતી હજારો બાબત, એમાંથી અમુક બાબતો વિશેની આપણી ધારણા અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા લાગણીઓમાં તફાવત હોય જ છે. એ હિસાબે આપણે રોજ ખોટા પડતા હોઈશું?

3 comments:

  1. મજા આવી વાંચવાની..

    લખતા રહો દિપકભાઈ.

    ReplyDelete
  2. આભાર હાર્દિકભાઈ... જેમ આપે જણાવ્યું હતું તેમ રિપ્લાય કરવામાં કોઈ અગવડ તો નથી પડીને?

    ReplyDelete
  3. હાર્દિક નહિ દિપકભાઈ હર્ષદ.....:P
    ના હવે કોમેન્ટ બરાબર રીતે થાય છે. :D

    ReplyDelete