ઉત્તરાયણ

પહેલા મને કહી દો કે આ લેખ લખવા માટે પતંગ ચગાવતા આવડવી જ જોઈએ? કેમકે પતંગબાજીનો મને શોખ નથી. ચગાવતા થોડી ઘણી આવડે છે. એ પણ થોડી શરતોને આધીન. પતંગ સારી હોવી જોઈએ, કિન્નાર પરફેક્ટ હોવી જોઈએ, પવન પુરતો હોવો જોઈએ, આજુ-બાજુના ધાબા પર માત્ર નાના બાળકો જ પતંગ ચગાવતા હોવા જોઈએ. ખેંચ મારવા જેવી નાજુક ક્ષણ માટે કોઈ બાજુમાં હાજર હોવું જોઈએ. તો જ આપણે પતંગ ચગાવીએ. નહિતર પછી મારે બીજા પણ મહાન કામ કરવાના હોય છે.

ખેર. વાત છે ઉત્તરાયણની, પતંગોત્સવની. ઉત્તરાયણ પહેલાના એક મહિના સુધી મારા મન પર ઉત્તરાયણની ઘણી જ અસર રહેતી. કેમકે મહિના પહેલાથી જ દોસ્તો સ્કૂલેથી બાર વાગે આવીને અગાશી પર પતંગ ચગાવવા ચઢી જતા. અમારા રેલ્વે ક્વાટર ડબલ માળના હતા. કુલ ચાર ડબલ માળના ઘર ભેગા થઈને એક મોટી વિશાળ અગાશી બનતી. (૧૫૦ ફુટ બાય ૨૦ ફુટ આશરે) એટલે જોવાનું શું? આખી બપોર કોઈને કોઈ અગાશી પર ધબાધબ કરતું હોય તો મારો પણ લેશનમાં જીવ નહોતો ચોંટતો.

સાંજના શિડ્યુલમાં દોઢેક મહિના માટે એક નવી રમત ઉમેરાઈ જતી. જોકે મારે મન એ પતંગ ઉડાવાની ટ્રેઈનીંગ હતી. કંટાળી જતો હતો. એક બે પતંગ રોજ ફાડી નાખતો. પરચુરણ દોરાના લચ્છા, પીલ્લા બનાવતા રહેતો. ઝાડ ઉપર ફસાયેલી પતંગોને લંગર નાખી પાડવાની નાકામ કોશિશો કરતો. કપાયેલ પતંગ રસ્તા પર લુંટવા જતા બહુ શરમ આવતી, અને એવો અવસર પણ નહોતો મળતો. અડોસ-પડોસથી ચીક્કીની વેરાઈટી ખાવા મળતી. ઘરની ચીક્કી જ ભાવતી. સ્કુલમાં તો પતંગની વાતો તો થતીજ પણ જો રીસેસમાં કશેથી દોરા મળી જાય તો લંગર લડાવતા, ઘસરપટ્ટા રમતા. ચાલુ ક્લાસમાં પતંગને સ્કુલની બારીમાંથી ચગતા જોઈ રહેતા


પહેલી ઉત્તરાયણ કઈ હતી એ યાદ નથી. સવારે જ્યારે આંખો ખુલી ત્યારે બહાર શોરબકોર હતો. ત્રણ-ચાર ગીતો સાથે સંભળાઈ રહ્યા હતા. (હજી પણ કોક વાર પીસીમાં ત્રણ-ચાર પ્લેયર સાથે ચાલુ કરીને યાદો તાજી કરી લઉં છું.) ચીચીયારીઓ, બુમો ગુંજી રહી હતી. પપ્પા સફેદ-લીલી ડિઝાઈનવાળી પતંગ લાવ્યા હતા. બે કોડી પતંગ તો પૂરતી હતી. કાળા માંજાવાળો દોરો ખાસ સુરતથી મંગાવ્યો હતો. જે એ પછીના લગભવ ત્રણ વર્ષ સુઘી મેં ચલાવ્યો હતો. મને તો પતંગ આવડતી નહોતી એટલે પપ્પાએ પતંગ ચગાવી અને કિન્નારમાંથી તુટી ગઈ. મારી સામે કોઈ એને  લઈને જતું રહ્યું. પછી મે પપ્પાને પતંગ ચગાવાનો મનાઈ હુકમ ફરમાવી દીધો.

બીજી ઉત્તરાયણમાં એ જોઈને આઘાત લાગ્યો કે મારાથી બે વર્ષ નાના મિત્રને પતંગ ચગાવતા આવડી ગઈ છે. આ વખતે પવન સારો હતો. એટલે મેં પણ હિમ્મ્ત કરી. આ વર્ષે પેલી સફેદ-લીલી ડિઝાઈન વાળી પતંગ ઉપરનો મોહ થોડો ઓછો થઈ ચૂક્યો હતો. એ લઈને હું અગાશી પર ગયો. પણ મારાથી પતંગ ન ચગી તે ન જ ચગી. પેલા મિત્રએ કહ્યું કે પતંગ માત્ર સફેદ જ હોવી જોઈએ, તો જ સારી ચગે. એ વર્ષે ઘણું જ્ઞાન અર્જીત કર્યું હતું. કયો દોરો સારો, કેટલા તાર, કયો માંજો, માંજામાં ઈડા હોય કે નહિ, પતંગની બનાવટ, કિન્નાર, એક બાજુ લટકાવામાં આવતું વજન, માથા પર પતંગની કામળી ઘસવી, પુંછડી કેમ લગાવવી આવા બધા સવાલો/કન્ફ્યુઝન નો જવાબ મળતા વર્ષો નીકળી ગયા.

પપ્પાએ વીટી વિશે સમજાવ્યું કે વીટી પહેરો તો આંગળી ન કપાય. હું મારી જુની સ્ટીલની ખોટા નંગ વાળી વીટી પહેરીને દોઢ કલાક પતંગ ચગાવાની વ્યર્થ કોશિશો કરી. એક વાર આંગળી પણ કપાઈ ગઈ. આ વીટીની ઓળખાણ મને બીજા વર્ષે થઈ. આ ઉત્તરાયણમાં રાત્રે ફાનસને ઉડતા જોયું. જે મારી માટે અહોઆશ્ચર્યંમ્ હતું. મમ્મીએ સમજાવ્યું કે એ પતંગ જોડે બાંધેલું હોય છે. મને એમ લાગ્યું કે ફાનસને પતંગની પુંછડીએ બાંધવામાં આવે છે. લગભગ આ વર્ષના ચાર-પાંચ વર્ષ પછી ફાનસ ખરેખર કેવું હોય એ જોવા મળ્યું. એ ફાનસ જોયાના અઠવાડિયા પછી જાતે જ એક ફાનસ બનાવી ને ઉડાવાનો સફળ પ્રયોગ કરેલો.

એ ત્રણ દિવસવાળી ઉત્તરાયણ તો ગઈ, એક દિવસની ઉત્તરાયણ મનાવી રહ્યો છું. ચીક્કી-શેરડી ખાવાની મજા પડે છે. હવે તો લોકોને લાઈટબિલ બાળીને ગીતો વગાડવા નથી. હવે સાંજે ઉંધિયાપાર્ટીની તૈયારીમાં લોકો બીઝી થઈ જાય છે.

ખેર.....આ બધા તો અનુભવો હતા, જે થયા હતા. પણ જે વિચારો હતા તે કંઈક આ પ્રમાણે હતા... પતંગને હાથમાંથી જતા જોઈને ત્યાગ, વૈરાગ્યનો ભાવ શું છે એની ખબર પડી. ઉમરમાં નાના મિત્રોને વર્ષેને વર્ષે પતંગ ચગાવામાં વધતી જતી પારંગતતા જોઈને ખબર પડી કે માત્ર શાળાનું ભણતર કશા કામનું નથી. અમુક સમયે સારા કપડાં, સારો વ્યવહાર, ભણતર વગેરે કશા કામના નથી રહેતા. જેની પતંગ ઊંચે ઉડે એ જ રાજ્જા!

No comments:

Post a Comment