શ્વાનપ્રેમી

સાચુ કહું તો મને શ્વાન જાતિ તરફ વધારે લગાવ નથી. હું કુતરાથી બનતા સુધી છેટો જ રહું છું. જો મારી આસપાસ પણ કોઈ શ્વાન પુછડી પટપટાવીને ઉભો હોય ત્યારે હું ભારે અસુરક્ષાની લાગણી અનુભવું છું. મિત્રોને કહી રાખ્યું છે કે મને કુતરાથી બિલકુલ ડર નથી લાગતો બલ્કે પેલા ચૌદ ઈંન્જેકશનોથી ગભરાઉં છું. જોકે બધા લોકો આ જ બહાનું આપતા હોઈ મારી પોલ ખુલ્લી પડી જાય છે.

કુતરાનું રડવું અશુભ ગણાય છે. વળી અમુક મહેમાનો આપણા ઘરે આવતા અચકાય છે. (જોકે મહેમાન આજકાલ કોઈને ગમતા નથી એટલે આ પોઈન્ટને ૫૦-૫૦%) વળી જો ઊંચી જાતનો કુતરો હોય તો એને વિશિષ્ઠ માવજત આપવી પડે છે. કુતરાનો એક ફાયદો એ છે કે ઘરની રખેવાળી કરે છે. વેલ, દેસી કુતરાઓને ઘરની વાસી રોટલીઓ ખવડાવીને છેતરવામાં આવે છે. ઓછા પગારે વધારે કામ લેવાય છે. જોકે આ દેસી કુતરાઓ અંદરોઅંદર એટલા લડ્યા કરતા હોય છે કે તેમના ભસવાનો અવાજ ગૌણ એટલે કે કોમન થઈ જાય છે અને જ્યારે ચોર આવે ત્યારે પડોશીઓને લાગે છે કે કુતરા તો ખાલી અમસ્તા ભસી રહ્યા છે અને ચોરને મજા પડી જાય છે.

જોકે હવે કુતરાને કુતરો કહેવાય નહિ, કેમકે એના માલિકને ખોટું લાગી જાય છે. તેઓ હવે "શ્વાન" અથવા "ડોગ" જેવા સારા નામની અપેક્ષા રાખે છે, અને આપણને ટોકે છે પણ ખરા. એમને મન હવે એ કુતરો નથી બલ્કે એમનો "પુત્ર" છે. (કુતરાને બેટા-બેટા કહીને બોલાવતા સાંભળ્યા તો હશે.)
સિરીયસ વાત એ છે કે આપણે જેટલો ખર્ચો કુતરા પાછળ કરીએ છીએ એ વ્યાજબી છે ખરો? કુતરાનો ખર્ચો એક મીડલ ક્લાસ માણસના ખર્ચા જેટલો થાય છે. કુતરાઓ મોટે ભાગે, હાં મોટે ભાગે દેખાડો કરવાનું પ્રતીક થઈ ગયું છે. એક મોટી ગાડી હોય અને એની બારીની બહાર એક લેબ ડોકિયું કરીને બેઠો હોય એવા સીન તમને ખાસ જોવા મળશે. આવા બધા શોખ કેમ જરૂરી છે એની મને ખબર પડતી નથી.

સવારે મંદિર અથવા બગીચા બહાર કોઈ વાર એવી વ્યક્તિ દેખાય જે રખડતા કુતરાઓથી ઘેરાયલો હોય તથા એમને દૂધ અથવા બિસ્કીટ ખવડાવતો હોય એવા શ્વાનપ્રેમી તરફ મને માન ઉપજે છે, ત્યારે મને એક સાચો શ્વાનપ્રેમી દેખાય છે.

2 comments:

 1. દીપકભાઇ...
  મજાની પોસ્ટ લખી છે આપે મારા પ્રિય પ્રાણી 'શ્વાન' વિશે.
  મને પણ લાગે છે કે લોકો કુતરાને 'શ્વાન' કહે તો સારું.કારણ, એ પ્રાણી ખરેખર માણસજાત માટે ઉપયોગી અને વફાદાર છે.
  અને હા, આ છેલ્લો ફકરો ગમ્યો...

  ReplyDelete
 2. શ્વાન વિશેની આ એક જોક...
  મગનઃ યાર, આ તને શું થયું?
  છગનઃ આજે સવારે વોકિંગમાં મારા કૂતરા સાથે નીકળ્યો અને એક કારચાલક બંનેને ટક્કર મારીને ચાલ્યો ગયો. માંડ ઘરે પહોચ્યા ને તરત જ પત્નીએ રીક્ષા બોલાવીને દવાખાને પહોચાડ્યો.
  મગનઃ પણ યાર, તારી પાસે તો કાર છે ને ભાભીને કાર ચલાવતા પણ આવડે છે ને!
  છગનઃ એ મારા કૂતરાને દવાખાને પહોંચાડવા કાર લઇ ગઇ હતી.

  ReplyDelete