આરોપ

( ૭મા ધોરણમાં જ્યારે હું ભણતો હતો, માળિયામાંથી એક જુની હિન્દી નોવૅલ હાથ લાગી. આવી નોવૅલ સ્ટેશન, બસ ડેપોના બુકસ્ટોલ પર જોવા મળે છે. કદાચ મેં પહેલી વાર આ પ્રકારની રચના વાંચી એટલે કે કેમ, પણ એની વાર્તા મને બહુજ ગમી ગઈ. હજી સુધી એ નોવૅલ સાચવી રાખી છે. એ બુકનું મુખપૄષ્ઠ તો પહેલેથી જ નહોતું. પણ વચ્ચેના ફોલીયોમાં નીચે એ વાર્તાનું ટાઈટલ નાનકડા અક્ષરોમાં છપાયેલું હતું... 'આરોપ'.  હજી સુધી એના લેખકનું નામ જાણી શકાયું નથી. 
મને આ વાર્તા/નોવેલ ખુબ હ્યદયશ્પર્શી લાગી, વર્ષો સુધી એને ફરી ફરીને વાંચી છે. અને મારા મન પર અને આચારવિચાર પર આ બે વાર્તાઓનો ભારે અસર રહ્યો છે. પણ મારા કોઈ પણ મિત્રને આ વાત કરી શક્યો નથી, કેમકે તેઓ બધા વ્યવહારૂ/પ્રેકટીકલ છે. )નવીનના પિતા સત્યપ્રકાશ એક સાબુ બનાવનારી પેઢીમાં ખજાનચી છે. પેઢીના માલિક સત્યપ્રકાશના ખાસ મિત્ર છે. નવીને એન્જીનીયરીંગ કોલેજમાં ટોપ કર્યું છે. એની બહેન મોહિનીના લગ્નની વાત ચાલી રહી હોય છે.

નવીન ઘરે ચાલતો આવી રહ્યો હોય છે. બે-ત્રણ સારા ઘરની છોકરીઓ નવીનને રોકે છે. એક સુંદર છોકરી દુર ઉભેલી એક ગરીબ બાઈની આર્થિક મદદ માટે થોડા પૈસા માંગે છે. નવીન મદદ કરે છે. આગળ જતાં રસ્તે નવીનના ધનવાન મિત્રો મળી જાય છે અને બધા મળીને ફિલ્મ જોવા માટે જાય છે. ત્યાં ટિકીટબારીએ પેલી છોકરીઓ દેખાય છે. નવીન સમજી જાય છે કે આ છોકરીઓ બધાને છેતરીને આવા શોખ પુરા કરે છે. નવીન ગુસ્સામાં તેમની જોડે લડી બેસે છે. પણ છોકરીઓ નવીનને ખોટી રીતે વઢવા લાગે છે, જાણે નવીન એ છોકરીઓની છેડતી કરી રહ્યો હોય. અને નવીનને પબ્લિકનો ખુબ માર પડે છે. નવીન ત્યાંથી ભાગી છૂટે છે. (મે કૉલેજની અંગ્રેજીની પરીક્ષામાં આ બનાવ નિબંધરૂપે લખ્યો હતો અને વધારે માર્ક્સ મેળવ્યા હતા!)

સત્યપ્રકાશજીએ પોતાની કંપનીના માલિકને નવીન માટે નોકરીની વાત કરી રાખી હોય છે. પણ કમનસીબે કંપની માલિકનો મોટો પુત્ર રાજપાલ હવે કામ સંભાળે છે. સત્યપ્રકાશ અને નવીન તેને ઓફિસમાં મળવા જાય છે. રાજપાલ એમને નમ્રતાથી ના પાડે છે. નવિન ખુબ નિરાશ થઈ જાય છે.

નવીનને પેલી છોકરી એક સાડીની દુકાનમાં દેખાય છે. નવીન એ છોકરીની સાડીની બેગ ઉઠાવીને રસ્તા પર નીકળી આવે છે અને બદલામાં નવીન એને એક રેસ્ટોરેન્ટમાં ચા પીવા કહે છે. છોકરી નાછૂટકે હા પાડે છે. રેસ્ટોરેન્ટમાં નવીન પેલી છોકરીને આવા બધા ફ્રોડ કરવાનું કારણ પૂછે છે. છોકરી રડવાની એક્ટીંગ કરીને નવીનને પીગળાવી દે છે. ફરી મળવાના વાયદા સાથે બંને છુટા પડે છે. નવીન પેલી છોકરીનું નામ પૂછે છે. છોકરીનું નામ કમલેશ હોય છે.

રાજપાલ ઘણા ખરાબ કેરેક્ટરનો છે. એ પોતાના બંગલાના જુના નોકરની છોકરીને છેતરીને એનો ફાયકો ઉઠાવી રહ્યો હોય છે. એ અમેરિકાથી મેનેજમેન્ટની ડિગ્રી લઈને આવ્યો છે. સાબુની ફેક્ટરીમાં કૌશિક નામનો મેનેજર રાજપાલનું કામ સંભાળે છે. કૌશિક પોતાની પુત્રીની મદદથી રાજપાલને ઠગતો રહે છે. કૌશિકની પુત્રી એટલે કમલેશ. આખું કુટુંબ મળીને કમલેશને જબરજસ્તી રાજપાલ જોડે મળાવતા રહે છે. રાજપાલ કમલેશને મોંઘીં ભેટસોગાદ ઉપરાંત એક બંગલો પણ આપે છે.

જોકે કમલેશ હજી રાજપાલથી દુર જ રહે છે. પણ પોતાના પિતા કૌશિકના હુકમને વશ થઈ રાજપાલ જોડે ફરવા જાય છે. રસ્તામાં બંનેને નવીન મળી જાય છે.. તે દિવસે નવીન ખરેખર કમલેશની રાહ જોઈ રહ્યો હોય છે. પણ કમલેશને રાજપાલ જોડે જોઈને બધું સમજી જાય છે.

નવીનની બહેન મોહિનીના લગ્ન થઈ રહ્યા હોય છે બરાબર એજ સમયે રાજપાલ અને કૌશિક પોલીસને લઈને આવે છે અને સત્યપ્રકાશ પર પાંચ હજાર રૂપિયાની હેરફેરનો આરોપ લગાવે છે. સત્યપ્રકાશજીની ધરપકડ થાય છે. નવીનની મા બેભાન થઈ જાય છે. મોહિનીના લગ્ન અટકી જાય છે. એના સસરા લગ્ન ફોક કરવાની જીદ્દ કરે છે પણ મોહિનીનો પતિ પોતાના પિતાનો વિરોધ કરે છે. છેવટે મોહિની વિદાય થાય છે.

ખરેખર તો રાજપાલ સાબુની ક્વૉલીટી બગાડીને વધારે નફો રળી લેવા માંગે છે. સત્યપ્રકાશજી રાજપાલના પિતાના જુના મિત્ર છે. તેઓ આ વાતનો વિરોધ કરે છે.  તેથી રાજપાલ આખી ચાલ રમી જાય છે. સત્યપ્રકાશને ફસાવી દેવામાં આવે છે. કૌશિકની જુબાનીના કારણે કોર્ટમાં સત્યપ્રકાશ ઉપરનો આરોપ સાબિત થઈ જાય છે અને છ મહિનાની સાદી કેદ થાય છે.

નવીનનું ઘર, ગાડી વગેરે છીનવાઈ જાય છે. હવે નવીનના ખિસ્સામાં પૈસા નથી, પેટમાં ખાવાનું નથી, રહેવાને ઘર નથી. મા સરકારી હોસ્પિટલમાં દાખલ છે, પિતા જેલમાં છે. નવીન સત્યપ્રકાશને જેલમાં મળવા જાય છે. નવીન પિતાને જુઠું કહે છે કે માની તબિયત સારી છે, બહેન મોહિની નવા ઘરે સારી રીતે જીવે છે. ઘર, ગાડી વેચાઈ ગયા વિશે પણ નવીન છુપાવે છે. સત્યપ્રકાશ નવીનને સાબુ બનાવનાનો ધંધો શરૂ કરવાની સલાહ આપે છે. ધનવાન મિત્રોનો રંગ બદલાઈ ગયો હોય છે. તેઓ નવીનના ધંધમાં પૈસા રોકવા માંગતા નથી.

નવીન દરિયાકિનારે નિરાશ બેઠો હોય છે. ત્યાં સંજોગવશાત્‌ કમલેશ દેખાય છે. કમલેશ નવીનને રોકે છે પણ નવીન રોકાતો નથી. અચાનક કમલેશના ઈશારાથી નવીનને બે ગુરખાઓ આવીને પકડી લે છે અને નવીનને જબરજસ્તી કમલેશના બંગલામાં લઈ જાય છે. ત્યાં નવીનને ખુરશી જોડી બાંધી દેવાય છે. કમલેશ જબરજસ્તી નવીનને પોતાની સાચી હાલત કહે છે. એજ સમયે રાજપાલ ત્યાં આવી ચડે છે. નવીનને છુપાવીને કમલેશ રાજપાલ જોડે વાતો કરવા લાગે છે. રાજપાલ થોડીવાર પછી જતો રહે છે. નવીનને ઘણું આશ્ચર્ય થાય છે કે કમલેશે હજી પણ પોતાની જાતને રાજપાલથી બચાવી રાખી છે.

કમલેશ નવીનને સમજાવે છે કે આ દુનિયામાં કામ કઢાવવા માટે ઢોંગ અને દંભ કેટલો જરૂરી છે. નવીનને પોતાના પિતા કૌશિકનો સુટ અને સો રુપિયા આપે છે. અને કહે છે કે તું ફક્ત આટલાજ પૈસાથી લાખોપતિ થઈ શકે છે.

કમલેશ નવીનને પોતાના જુના ઘરની ચાવી આપે છે. કમલેશના કહેવા પ્રમાણે નવીન સો રૂપિયાથી બેંકમાં ખાતુ ખોલાવે છે. નવીન પોતાના મિત્રો જે રેસકોર્સમાં જુગાર રમતા એજ જગ્યાએ જાય છે. જે હોટલમાં મિત્રો મળતા હતા એજ હોટલમાં નવીન પણ ડીનર લેવા જાય છે. પણ કોઈ સાથે વાતચીત કરતો નથી. છેલ્લે બધાને દેખતા વેઈટરને મોટી ટીપ આપીને બહાર નીકળી આવે છે.

સાંજે કમલેશ નવીનને બીજા દિવસનો સુટ આપવા આવે છે. અને નવીનની પાસબુકમાં સો ની જગ્યા એ એક લાખ રૂપિયા લખી દે છે.

સાંજે ડીનર માટે નવીન ફરી એજ હોટેલમાં જાય છે. જ્યાં એનો દોસ્ત વાત કરવા આવી ચડે છે. અને પુછે છે કે પરમદિવસે તો હજી નવીન બધા પાસે ઉધાર માંગતો ફરતો હતો આજે અચાનક આટલા બધા પૈસા કેવી રીતે? અને નવીન એને એક વાર્તા સંભળાવે છે કે તે દિવસે નવીનને એક માણસ મળી ગયો જે ગેરકાનુની સામાન ની હેરફેરના બદલામાં ઘણાબધા પૈસા આપતો હતો અને નવીને મજબુરીમાં એ ધંધો શરૂ કરી દીધો છે. આ વાતને સાબિત કરવા નવીન પેલો લાખ રુપિયાવાળી પાસબુક બતાવે છે. પેલો લાલચી મિત્ર અંજાઈ જાય છે અને પોતે પણ ગેરકાનુની કામમાં પૈસા રોકવા તૈયાર થઈ જાય છે. અને આજના દિવસનું હોટેલનું બિલ પણ ભરી દે છે, જે ભરવા માટે નવીન પાસે ખરેખર કાણી કોડીયે નહોતી!

મિત્રે ધીરેલા પૈસાથી નવીન એક જુની ઝુંપડપટ્ટીના વિસ્તારમાં સાબુનો ધંધો શરૂ કરે છે. પહેલો લૉટ વેચવા નવીનને ખાસ્સી મુશ્કેલી પડે છે. પહેલાતો નવીન જાતેજ સાબુ ઉંચકીને દુકાને-દુકાને ફ્રી સેમ્પલ વહેંચી આવે છે. બીજા દિવસથી સાબુની માંગ ચાલુ થઈ જાય છે. અને નવીનનું કામ વધી જાય છે.

બે અઠવાડિયા પછી નવીન ફરી પેલા મિત્રને મળવા જાય છે. એના પૈસા આપીને નવીન કહે છે કે તારા પૈસાનો બધો ગેરકાનુની સામાન પકડાઈ ગયો છે. પણ બાકીના પૈસાથી નવો ધંધો શરૂ કરીને તારા પૈસા ચૂકતે કરી રહ્યો છું. મિત્ર જ્યારે સાબુનું નામ સાંભળે છે ત્યારે ચોંકી ઉઠે છે! દોઢ લાખમાં આખા રાજ્યની એજેન્સીસ ખરીદી લે છે.

નવીનની મા જ્યારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થાય છે નવીન એમને લઈને પોતાના નવા ડુપ્લેક્ષમાં લઈ જાય છે. નવીનની મા આખી વાત જાણીને ઘણી નવાઈ પામે છે. રાજપાલ પોતાના સાબુની ક્વૉલિટી સંભાળી લે છે પણ એની ગુડવિલ તુટી ચૂકી હોય છે. અને રાજપાલની કંપની ખોટ કરવા લાગે છે.

અહીં સત્યપ્રકાશજીની સજા પુરી થાય છે. કેસ લડવામાં જે ગાડી વેચાઈ વેચાઈ ચૂકી હતી એજ ગાડી નવીને ફરી ખરીદી લીધી હતી. પિતા સત્યપ્રકાશ જોડે આવતા આવતા નવીને બારીમાંથી પોતાના પ્રકાશ સોપનું મોટું હોર્ડિંગ બતાવ્યું ત્યારે સત્યપ્રકાશજી પણ અચરજ પામ્યા!

કૌશિક રાજપાલની નોકરી છોડીને નવી નોકરી માટે નવીનની કંપનીમાં એપ્લાય કરે છે. નવીનને જોઈ કૌશિક પોતે ઉછળી પડે છે! નવીન કૌશિકને નોકરી આપવાનો વાયદો કરે છે પણ બદલામાં એક વાયદો માંગે છે. જે મુજબ નવીનની બહેન મોહિનીના ઘરે જઈને કૌશિક કબુલ કરે છે કે સત્યપ્રકાશજી નિર્દોષ છે. જેથી મોહિનીના ઘરનું વાતાવરણ શાંત થાય છે મોહિનીના સસરા સત્યપ્રકાશની માફી માંગે છે. કૌશિક પણ સત્યપ્રકાશના પગે પડી જાય છે અને પોતે કરેલ પાંચ હજારની હેરાફેરી બદલ માફી માંગે છે.

રાજપાલ જ્યારે કમલેશને મળવા આવે છે ત્યારે કૌશિક રાજપાલને ના પાડી દે છે. રાજપાલ ગુસ્સામાં પાગલ થઈ જાય છે પણ એને ધક્કા મારીને બહાર તગેડી મુકાય છે. ત્યારે અચાનક ફોન આવે છે કે નવીનને પોલીસ પકડી ગઈ છે કેમકે બેંકે પાસબુકમાં ગેરરીતિ કરવાના આરોપસર નવીન પર કેસ કરી દે છે. કમલેશ આઘાત પામે છે.

કોર્ટમાં કેસ ચાલે છે. વકીલોની દલીલો વચ્ચે નવીન પોતે જ પોતાના ગુનાની કબુલાત કરે છે, અને બંને પક્ષના વકીલો નવાઈ પામે છે. નવીન પોતાની આખી કહાણી રજુ કરે છે. જે સાંભળીને બેંક પોતાનો કેસ પાછો ખેંચવાની તજવીજ કરે છે અને નવીનને છોડી દેવા ભલામણ કરે છે.  સાથે સાથે નવીનના જુના મિત્રોની પણ આંખો ઉઘડી જાય છે. સત્યપ્રકાશ ઉપર લાગેલ કલંક પણ દુનિયા સામે ફીટી જાય છે. નવીનને કોર્ટ પતે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાની સજા થાય છે!

કૌશિક ઘરે ખુશખબર આપવા જાય છે. કમલેશ ઘરે જ હોય છે પણ એના કપડા ફાટેલા હોય છે. એ કહે છે કે બધાના ગયા પછી રાજપાલ આવ્યો હતો અને જબરજસ્તી...કોશિક ગુસ્સામાં બંદૂક લઈને રાજપાલના ઘરે જાય છે. અને રાજપાલને ગોળી મારે છે...પણ અચાનક વચ્ચે પેલી નોકરાણી આવી જાય છે કે જેને રાજપાલ હજી સુધી છેતરતો આવ્યો હતો. નવીન પાછળથી આવીને બંદૂક છીનવી લે છે. કમલેશ એકરાર કરે છે કે એણે ખોટું કહ્યું હતું. રાજપાલે કોશિશ તો કરી હતી પણ એ સફળ થઈ નહોતો શક્યો. પણ કમલેશ પોતાના પિતાને એ એહસાસ કરાવવા માંગતી હતી કે પુત્રીનો ઉપયોગ કરીને સંપતિ મેળવવાનું પરિણામ શું હોઈ શકે.

ડોક્ટર આવી જાય છે અને પેલી નોકરાણી બચી જાય છે. રાજપાલ પોતે ઘણો પશ્ચાતાપ કરે છે અને નોકરાણી જોડે લગ્નનું વચન આપે છે.

નવીન હજી અચંબામાં છે કે કૌશિક એ કમલેશના પિતા છે! કમલેશ હસી પડે છે.


(આ હિન્દી નોવૅલ ૨૧૭ પાનાની છે. જો વાર્તા નબળી લાગી હોય તો એ મારા લખાણની ખામી છે. સંવાદો અને પરિસ્થીતિનું આલેખન "આરોપ" નું જમાપાસું છે. આ નોવૅલ જે કોઈના વાંચવામાં આવી હશે તેને યાદ તો રહી જ હશે. "આરોપ" કોઈ સાહિત્યિક મટીરિયલ નથી પણ એના અજાણ્યા લેખકને સહાર્દ અભિનંદન.  આ પહેલી નોવૅલ વાંચ્યા પછી બીજી બસ્સો-ત્રણસો હિન્દી નોવૅલ વાંચી હશે પણ કશે મજા ન આવી. જોકે સાત-આઠ વર્ષે એક બીજી નોવૅલ મનમાં ઉતરી શકી...એ વાત ફરી ક્યારેક.

આ બધી લાગણી મારી મુગ્ધાવસ્થાના કારણે હતી કે કેમ એ હજી નક્કી થઈ શક્યું નથી. આપ સહાયતા કરશો.)

6 comments:

 1. ગૌતમ શર્માની "સીબીઆઈ" સીરીઝની કોઈ પણ નોવેલ વાંચી જજો.ખૂબ જ મજા આવશે બંધુ...

  ReplyDelete
 2. વાર્તા ક્યાય પણ નબળી ના લાગી, અરે હું તો બીજા ભાગ ની ક્યાર નો રાહ જોઈ ને બેઠો હતો.
  વાર્તા ક્યાય પણ નબળી ના લાગી, અરે હું તો બીજા ભાગ ની ક્યાર નો રાહ જોઈ ને બેઠો હતો.

  ReplyDelete
 3. You have Superb Blog Deepakbhai.

  ReplyDelete
 4. માધવભાઈ, નીતિશભાઈ...આપનો આભાર!

  ReplyDelete
 5. આપનું લખાણ/રજુઆત ખૂબ સારી છે. લખતા રહેશો. ગુજરાતી લેખક દીનકર પૂજારાની નવલ, પોલો કોયેલોની નવલ વગેરે વાંચવાનું Suggestion છે.

  ReplyDelete
 6. ચોક્કસ રોહિતજી...આપનો આભાર!

  ReplyDelete