પીપળો


જ્યારે આંખ ખુલતી...સવાર સામે જ દેખાતું...પશ્ચિમ દિશામાં! ખાસ માનીતી બારીમાંથી એક વિશાળ, અતિવિશાળ પીપળો દેખાતો. એ પીપળા પર સૂરજના કિરણો પડતા ત્યારે સવાર થતી. દરરોજ સવારે જ્યારે એક નાનો છોકરો ઉઠતો અને બારીના સળીયા પકડીને પીપળાને જોતો રહેતો. એ છોકરો સરકારી ક્વાટરના બીજે માળે રહેતો હતો. અને પીપળો બરાબર એની બારીની સીધમાં જ લગભગ ૬૦-૭૦ ફૂટ દુર હતો.

એના પર્ણો હંમેશા ફરફરતા રહેતા કેમકે એ પીપળો ઉંચો જ એટલો હતો કે હવાથી એની હંમેશા વાતો થતી. એની ડાળીઓ ચારે તરફ એક સરખી ફેલાયેલી હતી, તેથી એ ખૂબ સુંદર દેખાતો. જ્યારે પણ સ્કૂલમાં કોઈ ઝાડનું નામ લેવાતું પેલા છોકરાના મનમાં પેલો પીપળો જ લહેરાતો. એ વર્ષોમાં બાળકો પાસે ઘણી નવરાશ હતી. ટ્યૂશન જેવી કોઈ કાંખઘોડીની બાળકોને જરૂર નહોતી પડતી. બાળકો રમતા રહેતા, ખૂબ અવાજ કરતા. પેલો બાળક જ્યારે સ્કૂલનું લેશન પતાવીને રમવા જવા તૈયાર થતો એની નજર કોઈક વાર પેલા પીપળા પર જતી. એ વખતે પીપળો સાંજ લઈને ઉભો રહેતો.

એ પીપળો એક બંગલાના પ્રાંગણમાં ઉભો હતો. એટલે એની પાસે જવાતું નહતું. રોજ સવારે એનું પ્રાંગણ બે કામદારો સાફ કરતા રહેતા અને પાનનો ઢગલો થઈ જતો. એ બંગલાની ફેન્સીંગ પાસે રમતા રમતા કેટલીયે વાર ઉભા રહીને એ બાળકે પીપળો નિરખ્યો છે. વિશાળતા વત્તા સુંદરતા બરાબર પીપળો! એમાં ઉત્તરાયણ વખતે કેટલીયે પતંગો ટીંગાઈ રહેતી. રાત્રે પણ એ પીપળાને હવા બહુ પજવતી. એનો અવાજ આંખ બંધ કરીને સાંભળો તો સરસ ઉંઘ આવી જતી.

ઘણી વાર બારીમાં બેસીને છોકરો એના પપ્પાના આવવાની રાહ જોતો. મમ્મીને ઘડીએ ઘડીએ ટાઈમ પૂછતો રહેતો. પપ્પા ક્યારે આવશે? પપ્પા કેમ નથી આવ્યા? જેવા સવાલો કરતો રહેતો. બારીમાંથી રોડ દેખાતો હતો, પણ થોડે દુર સુધીજ. કેમકે વચ્ચે પેલા પીપળાની ડાળીઓ આવી જતી. એ ડાળી-પત્તા વચ્ચેથી મોડે મોડે પપ્પા આવતા દેખાતા ત્યારે છોકરો ખુશ થઈ જતો.

જ્યારથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થતી છોકરાના ખરાબ દિવસો શરૂ થઈ જતા. રમવાનું ઓછું મળતું, ટીવી બંધ બંધ રહેતું, વારંવાર "ભણવા બેસ...ભણવા બેસ" સાંભળવું પડતું. આ સમયથી જ પેલા પીપળાના પાન ખરવાના શરૂ થઈ જતા. પીપળો અડધો સાફ થઈ જતો. પેલા બે કામદારો બે વાર સફાઈ કરતા અને ઢગલો સળગાવી દેતા. એનો તડ-તડ અવાજ સાંભળી બારીએથી છોકરો અચૂક પીપળાને લાગતી ઝાળ જોતો રહેતો અને ધૂમાડાની ગંધ એને ઉદાસ કરતી. વેકેશનમાં જ્યારે બસમાં બેસીને પોતાને ગામ જવાનું થતું ત્યારે બારીવાળી સીટ પર બેસી એ છોકરો પીપળાને પાછળ છૂટતા જોઈ રહેતો.

એવું નહોતું કે પીપળો છોકરાના જીવનનો એક ભાગ...વગેરે હતો. પણ હા, દિવસની દસ-પંદર મિનીટ એ પીપળાને નામે હતી. પપ્પા તો છોકરાને ગામ મૂકીને પાછા શહેરમાં નોકરીએ લાગી જતા. ગામડામાં આંબાના ઝાડ, પાણીની ટાંકી, હેન્ડપંપ, કુવો, બળદ, ચૂલો, બાજરા/ચોખાની રોટલી, લાલ મંકોડાઓ જોડે છોકરો મઝા કરતો.

એક મહિના પછી પાછા શહેર આવતી વખતે રેલ્વેસ્ટેશનેથી એકાદ ચંપક, ચંદન જેવી ચોપડીઓ છોકરો લઈ માંગતો. કેમકે ગામ આવતી વખતે જે ચોપડીઓ લીધેલી એતો બબ્બે-ત્રણ ત્રણ વખત વંચાઈ જતી. શહેર આવીને બસમાંથી ઉતરતા-ઉતરતા નજર અચાનક પીપળા પર જતી રહેતી. પીપળો તો જુઓ! લીલોચટ્ટ! નવી લાલાશ પડતી કૂંપળો વત્તા લીલી કૂંપળો બરાબર નવો નક્કોર પીપળો. છોકરાને હવે યાદ આવે છે કે હાં...ગામ જતી વખતે પીપળો આટલો અવાજ નહોતો કરતો કેમકે એના મોટા ભાગના પાન ખરી ગયા હતા. આ તો પાછી નવા વર્ષની નવી શરૂઆત!વર્ષો સુઘી સતત આ જ ચક્ર ચાલતું રહે છે.

એ પીપળો હજી જીવે છે. એ છોકરો હજી એ પીપળાને યાદ કરે છે. ઘર તો બદલાઈ ગયું છે. પીપળો કિલોમીટર નહિ પણ વર્ષો પાછળ રહી ગયો છે. કેમકે હવે એ સરકારી ક્વાટર્સ/જૂના ઘર તરફ જવાનું થતું નથી. પણ પેલો પીપળો તો મનમાં લહેરાય જ છે, અને મનમાં એને ક્યારેય પાનખર નડતી નથી.

1 comment:

  1. પ્રિય દિપકભાઈ,

    અભિનંદન, ખૂબ સુંદર અભિવ્યક્તિ.

    મન મરકટ છે તેને પાનખર નડે ત્યારે સમજવુંકે આપણું અસ્તિત્વ ખતરામાં છે.

    માર્કંડ દવે

    ReplyDelete