એક ટૅબલની આત્મકથા

હું એક ટેબલ છું. મારો જન્મ આમ તો ટુકડે-ટુકડે થયો છે, પણ ખરો જન્મ તો એક મિસ્ત્રીએ મને આકાર આપ્યો ત્યારે થયો. ઘણી બધી ખીલી અને સ્ક્રૂની પીડા સહન કરી છે. છીણી-હથોડીથી કોચાવી-કોચાવીને, કરવત મુકાવી-મુકાવીને મે આકાર લીધો છે. એ દર્દની તો વાત જ જવા દો. જ્યારે મારા ઉપર પૉલિશ કરવામાં આવ્યું, મારો રંગ ખીલી ઉઠ્યો. આમતો ઘણું બધુ ફર્નિચર અમારા જન્મદાતા સુથારને ત્યાં બનતું, પણ મને ત્યાંના બધા કારીગરોએ બન્યા પછે તરત જ પસંદ કરી લીધું. અને મારી કિંમત ઊંચી આંકી. જોકે મને એ વાતનો ઘમંડ ન હતો, મને તો મારા મિત્રો અને ભાઈઓ થી દુર જવાનો ડર હતો.

 અને એ દિવસ પણ આવ્યો જ્યારે સુથારે એક પ્રેમભર્યો હાથ ફેરવીને મને એક દુકાનદારને વેચી દીધું. જ્યારે મને એક ટેમ્પોમાં ચઢાવામાં આવ્યું ત્યારે હું ખુબ ખુશ હતું, કારણ કે મારી જોડે બીજા ત્રણ-ચાર મિત્રો હતા. મારી જીંદગીનો રોમાંચકારી સફર શરૂ થઈ ગયો હતો. એક ભવ્ય દુકાનમાં અમને રાખવામાં આવ્યા. ત્યાં બીજા અહંકારી ફર્નિચર પણ હતા. પણ અમે ત્યાં બીજા મિત્રો જોડે સારી દોસ્તી જમાવી. આવતા જતા ગ્રાહકો અમારા ઉપર અચૂક નજર નાખતા. જ્યારે તેઓ મારા પર હાથ ફરાવતા પેલા સુથારની ઘણી યાદ આવતી.

એક દિવસ એક મોટા શેઠ આવ્યા અને મને પસંદ કરી લીધું. હું મારા મિત્રોથી વિખૂટું પડી ગયું. આખરે માણસ સિવાયની બધી ચીજવસ્તુ માણસની સેવા કરવા માટે જ તો હોય છે ને! હું મારી ફરજ સારી રીતે જાણતું હતું. શેઠના ઘરે જ્યારે એક અતિવિશાળ અલાયદા રૂમમાં મને લઈ જવાયું ત્યારે મને અનહદ આનંદ થયો. મારો ઉપયોગ શેઠ લખવા-વાંચવા માટે કરતા. મે મારા અંદરના ખાનાઓમાં જરૂરી-બિનજરૂરી વસ્તુઓ નો ખડકલો છુપાવી રાખ્યો...વર્ષો સુધી. હું એક જ જગ્યાએ પડ્યું-પડ્યું કંટાળી ગયું હતું. મારો કંઈ ખાસ ઉપયોગ ન હતો. મારૂં પૉલિશ ધીમેધીમે ઝાંખું થઈ રહ્યું હતું. એકાદ દીવાળીએ મને ફરી પૉલિશ કરાવ્યું. લગભગ દસ વર્ષની નાનકડી સેવા પછી હું ઓલ્ડ ફેશન ગણાવા લાગ્યું.

મારા મિજાગરા કટાઈ ગયા હતા. અવાજ કરતા હતા. મારા અમુક સાંધા ઢીલા પડી ગયા હતા એટલે હું થોડું હલવા માંડ્યું હતું. એ પૈસાદાર લોકોને જુની ચીજવસ્તુઓની કંઈ કદર નહોતી. છેવટે મને એમણે વેચી દેવાનો વિચાર કર્યો. કોઈ કબાડીવાળા પાસે મારે જવું પડશે એ જાણીને હું બહું વ્યથિત થઈ ગયું. મને અઠવાડીયાની અંદર એક કબાડીવાળો ઉચ્ચક પૈસા આપીને જોડે લઈ ગયો. પછી જે તકલીફો પડી એનું વર્ણન શું કરૂં? આખરે બધાને તકલીફો તો પડતી જ હશેને? એમાં મારી તકલીફોની શું વિસાત? ખેર, જુના ભંગાર સામાન અને તુટેલા ફર્નિચર જોડે હું મહિનાઓ ધુળ ખાતું પડી રહ્યું.

એક સાધારણ ઘરના એક ભાઈએ કેટલીયે રકઝક કરી...અડધા કલાકે પેલા કબાડીવાળાએ મને પેલા ભાઈને વેચી દીધું. એક પગરીક્ષામાં હું એમના ઘરે પહોંચી ગયું. થોડી ઠોકઠાક કરીને એમણે મને ધોઈને સુકવીને બીજા દિવસે પૉલિશ કરાવ્યું. હું ફરી નવા ફર્નિચરની જેમ ચમકી રહ્યું! એમણે મારા પર એક પ્રેમભર્યો હાથ ફેરવ્યો. મને એમના નાનકડા રૂમના એક ખુણામાં ગોઠવ્યું. મારા ખાનાઓમાં ચોપડા ગોઠવાઈ ગયા. ઉપર એક ફુલદાની અને એક ટૅબલ-લેમ્પ મુકાયા છે. દર બીજા દીવસે મારી સફાઈ થાય છે. મારી પુરેપુરી કાળજી લેવાય છે. મારાથી ખુશ અને નસીબદાર બીજું કોઈ ટેબલ નથી!

2 comments:

  1. દીપકભાઈ, બહુ સરસ રીતે તમે એક નિર્જીવ વસ્તુ "ટેબલ" ની આત્મસાત વાત કરી નાખી. આમતો, કોઈ સજીવ એટલે કે કોઈ વ્યક્તિ કે પ્રાણી વિષે તો કોઈ પણ લખી શકે પણ કોઈ નિર્જીવ વસ્તુ માટે લખવું એ નાની મોટી વાત નથી. કેમ કે તે વસ્તુ માટે શું વિચારવું એ જ સૌ પ્રથમ વિચાર કરવો પડે ? મિત્ર, બસ આવુજ લખતા રેહજો.

    તમારી જાણ ખાતર કહી દઉં કે હું પણ વડોદરા નો છું. અને કારેલીબાગ રહું છું. જો ફ્રી હોવ તો ચોક્કસ મળીશું. મારું ઈ - મેઈલ : vedang.thakar@gmail.com

    ReplyDelete
  2. સ્કૂલમાં આવી આત્મકથા ઘણી વખત પરીક્ષામાં પુછવામાં આવતી, બસ અવલોકનોનો ઉમેરો થયો છે. :)

    ReplyDelete