અશુભ


દ્રશ્ય એક:
એક મધ્યમ ઓરડો. વચ્ચે સફેદ ચાદરમાં એક બૉડી પડી છે. હવે ગુંજનભાઈ કે લાશ એવું ન જ બોલાય. "બૉડી અહીં જ છે?" એવું પુછવું એજ યોગ્ય વ્યવહાર છે. વિધુર ગુંજનભાઈ ૭૦-૭૫ વર્ષે અવસાન પામ્યા છે. "છેલ્લી ઘડીએ પણ બીજાની સેવા ન લીધી. દવાઓ ખાઈને બિમારીમાં મરવું એનાથી આ મૃત્યુ સારૂં." જેવી વાતો હમણાં થઈ રહી છે.
સફેદ કપડાં પહેરીને સ્મશાનના યુનિફોર્મમાં બધાં આવી ગયા છે. ટાઈટ ઈસ્ત્રી છે, કડક સ્ટાર્ચ કર્યા છે. આ સફેદી સાથે જો સોનાનો એકાદ પાતળો દોરો જો પહેરવામાં આવે તો સરસ લાગે એવું મનાય છે. એક દીવો સળગી રહ્યો છે. કહો કે ઉપર ચાલતા પંખા જોડે પ્રગટાવ્યાની સાથેજ લડી રહ્યો છે.
ગુંજનભાઈના નસકોરા રૂ થી બંધ કરી દેવાયા છે. બીજી વિધીઓ પુરી થઈ ગઈ છે. માત્ર બે-એક સગાંસંબંધીની રાહ જોવાઈ રહી છે કેમકે એ લોકો હાઈવે થઈને કારમાં આવી રહ્યા છે. જે એક ખાસ ભાઈ જે ટ્રેનથી આવી રહ્યા છે એમને સીધા સ્મશાનનું સરનામું લખાવી દીધું છે.
રોકકળ ચાલું જ છે. રહી રહી ને રડવું આવી રહ્યું છે. છોકરાની આંખો ભીની છે. એની પત્ની પણ મોં છુપાવી મોટેથી રડી રહી છે.
આ બધાની વચ્ચે એક ભાઈનો મોબાઈલમાં મોટેથી ફિલ્મી ગીતની ધુન વાગી ગઈ..."હાં વસંતભાઈ ક્યાં પહોંચ્યા?...બસ ત્યાંથી રાઈટ" કહી ને જમણો હાથ વાળીનેય બતાવ્યો! ત્યારે એમની નંગ જડિત વીંટી ઘણાંના જોવામાં આવી. એ પછી કેટલાય ફોન આવ્યા છે. પેલા ભાઈએ પરિસ્થિતી માથે લઈ લીધી છે. બધાને ફોન પર ઈન્ટ્રક્શન આપી રહ્યા છે. વચ્ચે વચ્ચે જઈને કોઈ વડીલના કાનમાં કોઈ વાત પણ કહી રહ્યા છે. એટલે બધાને ખબર પડી ગઈ કે આ ભાઈ કંઈક છે. બધા એમને આગળ શું કરવું એની પુછપરછ કરી રહ્યા છે. જે લોકો સીધા એમને પુછતા-કહેતા અચકાય છે એ પેલા વડીલને કહી રહ્યા છે. ટુંકમાં આજે એમનું જોશ જોવા જેવું છે.
કારનું હોર્ન સંભળાય છે. બધાની નજર બહાર જાય છે. "આવી ગયા લાગે છે." વગેરે સંવાદો...પછી રોકકળ...પછી સાંત્વના...વગેરે ઔપચારિકતાઓ પુરી થાય છે. બૉડીને લઈ જવાની તૈયારી થાય છે. રડા-રડ વધી જાય છે. માણસનું શરીર કેટલા સમય પછી ગંધાવા લાગે છે, કેટલી વખત પછી શરીર જકડાઈ જાય છે એ બધું બહાર ઊભેલા નવા કિશોરોંમાં ચર્ચાઈ ગયું છે!

દ્રશ્ય બે:
"રામ બોલો-ભાઈ રામ"...
"રામ બોલો-ભાઈ રામ"...
સ્મશાન યાત્રા રામનામ લેતી લેતી ચાલી પડી છે. જે ગુંજનભાઈને કોઈ ખાસ ઓળખતું નથી એમને આખી સોસાયટીના લોકો હવે ઓળખી ગયા છે.
ગુંજનભાઈએ વાતો કરવા માટે કેટલાય લોકો સમક્ષ નજર કરી હતી. મંદિરે, ઓટલે, બાકડે અરે છેવટે પાનના ગલ્લે પણ સંગાથ શોધ્યો પણ કોઈની પાસે વાતો કરવાનો પણ સમય ન હતો. પણ હવે બૉડીને શું ફરક પડે છે!
છેલ્લે ચાલતા માણસો પોતે ઓફીસથી કેવી રીતે આવ્યા એ પુછી અને જણાવી રહ્યા છે. પાછા સમયસર ઘરે પણ જવાનું છે. ઓફીસનું ટેન્શન, મોંઘવારી જેવા પ્રશ્નો માણસનો પીછો ક્યાંય નથી છોડતા, બસ એની જ વાતો ચાલી રહી છે. રસ્તામાં મળતા કેટલાય લોકોએ નમન કર્યું છે. કેટલાકે તો રીતસર બે હાથ પણ જોડ્યા છે. કેટલું માન! જોકે માન જેવી વસ્તુ ગુંજનભાઈને ક્યારેય પુરતી મળીજ નહોતી એ અલગ વાત છે.

દ્રશ્ય ત્રણ:
બૉડી ગોઠવાઈ ગઈ છે.સ્મશાનનું નિર્જીવ વાતાવરણ દુનિયાનો મોહ છોડાવી દે એવું છે. સાંજ થવા આવી છે. લાકડાં ગોઠવાઈ ગયા છે. અનુભવીઓ કામ કરી રહ્યા છે. કેટલાક યુવાનો પહેલી વાર આવ્યા છે. આમ તો તેઓ બધી વાતમાં આગળ પડતાં હોય છે પણ અહીં શાંતિ જાળવી કુહુતલપુર્વક બધું જોઈ રહ્યા છે. દીકરાને હવે સાચે જ રડવું આવી રહ્યું છે...પણ થાકી ગયો છે, હવે ખુદને અનાથ અનુભવી રહ્યો છે. આ બધાની વચ્ચે પેલા સાહેબનો મોબાઈલ રણકે રાખે છે. પણ વાતાવરણના ભારેપણના કારણે ધીમે-ધીમે અતિગાંભીર્યપુર્વક વાતો કરી રહ્યા છે, હવે તો સીધા ગુંજનભાઈના છોકરાને જ પુછી રહ્યા છે.અચાનક બધી વિધી પુરી થઈ ગઈ...દીકરાએ પિતાના શરીર પર હાથ ફેરાવ્યો...ડૂંસકું...પછી અગ્નિદાહ અપાય છે. શરીરના બળવાની ગંધ આવી રહી છે. દુર ખુણે બેસેલા લોકો ક્યારનાય કશી વાત કરી રહ્યા છે, ક્યારેક સ્મિત જોવા મળે છે. વડીલો હજી બેઠા છે, બળતી ચિતા જોઈ કોઈ પોતાની ચિંતા કરી રહ્યા છે! પેલા ભાઈનો મોબાઈલ પાછો વાગે છે. અંધારું થઈ ચુક્યું છે...લોકો વિખેરાવા લાગે છે. ધુમાડો ખુબ ઊંચે જઈ રહ્યો છે.

4 comments:

 1. khub zinvat thi vat/prasang nu nirikshan karine saras rite nirupan karyun chhe. keep it up
  Pallavi Mistry

  ReplyDelete
 2. પ્રિય શ્રી દિપકભાઈ,

  ખૂબ સારો પ્રયાસ છે. આપને અભિનંદન.
  એક બાબતનો સંતોષ થયોકે, જે લખો છો, તે મૌલિક છે.
  માઁ સરસ્વતિની તમારા પર અનહદ કૃપા વરસતી રહે.
  માર્કંડ દવે.

  ReplyDelete
 3. શ્રી માર્કંડજી, આપ જેવી અદ્‌ભુત હસ્તીએ મારો બ્લોગ વાંચ્યો એજ મારી મોટી સફળતા માનું છું! વધુ મારાથી બોલાય નહિં...બસ ચરણસ્પર્શ.

  ReplyDelete