નિર્લેપ ચહેરાઓ

રસ્તે મળતા હસતાં ચહેરા સાવ ગાયબ થઈ ગયા છે. આ કેવો ઢોળ ચડી ગયો છે ચહેરાઓ પર? તુચ્છતાતી તાકતા ચહેરાઓ; પોતાનાથી મોટા લોકો સામે કેવા કેવા હાવભાવ કરી જાણે છે! કેટલા નાટકીય થઈ ગયા છીએ આપણે?

આપણાથી પૈસે-ટકે કમનસીબ (પૈસે-ટકે પાછળ એવું નહિ કહું!) લોકો આપણી તરફ સ્મિત કરીને સ્મિતની આશા રાખે છે...અને આપણે એમની અવગણના કરીએ છીએ. રખે ને કોઈ મદદ માંગી બેસે...અને બદલામાં પૈસે-ટકે આપણાથી નસીબદાર લોકો હવે તો મોટે ભાગે કાળા ચશ્મા પહેરીને નીકળે. આપણે ભઈસાબ વિચારતા જ રહી જઈએ...એ સાહેબે આપણને જોયા હશે કે નહિ?

બાળપણમાં દરેક જણ આપણને હસતું મોં રાખીને રમાડતું...એમણે જ આપણને બેવકુફ બનાવ્યા કે આ દુનિયામાં માત્ર અને માત્ર સ્મિત છે. હવે એ બધા નિર્લેપ ચહેરા થઈ ગયા.

ખેર...તમારું મહોરૂં તમને મુબારક. તમે ય ઉત્સવોમાં, ખુશીઓ ના પ્રસંગમાં તમારી જાત તો બતાવી જ દો છો ને?...માણસજાત! કેવા ઉછળીને હસો છો, આંખો છલકાવી રડો છો, નાના છોકરાઓને રમાડો છો? અને એમને બેવકુફ બનાવો છો કે તમે અને આ દુનિયા સાચે જ હસમુખી છે!

No comments:

Post a Comment