"બફાયું"

ભાગ-૧

પાંચેક વર્ષ પહેલાની વાત છે...મમ્મી-પપ્પા બજાર ખરીદી કરવા ગયેલા. ઘરે હું એકલોજ હતો ત્યાં મારા થોડા જૂના મિત્રો આવી ચડ્યા. હવે નાશ્તા પાણીનું કરવું શું? એટલે મેં સોસાયટીની એક દુકાનથી મિક્ષ ચવાણું મંગાવ્યું. દોસ્તો જોડે કુંડાળું કરી નીચે બેસી ગયા. ચવાણામાં ડુંગળી સમારીને નાખી, જલજીરું વગેરે નાખી ટમટમ જેવું બનાવ્યું. કોઈ કે મીઠું મરચું મંગાવેલું એની અને પાણીની બોટલો જોડે જ પડેલી.

મજાની વાત હવે આવે છે...અમે પથારો પાથરી નાસ્તો કરતાં જઈએ અને મોટ્ટેથી વાતો કરતા જઈએ, એટલામાં એક ઓળખીતા કાકા આવી ચડ્યા, બહારથી "પટેલ સાહેબ" કરતાક ને બુમ પાડી. એટલે અમે શરમાયા, વિચાર્યું કે ચલો બધું સરખું કરી દઈએ. એટલે પેલી બોટલો, ડીશો વગેરે ઉઠાવીને રસોડે પહોંચાડી દીધી. બોટલોના અવાજ સાથે સાથે અમારો પણ અવાજ બહાર ગયો "લાય લા પેલી બોટલ, ચવાણું ઉઠાય, અંદર મુકી આય" વગેરે!

પછી બારણું ખોલ્યું, પેલા કાકા આવ્યા, ક્યાં છે પપ્પા-જેવી ઔપચારીક વાતો કરી ઉભા ઉભાજ જવા લાગ્યા. હું પણ વળી મેઈનગૅટ સુધી વળાવવા ગયો એટલે મને કહ્યું કે "તમે પાર્ટી કરતા હતાં? બહું સારું નહિ વગેરે! ત્યારે મારી ટ્યુબલાઈટ ચાલુ થઈ કે આતો બફાયું! પણ હવે કાંઈ પણ ફાયદો ન હતો, ના કાકા અમે નથી પીતા, ના ક્યારેય નહિ જેવી દલીલો સાથે એમને રવાના કર્યાં. રસ્તે એમને મારા મમ્મી-પપ્પા મળ્યા તો એ પરોપકારી જીવે એ વાત એમને પણ કરી! મારા પપ્પાએ કહ્યું કે દીપક આવું ન જ કરે વગેરે...પણ એ કાકા હજી પણ આ ભ્રષ્ટ, પાપી ન ઘરે પાણી નથી પીતા!ભાગ-૨ (ભાગ બે!)

આ વિષય ઘણા દોસ્તોને ગમ્યો, એટલે અચાનક બીજી જૂની વાત લખવાનું મન થયું.  મારા એક ખાસ મિત્ર "ની" ફ્રેન્ડનો બર્થ-ડે હતો. અને અમારે એની માટે એક ડ્રેસ લેવાનો હતો. મને ખરીદીની કંઈ સમજ નહિ પણ પેલો મિત્ર મને લઈ ગયેલો. એક જાણીતા મોલમાં અમે ગયા. બપોરનો સમય હતો. બહુ ભીડ નહોતી. અમે માથું ખંજવાળતા લેડીઝ ડિપાર્ટમેન્ટમાં ઉભા હતા. જોકે નક્કીતો હતુંજ કે કોઈ કુર્તો કે એવું જ કંઈક લઈશું, એટલે અમે રેડીમેડ ડ્રેસની લાઈનમાં ગયા. આખી વાર્તામાં મારો કંઈ રોલ જ નહોતો. હું માત્ર હા-ના કરી રહ્યો હતો. પેલો મિત્ર મને "લા, આ લઈયે?" "લા, આ કલર?" કહીને મને કુર્તા બતાવી રહ્યો હતો. એમાંય અમને કુર્તામાં સાઈઝ આવે છે કે નહિ એની પણ ગેલ નહોતી પડતી! બધી લેડીઝો અમને જોઈ રહી હતી, અને હું બરાબર નર્વસ હતો. અચાનક મારી નજર એક કુર્તા પર પડી. એનું ભરતકામ અને રંગ વગેરે સારૂં લાગ્યું. પેલો દુર ફાંફા મારી રહ્યો હતો એટલે મેં એને બૂમ પાડી ને બોલાવ્યો. પછી અમે એના રંગ અને મટીરિયલની ચર્ચા કરવા લાગ્યા. ડ્રેસ હજી મારા હાથમાં જ હતો, પેલો મિત્ર કમર પર હાથ મુકી વિચારી રહ્યો હતો, કદાચ એને એ ડ્રેસમાં રસ નહોતો. અચાનક બોલતાં બોલતાં મારી નજર સામે પડી. અમારી ગલીના છેડે એક લેડી ઉભા હતા અને મને જોઈ રહ્યા હતા. હું ઓળખવાની કોશિશ કરૂં એ પહેલા એમની પાછળની બાજુથી અમારા ઘરની બાજુની ગલીમાં રહેતા એક ભાઈ નીકળી આવ્યા! મારી નજર પેલા ભાઈ ના ચહેરા ઉપરથી ખસીને પેલા લેડી જે એમનાં પત્ની હતા એમના હાથ પર પડી. એમની આંગળી મારા તરફ હતી અને પેલા ભાઈને કહી રહ્યા હતા "જુઓ! દીપક". ઓહ! પછી મારે કંઈ કરવાની જરૂર નહોતી. એ લોકો ને મેં સરસ મજાની સ્માઈલ આપી, અને એ લોકો ચાલતા થયા. અમે બંને પણ હસવા લાગ્યા. મારો મિત્ર મારી ઉડાવતો રહ્યો. મનેય મનમાં તો ગભરામણ થઈ ગઈ કે પેલા લોકો હવે શું સમજ્યા હશે? મારો મિત્ર પણ મારી ઉડાવતો રહ્યો. મહિનાઓ સુધી પેલા ભાઈ અથવા ભાભી જ્યારે પણ મારી સામે જોઈ સ્મિત પણ કરતા હતા તો ઘણી શરમ આવતી! એમ તો અમારી વધારે ઓળખાણ નહોતી એટલે બીજો કોઈ વાંધો આવ્યો નહિ. અને હા, ગિફ્ટમાં કદાચ પેલોજ ડ્રેસ ગયો હતો, અને પસંદ પણ આવ્યો હતો.

6 comments:

 1. એ પણ વગર વાંકે!

  ReplyDelete
 2. AMARE PAN AAVU J KAI TAYU HATU
  TYARE PAPA E UDHADO LIDHO HATO

  ReplyDelete
 3. મમ્મી-પપ્પા ઘરે આવ્યા ત્યારે મારી પણ પૂછપરછ તો થઈ જ જાત...પણ પેલા મિત્રો હજી ઘરે જ હતા એટલે હસવામાં વાત નીકળી ગઈ. અમે બધા મળીને ખુબજ હસ્યા!

  ReplyDelete
 4. દિપકભાઈ,

  આવું ઘણી વખત જીવનમાં બનતું હોય છે, અને જો તે સમયે મૌન રહીએ તો પણ મુશ્કેલી અને ના રહીએ અને ચોખવટ કરીએ તો પણ મુશ્કેલી ઊભી થતી હોય છે. પણ તેનો આનંદ જ અલગ હોય છે.

  http://das.desais.net

  ReplyDelete
 5. અમારા એક મિત્ર ને પણ એક મોલ માં જીન્સ લેવા ગયા હતા ત્યારે આવું જ કૈક બફાયું હતું.

  ReplyDelete