પ્રેમગલી
વેલકમ-વેલકમ...પ્રેમગલીમાં આપનું સ્વાગત છે. તમારા રોજના રસ્તામાં પડતી આ ગલી છે છતાંય તમે ધ્યાનથી તેને જોઈ નથી! અહીં રૂપિયા પૈસા નથી પણ લાખો-કરોડોની વાતો થાય છે. વહેવાર-તહેવાર સાથે મળી મનાવાય છે. તમારી દુનિયામાં જેટલી નથી એટલી મજા આ ગલીમાં છે. બાળકો અહીં હંમેશા દોડાદોડ કરતા હોય છે, ભલે ગમે તે સમય હોય. કોઈ ઘરમાં થોડા મોટા અવાજે કુમાર સાનુ ના ગીતો વાગતા હોય છે! સલમાન-શાહરુખ અહીં સૌથી વધારે ચર્ચાય છે. એમના ફોટો-ગીતો-સ્ટાઈલ અહીં જ જોવા મળે છે. દર અડધા કલાકે કોઈ બુમ તો સંભળાય જ! રસ્તા પર ઉભા હોઈએ તો વાસણોનો અવાજ અને ઘરની અંદર બેઠા હોઈએ તો ગલીમાં કોઈના પગરવ સંભળાતા હોય. દરેક ઘરની વાતો દરેક ઘરમાં ખબર જ હોય. સુખ અને દુઃખ બંને સહિયારા. જોકે નાની નાની બાબતમાં કોઈ વાર ઝગડો પણ થઈ જાય છે. પાણી, વિજળી જેવી સુવિધા હોય ખરી પણ કાંઈ ઠેકાણું ના હોય. કોઈક એકાદ ઘરની સામે સાંજે બાઈક જોવા મળે! વાર-તહેવારે કે કોઈ પ્રસંગે આ ગલી ચમકી ઉઠે છે, ગલીના નાકે વડીલો ઉભા હોય છે. દોડાદોડ, બુમાબુમ વધી જાય છે. લોકો પોતાની એક માત્ર નવાં કપડાની જોડી પહેરી ને ઠાઠથી નીકળે. ટુંકમાં કહું તો આ ગલીમાં જાન છે! અહીં ના માણસો જીવે છે એક પુરી જીંદગી.

પણ હવે વાતાવરણ થોડું બદલાવા માંડ્યું છે. મુલાકાતો ઓછી થવાં માંડી છે. રીક્ષાઓ રાચરચીલું ઠાલવી જાય છે. એકમેકથી ચડિયાતા થવાની લ્હાય લાગી ગઈ છે. ઉત્સવોનું અસ્તિત્વ થોડું ઝંખવાઈ ગયું છે. મકાનો ધીમે ધીમે પાકા થવાં લાગ્યા છે. આ ગલીઓ સોસાયટીમાં ફેરવાઈ જાય છે. આખરે ભારત પ્રગતિના પંથે છે! સૌની લાઈફ સેટ થવા માંડે છે. સેટ થવું એટલે નોકરી-ધંધામાં વ્યસ્ત થઈ જવું. ગલીના લોકોથી દુર થઈ જવું, મહિને એકાદ વાર સામે મળી જતાં "કેવું છે?" પુછી નીકળી જવું! ઘરે ઘરે બાઈક આવી ગઈ છે. હોર્ન વગાડી ફરવાય જવાં માંડ્યા છે. આ ગલીની ગઈકાલ કોઈને યાદ પણ નથી! બલ્કે વાત નીકળે તો ગલીની ખામીઓ પહેલાં યાદ આવે છે. સ્ટ્રીટ લાઈટ્સ નખાવાની વાત થઈ રહી છે. ફાળો ઉઘરાવીને ચિતરાવેલું ગલીના નામનું પાટિયું પણ હવે નાકા પર લટકે છે. મોટા અક્ષરે લખ્યું છે "પ્રેમગલી", નીચે નાના અક્ષરોમાં "આપનું સ્વાગત છે" એવું પણ વંચાય છે. હવે આપને ખ્યાલ આવ્યો હશે...હું કઈ પ્રેમગલીની વાત કરું છું!
(આપેલ ફોટો માત્ર પ્રતીકાત્મક છે)

પ્રેમનગર
પ્રેમનગર. નામ તો ચોક્કસ સાંભળવામાં આવ્યું હશે. પણ કદાચ રસ્તો યાદ નહિ હોય. શું છે કે હજી દોઢ વર્ષ પહેલાં જ બાંધકામ, રજીસ્ટ્રેશન વિગેરે પુરું થયું છે. પાણી-ડ્રેનેજનો તો કોઈ પ્રોબ્લેમ પહેલાંથી જ નહોતો. વિજળીના નવા થાંભલાઓ અને તાર પણ નંખાઈ ગયા. બાળકો સાઈકલ પર નિશાળે અને ટ્યુશન આવ જા કરે છે. સ્કુલ સમયે નાકે એકાદ રીક્ષા પણ કોકને લેવા આવે છે. હવે ચોમાસામાં કાદવ કીચડ થવાનો પણ પ્રોબ્લેમ નથી રહ્યો.. કપડાં ધાબે સુકવાય છે. ઓટલે ઓછું બેસાય છે. સાંજે વીજ-ચોરી કરી ઉપરની ટાંકીએ પાણી ચઢાવાય છે.

જેવી લોન પુરી થશે, મકાન નાનું લાગવા માંડશે, રૂમ ઓછા પડશે એટલે ઘર એક માળ ઉપર ચડશે. મકાનો ઊંચા થવાથી મકાન માલિક ઊંચું જોઈ ને ચાલશે! ખેર, એ હજી પાંચેક વર્ષ પછીની વાત છે. હજી તો નવા નવા ધનવાન થયા છે એટલે મનમાં સુખ તો છે, આખરે ગરીબીને વર્ષો સહન કરી છે! હજી જૂનો સામાન કાઢતાં જીવ ચાલતો નથી. બધા જ ઘરના માળિયામાંથી એ જૂના દિવસો ડોકિયાં કરે છે. નવું ટીવી લીધું છે પણ હવે છોકરાઓની કોઈ ભીડ જામતી નથી કેમકે ઘણાનાં ઘરે ટીવી આવી ગયું છે.

બસ અમુક જે નડતાં નહોતા એવા ઝાડ બાકી છે. જે હજી ફુલ-પત્તા ખેરવે છે. જીવન છે, સારું જીવન છે, વારતહેવારે બધા મળે છે, દિવાળીએ એકબીજાના ઘરે જાય છે. જૂના દિવસો સૌના મનમાં ધરબાયેલા છે, પણ કોઈ એ વાત હવે કાઢતું નથી. બધા બહુ ખુશ છે. પણ ક્યારેક જૂના ફોટાઓમાં એ જૂની પ્રેમગલી જોવા મળે તો એ ફોટોની કૉપી બધા માંગે છે.

2 comments:

  1. હ્મ્મ્મ્મ્મ્મ્મ્મ્મ
    મહિને એકાદ વાર સામે મળી જતાં "કેવું છે?" પુછી નીકળી જવું!
    એકદમ સાચી વાત...

    ReplyDelete