ધ સિસ્ટમ


ધ સિસ્ટમ એટલે સહુથી મેઈન સિસ્ટમ...બ્રહ્માંડ, દુનિયા, ચાંદ, સૂરજ અને જીવન. આ બધું કુદરતી છે પણ આ 'કુદરત' ને આપણે ભગવાન/ગોડ/ખુદા કહી શકીએ? આમ તો ગીતા, કુરાન, બાઈબલ જેવા ધર્મગ્રંથો પ્રમાણે તો સિસ્ટમનું સર્જન ભગવાન/ગોડ/ખુદાએ જ કર્યું છે. એટલે ધર્મગ્રંથોથી ઉપર/પરે આપણાથી વિચારી શકાય નહિ...નહિ તો પાપ લાગતું હશે! પણ માણસ હંમેશા સત્ય જાણવાની જીજ્ઞાસા પણ કદાચ કુદરતે જ મુકી હશે. જોકે સત્ય અને પરમસત્ય જાણવાની ઈચ્છા/મહેચ્છા/ઘેલછા પાછળ પણ માણસનો સૂક્ષ્મ સ્વાર્થ જ રહ્યો છે.

પૂર્વધારણા ૧
ભગવાનની વિચારવાની સિસ્ટમ માણસ જેવી હશે.
કેમકે ભગવાનને વેદો અને ગ્રંથોમાં માણસ જેવા જ ચિતર્યા છે...એમની વિચારધારા અને ક્ષમતા તો અનન્ય હશે જ, પણ વિચારોનું અલગોરિધમ કે માળખું થોડું ઘણૂં માનવને મળતું આવતું હશે.

પૂર્વધારણા ૨
ભગવાનની મોટામાં મોટી રચનાઓ બ્રહ્માંડ અને જીવન હશે.
ભગવાને બ્રહ્માંડથી પરે પણ ઘણી વસ્તુની રચનાઓ કરી હશે. એ બધી રચનાઓ કદાચ ખુદ બ્રહ્માંડથી પણ મોટી અને વિશાળ હોઈ શકે. જોકે મોટી-નાની એવી સાપેક્ષવાદી ગણતરીઓ માણસ માટે છે. એક નાની લાગતી વસ્તુ (લખોટી) સામે બીજી નાની વસ્તુ (ચણોઠી) મુકી દો એટલે પ્રથમ વસ્તુ (લખોટી) મોટી ગણાય.
આપણી માટે સત્ય ફક્ત બ્રહ્માંડ અને જીવનચક્ર સુધી જ સિમિત છે. એટલે એનાથી પર કશું વિચારવાની દિશા જ નથી. એટલે આપણા વિષયે ભગવાનની મહાન રચનાઓ એટલે બ્રહ્માંડ અને જીવન જ હશે.

આ બે પૂર્વધારણા ઉપર આખી સિસ્ટમનું વિવરણ કરીએ તો આ પ્રકારે થાય.

૧ સિસ્ટમની પ્રેરણા
બ્રહ્માંડ અને જીવન બંને ઓરિજીનલ/અદ્વિતીય રચનાઓ હશે. પણ એ બનાવવાનો પ્રેરણાસ્ત્રોત શું? દરેક ઘટનાને ઘટીત થવા માટે (રચનાને રચિત થવા માટે) પરિબળ અને કારણ તો જોઈએ જ. આપણે કોઈ વસ્તુ જોઈએ તો એનૂં અનુકરણ કરી આપણે આગળ વધીએ. પક્ષીને જોઈને ઉડવાનું શીખવું, પ્રાણીઓને જોઈને શિકાર અને બીજી બધી રોજીંદી બાબતો શીખવી. તો પછી ભગવાનને પ્રેરણાની જરુરત પડી હશે...નહિ?
શું ભગવાન/ગોડ/ખુદા કરતા પણ ઉપર કોઈ શક્તિએ કંઈક એવું બનાવ્યું હશે કે જેને જોઈ ભગવાન/ગોડ/ખુદાને બ્રહ્માંડ બનાવવાની પ્રેરણા થઈ?
જીવન બનાવવાનો વિચારતો ભગવાનને પોતાના સુક્ષ્મ શરીર ઉપરથી જ આવ્યો હશે. પણ બ્રહ્માંડ નો વિચાર? શું કારણ હશે? બ્રહ્માંડ જીવો માટે બનાવ્યું હશે? એ માટે પૄથ્વી, સૂર્ય અને ચંદ્ર જ પૂરતા નથી? બ્રહ્માંડમાં આવા સૂર્ય ચંદ્ર તો અગણિત છે! એટલે કે બીજા પ્રકારની દુનિયા કે જ્યાં બીજા પ્રકારનું જીવનચક્ર હોય...એ સંભવિત છે. જો એમ હોય તો એનો અર્થ એમ પણ થાય કે પ્રભુ માટે માત્ર માણસો જ ખાસ નથી


સિસ્ટમની ડિઝાઈન
- કોન્સેપ્ટ
જો સર્જન કરવાની પ્રેરણા થઈ જ ગઈ તો પછી એની ડિઝાઈન તૈયાર કરવા પહેલા અલગ અલગ ચીજોના અલગ અલગ કોસ્નેપ્ટ તૈયાર કરવા પડે. જેમકે પૃથ્વી કેવી હશે, જીવનને એ કેવી રીતે અનુકુળ બનાવાય, માણસનું પ્રોગ્રામીંગ કેવી રીતે કરવૂ...વગેરે. સાથે સાથે શક્તિ/ઉર્જાના પરિબળો, સમયકાળ વગેરે માટે પણ કોન્સેપ્ટ/કોડ/અલગોરિધમ તૈયાર કરવું પડે.
- સિસ્ટમની પરફેક્ટ ડિઝાઈન
પરફેક્ટ એટલે વળી શું? કુદરતી વસ્તુ પરફેક્ટ છે જ નહિ! પ્રૂથ્વીની પરિક્રમણ, પરિભ્રમણમાં અમુક સમયનો ફેર પડે છે. સીઝનનું કશું ઠેકાણું નથી. તેમ છતાં દુનિયા જો ચાલતી હોય...તો આ ડિઝાઈન પરફેક્ટ ગણાય. અને આ હિસાબે અસંતુલન અને વિનાશ પણ આ ડિઝાઈનનો જ એક ભાગ ગણાય. અને એ સર્જન જેટલો જ જરૂરી હોઈ એને ડિઝાઈન કરવો પડે. કેમકે જો વિનાશ ન થાય તો આ ડિઝાઈનનું માળખું તુટી જાય. માણસ પણ પોતાને જરૂર પડતી વસ્તુની ડિઝાઈન બનાવે છે. પણ કદાચ એ વસ્તુનો વિનાશ કેવી રીતે કરવો એ પાસું પણ ધ્યાનમાં રાખે તો દુનિયા ઉપર કચરો ન થાય. અહીં ભગવાને બનાવેલી બધીય ડિઝાઈન ટકાઉ અને સસ્તી હોવા ઉપરાંત ડિસ્પોઝીબલ છે!
- ટ્રાય-એરર-ટ્રાય
આખી સિસ્ટમ ટ્રાય-એરર-ટ્રાય ના સિધ્ધાંતથી બની હોય તો કદાચ આ પહેલાં પણ આ બધું ઘટીત થયું હશે, બધું પરફેક્ટ ન હોવાના અથવા બીજા કોઈ કારણથી એ સિસ્ટમ નષ્ટ કરાઈ હશે/ફરી કરાશે!

૩ સિસ્ટમની ભૌતિક રચના
ખાસ કરીને જ્યારે સર્જન શૂન્યમાં કરવાનું હોય..ખાસ કરીને આકાર સહુથી સામાન્ય રાખવા પડે. આ વૃક્ષ, ફુલ, પાંદડા, માણસ, જાનવર વગેરેના આકાર અમુક અંશે સિમીટ્રીકલ હોવાનું કારણ એમનું ફ્રેક્ટલ બંધારણ હોય તો એનો અર્થ તો એ થાય કે બધું સ્વયંભુ છે. બધું એકમેકના સંયોગથી બનેલું છે. અર્થાત શું ઈશ્વરે માત્ર બ્રહ્માંડ અને જીવનની રચના થાય એવી વ્યવસ્થા કરી છે? એટલે શું રચનાઓ ભગવાને કરી નથી?
જો એમ હોય તો જીવન મુકવું / સિસ્ટમ ચાલુ કરવી એ પણ સ્વયંભુ જેવી ગોઠવણ હશે. જેમ કે...
૧) જળચર અને ભુચર જીવો એક સાથે જન્મ્યા હશે. અથવા પહેલા હવા કે પાણીમાં બેક્ટેરિયા, એના ઉપરથીએ જળચર, એના ઉપરથી ઉભયજીવી અને એના ઉપરથી ભુચર જીવોનું નિર્માણ થાય એવી ગણતરી ઈશ્વરે રાખી હશે
૨) જેની સંખ્યા અગણિત થાય એવા બધાજ પ્રકારના જીવોના મોડેલ ભગવાને બેઠ્ઠા જ પૃથ્વી ઉપર ઉતાર્યા હશે.
૩) પ્રભુએ પોતે અહીં રહીને માનવ અને જીવોનું ચમત્કાર સાથે નિર્માણ કર્યું હશે. જો એમ હોય તો આપણે સહુ એમના સંતાનો ગણાઈએ અને કશે ને કશે આપણાં ડીએનએમાં ભગવાનનું ડીએનએ હોવું જોઈએ. એ હિસાબે આપણે એમના વંશજ કહેવાઈએ અને એમને અતિપ્રિય ગણાઈએ!

સ્વયંભુ રીતે સિસ્ટમ ચાલે એ માટે દરેક જીવમાં એક અલગ વિચારશક્તિ અને ઈચ્છાશક્તિ મુકવી જ પડે. આ રીતે જોઈએ તો જીવિત વસ્તુ પોતાનું વાતાવરણ જોડે અનુકુલન સાધીને પોતાને આકાર, જીવન, દીનચર્યા વગેરેમાં ફેરફાર લાવી દે છે. જેમકે ઉનાળામાં ઝાડ પોતાના પાન ખેરવી દે છે, જેમકે વાનર કે વંદાનું અલગ અલગ પ્રજાતિંમાં વિકાસ પામવું. અલગ અલગ કદ અને અલગ જીવન...કોઈ ઝાડ ઉપર તો કોઈ જમીન રહી જીવન જીવે છે.
આ ઉપરાંત બધા જીવ ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત માનસિક પરિસ્થિતિનું પણ અનુકુલન બનાવી લે છે. રંગ, ગંધ, સ્વાદ, સ્પર્શ જેવા અનુભવો કરે છે. જીવ જીવવા માટૅ પોતાની સમજ/શક્તિ અનુસાર એક આગવી સિસ્ટમ ઉભી કરે છે. તમામ રીતે શ્રેષ્ઠ જીવ દુનિયાનો રાજા બનીને જીવે છે.

જો દુનિયા આગળ તરફ વધવાની હોય, નવી શક્તિઓ, નવા સંભવિત જીવોનું નિર્માણ ઈશ્વરના વિચારમાં હોય તો માનવજીવન પણ ડિસ્પોઝ થશે? ભગવાનની આ સુંદર રચનાઓ ફરી નવનિર્માણ પામશે? શું એ સતયુગ કહેવાશે? શું નવનિર્માણમાં ફરી પોતાનોજ વિનાશ નોતરતો, પૃથ્વી બગાડતો, બીજા જીવોના જીવનચક્ર તોડતો માણસ ઉત્પન્ન કરાશે?

No comments:

Post a Comment