ઘર


ફરીથી જુનું ઘર યાદ આવ્યું. કુલ ત્રણ ઘર બદલ્યા બાદ પોતાના ઘરમાં રહેવા ગયા. જ્યાં આખું બચપણ જ્યાં વિતાવ્યું એ પહેલું ઘર ખુબ જ યાદ આવે છે. કોઈ નિબંધ નથી લખવો પણ એ ઘરજ છંદ જેવું હતું. બસ શબ્દો અને લાગણીઓ ગોઠવો અને કાવ્ય તૈયાર.  બાકીના બે ઘરો પણ રેલ્વે કોલોનીમાં જ હતા. પહેલા ઘરની જેમ એક્દમ અદ્દલોઅદ્દલ. બસ દિશાઓ અલગ હોવાથી હવા-ઉજાસનો જ ફરક હતો. આ પોતાનું ઘર તો ટાઉનશીપમાં છે, સાવ અલગ. બારી-બારણાં, ટાઈલ્સ, છત બધુંજ અલગ. હા, ટીવી, કોમ્પ્યુટર, બાઈક વગેરે આ ઘરમાં આવ્યા પછી મળી, પણ પહેલું ઘર દિલ-દિમાગમાંથી નીકળતું નથી. કયાં ક્યાં કઈ દિવાલો ઉપર ખીલીઓ લાગી હતી, કઈ દિવાલના પ્લાસ્ટરમાં નાનકડા ગાબડાં પડ્યા હતા, બારીના કુલ દસ અને ઉપરના વેન્ટીલેશનના કુલ ત્રણ સળિયા, નીચે ઉતરવાના વીસ દાદરા...બધું યાદ છે. તહેવારો, પપ્પાની રાહ જોવા માટે વપરાતી બારી, બપોર વીતાવવા માટે ની લૉબી, ગીતો ગાવા માટે દાદરામાં પડઘાતો અવાજ અને લિફ્ટ તરીકે કામ કરતી દાદરાની લીસ્સી પાળ! કાયમ અંદરના રૂમમાં સામ સામા દરવાજા વચ્ચે વહેતી રહેતી હવા, ક્યારેક મુખ્ય બારણાની તિરાડમાંથી ટપકી પડતી ટપાલ! સરકારી મોટ્ટા પંખાની નીચે જોવાતું મારૂં શ્વેત-શ્યામ દૂરદર્શન. માટીનાં કુંડામાં ઉગાડાતા મારાં ખેતરો, ડબ્બો ભરીને નવાં-જુના રમકડાં, મોટા ગોખલામાં હંમેશા પડી રહેતી નવી-જુની દસ-પંદર કિલો ચંપક વત્તા ચાંદામામા વત્તા ચંદન વત્તા જનકલ્યાણ. આ જ ખાનાની ઉપરના ખાનામાં આખુ વરસ પડી રહેતી દવાની શીશીઓ. આજુબાજુના ચાર ઘરોની કુલ મળીને બીજા માળ ઉપર પસાસ બાય વીસની અગાશી! જાણે કે આભ! ડાબી બારીએ પીપળો, આગળ લોબીમાં વડ, પાછળ આંબો. લીમડાની તો કોઈ ખોટજ નહિ. આટલો અસબાબ કોઈ પાસે હશે ખરો? આટલી શાનથી કોઈ રહ્યું હશે ખરું?

બસ પ્રોબ્લેમ એક જ છે કે જ્યારે પણ હું પોતાને સપનામાં જોઉં છું...એ ઘર છોડ્યાને સોળ વર્ષ પછી પણ પોતાને એ જ ઘરમાં જોઉં છું. ઘણી વખત એવું લાગે છે કે હું વર્ષોથી ઘરે ગયો નથી.

No comments:

Post a Comment